- વાત-વિચાર-શિશિર રામાવત
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગર આપણે ક્યાં રહી ગયા હતા? માનવજાતનો વિનાશ સુધીનાં જોખમો ઊભાં કરી શકતાં ભમરાળા એઆઈની જરૂર જ ક્યાં હતી? માણસે સાયન્સ અને ટેકનોલોજીમાં ઓલરેડી જે વિકાસ કરી નાખ્યો છે તેના જોરે આપણે સુખ-શાંતિથી જીવતાં જ હતાને?
મૂળ મુદ્દા પર આવતાં પહેલાં હજુ બે દિવસ પહેલાંના સમાચાર પર ફરી એક વાર નજર ફેરવી લોઃ આવતાં ચાર વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ૧.૮ કરોડ ભારતીયોની નોકરી ભરખી જાય એવી સંભાવના છે. વિશ્વભરમાં ટેકનોલોજીના ક્ષેત્રની કંપનીઓ દ્વારા ધડાધડ થતા લે-ઓફના ન્યુઝ હવે રુટિન બની ગયા છે. ૨૦૨૩ના પ્રારંભથી માંડીને આજ સુધીમાં ટેક કંપનીઓએ અંદાજે ૬ લાખ ૨૩ હજાર લોકોને નોકરી પરથી કાઢી મૂક્યા છે. નોકરી ઝૂંટવી લેવા માટે 'રી-સ્ટ્રક્ચરિંગ' કે 'ઇન્ક્રીઝ્ડ એફિશિયન્સી' જેવા રૂપાળા શબ્દો આગળ ધરવામાં આવે છે એટલે માત્ર ને માત્ર એઆઈને કારણે કેટલી નોકરીઓ ગઈ તેનો ચોક્કસ આંકડો જાણી શકાતો નથી, પણ તોય અંદાજ એવો છે કે છેલ્લાં ૩ વર્ષમાં દોઢથી અઢી લાખ નોકરીઓ એઆઈ નામનો ખલનાયક ખાઈ ગયો છે.
વિશેષજ્ઞાો અને વિચારકો સતત આપણને ચેતવતા આવ્યા છે કે જો આર્ટિફિશિયલ સુપરઇન્ટેલિજન્સ (એએસઆઈ) મનુષ્યની બૌદ્ધિક ક્ષમતાઓને પાર કરી જશે તો તેના પર પછી માણસનો કોઈ અંકૂશ નહીં રહે. એઆઈ પોતાની ક્ષમતાને ધારદાર કરવા માટે ખુદને એટલી ત્વરાથી રી-ડિઝાઇન કરતું જશે કે માણસને તે સમજાશે જ નહીં. સૌથી મોટો ખતરો શું છે તે પણ આપણે જાણીએ છીએ. શક્તિશાળી આતંકવાદી સંગઠનો અને દુષ્ટ રાષ્ટ્રો એઆઈનો ઉપયોગ કરીને કલ્પી ન શકાય એવો ભયાનક વિનાશ વેરી શકે છે અને લાખો-કરોડો મનુષ્યો તેમજ પશુપંખીઓનો ખાત્મો બોલાવી શકે છે.
આ તમામ સંભાવનાઓ, આ બધી જ વાતો જગજાહેર છે. દુનિયાભરની સરકારો, કે જેના હાથમાં સત્તા અને શક્તિ બન્ને છે, તે આ સઘળું જાણે જ છે. સવાલ એ છે કે આટલી પ્રચંડ નકારાત્મક તાકાત ધરાવતા એઆઈને રેગ્યુલેટ કરવા, તેને અંકુશમાં આણવા સરકારો કશું કરતી કેમ નથી? અત્યારે તો એવું ચિત્ર ઊભું થાય છે કે ઓપનએઆઈ (સેમ ઓલ્ટમેન), એન્થ્રોપિક (ડેરિયો એમોડાઇ), ગૂગલ ડીપમાઇન્ડ (ડેમિસ હેસાબીસ), એક્સએઆઈ (ઇલોન મસ્ક), માઇક્રોસોફ્ટ (સત્યા નડેલા), મેટા (માર્ક ઝકરબર્ગ) અને એનવિડીયા (જેન્સન હુઆંગ) જેવી મુઠ્ઠીભર કંપનીઓ અને તેમના ડિસીઝન મેકર્સ વડાઓ (એમનાં નામ કૌંસમાં લખ્યાં છે) ઊંધું ઘાલીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તેની ઇકોસિસ્ટમને ડેવલપ કરતા જાય છે અને આપણે સૌ મોઢું વકાસીને એમને તાકી રહ્યા છીએ. જાણે કે સમગ્ર માણસજાતનું ભવિષ્ય 'મેગ્નિફિસન્ટ સેવન' તરીકે ઓળખાતા આ સાત માણસોએ પોતાની મુઠ્ઠીમાં કબ્જે કરી લીધું છે.
ફરી એ જ સવાલઃ જ્યારે કરોડો લોકોના જીવન દાવ પર લાગેલા હોય, જ્યારે મામલો માણસો સિવાયની જીવસૃષ્ટિનો પણ હોય ત્યારે એઆઈ નામનો ખતરનાક ઘોડો તબેલાનાં તાળાં તોડીને નાસી જાય તે પહેલાં સરકારો તેના પર સખ્તાઈથી લગામ કેમ કસતી નથી? ઊલટાનું, અમેરિકા આક્રમક રીતે મિલિટરી ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ વગેરેમાં એઆઈનો ઉપયોગ કરી રહ્યું છે. ચીન એઆઈને એક સ્ટ્રેટેજિક નેશનલ પ્રાયોરિટી તરીકે જોઈ રહ્યું છે. યુરોપ આ મામલામાં પ્રમાણમાં ગણી ગણીને પગલાં ભરી રહ્યું છે. સાવ એવું નથી કે એઆઈની કૂચકદમ પર સરકારોનું નિયંત્રણ શૂન્ય છે, પણ હકીકત એ છે કે એઆઈને જે ચોક્સાઈથી રેગ્યુલેટ કરવું જોઈએ એવું સરકારો દ્વારા થઈ રહ્યું નથી.
ભારાડી એઆઈ સિસ્ટમ્સ સામે માણસજાત લાચાર થઈ જવાની હોય ત્યારે ભોળા મનમાં આવા સવાલ જરૂર ઊભા થાયઃ
એઆઈ વગર આપણે ક્યાં રહી ગયા હતા? આવા ભમરાળા એઆઈની જરૂર જ ક્યાં હતી? માણસજાતે સાયન્સ અને ટેકનોલોજીમાં ઓલરેડી જે ગજબનાક વિકાસ કરી નાખ્યો છે તે શું ઓછો હતો? તેના જોરે આપણે સુખ-શાંતિથી જીવતાં જ હતા ને? તો પછી આ એઆઈ નામનું નવું સળગતું લાકડું હાથમાં લેવાની જરૂર જ ક્યાં હતી? પેલા મુઠ્ઠીભર ટેક તીરમારખાંઓને અને એમનાં સાહસ કે દુઃસાહસમાં પૈસા રોકનારા વન્ચર કેપિટલિસ્ટોને આપણા જીવતર સાથે ચેડાં કરવાનો હક કોણે આપી દીધો?
આ સવાલનો સીધો જવાબ છે - માર્કેટે. જ્યાં ટેકનોલોજી અવિરત તાંડવ કરે છે એવી અમેરિકાની સિલિકોન વેલીમાં એક જ સિદ્ધાંત કામ કરે છે - ઝપાટાબંધ આગળ વધો અને જૂની સિસ્ટમના ભાંગીને ભૂક્કો કરતા જાઓ! જોકે આ કંઈ નવું નથી. લોકશાહી ધરાવતા મૂડીવાદી દેશોમાં નવી ટેકનોલોજીનો તૈયાર કરતી વખતે આગોતરી ચકાસણી કરવાની પ્રથા જ નથી. જો તમારી પાસે મૂડી હોય અને કમ્પ્યુટેશનલ પાવર હોય તો તમને નવી ટેકનોલોજી વિકસાવવાનો 'અધિકાર' આપોઆપ મળી જાય છે. આ એકવીસમી સદીનું માર્કેટ-ડ્રિવન સત્ય છે! ઓપનએઆઈ, એન્થ્રોપિક, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી કંપનીઓનું બજેટ અને ટેકનોલોજીકલ માળખું કોઈ નાના દેશની બરાબરી કરે તેવાં હોય છે. આ કંપનીના વડાઓ કંઈ જનતાએ થોડા ચૂંટેલા છે? છતાંય તેઓ બિન્ધાસ્ત નક્કી કરી રહ્યા છે કે ભવિષ્યમાં માણસો કઈ રીતે જીવશે ને કેવી રીતે કામ કરશે!
એઆઈને આજની તારીખે એક અનિવાર્ય અનિષ્ટ તરીકે સૌએ મને-કમને સ્વીકારી લીધું છે. ખાસ કરીને અમેરિકા અને ચીન એઆઈને માત્ર એક પ્રોડક્ટ તરીકે નહીં, પણ રાષ્ટ્રીય સુરક્ષાના ભાગ તરીકે જુએ છે. નીતિ ઘડનારાઓમાં એવો ડર છે કે જો તેઓ પોતાના દેશની એઆઈ કંપનીઓ પર વધુ નિયમો લાદશે, તો કોઈ બીજો હરીફ દેશ ટેકનોલોજીમાં આગળ નીકળી જશે! ટેકનોલોજી પર મોનોપોલી ધરાવતા તીરમારખાંઓ પાસે સરકાર પર દબાણ લાવવાની મોટી તાકાત હોય છે. સરકાર જ્યાં સુધી આ ટેકનોલોજીને સમજીને તેને સંબંધિત કાયદો ઘડે, ત્યાં સુધીમાં તો ટેકનોલોજી દે-માર કરતી ક્યાંની ક્યાં આગળ નીકળી ગઈ હોય છે.
એઆઈ, અથવા કહો કે કોઈ પણ પાવરફુલ ટેકનોલોજી, એક એવી લોહિયાળ તલવાર છે, જે વાંદરાના હાથમાં જવી ન જોઈએ! દુર્ભાગ્યે એવું જ થઈ રહ્યું છે. માણસ હકીકતમાં તો જંગલમાંથી તાજું તાજું બહાર નીકળેલું જાનવર જ છે. એનામાં કંઈ આધ્યાત્મિક ઊંચાઈ આવી નથી. ભીતરથી એની વૃત્તિઓ હજુય પાષાણયુગના પ્રાણી જેવી જ છે, પણ એ જાણે ભગવાન બની ગયો હોય તેવો ફાંકો રાખીને એક પછી એક શક્તિશાળી ટેકનોલોજી બનાવતો જ જાય છે. જાનવર જેવી વૃત્તિ અને સર્જનહાર જેવો ઘમંડ - અતિ ખરાબ કોમ્બિનેશન છે આ! એઆઈનો હેતુ તો માત્ર કાર્યક્ષમતા અને ઝડપ વધારવાનો છે. મનુષ્ય તરીકેની ગરિમા, સંસ્કૃતિ, કળા ઇત્યાદિ કંઈ ગણતરીપૂર્વકના જડ નિયમો કે આલ્ગોરિધમમાં બંધાઈ ન શકે.
અગાઉ કહ્યું તેમ, એઆઈ વગર પણ માનવજાત સારી રીતે જીવતી જ હતી, પણ સિલિકોન વેલી (એટલે કે ટોચની ટેકનોલોજી કંપનીઓ) એવી મહામાયા છે, જે પહેલાં એક સોલ્યુશન બનાવે છે, અને પછી આક્રમક રીતે એવી સમસ્યાઓ ઊભી કરે છે જેનો ઉકેલ તે પોતે જ લાવી શકે!
મૅરી શેલી નામનાં નવલકથાકાર છેક ૧૮૧૮માં 'ફ્રેન્કન્સ્ટાઇન' નામની અમર નવલકથા લખી હતી. તેના પરથી કંઈકેટલીય ફિલ્મો વગેરે બની ચૂક્યાં છે. આ કંઈ માત્ર એક રાક્ષસની કથા નથી, આ નવલકથાનો કેન્દ્રીય મુદ્દો સર્જકનો અહંકાર છે. એક એવો સર્જક, જેણે પોતાની રચના પરથી કાબૂ ગુમાવી દીધો છે ને પછી એ તેને છોડી મૂકે છે. એઆઈ પણ માણસે ઘડેલો ફ્રેન્કસ્ટાઇન યા તો ભસ્માસૂર જ છે. આજે આપણે જેમને એઆઈનાં મોટાં માથાંઓ કહીએ છીએ (સેમ ઓલ્ટમેન, ઇલોન મસ્ક વગેરે) એમણે ૨૦૨૩ના મે મહિનામાં 'એક્સટિંક્શન સ્ટેટમેન્ટ' (માનવજાત નાશ પામવાનાં જોખમો) નામનું નિવેદન બહાર પાડયું હતું ને નીચે મોટા ઉપાડે સહીઓ કરી હતી. તેમાં એમણે અરજ કરી હતી કે એઆઈ સિસ્ટમ્સને ટ્રેનિંગ આપવાની પ્રક્રિયા પર તાત્કાલિક બ્રેક મારી દો, નહીં તો અનર્થ થઈ શકે છે. વક્રતા જુઓ. આજે આ જ મોટાં માથાં આ જ ટેકનોલોજી વિકસાવવા માટે અબજો રૂપિયાનું ફંડ ભેગું કરી રહ્યા છે!
આપણને ખબર પણ નથી ને આપણે ગણ્યાગાંઠયા ટેક અબજોપતિઓની માલિકીના પ્લેટફોર્મ્સના ગુલામ કે મજૂર બની રહ્યા છીએ. આપણી અનુમતી તો શું, આપણી મરજી સુધ્ધાં જાણ્યા વિના આંગળીના વેઢે ગણાય એટલા આ લોકો એવા નિર્ણયો લઈ રહ્યા છે જે આખી માનવજાતના ભવિષ્યની દિશા બદલી નાખશે!
તો? હવે? આ પરિસ્થિતિમાં આપણે કરવાનું શું? ચાલો, ચેટજીપીટીને પૂછી લઈએ!'


