- વાત-વિચાર-શિશિર રામાવત
- આ દુનિયા પરમ તત્ત્વ કે પ્રકૃતિ નહીં, પણ અતિ આધુનિક કમ્પ્યુટર સિસ્ટમ ચલાવતી હોય તેવું બને? માણસ સહિતની સમગ્ર જીવસૃષ્ટિ, આપણને જે કંઈ દેખાય છે-સમજાય છે તે સઘળું કોઈકના 'રિમોટ કંટ્રોલ'થી ચાલતું હોય તે શક્ય છે?
આમ જોવા જાઓ તો વાત સેંકડો-હજારો વર્ષ પુરાણી છે, ને આમ જોવા જાઓ તો નવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ઉપાડો લીધો છે ત્યારથી આ વાત નવા રગંરૂપમાં, નવા દ્રષ્ટિકોણ સાથે સામે આવી છે. કઈ વાત? વિશ્વના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન ઇલોન મસ્કે થોડા સમય પહેલાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણે જેને રિયાલિટી (વાસ્તવિકતા) કહીએ છીએ તે કદાચ રિયાલિટી ન પણ હોય. શક્ય છે કે આપણી માનવજાત, આપણી આસપાસ દેખાતી જીવસૃષ્ટિ, આપણું આખું બ્રહ્માંડ એક એડવાન્સ્ડ સુપર કમ્પ્યુટર સિમ્યુલેશન માત્ર હોય. બીજા શબ્દોમાં કહીએ તો, આપણું અસ્તિત્ત્વ, આપણી હસ્તી અને આપણે જે કંઈ જોઈએ-અનુભવી-સમજીએ છીએ તેમાંનું કશું જ સાચું ન હોય, શક્ય છે કે આ સઘળું કમ્પ્યુટર પ્રોગ્રામનું પરિણામ માત્ર હોય!
સમજી લો કે આ વાત કહેનારા ઇલોન મસ્ક પહેલાં નથી. નિક બોસ્ટ્રોમ નામના આધુનિક ફિલોસોફરે ૨૦૦૩માં 'આર યુ લિવિંગ ઇન અ કમ્પ્યુટર સિમ્યુલેશન?' શીર્ષક ધરાવતા પેપરમાં સિમ્યુલેશન થિયરી રજૂ કરી હતી. સિમ્યુલેશન થિયરી કહે છે કે જેને આપણે આપણી વાસ્તવિકતા અને આપણી આસપાસ ફેલાયેલી પ્રકૃતિ કહીએ છીએ (જંગલો, પહાડો, નદી-સમુદ્રો વગેરે), આપણે જે અનુભવીએ છીએ (સુખ-દુખ-ઉત્સાહ-ડિપ્રેશન જેવી લાગણીઓ અને ઇવન ગુરુત્વાકર્ષણ બળ જેવા ભૌતિકશાના નિયમો), આપણે જેને માનવીય ચેતના કહીએ છીએ તે સુધ્ધાં અસલી ન હોય તે શક્ય છે. આ સઘળું એક અત્યંત વિરાટ, અતિ એડવાન્સ્ડ કમ્યુટર જનરેટેડ પ્રોગ્રામ હોઈ શકે છે, જેની રચના આપણા કરતાં ક્યાંય વધારે બુદ્ધિશાળી પ્રજાતિએ કરી હોઈ શકે.
આગળ વધતાં પહેલાં સિમ્યુલેટર શબ્દ વધારે સ્પષ્ટતાથી સમજી લેવો જોઈએ. પાઇલટની ટ્રેનિંગનું ઉદાહરણ લો. આ તાલીમ દરમિયાન ફ્લાઇટ સિમ્યુલેટરનો ઉપયોય કરવામાં આવે છે. અસલી કોકપિટ જેવા દેખાતા સિમ્યુલેટરમાં ટ્રેઇની પાઇલટ બેસે એટલે પ્લેન સામે આકાશ કેવું દેખાય, નીચે ધરતી-દરિયો-વસ્તી-એરપોર્ટ વગેરે કેવાં દેખાય, હવાઇ યાત્રા દરમિયાન કેવી કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે, જે-તે પરિસ્થિતિમાંથી કઈ રીતે માર્ગ કાઢવો, કયા કમાન્ડ આપવા વગેરે જેવી કંઈકેટલીય બાબતોની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે.
તમે કમ્પ્યુટર ગેમ કે વીડિયો ગેમ રમ્યા હશો. તેમાં જુદા જુદા માણસો હોય, જે પડે-આખડે, મારામારી કરે, ફાયરિંગ કરે, ફાસ્ટ કાર ચલાવે, વગેરે. ટેકનોલોજીના વિકાસની સાથે હવે એવી વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ્સ આવી ગઈ છે કે બિલ્ટ-ઇન હેડફોન ધરાવતો ખાસ પ્રકારનો હેડસેટ પહેરી લો એટલે તમે ખુદ યુદ્ધના મેદાનમાં કે જંગલમાં કે પહાડ પર હાજરાહજૂર હો એવું તમને ફીલ થાય. સિમ્યુલેશન થિયરી કહે છે કે એક મિનિટ. તમે અત્યારે જે છો અને જે કરી રહ્યા છો, તમારી આસપાસ જે માણસો, મકાનો, ચીજવસ્તુઓ છે તે બધું જ એક 'ગેમ'નો જ ભાગ હોય તેવું કેમ ન બને?
માણસ સદીઓથી કહેતો આવ્યો છે કે આ દુનિયા ચલાવવાવાળો તો ઉપર બેઠો છે, આપણે એની કઠપૂતળી છીએ, એ આપણા સૌનો દોરીસંચાર કરે છે, વગેરે. આ ઉપરવાળાને કોઈ ભગવાન કહે છે તો કોઈ પરમ સત્તા કહે છે, તો કોઈ તેને 'હાયર પાવર' કે અકળ ઉચ્ચતમ શક્તિ તરીકે ઓળખે છે. આપણે માનીએ છીએ કે એવું કશુંક અકળ તત્ત્વ છે, જે જીવસૃષ્ટિનું અને સૂર્ય-ચંદ્ર-તારા સહિતના સમગ્ર બ્રહ્માંડનું નિયમન કરે છે. ે આ પરમ શક્તિ આપણા કરતાં ક્યાંય વધારે બુદ્ધિશાળી પ્રજાતિ નહીં જ હોય તેની શી ગેરંટી? આપણને તરત સંતો-ષિઓએ કહેલી 'જગત મિથ્યા છે', 'આ જગત કેવળ લીલા છે' જેવી વાતો યાદ આવે. ઉચ્ચતમ હિંદુ દર્શન અત્યંત અર્થગંભીર બનીને 'આપણે છીએ જ નહીં' એવી વાત કરે છે તેનું પણ સ્મરણ થાય. સિમ્યુલેશન થિયરીના સંદર્ભમાં આ બધી વાત કોઈક સ્તરે સાચી પડતી લાગે છે! જો આપણું બ્રહ્માંડ વિરાટ સિમ્યુલેટર હોય, આપણે પોતે પણ ચૈતન્યમય મનુષ્ય નહીં, પણ સુપર કમ્યુટર જનરેટેડ પાત્રો હોઈએ તો આ જગત આપોઆપ મિથ્યા જ બની જાય, ખરું?
સિમ્યુલેશન થિયરીને માત્ર તરંગ-તુક્કા કે સાયન્સ ફિક્શનનો વિષય માનવાની ભૂલ ન કરતા. મહાન ગ્રીક ફિલોસોફર પ્લેટોએ ૨૪૦૦ વર્ષ પહેલાં લખ્યું હતું કે આ ભૌતિક જગત અસલી વાસ્તવિકતા નથી. તે વધારે ઊંચા અને શાશ્વત એવાં એબ્સ્ટ્રેક્ટ સ્વરુપો અથવા આઇડિયાઝનો પડછાયો યા તો નકલ છે. કેટલાય ટોચના વૈજ્ઞાાનિકો અને ચિંતકો સિમ્યુલેશન થિયરીને ગંભીરતાથી લેતા આવ્યા છે. તેઓ કહે છે કે આજે આટફિશિયલ ઇન્ટેલિજન્સ જે ગતિથી વિકસી રહ્યું છે તેના પરથી તો સિમ્યુલેશન થિયરી સાચી પડે તેની સંભાવના ઉત્તરોત્તર વધતી જાય છે. ઇલોન મસ્ક કહે છે કે આપણે સિમ્યુલેટરમાં જીવી રહ્યા છીએ તે વાત સાચી હોવાના ચાન્સ એક અબજમાંથી એક કિસ્સા જેટલી છે!
બાવીસ વર્ષ પહેલાં સિમ્યુલેશન થિયરી રમતી મૂકનાર નિક બોસ્ટ્રોમે ત્રણ સંભાવનાઓ રજૂ કરીને કહ્યું હતું કે આ ત્રણમાંથી એક શક્યતાએ સાચા હોવું જ પડે. સંભાવના ૧: પોસ્ટ-હ્યુમન તબક્કો આવે તે પહેલાં માણસજાતિ મોટે ભાગે લુપ્ત થઈ જશે. આનો અર્થ એ કે આજની માણસજાત ક્યારેય અતિ એડવાન્સ્ડ નહીં બની શકે. માણસજાત સ્વયં વિરાટ, અત્યંત રિયલિસ્ટિક લાગતી દુનિયાઓ (સિમ્યુલેશન્સ) બનાવી શકે તે તબક્કો ક્યારેય નહીં આવે.
સંભાવના ૨: ધારો કે માણસજાત અતિ એડવાન્સ્ડ સ્ટેજ પર પહોંચી ગઈ તો પણ તે કોઈ પણ કારણસર આપણે જેને દુનિયા કહીએ છીએ તેનાં સિમ્યુલેશન્સ રન ન કરે, (એટલે કે, ટૂંકમાં, આપણી દુનિયાનાં જુદાં જુદાં વર્ઝન નહીં બનાવે.)
સંભાવના ૩: માનો કે ભવિષ્યમાં માનવજાત દુનિયાના એકાધિક નમૂના (સિમ્યુલેશન્સ) બનાવે છે. આવી સ્થિતિમાં સિમ્યુલેટેડ દુનિયાઓની સંખ્યા, અસલી દુનિયાની સંખ્યા કરતાં ઘણી વધારે હોવાની. આના પરથી એવી શક્યતા પેદા થાય છે કે આપણે હાલ અસલીને બદલે આવી એકાદી કૃત્રિમ રીતે બનાવેલી દુનિયાની અંદર છીએ! સિમ્યુલેશન થિયરીના તરફેણ કરનારાઓની દલીલો પણ જાણી લો. તેઓ કહે છે કે આ બ્રહ્માંડના ફિઝિકલ કોન્સ્ટન્ટ્સ (અચળાંકો) નવાઈ લાગે એટલા ચોક્કસ છે. ઉદાહરણ તરીકે, જો ગુરુત્વાકર્ષણ બળ સહેજ પણ ઓછું-વત્તું હોત તો તારાઓનું સર્જન ન થયું હોત અને પૃથ્વી પર જીવસૃષ્ટિની ઉત્પત્તિ જ ન થઈ હોત. આવા અચળાંકો કેવી રીતે નક્કી થયા? બીજી દલીલના ટેકામાં ઝપાટાભેર વિકસતી જતી કમ્પ્યુટર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આગળ કરવામાં આવે છે. જો કમ્પ્યુટિંગ પાવર આ જ ગતિથી વધતો જશે તો એ દિવસો બહુ દૂર નથી કે જ્યારે એઆઇ સિસ્ટમથી સજ્જ યંત્રમાનવ માણસ જેવી જ સંવેદનાઓ અનુભવવા લાગે. ભવિષ્યમાં એવું રિયલિસ્ટિક સિમ્યુલેટર પેદા થઈ શકે કે જેમાં અદ્લ માણસ જેવું જ સંવેદનતંત્ર ધરાવતા કૃત્રિમ માનવજીવોનાં આખેઆખાં નગરો, સમાજો વસતાં હોય. 'ટેકનોલોજિકલ સિંગ્યુલારિટી'ની સંકલ્પના આ જ દિશામાં આંગળી ચીંધે છે. ટેકનોલોજિકલ સિંગ્યુલારિટી એટલે એવો તબક્કો, જ્યાં માનવીય બુદ્ધિમત્તા કરતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગળ નીકળી ગયું હોય, અને તે એટલી તીવ્ર ગતિએ આગળ વધવા માંડયુ હોય કે તેના પર માણસનો કશો કાબૂ જ ન રહ્યો હોય.
અહીં ક્વોન્ટમ ફિઝિક્સ પણ યાદ કરવું જોઈએ. ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે કે પ્રકૃતિ દ્રશ્યમાન કે સ્થૂળ જગતમાં જે રીતે વર્તે છે તેના કરતાં સૂક્ષ્મ સ્તર પર સાવ જૂદું જ વર્તન કરતી હોય છે. પરમાણુ, ઇલેક્ટ્રોન અને પ્રકાશનું અમુક અજીબોગરીબ વર્તન જોઈને ભલભલા વૈજ્ઞાાનિકોનું માથું ચકરાઈ જાય છે કે આવું શી રીતે બને? ભૌતિકશાસ્ત્રના અમુક નિયમો સૂક્ષ્મ સ્તરે કેમ ખોટા પડે છે? શું આ પ્રશ્નોનો જવાબ એ હોઈ શકે કે ફિઝિક્સના પ્રચલિત નિયમો 'સિમ્યુલેટેડ' છે, અને તેથી જ આપણે સ્કૂલ-કોલેજમાં જે ભણ્યા છીએ તે ક્લાસિકલ ભૌતિકશાસ્ત્ર અને ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર ઘણી વાર એકબીજાથી વિરોધાભાસી લાગે છે? અમુક વૈજ્ઞાાનિકો તો ત્યાં સુધી કહે છે કે આપણે પ્રકૃતિમાં ક્યારેક ધરતીકંપ, સુનામી, જ્વાળામુખી વિસ્ફોટ વગેરેના સ્વરૂપમાં વિચિત્ર ઘટનાઓ જોઈએ છીએ. વાસ્તવમાં આ વિચિત્ર ઘટનાઓ બીજું કશું નહીં, પણ સિમ્યુલેશનમાં આવેલા 'ટેકનિકલ ગ્લિચ' હોય છે! સિમ્યુલેશન થિયરી કેટલાય ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પેદા કરે છે. જેમ કે, ધારો કે આપણે સિમ્યુલેશનમાં જીવતા હોઈએ તો શું તેમાંથી છટકીને 'બહારની દુનિયા'માં જઈ શકવુું શક્ય છે? શું આપણે આ સિમ્યુલેશન બનાવનારા 'મહામાનવો' કે પરગ્રહવાસીઓ સાથે કમ્યુનિકેટ કરી શકીએ ખરા? આ સવાલોના જવાબ મળે ત્યારે સાચા. ત્યાં સુધી આ જ વિષય પર બનેલી હોલિવુડની સુપરડુપર હિટ 'ધી મેટ્રિક્સ' સિરીઝ, જિમ કૅરીની અફલાતૂન 'ધ ટ્રુમેન શો' અને એવી બધી ફિલ્મો જોઈને મજા કરવાની!


