ગંગામાંથી કોહવાઈ ગયેલી લાશોને બહાર કાઢનારાઓ...
- વાત-વિચાર-શિશિર રામાવત
- જોગિણી ગામના કૂવામાંથી પાણી ભરી શકતી નથી, કેમ કે એ અશ્પૃશ્ય છે. બંધ બારણે જોગિણીના શરીરનો ભોગવટો કરવાથી દેવી પ્રસન્ન થાય, પણ ખુલ્લામાં જો જોગિણી ભુલેચકેય અડી જાય તો અભડાઈ જવાય!
- મલ્લાહ
- જોગિણી
- નચનિયા
- હોલેયા
પાંચ વર્ષની અબુધ બાળકી છે. આવડીક અમથી બેબલીના શરીર પર સાડી લપેટવામાં આવી છે, કેમ કે આજે એનાં લગ્ન છે. વરરાજો કોઈ કાળા માથાનો માનવી નહીં, પણ સાક્ષાત્ ભગવાન છે. જાતજાતની વિધિઓ થાય છે. મંદિરમાં આપણે સામાન્યપણ ફૂલો ચડાવીએ, નાળિયેર ચડાવીએ, પણ આજે મંદિરમાં દેવને આ કન્યા 'અર્પણ' કરવામાં આવે છે. દેવ સાથે લગ્ન થઈ ગયાં એટલે છોકરી હવે 'જોગિણી' બની ગઈ. હવે જીવનમાં એ ક્યારેય કોઈ પુરુષ સાથે લગ્ન નહીં કરી શકે. થોડા દિવસ પછી ગામનો એક આધેડ માણસ આ છોકરી સાથે દુષ્કૃત્ય કરે છે. અબુધ બાળકીને શું ખબર પડે કે એની સાથે શું થઈ રહ્યું છે? એ રડતાં રડતાં કોઈ વડીલ મહિલાને ફરિયાદ કરે છેઃ મને દુખે છે... મને દુખે છે... એને કહેવામાં આવે છેઃ ચિંતા ન કર. મટી જશે. જો સાંભળ, કોઈ પણ આદમી તારી સાથે કંઈ પણ કરે, તારે ના નહીં પાડવાની. છોકરીને સમજાતું નથી. એના ગોળમટોળ ગાલ પર આંસુ સુકાઈ ગયાં છે.
બાળકી મોટી થતી જાય છે. એ તરૂણી બને છે, યુવાન થાય છે. ગામનો કોઈ પણ પુરૂષ દરવાજો બંધ કરીને એના શરીરનો ઉપભોગ કરી જાય છે. છોકરીએ ચુપચાપ એની તાબે થઈ જવાનું છે, કેમ કે એ જોગિણી છે, આ જ એનું જીવનકર્મ છે. એને કહેવામાં આવ્યું છે કે જોગિણીમાં પારલૌકિક શક્તિઓ હોય છે. જોગિણી સાથે સંભોગ કરવાથી દેવી પ્રસન્ન થાય છે! એટલે આ પુરુષો એનું શરીર ભોગવવા નહીં, પણ દેવીની ઉપાસના કરવા આવે છે! ગામથી દૂર એક કંગાળ વસાહતમાં એના જેવી કેટલીય જોગિણીઓ ને એમનાં સંતાનો રહે છે. જોગિણીઓ ગામમાં છૂટથી હરીફરી શકતી નથી, ગામના કૂવામાંથી પાણી ભરી શકતી નથી, કેમ કે એ અશ્પૃશ્ય છે. બંધ બારણે જોગિણીના શરીરનો ભોગવટો કરવાથી દેવી પ્રસન્ન થાય, પણ ખુલ્લામાં જો જોગિણી ભુલેચકેય અડી જાય તો અભડાઈ જવાય!
આ બધું આપણે વાંચીએ-સાંભળીએ તો સ્તબ્ધ થઈ જવાય છે, પણ જો તમે આશા થડાણીએ ખેંચેલી આ જોગિણીઓની બ્લેક-એન્ડ-વ્હાઈટ તસવીરો જુઓ તો ઘણી વધારે ચોટ અનુભવો છો, કેમ કે તમને તરત સમજાય છે કે આ કંઈ કપોળ-કલ્પિત વાતો નથી, હકીકત છે. આ આટફિશિયલ ઇન્ટેલિજન્સથી જનરેટ થયેલાં દ્રશ્યો નથી, સચ્ચાઈ છે. થોડા દિવસો પહેલાં અમદાવાદ સ્થિત નવજીવન ટ્રસ્ટના પરિસરમાં નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલનું આયોજન થયું હતું, જેમાં દેશભરના પ્રતિભાશાળી ફોટોગ્રાફરની કંઈકેટલીય તસવીરો પ્રદશત થઈ હતી. આ તમામમાં સૌથી ચોટદાર અને અસરકારક તસવીરો જો કોઈ હોય તે આ બેંગલોરવાસી ફોટોગ્રાફરની હતી. આશા થડાણીના સેક્શનનું શીષર્ક હતું, 'બ્રોકન'. દેશભરમાં વસતી દલિત, શોષિત, હાંસિયામાં ધકેલાઈ ગયેલી જાતિઓનાં જીવનનાં સત્યો, તથ્યો અને કારૂણ્યોને એમણે અદભુત રીતે પોતાના કેમેરામાં કેપ્ચર કર્યાં છે. એક સારી તસવીર એક હજાર વાક્યોને સમતુલ્ય છે એવું શા માટે કહેવાય છે તે આશા થડાણીની તસવીરો જોઈને નવેસરથી સમજાય.
આ જોગિણી સમાજ તેલંગણામાં વસે છે. જોગિણીઓને સેક્સ-સ્લેવ બનાવી દેવામાં આવે છે અને તે પણ ભગવાનના નામે, ધર્મના નામે. આપણા સમાજમાં પ્રવર્તતા હળાહળ દંભની તેઓ પ્રતીક છે. આ દૈવી જોગિણીઓને એમની 'સર્વિસ' બદલ થોડા ચોખા કે ઘઉં, તો ક્યારેક સાડી આપી દેવામાં આવે, બસ. જોગિણીઓનાં સંતાનોને ખબર હોતી નથી કે એમનો બાપ કોણ છે. કેટલીય તરૂણ કે યુવાન જોગિણીઓને ફોસલાવીને કે બળજબરીથી ઉઠાવી જઈને શહેરોના વૈશ્યાવિસ્તારોમાં વેચી નાખવામાં આવી છે. જોગિણી ઘરડી થાય એટલે એનું કોઈ રણીધણી નહીં. એણે ભીખ માગીને પેટનો ખાડો પૂરવાનો. ૧૯૮૮થી સરકારે જોગિણી પ્રથા પર પ્રતિબંધ મૂકી દીધો છે, પણ તેલંગણામાં છાને ખૂણે તે હજુય પ્રવર્તમાન છે.
છત્તીસગઢમાં રામનામી સમાજ વસે છે. આ સમાજની સ્થાપના ૧૮૯૦માં પુરૂષોત્તમ ભારદ્વાજ નામના માણસે કરી હતી. એ દલિત હોવાને કારણે એને મંદિરમાં પ્રવેશવા દેવામાં નહોતો આવ્યો. આના વિરોધમાં પુરૂષોત્તમે પોતાના આખા શરીર પર - માથાથી પગ સુધી - રામનામના છૂંદણાં ત્રોફાવ્યાં. રૂઢિચુસ્ત હિંદુઓના વિરોધમાં બિલકુલ મૌન રહીને એણે જે છૂંદણા છુંદાવ્યાં તે રામભક્તિનું પ્રતીક બની ગયાં. પુરૂષોત્તમના દલિત સાથીઓ અને અનુયાયીઓ એનું અનુકરણ કર્યું અને આ રીતે રામનામી સમાજ અસ્તિત્ત્વમાં આવ્યો. અર્જુની નામની એક રામનામી વૃદ્ધા ત્રણ વર્ષની ઉંમરે અંધ બની ગઈ હતી. એણે સાંભળી-સાંભળીને સમગ્ર રામાયણની ચોપાઈઓ ઉપરાંત બીજાં કેટલાય ધાર્મિક ગ્રંથો કંઠસ્થ કર્યા હતા. શ્રુતિજ્ઞાાન આને જ કહે છેને! આજે રામનામી સમાજના યુવાનો કામકાજ શોધવા શહેરોમાં જાય છે ત્યારે પોતાનાં શરીરે કરેલાં રામનામનાં છૂંદણાં કપડાં નીચે ઢંકાઈ જાય તેની તકેદારી રાખે છે. કોઈને ખબર ન પડી જવી જોઈએ કે એ દલિત છે...
બિહારની દુસાધ નામની દલિત જાતિનો સંબંધ પણ છૂંદણાં સાથે છે. દુસાધ જાતિની સ્ત્રીઓને ઘરેણાં પહેરવાની મનાઈ છે, કેમ કે આભૂષણો પર તો કેવળ સવર્ણ મહિલાઓનો જ અધિકાર છે! તેખી દુસાધ સ્ત્રીઓ પોતાના ગળે, કાંડે હાથ પર ઘરેણાં આકારનાં છૂંદણાં છૂંદાવે છે. બિહારમાં વસતી મુસાહાર જાતિ દલિતોમાંય દલિત અથવા મહાદલિત ગણાય છે. મુસાહારનો શાબ્દિક અર્થ છે, મૂષક એટલે કે ઉંદર પકડનારા. તેઓ એટલા બધા ગરીબ છે કે અનાજ ખરીદવાની હેસિયત ન હોવાને કારણે તેઓ ઉંદરો પકડીને, એને આગમાં પકાવીને તેઓ ખાઈ જાય છે... પણ આ રીતે કેવી રીતે ગાડું ગબડે? તેથી મુસાહાર છોકરાઓ નચનિયા બને છે. ગામમાં લગ્નપ્રસંગ હોય ત્યારે આ નચનિયા છોકરાઓ છોકરી જેવાં કપડાં પહેરીને, છોકરી જેવો મેકઅપ કરીને લટકાઝટકા કરીને નાચે છે. પુરૂષો પ્રસન્ન થઈને એમના પર પૈસા ઉછાળે એ એમની કમાણી.
બનારસની મલ્લાહ જાતિના પુુરૂષો નદીમાં વહાણ ચલાવે છે અને માછીમારી કરે છે, પણ આ જ જાતિનો એક વર્ગ ગોતાખોર છે. ગોતાખોર એટલે નદીમાં ડૂબકી મારનારા. એમનું કામ છે, ગંગામાં વહાવી દેવામાં આવેલાં મદડાંના સડી ગયેલા અવશેષોને શોધી શોધીને પાણીની બહાર કાઢવાનું. હજુય આપણે ત્યાં અમુક વર્ગોમાં કુંવારી છોકરી કે બે વર્ષ કરતાં નાની ઉંમરનું બાળક મૃત્યુ પામે તો એમનાં મૃતદેહને અગ્નિદાહ આપવાને બદલે પાણીમાં વહાવી દેવામાં આવે છે. કોઈ સર્પદંશથી મરે, હિંસામાં જીવ ગુમાવે તો પણ એમને ગંગામાં વહાવી દેવાય છે. કોરોનાકાળમાં ઘણા મૃતદેહોના આ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મલ્લાહ પુરૂષો ગંગામાં ડૂબકી મારીને કોહવાઈ ગયેલી આ લાશોને બહાર કામ કરે છે. બદલામાં એમને શંુ મળે છે? સસ્તો દારૂ ને થોડા રૂપિયા.
બેંગલોરમાં હોલેયા નામની દલિત જાતિ છે, જે અશ્પૃશ્ય ગણાય છે. એમનું કામ છે, ઘેટાં-બકરા અને બીજાં પ્રાણીઓની કતલ થઈ જાય પછી કતલખાનામાં જે કંકાલ બચે છે, લોહી અને હાડકાંની જે ગંદકી થાય તેની સાફસફાઈ કરવાનું. ક્યારેક તો દસ-દસ વર્ષના છોકરાઓને આ કામે લગાડી દેવાય છે. ઝારખંડ રાજ્યના ઝરિયાની ખાણોમાં કામ કરનારા મજૂરોની હાલત પણ ભયાનક છે. અહીં કેટલીય કોલસાની ખાણો એક સદી કરતાંય વધારે સમયથી એકધારી ધખધખી રહી છે. એમાંથી નીકળતાં સલ્ફર ડાયોક્સાઈડ અને મિથેન અહીંના માટી, હવા અને પાણીમાં ખતરનાક રીતે ભળી ગયાં છે. આવાં ઝેરી હવા-પાણી લેતા ખાણમજૂરોનું આયુષ્ય દસ વર્ષ જેટલું ઘટી જાય છે. એમને પેટ અને ફેંફસાંના કેન્સરનો ભોગ બને છે, શ્વસનતંત્રના રોગો થાય છે.
આ સિવાયના દલિત સમાજોને પણ આશા થડાણીએ પોતાના કેમેરામાં કેપ્ચર કર્યા છે. જે સમાજના લોકોની ફોટોગ્રાફી કરવી હોય એમની સાથે આશા થડાણી ૨૦ દિવસથી બે મહિના જેટલો સમય રહે, એમની સાથે આત્મીયતા અને વિશ્વાસનો સંબંધ કેળવે. એ જ કારણ છે કે એમની તસવીરોમાં આટલી સાચુકલી અને પ્રામાણિક ક્ષણો કેદ થઈ શકી છે. આ તસવીરોને જોઈને ફરી ફરીને એ જ સવાલ મનમાં સળવળીને બેઠો થઈ જાય છેઃ દેશની જીડીપી વધતી જશે, પણ જો આપણાં આ દલિત ભાઈબહેનોની યંત્રણા ઘટશે નહીં તો આપણો વિકાસ એકાંગી અને અપ્રિય રહી જશે...