Get The App

ગાંધીજીનો બુક રિવ્યુ અને મુંજના શબનો રોટલો

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીજીનો બુક રિવ્યુ અને મુંજના શબનો રોટલો 1 - image

- વાત-વિચાર-શિશિર રામાવત

- 'હું'પૃથિવીવલ્લભ' બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો?'

- ગાંધીજી અને ક. મા. મુનશી 

'પુસ્તકો વાંચવાનો કે ફિલ્મો-નાટકો જોવાનો મારી પાસે સમય જ નથી. કામમાંથી ફૂરસદ મળે તોને?'

આવું બોલતા પહેલાં કે ઇવન વિચારતા પહેલાં અટકી જજો. દેશને આઝાદી અપાવવા જેવું વિરાટ કામ કરવાનું હોવા છતાં ગાંધીજી જો વચ્ચે વચ્ચે નવલકથાઓ વાંચવાનો, એટલું જ નહીં, એનો રિવ્યુ કરવાનો સમય કાઢી લેતા હોય તો આપણે કઈ વાડીના મૂળા? ૧૯૩૫માં બ્રિટનની પાર્લામેન્ટમાં ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ પાસ થયો ને તે ભારતમાં લાગુ પણ પડયો. ભારતને આઝાદી તરફ દોરી જતું અંગ્રેજોનું આ પહેલું કાયદેસરનું પગલું. આ અરસામાં ગાંધીજીએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની વિખ્યાત 'પૃથિવીવલ્લભ'નવલકથા વાંચી. એને નવલકથાને બદલે ખરેખર તો લઘુનવલ કહેવી જોઈએ. માંડ ૧૭૦ પાનાંની, એક જ બેઠકમાં વાંચી શકાય એવી રસાળ અને ઘટનાપ્રચુર એવી આ ઐતિહાસિક કથા છે. માલવપતિ મુંજ તેના નાયક છે. 'પૃથિવીવલ્લભ' પરથી હિન્દી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં ફિલ્મો પણ બની છે.  

'પૃથિવીવલ્લભ' વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને એક પત્ર લખ્યો. તેમાં નવલકથાની વિગતવાર સમીક્ષા કરી. પોતાને શા માટે આ નવલકથા ખાસ ન ગમી તેનાં કારણો પણ લખ્યાં. મુનશીએ સામો પત્ર લખીને ખુલાસા કર્યા. વાંચીને મજા પડી જાય એવો આ પત્રવ્યવહાર છે. ગાંધીજી 'પૃથિવીવલ્લભ'નું શોર્ટ ફોર્મ 'પ્ર. વ.' એ રીતે કરે છે. સેગાંવ, વર્ધા (મહારાષ્ટ્ર)થી ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૬ના રોજ ગાંધીજી લખે છે:

ભાઈ મુનશી,

કાકાસાહેબ તમારા પરિચયમાં ખૂબ આવી રહ્યા છે, તેથી તમારાં લખાણો વાંચવાની તક મેળવી લે છે. તેમણે 'પૃથિવીવલ્લભ'વાંચ્યું ને મને વાંચી જઈ તેની ઉપર અભિપ્રાય આપવાનો આગ્રહ કર્યો. ચાર દિવસ પહેલાં વાંચી નાખ્યું ને હવે મારો અભિપ્રાય તમને જ મોકલું છું. કાકાસાહેબ આ વાંચશે, તમે તો મને તમારાં કેટલાંક પુસ્તક જેલમાં જ મોકલ્યાં હતાં ત્યાં તો તેમાંનું કંઈ વાંચવા ન પામ્યો. તમે તે વખતે જ મારો અભિપ્રાય માગ્યો હતો. 'પ્ર. વ.' બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય તેવાં તમે ચીતર્યાં છે એમ કહું તો એ બરોબર બંધ નહીં બેસે. આ પંચરંગી દુનિયામાં કોઈક તો સારા હશે, દંભ વિનાના હશે, કોઈક તો વફાદાર હશે. મૃણાલના તમે ચૂરા કર્યા, વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી ી પણ પુરુષની મોહક વાતમાં ને તેના ચાળામાં પોતાના હાથ હેઠે નાખી દે? માણસ વાંચે શાને સારું? કેવળ મોજ માણવા ને તે પણ કેવી? કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ન પડી. તેઓની પાસેથી કંઈક શીખ્યો. તમારી પાસેથી કેમ નહીં? તમે પોતે તો મને રૂપાળા લાગો છો. તમારી તરફ હું આકર્ષાયો છું. તમ બંનેની પાસેથી ઘણું મેળવવાની આશાઓ બાંધી રહ્યો છું. તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે (પૃ. વ. ગણાય છે ના?) તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? આ મારી ગૂંચ કાકા થોડી જ ઉકેલી શકે? એ તો તમે જ ઉકેલી શકો. આનો જવાબ તુરંત આપવાપણું હોય જ નહીં.

હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કંઈક આમ છે: 'મુંજનું શબ હાથીના પગ તળે છૂંદાઈ રોટલો બની પડયું.' રોટલો શબ્દ તો સારો લાગ્યો પણ શરીરનો રોટલો બની જ ન શકે એ વિચાર્યું છે? 'છૂંદો થઈ રહ્યું' ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.

બાપુના આશીર્વાદ 

* * * 

કનૈયાલાલ મુનશીએ નવ દિવસ પછી એટલે કે પ આક્ટોબર, ૧૯૩૬ના રોજ ગાંધીજીને જવાબ લખ્યો, મુંબઈથી. મુનશીએ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી તેનાં બે વર્ષ પહેલાંની આ વાત. એમણે શું લખ્યું કાગળમાં? વાંચો:

પૂજ્ય બાપુજીની સેવામાં,

 'પૃથિવીવલ્લભ' સંબંધી આપનો પત્ર વાંચી મને અજાયબી નથી થઈ. આ બાબતમાં આપનું દષ્ટિબિંદુ હું જાણું છું. અને ‘Gujarat and Its Literature'માં તે લખ્યું પણ છે.

પણ મારા સ્વભાવે સાહિત્યસર્જનનો જુદો માર્ગ બતાવ્યો છે. હું સાહિત્ય માટે ઉપયોગિતાનું ધોરણ સ્વીકારી શક્યો નથી.

આપે ‘Art for Art’s Sake'નો નમૂનો કાકાસાહેબ પાસે માંગ્યો હતો અને તેમણે 'પૃ. વ.' સૂચવ્યું હતું એમ કહેતા હતા.

આ વાર્તાનું વસ્તુ ગુજરાતમાં ૯મી કે ૧૦મી સદીમાં અપભ્રંશમાં લખાયેલા કાવ્યના અવશેષો અને ૧૫મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. ૧૯૧૪-૧૫માં યોગસૂત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન Superman અને જર્મન તત્ત્વજ્ઞાાની નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવો Blonde Beast ની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો, આમ ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્ત્વો જન્મ્યાં. આ ભેદ 'માનવતાના આર્ષદર્શનો'નામના આદિવચનમાં દર્શાવ્યો છે. (આ સાથે મોકલાવેલ 'ગુજરાત, એક સાંસ્કૃતિક વ્યક્તિ'માં આવે છે.)

કાલિદાસ અને શેક્સપિયર જેવું હું લખી શકું તો હું ગાંગો તેલી શા માટે રહું? રાજા ભોજ ન બનું?

બીજું, 'પૃથિવીવલ્લભ' ‘Literature of Inspiration’નો નમૂનો નથી, ‘Literature of Escape’નો છે, શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી, કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદ્ભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે. એ ચિત્રો ચિત્રકારની કલ્પનામાં પ્રચંડ સચોટતાથી તરી આવે છે એ જ એમનો જન્મી પડવાનો હક અને માતાની માફક ધારેલા એ બાળકને - પછી જેવું હોય તેવું - જન્મ દેવામાં જ લેખકનું સાફલ્ય.

જો એ રસદાયી નીવડે તો પછી શા સારુ એને બીજાં ધોરણો વડે ડામવું? રસદાયિત્વ એ ધોરણ શા માટે નહીં?

સેફોનાં ઉમગીત, જયદેવનું ગીતગોવિંદ, નરસિંહની રામસહપદી, શેલીનું Epipsychidion, આનાતોલ ફ્રાન્સનું Thais - આ બધાં આવા કોઈ જ નિયમને વશ થઈ, સર્જકની કલ્પનામાંથી બહાર પડયાં. એમાંથી શીખવાનું ન જડે, પણ યુગે યુગે માનવહૃદય એ વાંચવા ઝંખે છે.

આવા જ કુલનું એક નજીવું પુસ્તક 'પૃ. વ.' છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું - આચારે કૈંક સીધો છું. તો પણ મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ ને પાત્રો બની બહાર પડે છે, અને પછી તેમને લખી નાખું છું - કે લખી નાખવાં પડે છે. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે - શીખવવાના કે પ્રેરવાના હેતુઓ નહીં - પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી.

આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. સ્વભાવનિયતં કર્મ કુર્વંન્નાપ્નોતિ કિલ્વિષમ્ - એ ન્યાયે એ સ્વધર્મ પર સાહિત્ય સિદ્ધાંત રચ્યો છે: કલ્પના જે સરસ વસ્તુ સર્જે તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે.

મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે, તો તે જ પ્રમાણે કૈવલ્યપ'પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બંને રીતે દુખનો AB - -  પરમ આનંદ -  મળી શકે તો એ બે પ્રયોગ સરખા થઈ રહે - આ એક દષ્ટિબિંદુ!- 

પછી આ જ પત્રમાં બીજી થોડી વાતો લખીને મુનશી અંતે ઉમેરે છે:

'પૃથિવીવલ્લભ'મારી સારામાં સારી કૃતિ કેટલાક ગણે છે. ઘણા 'વેરની વસૂલાત' ગણે છે. એમાં 'કર્મયોગ'ની ભાવના પર કેટલાંક ીપુરુષો ચીતર્યાં છે. આપ હિંદુસ્થાન આવ્યા તે પહેલાં લખી હતી - એટલે કેટલાક રંગ પૂરવા રહી ગયા છે.

આ બધાં પુસ્તકો વાંચવા માટે નથી મોકલાવતો. કોઈક વાર વખત ને રુચિ હોય તો ડોકિયું કરજો. એમ તો નહીં જ લાગે કે હું 'પૃ. વ.'ને 'બ્રહ્મચર્યાશ્રમ'જ લખ્યા કરું છું.

હવે તો પરિષદમાં મળશું.

લિ.

ક. મા. મુનશીના પ્રણામ

મુનશીના આ પત્રમાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદરભાવ છલકાય છે. તેમણે ખૂબ વિવેકપૂર્વક લખ્યું છે અને છતાંય એક નવલકથાકાર તરીકે માનસિક સ્પષ્ટતા છે અને ખુદની સર્જનશક્તિ પર એમને જ ગર્વ છે તે ભરપૂર દઢતાથી વ્યક્ત કર્યા છે! ગાંધીજીને 'શરીરનો રોટલો થઈ ગયો'શબ્દપ્રયોગ સામે વાંધો પડયો હતો. તેના વિશે ખુલાસો કરવાનું મુનશી ચૂકતા નથી. આ જ પત્રમાં સાવ છેલ્લે તાજા કલમ કરીને તેઓ ઉમેરે છે:

'તા.ક. શરીરનો દબાઈને રોટલો કેમ ન થાય - ચપ્પટ બની જાય તો? એ ભરૂચી ઇડિયમ છે.'

ખરેખર, ભવ્ય પુરુષો હતા ગાંધીજી અને મુનશી. આ આખા પત્રવ્યવહાર પરથી આપણે એક જ વસ્તુ શીખવાની છે: મારી પાસે સમય નથી એવા બહાનાં ભુલેચુકેય નહીં કાઢવાનાં! બીજું, નિષ્ઠાવાન સર્જકે પોતાની વાત આત્મવિશ્વાસપૂર્વક અને મુદ્દાસર રજૂ કરવાની. મોટો માણસ ટીકા કરે એટલે એટલે તરત સ્વીકારી લઈને હાજી-હાજી નહીં કરવાનું, સામે ગાંધીજી હોય તો પણ નહીં!