Get The App

સ્પિરિચ્યુઅલ જન્કીઃ અધ્યાત્મની એક ડાળેથી સાધનાની બીજી ડાળ પર હૂપાહૂપ કરનારાઓ...

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
સ્પિરિચ્યુઅલ જન્કીઃ અધ્યાત્મની એક ડાળેથી સાધનાની બીજી ડાળ પર હૂપાહૂપ કરનારાઓ... 1 - image

- વાત-વિચાર-શિશિર રામાવત

- સ્પિરિચ્યુઅલ જન્કી રાતના બબ્બે વાગ્યા સુધી ઓશો રજનીશના લેકચર સાંભળશે, યુટયુબ પર આંખો ફાડી ફાડીને કુંડલિની જાગ્રત કેવી રીતે કરવી તે શીખવતા વીડિયો જોશે, પછી સવારે માંડ માંડ ઊઠશે ને સીધા પલાંઠી મારીને મેડિટેશન કરવા બેસી જશે...'તમને કોફી મેડિટેશન કરતાં તો આવડે છેને?' 

ટકો મૂંડો કરાવ્યા પછી દસેક દિવસના ઝીણા ઝીણા વાળવાળો અને જાડા કાચનાં ચશ્માં પહેરેલો અઠ્ઠાવીસ વર્ષનો સૂકલક્ડી જુવાન પોતાની અસ્તવ્યસ્ત દાઢી પર હાથ ફેરવતાં ફેરવતાં તમને પૂછી રહૃાો છે.  

'શું?' એનો વિચિત્ર પ્રશ્ન સાંભળીને તમે માથું ખંજવાળો છો, 'કોફી મેડિટેશન એટલે?'  

'લે! નથી ખબર તમને?' જાણે તમે દેશના વડાપ્રધાનનું નામ જાણતા ન હો એટલું બધું આર્શ્ચય યુવાનને થઈ જાય છે. પછી ઉત્સાહભેર કહેવા માંડે છે, 'જુઓ, સૌથી પહેલાં તો કોફીનો મગ લઈને બેસવાનું, બરાબર છે? એકાદ મિનિટ સુધી કોફીના મગ પર ત્રાટક કરવાનું. પછી હળવેથી મગ હાથમાં લેવાનો. બધું ધ્યાન માત્ર મગ પર. બીજું ક્શું જ નહીં વિચારવાનું. આંગળી પર કાચના મગનો સ્પર્શ ફીલ થયો? એના પર કેન્સન્ટ્રેટ કરો. પછી મગ મોં પાસે લાવી કોફી સૂંઘવાની. વિચારવાનું ક્શું નહીં. માત્ર સૂંઘવાની. પછી હળવેથી એક્ ઘૂંટડો પીવાનો. જીભ પર કોફીનો સ્વાદ આવશે તેના પર ફોકસ કરો. તમારી બોડીમાં ઝીણી ઝીણી ફિલીંગ થશે. એના પર ફોકસ કરો. પછી મગ નીચે મૂકો. ફરી ઉંચકો. ફરી ઘૂંટડો ભરો. કોફી ખતમ ન થાય ત્યાં સુધી આવું કરતા રહેવાનું...' 

'પણ આનાથી શું થાય?' તમે ચક્તિ થઈને પૂછો છો.  

'કેમ? તમારું સ્ટ્રેસ લેવલ ઘટશે. ઈટ્સ અ મેડિટેશન ટેકનિક! કરજો આ. બહુ ફરક પડશે તમને!' 

તમે ક્શું પૂછો તે પહેલાં એ નવો દારૂગોળો ફેડે છે, 'અચ્છા, હું તો ફાયર મેડિટેશન પણ કરું છું! આમાં અંધારામાં સળગતી મીણબત્તીને છ ફૂટ દૂરથી એકીટશે જોયા કરવાની. ક્રિસ્ટલ મેડિટેશન, જર્ની મેડિટેશન, ગાર્ડનમાં પેલી ભુલભુલામણી હોય છે તેમાં લટાર મારતાં મારતાં મેડિટેશન... આપણે આ બધું જ કર્યું છે. ગયા અઠવાડિયે હું ઓશોના આશ્રમમાં જઈ આવ્યો, પણ ત્યાં સાલું બધું બહુ મોંઘું છે. જૂનમાં ધરમશાલા જઈ રહૃાો છું, હિમાચલપ્રદેશમાં. ત્રીસ દિવસનો મેડિટેશન કોર્સ કરવો છે આ વખતે. કહે છે, શ્રી શ્રી રવિશંકરનો કોર્સ પણ સારો છે. એ પણ ટ્રાય કરવો છે આ વરસે.' 

તમે એને પૂછો કે ભાઈ, તું ડબલ ગ્રેજ્યુએટ થઈને બેકાર બેઠો છે, તારે ક્ંઈ નોકરી-ધંધો નથી કરવો? તો જવાબ આપશે, 'આઈ એમ અ સ્પિરિચ્યુઅલ પર્સન. આઈ બિલીવ ઈન સ્પિરિચ્યુઅલિટી!' 

આ જુવાન સ્પિરિચ્યુઅલ પર્સન નહીં પણ સ્પિરિચ્યુઅલ જન્કી છે. ખાઉધરો માણસ બે વડાપાંઉ સફાચટ કર્યા બાદ ઊભા ઊભા બે પ્લેટ પાણીપૂરી ઝાપટી જાય ને પછી મનોમન આવતી કાલે લખુભાઈનો રગડો ખાવાનો પ્લાન કરતો હોય તો એનો સાદા અર્થ એ થયો કે એને જન્ક ફૂડનું બંધાણ થઈ ગયું છે. સ્પિરિચ્યુઅલ જન્કીની તાસીર આવી જ હોવાની. એ રાતના બબ્બે વાગ્યા સુધી કાનમાં ઈયરફોનના પૂમડાં ભરાવીને ઓશો રજનીશના લેકચર સાંભળશે, યુટયૂબ પર આંખો ફાડી ફાડીને કુંડલિની જાગ્રત કેવી રીતે કરવી તે શીખવતા વીડિયો જોશે, પછી સવારે માંડ માંડ ઊઠશે ને સીધા પલાંઠી મારીને મેડિટેશન કરવા બેસી જશે. સાંજે આરતીના સમયે ઈસ્કોન મંદિરે ઝૂમતાં ઝૂમતાં હરે રામ હરે કૃષ્ણના રાગડા તાણશે. દર સાતઆઠ મહિને એને વિપશ્યનાની દસ દિવસની શિબિર કરી આવવાનું શૂરાતન ચડશે. અઘોરી વિદ્યા જાણનારાઓને ગુપચુપ મળી આવશે. જેમ જન્ક ફૂડનો શોખીન એક રેકડીથી બીજી રેકડી કૂદાકૂદ કરીને પેટમાં કચરો ઠાંસતો રહે છે તેમ સ્પિરિચ્યુઅલ જન્કી ગાંડાની જેમ જાતજાતની આધ્યાત્મિક કસરતોમાં રચ્યોપચ્યો રહે છે.  

બહુ જોખમી છે આ સ્થિતિ. આધ્યાત્મિક હોવું એક વાત છે અને આધ્યાત્મિક હોવાના દેખાડા કરવા તે જુદી જ વસ્તુ છે. અધ્યાત્મ કોઈ ભૌતિક વસ્તુ તો છે નહીં કે તમે ફૂટપટ્ટી કે વજનકાંટાથી માપી શકો. શરીરનું વજન વધારવાની કે ઘટાડવાની પ્રક્રિયા પર સતત ચાંપતી નજર રાખી શકાય છે, પણ માણસ અધ્યાત્મના રસ્તા પર કેટલો આગળ વધ્યો છે તે કળી શકાતું નથી. સ્પષ્ટપણે પકડમાં ન આવતી કે નક્કરપણે માપી ન શકતી વસ્તુ કલ્પનાનો વિષય બની જાય છે અને તે કોઈ પણ કદ-આકાર-રંગ-રૂપ ધારણ કરી શકે છે. ધર્મ અને અધ્યાત્મના નામે કેટલાક તદ્દન ઘટિયા લોકો બાબા-ગુરુ બનીને હજારો-લાખો લોકોને પોતાના ઈશારે નચાવી સતત બેવકૂફ બનાવતા રહે છે એનું કારણ આ જ. હવે તો કેટલાય બાળ-બાબાઓ માર્કેટમાં આવી ચૂક્યા છે. મેડિટેશન, માઇન્ડફુલનેસ, મંત્ર-તંત્ર વગેરેને લગતી મોબાઇલ એપ્સથી પ્લે સ્ટોર ઊભરાઈ રહ્યું છે.

અમુક લોકોને પોતે બહુ આધ્યાત્મિક છે એવો ફાંકો હોય છે. સાચી આધ્યાત્મિક સાધના માણસને વધારે જીવંત, નિષ્ઠાવાન, સાલસ, પ્રામાણિક, નીડર અને જવાબદાર બનાવે છે. માણસને નિર્માલ્ય, નીરસ કે પલાયનવાદી બનાવનાર એક્ટિવિટી આધ્યાત્મિક તો ન જ હોય. શી રીતે ખબર પડે કે આપણે આધ્યાત્મિકતનો જે રસ્તો પકડયો છે તે સાચો છે?  શી રીતે સ્પિરિચ્યુઅલ જન્કી બનતા અટકી શકાય? આ રહી શાણા અનુભવી લોકોએ તૈયારી કરેલી પ્રશ્નાવલિ. સવાલો સાદા છે. પ્રામાણિકપણે એના જવાબ આપજો. 

(૧) શું તમે ખુદની જવાબદારીઓ ઉપાડવાને બદલે આખો દિવસ ખુદના આધ્યાત્મિક વિકાસ અંગે જ વિચારતા રહો છો?  

(૨) શું તમે મહેનત કરવાનું ટાળો છો? નક્કર કામ કરવાને બદલે, હાથપગ હલાવવાને બદલે ઇચ્છાશકિત અને લૉ ઓફ એટ્રેક્શન વિશે વિચાર્યા કરો છો?  

(૩) તમને એવું લાગ્યા કરે છે કે તમે આ પૃથ્વી પર મિસફિટ છો? સમાજ તમને સમજી શકતો નથી ને તમારી સાથે આકરું વર્તન કરે છે? તમને બધા તમારા દુશ્મન જેવા લાગે છે?  

(૫) તમારું ચાલે તો તમે રોજેરોજ નહાવાનું બંધ કરી દો? આ શરીર મિથ્યા છે એમ માનીને એની સાવ ઉપેક્ષા કરો?  

(૬) તમે કાયમ કલ્પનાની દુનિયામાં જ વિહર્યા કરો છો? દેશ-દુનિયાની વાસ્તવિકતા તમે સ્વીકારી શકતા નથી?

(૭) તમે સાવ એકલપટા અને અંતર્મુખ થઈ ગયા છો?  

(૮) તમે રોજની પાંચ-સાત-દસ કલાક મેડિટેશન વગેરેમાં ગાળો છો?  

(૯) તમને લાગે છે કે, આ આખું જગત માયા છે, અર્થહીન છે? તમને લાગે છે કે જેનો કશો મતલબ જ નથી એવી વસ્તુઓ (જેમ કે કામ, કરીઅર, પૈસો) હોય તો શું ને ન હોય તોય શું?  

(૧૦) તમારા જાતીય આવેગો મંદ થઈ ગયા છે? તમારા જીવનસાથી સાથે જાતીય સંબંધ બાંધવામાં તમને હવે કોઈ રસ રહૃાો નથી?  

જો આ દસમાંથી છ કે તેથી વધારે સવાલના જવાબ 'હા' હોય તો સમજી લેવાનું તમે ડેન્જર ઝોનમાં ઊભા છો. સ્વીકારી લેવાનું કે આપણી આધ્યાત્મિક સાધનામાં કયાંક ક્શુંક ખોટું થઈ રહ્યું છે. જેને આપણે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી ગણીએ છીએ તેનાથી ક્લ્યાણ થવાને બદલે નુકસાન વધારે થઈ રહ્યું છે. આવા અધ્યાત્મના પરપોટામાંથી વહેલી તકે બહાર આવી જવું પડે. 

અસલી કસોટી આ છેઃ શું તમને લાગે છે કે આધ્યાત્મિક સાધનાને કારણે તમારી દ્રષ્ટિ વધારે સાફ થઈ રહી છે? તમારું આત્મનિરીક્ષણ કરવાની ક્ષમતા ક્રમશઃ વધી રહી છે? તમે ખુદની વૃત્તિઓ, લાગણીઓ અને વિચારોનાં મૂળિયાં ભીતરમાં ક્યાં દટાયેલાં છે તે ઉત્તરોત્તર વધારે સ્પષ્ટતાથી જોઈ શકો છો? તમને હવે પરંપરા અને માન્યતાઓમાં નહીં, સત્ય અને તથ્યોમાં જ રસ પડે છે? તમે વધારે કામઢા, વધારે પરિશ્રમી બન્યા છો? શું તમે માત્ર આસપાસના માણસો જ નહીં, પણ પશુ-પક્ષી-વનસ્પતિ ઇત્યાદિને પણ તમારા જ અસ્તિત્વના હિસ્સો માનો છે? એમની સુખાકારીની જવાબદારી પણ મારી જ છે એવું હવે તમને લાગે છે? જો આ બધા સવાલોના જવાબ 'હા' છે, તો તમે અધ્યાત્મના સાચા રસ્તા પર છો. સાચા અર્થમાં સ્પિરિચ્યુઅલ બનીશું તો અધ્યાત્મની એક દુકાનેથી બીજી દુકાન પર હૂપાહૂપ કરવી નહીં પડે અને કોફી શોપમાં ટેસથી કોફીની ચૂસકી લેવાને બદલે કોફી મેડિટેશનની ચિંતા નહીં કરવી પડે!