Get The App

જ્યારે લક્ષ્મીદેવી અને મા સરસ્વતી એકસાથે સ્મિત કરે છે..

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
જ્યારે લક્ષ્મીદેવી  અને મા સરસ્વતી એકસાથે સ્મિત કરે છે.. 1 - image

- વાત-વિચાર-શિશિર રામાવત

- સ્ટિફન કિંગ: ભયરસના બેતાજ બાદશાહ

- અમેરિકાના સૌથી સફળ લેખક ગણાતા સ્ટિફન કિંગ આજની તારીખે ૫૦૦ મિલિયન ડોલર એટલે કે 4,739 કરોડ રૂપિયા કરતાંય વધારે સંપત્તિ ધરાવે છે. એમનાં પુસ્તકો પરથી 105 કરતાં વધારે વધારે ફિલ્મો અને ૩૫થી ૪૦ સિરીયલો બની ચૂકી છે. સ્ટિફન કિંગના લખાણમાં એવું તે વળી શું છે? 

કોઈ નવું પુસ્તક બહાર પડવાનું હોય અને તે માર્કેટમાં મૂકાવાની તારીખ ઇન્ટરનેશનલ ન્યુઝ બની જાય તો એના કરતાં વધારે મોટું સુખ કોઈ પણ લેખક માટે બીજું કયું હોવાનું? અમેરિકાના સૌથી સફળ લેખકનું બિરુદ જેમને મળ્યું છે તેવા સ્ટિફન કિંગની જ વાત કરો. હજુ ગઈ કાલે જ સમાચાર આવ્યા કે એમની અતિ મહત્ત્વાકાંક્ષી અને વિરાટ નવલકથા 'અધર વર્લ્ડ્ઝ ધેન ધીઝ' આ વર્ષની છઠ્ઠી ઓક્ટોબરે રિલીઝ થશે. આ વાંચીને એમના વાચકો તો ઠીક, ફિલ્મમેકરો અને વેબ શોઝ બનાવનારાઓ પર થનગની ઉઠયા છે. એનું કારણ છે. સ્ટિફન કિંગની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ પરથી ૧૦૫, હા, એકસો પાંચ કરતાંય વધારે ફિલ્મો અને ૩૪થી ૪૦ ટીવી કે વેબ સિરીઝ બની ચૂકી છે. ૧૫થી ૨૦ નાટકો ને મ્યુઝિકલ્સ તો અલગ. દુનિયાના કોઈ લેખકની આટલી બધી કૃતિઓ રૂપાંતરિત થઈને બિગ સ્ક્રીન કે સ્મોલ સ્ક્રીન આવી નથી. 

૭૮ વર્ષના સ્ટિફન કિંગ ભયરસના બેતાજ બાદશાહ છે. એમની નવલકથાઓમાં પાત્રો અને પરિસ્થિતિઓ એટલાં ભયાનક હોય છે કે વાંચતી વખતે વાચકોના રુંવાડાં ખડાં થઈ જાય. સ્ટિફન કિંગની કહાણીઓને સાઇકોલોજિકલ થ્રિલર પણ કહી શકાય. ફેન્ટસીનાં તત્ત્વો પણ તેમાં ભરપૂર હોય છે. સ્ટિફન કિંગની તેમની નવલકથાઓનો હીરો મોટે ભાગે લેખક હોય છે. 

એમની કેટલીય કથાઓનું લોકાલ મૈન નામનું અમેરિકન રાજ્ય હોય છે. તે એટલા માટે કે તેઓ દાયકાઓથી, લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી એની પહેલાંથી, સપરિવાર મૈન સ્ટેટમાં રહે છે. મહાનગરોમાં વસતા લોકોને બદલે નાની જગ્યા કે કમ્યુનિટીમાં વસતાં કિરદાર એમને વિશેષ પસંદ છે. આ પાત્રો કાં તો ખુદ સુપરનેચરલ પાવર ધરાવતાં હોય યા તો એમની આસપાસ રહસ્યમય અને ભયાનક ઘટનાઓ બનતી હોય. 

સ્ટિફન કિંગ સાથે સંકળાયેલાં આકંડા ખરેખર અભિભૂત કરી દે તેવા છે. એમનાં પુસ્તકો દુનિયાભરની ૫૪ ભાષામાં અનુદિત થઈ ચૂક્યાં છે અને અત્યાર સુધીમાં તેની કુલ ૪૦ કરોડ નકલો વેચાઈ ચૂકી છે. બેસ્ટસેલર લિસ્ટમાં તેમનું નામ સૌથી ઊંચી પાયદાન પર ૩૬ વખત રહી ચૂક્યું છે. છતાંય સ્ટિફનને ધરવ થયો નથી. એમની નોવેલ નંબર વન બેસ્ટસેલર ન બને તો એમનો મૂડ ઓફ્ફ થઈ જાય છે!

એમની લેખનયાત્રાની શરૂઆત જોકે ઉબડખાબડ થઈ હતી. શરૂઆતમાં રિયાઝ ખાતર એમણે રિચર્ડ બેકમેનના ઉપનામથી ત્રણ નવલકથાઓ લખી હતી. વિદેશમાં કોઈ પણ પુસ્તક છપાય તે પહેલાં પ્રકાશક માટે કામ કરતા એડિટરના હાથ નીચેથી તે પસાર થતું હોય છે. સ્ટિફન કિંગે છદ્મનામે લખેલી સૌથી પહેલી નવલકથા 'ગેટિંગ ઈટ ઓન' ચાર વખત એડિટર પાસેથી 'હજુ લખાણ કાચું છે, ફરી એક વાર મઠારો' એવી સૂચના સાથે પાછી ફરી હતી. ચોથા ડ્રાફ્ટ પછી પણ નવલકથા ન સ્વીકારાઈ તે ન જ સ્વીકારાઈ. બીજી નવલકથા 'ધ લોંગ વોક'ના નસીબમાં પણ રિજેક્શન લખાયું હતું. 

૧૯૭૧માં ચોવીસ વર્ષની ઉંમરે સ્ટિફન કિંગે લગ્ન કર્યાં. આ લગ્ન તેમને જબરાં ફળ્યાં. શી રીતે? સાંભળો. લગ્ન પછી એમણે એક ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું હતું. કેરીટા વ્હાઈટ (ટૂંકમાં કૅરી) નામની ટીનેજ છોકરી વિશે તેમાં વાત હતી. થોડાં પાનાં લખ્યાં પછી સ્ટિફન કિંગને લાગ્યું કે આમાં કંઈ મજા નથી આવતી. એમણે ડૂચો વાળીને પાનાં કચરાપેટીમાં ફેંકી દીધાં. પત્ની ટબિથાને કોણ જાણે શું સૂઝયું કે એમણે ચોળાયેલાં પાનાં બહાર કાઢયાં ને ધ્યાનથી વાંચી ગઈ. એણે કહ્યું, 'વાર્તા શું કામ અધૂરી મૂકી દીધી? મને તો બહુ ઈન્ટરેસ્ટિંગ લાગી. તું પ્લીઝ આને પૂરી કર.' 

પત્ની તરફથી ધક્કો મળતાં સ્ટિફન વાર્તાને અંત સુધી લઈ ગયા. શરૂઆત કરી હતી ટૂંકી વાર્તા  તરીકે, પણ પૂરી થઈ ત્યાં સુધીમાં તેણે નવલકથાનું સ્વરૂપ લઈ લીધું હતું. એને ટાઈટલ આપવામાં આપ્યું, 'કૅરી'. આ નવલકથા આખરે પ્રકાશકે સ્વીકારી અને છાપી. 'કૅરી' ખૂબ વખણાઈ. થોડા જ મહિનાઓમાં પ્રકાશકે નવલકથાના અધિકાર ચાર લાખ ડોલર્સમાં વેચી કાઢયા. અડધો હિસ્સો સ્ટિફનને મળ્યો. તે વખતે તેઓ શિક્ષકની નોકરી કરીને વર્ષેદહાડે માંડ ૬૪૦૦ ડોલર્સ કમાતા હતા. સ્ટિફને પહેલું કામ નોકરી છોડવાનું કર્યું અને ફુલટાઈમ લેખક બનવાનો નિર્ણય લીધો.

'કૅરી' તો શરૂઆત હતી. સ્ટિફન કિંગ એકએકથી ચડિયાતી નવલિકાઓ અને નવલકથાઓ લખતા ગયા અને ફિલ્મ-ટીવીવાળાઓને એના રાઈટ્સ વેચીને ચિક્કાર ડોલર્સ કમાતા ગયા. અત્યાર સુધીમાં, અગાઉ નોંધ્યું તેમ, સ્ટિફન કિંગની કૃતિઓ પરથી ૧૦૫થી ૧૧૦  ફુલલેન્થ ફીચર ફિલ્મો બની ચૂકી છે. કોઈ જીવિત લેખકની આટલી બધી કૃતિઓ પરથી ફિલ્મો બની નથી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. સ્ટિફન કિંગે લખેલી નવલકથાઓ, લઘુનવલો તેમજ ટૂંકી વાર્તાઓ બધું જ ફિલ્મ-ટીવી-નાટકવાળાઓએ 'વાપરી' કાઢયું છે. 

સ્ટિફન કિંગની ફિલ્મોમાં સાવ સાધારણ ફિલ્મોથી માંડીને ઓસ્કર એવોર્ડ જીતી ચૂકેલી ફુલલેન્થ ફીચર ફિલ્મ સુધીની આખી રેન્જ છે. 'મિઝરી' નામની ફિલ્મ માટે કેથી બેટ્સને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો હતો. 'ધ શોશંક રિડમ્પ્શન'ને સાત ઓસ્કર નોમિનેશન્સ,  'ધ ગ્રીન માઇલ'ને ચાર તથા 'કૅરી' અને 'સ્ટેન્ડ બાય મી'ને એક-એક ઓસ્કર નોમિનેશન મળ્યાં હતાં. આ તમામ ફિલ્મો સ્ટિફન કિંગની નવલકથાઓ પર આધારિત  છે. કૅરી' નવલકથા પરથી તો ત્રણ-ત્રણ વખત ફિલ્મો બની છે. સૌથી પહેલી વાર બ્રાયન દ પાલ્માએ ૧૮૭૪માં આ જ ટાઈટલવાળી ફિલ્મ બનાવી હતી. ૨૦૦૨માં ટીવી-ફિલ્મ બની. ૨૦૧૩માં 'કૅરી'ની એક ઔર રિમેક બની. 

એમની એક અતિ લોકપ્રિય નવલકથા 'ધ શાઈનિંગ' પરથી માસ્ટર ફિલ્મમેકર સ્ટેન્લી કુબ્રિકે એ જ શીષર્ક ધરાવતી હોરર ફિલ્મ બનાવી હતી. જેક નિકલસન મેઈન હીરો હતા. પુસ્તક જેટલું ખોફનાક હતું, ફિલ્મ એટલી જ ભયપ્રેરક બની હતી, પણ લેખકસાહેબને ભારે અસંતોષ રહી ગયો હતો. એમની ફરિયાદ હતી કે સ્ટેન્લી કુબ્રિક પુસ્તકનો મૂળ સૂર જ સમજી શક્યા નથી. વળી, એમને જેક નિકલસનના કાસ્ટિંગ સામે પણ વાંધો હતો. સ્ટિફન કિંગે પછી ખુદ 'ધ શાઈનિંગ' પરથી ટીવી સિરીઝ પ્રોડયુસ કરી. વક્રતા જુઓ. ઓડિયન્સ અને વિવેચકો બન્નેને ટીવી વર્ઝન કરતાં સ્ટેન્લી કુબ્રિકનું ફિલ્મ વર્ઝન જ ચઢિયાતું લાગ્યું. કુબ્રિકની 'ધ શાઈનિંગ' સર્વશ્રે હોરર ફિલ્મોના લિસ્ટમાં આજેય સ્થાન પામે છે.

સ્ટિફન કિંગ કહે છે, 'લોકો મને ઘણી વાર કહેતાં હોય છે કે તમે સિરીયસ નવલકથાઓ લખવાનું ક્યારે શરૂ કરશો? આવું કોઈ પૂછે ત્યારે મને ખૂબ લાગી આવે છે. અરે ભાઈ, હું સિરિયસ નવલકથાકાર જ છું. આ તો એના જેવું થયું કે તમે કોઈ ગોરા માણસને પૂછો કે દોસ્ત, લોકો તને નીગ્રો કહે છે ત્યારે કેવું લાગે છે?' 

સ્ટિફન કિંગને સૌથી વધારે કીત અપાવનાર ફિલ્મ 'ધ શોશંક રિડમ્પશન' જે લઘુનવલ પરથી બની છે તે કંઈ હોરર સ્ટોરી નથી. બલકે એમાં માનવીય જુસ્સાના વિજયની વાત છે. મોર્ગન ફ્રીમેન અને ટિમ રોબિન્સને ચમકાવતી 'ધ શોશંક રિડમ્પશન'ને, આગળ નોંધ્યું તેમ,  સાત ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં હતાં. આ એક ક્લાસિક ફિલ્મ છે. હોલિવૂડની સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોની સૂચિઓમાં તે હંમેશાં સ્થાન પામે છે.

સ્ટિફન કિંગે જોકે હવે મારી કૃતિ ફિલ્મ સારી બની છે કે કેમ તે વિશે ઝાઝી ભળતરા કરતા નથી. તેઓ કહે છે, 'એક વાર હું મારી નવલકથાના રાઈટ્સ માટેનો કોન્ટ્રેક્ટ સાઈન કરી નાખું પછી એના પર ક્રિએટિવ કંટ્રોલ રાખવાના ધખારા નથી રાખતો. મને જે ચેક મળ્યો હોય તે બાઉન્સ ન થાય એટલે ભયો ભયો!'

સ્ટિફન કિંગ પાસે આજની તારીખે કેટલી સંપત્તિ હશે, જરા અંદાજ માંડો તો! જવાબ છે, લગભગ ૫૦૦ મિલિયન ડોલર  એટલે કે ૪,૭૩૯ કરોડ રૂપિયા કરતાંય વધારે. છતાંય દુનિયાના સૌથી ધનિક લેખકોના લિસ્ટમાં એમનું નામ ચોથા ક્રમે છે. પહેલાં ત્રણ ક્રમે છે હેરી પોટરવાળાં જે.કે. રૉલિંગ, પછી જેમ્સ પેટરસન અને ત્યાર બાદ ડેનિએલ સ્ટીલ.

આને કહેવાય સરસ્વતી અને લક્ષ્મી બન્નેના એક સાથે આશીર્વાદ મળવા!