- વાત-વિચાર-શિશિર રામાવત
- જેમાંથી કશું નક્કર પરિણામ મળતું નથી એવા મનમાં ઘુમરાતા રહેતા નિરર્થક વિચારો આપણા દિમાગને અને નર્વસ સિસ્ટમને બહુ ભારે પડે છે. ઓફિસ, દુકાન કે ઘરમાં કામના ભારને કારણે જે સ્ટ્રેસ પેદા થાય છે એના કરતાં આવું અર્થહીન વિચારવલોણું આપણને વધારે થકવી નાખે છે, વધારે નુક્સાન પહોંચાડે છે.
ચાલો જવાબ આપોઃ શું તમે રાત્રે મસ્ત સાત-આઠ કલાકની ઊંઘ કરી હોય, રોજની માફક સાધારણ દિવસ જ વીતાવ્યો હોય, શારીરિક કે માનસિક શ્રમ પડે એવું કોઈ કામ ન કર્યું હોય અને છતાંય થાકી ગયા હો એવું ક્યારેક લાગે ખરું? એવું બને ખરું કે કોઈ દેખીતું કારણ ન હોય તો પણ મન ઉચ્ચક થઈ ગયું હોય, ડહોળાયેલું કે અશાંત બની ગયું હોય? તબિયત રાતા રાયણ જેવી હોય તોય મૂડમાં ન હોઈએ, મજા ન આવતી હોય એવું ફીલ થાય ખરું? વેલ, આપણે સૌએ ક્યારેક તો આવી લાગણી અનુભવી જ હોય છે. શું છે આનું કારણ? ચાલો, સમજીએ.
ન્યુરો સાયન્સના નિષ્ણાતો કહે છેઃ આપણું મગજ કામ કરી કરીને થાકતું નથી, પણ ઇમોશનલ ઓવરથિંકિંગથી એટલે લાગણીના ઉશ્કેરાટવાળા વિચારો કરી-કરીને થાકી જાય છે. આપણું દિમાગ જેટલું કામ સંબંધિત સ્ટ્રેસથી ડરતું નથી, એટલું મેન્ટલ રુમિનેશનથી ડરે છે.
મેન્ટલ રુમિનેશન શું છે? ક્લિનિકલ વ્યાખ્યા અનુસાર, રુમિનેશન એટલે એકના એક વિચારો વારવારે, સતત કરતા રહેવા. અગાઉ જે ભૂલો કરી ચૂક્યા હોય, જે વાતથી ખતરો-ડર-અસલામતીનો અનુભવ થતો હોય એ જ વાત પર ફોકસ કર્યા કરવું. આ વિચારો પાછા પ્રોડક્ટિવ ન હોય, આ વિચારોમાંથી કોઈ તારણ નીકળતું ન હોય, કોઈ નક્કર પગલાં ભરવાનો ધક્કો લાગતો ન હોય, વર્તન-વ્યવહારમાં કોઈ ફેરફાર ન કરવો. ઉદાહરણ તરીકે, નજીકના કે દૂરના ભૂતકાળમાં ક્યાંક નિષ્ફળતા મળી હતી, ધાર્યું થઈ શક્યું નહોતું, કોઈએ અપમાન કરી નાખ્યું હતું, ને એ વાત મનમાં એવી ઘર કરી જાય કે ભૂલી જ ન શકાય. આપણે તેના વિશે જ વિચાર્યા જ કરીએ. બીજું ઉદાહરણ. માનો કે હજુ ગઈ પહેલી જાન્યુઆરીએ સંકલ્પ કર્યો હતો કે હું રોજ કમસે કમ પોણી કલાક ચાલવા જઈશ. તમને થાય કે જાન્યુઆરી હવે પૂરો થવા આવ્યો, ને હું ગણીને માત્ર ત્રણ જ વાર વોકિંગ કરવા જઈ શક્યો છું. તમે રોજ દિવસમાં કેટલીય વાર વિચારો છે કે ના, આમ નહીં જ ચાલે. હું રોજ નિયમિત ચાલીશ નહીં તો મને ડાયાબિટીસ થઈ જશે, જો ઓલરેડી ડાયાબિટીસ થયેલું હશે તો વધી જશે, બીજી બીમારીઓ થઈ જશે... તમને થાય કે હું આ બધું જાણું છું તો પણ રોજ ચાલવા જવાનો સાદો નિયમ પણ મારાથી કેમ પાળી શકાતો નથી?
ઓવર-થિન્કિંગ. વિચારો. માત્ર વિચારો, કે જેમાંથી કશું નક્કર પરિણામ મળતું નથી. મનમાં ઘુમરાતા રહેતા નિરર્થક વિચારો (મેન્ટલ રુમિનેશન) આપણા દિમાગને અને નર્વસ સિસ્ટમને બહુ ભારે પડે છે. ઓફિસ, દુકાન કે ઘરમાં કામના ભારને કારણે જે સ્ટ્રેસ થાય છે એના કરતાં આવું અર્થહીન વિચારવલોણું આપણને વધારે નુક્સાન પહોંચાડે છે.
જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવતા હોઈએ, આપણને લાગે કે ક્યાંક કશીક ગરબડ છે, કોઈક બાબત પર તાત્કાલિક ધ્યાન આપવાની કે પગલાં લેવાની જરૂર છે, ત્યારે દિમાગમાં કોર્ટિસોલ નામનો હોર્મોન ઝરવા લાગે છે. કોર્ટિસોલ આમ તો એક આવશ્યક હોર્મોન છે, પણ જો તેનું લેવલ સતત ઊંચું રહે કે એનું નિયમન વ્યવસ્થિતપણે ન થાય તો શરીરને માઠી અસર થાય. જ્યારે બધું જ સામાન્ય હોય અને કોઈ વિશેષ પગલાં લેવાની જરૂર ન હોય તેવી સ્થિતિમાં કોર્ટિસોલનું જે સ્તર હોય તેને બેઝલાઇન કોર્ટિસોલ કહે છે. બહુ વિચાર-વિચાર કરવાની કુટેવ ધરાવતા લોકોનું બેઝલાઇન કોર્ટિસોલ લેવલ ઊંચું રહે છે. આનો અર્થ એ થયો કે તાત્કાલિક કોઈ એક્શન લેવાની જરૂર ન હોય, કોઈ કટોકટી ત્રાટકી ન હોય તો પણ શરીરને સ્ટ્રેસનો અનુભવ થયા કરે. ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટ ચાલુ હોય ત્યારે આપણી ગાડી તો થંભી ગઈ હોય, પણ વાહનનું એન્જિન ચાલ્યા કરતું હોય, એવું કંઈક. વધુ પડતો વિચાર કરનારાઓના દિમાગમાં એકની એક કેસેટ વાગ્યા કરતી હોવાથી એનું દિમાગ શરીરને સંદેશો મોકલ્યા કરે છેઃ 'સાવધાન! કંઈક ખોટું થઈ શકે છે...' શરીર દિમાગનો આ સંદેશો બરાબર ઝીલે છે અને તેથી કોર્ટિસોલ લેવલ અધ્ધર ને અધ્ધર જ રહે છે.
આપણું હૃદય એની રીતે ધબક્યા કરે છે, શ્વસનતંત્ર અને પાચનતંત્ર એની રીતે કામ કર્યા કરે છે. બ્લડ પ્રેશર અને સ્ટ્રેસ રિસ્પોન્સનું પણ એવું જ. આ બધી એવી શારીરિક ક્રિયાઓ છે, જેમાં આપણે કંઈ કરવાનું હોતું નથી, તે ઓટોમેટિક ચાલ્યા કરે છે. ઓટોમેટિક ચાલતી આ મૂળભૂત શારીરિક ક્રિયાઓનું નિયમન ઓટોનોમિક નર્વસ સિસ્ટમ દ્વારા થાય છે. તે બે સ્તરે કામ કરે છે. એક છે એક્ટિવેશન મોડ, અને બીજું છે, રિકવરી મોડ. માનસિક તાણ પેદા કરતી પરિસ્થિતિ દૂર થઈ જાય પછી રિકવરી મોડ ઓટોમેટિકલી શરૂ થઈ જતો હોય છે, પણ વધુ પડતા વિચાર કરનારા માણસની ઓટોનોમિક રિકવરી ધીમી હોય છે. એનો અર્થ એ થયો કે ટેન્શનનું કારણ દૂર થઈ ગયું હોય તો પણ સ્ટ્રેસ રિસ્પોન્સ લાંબા સમય સુધી ખેંચાયા કરે, હૃદયના ધબકારા ધીમા ન પડે, શ્વાસોચ્છવાસ ટૂંકા-ટૂંકા રહે, મસલ્સ તંગ રહે, ટૂંકમાં, શરીરને પાછું 'નોર્મલ' ફીલ થવામાં બહુ જ વાર લાગે. શરીરને એવો મેસેજ મળે જ નહીં કે, 'અરે ભાઈ, હવે બધું ઓલરાઇટ છે, ટેન્શન કરવા જેવું હવે કશું નથી.' શરીરને આવો સંદેશો ન મળે એટલે તે અકારણ ખેંચાયેલું, અકળાયેલું રહે. રુમિનેશનને કારણે ઉપરાછાપરી સ્ટ્રેસ સિગ્નલ મળ્યા જ કરે, અને રિકવરી પાછળ ધકેલાયા કરે. પરિણામે દિમાગ અને શરીર બન્ને બિચારાં થાકેલાં થાકેલાં કરે. ખાસ કોઈ શારીરિક કે માનસિક મહેનતનું કામ ન કર્યું હોય, ઊંઘ સારી થઈ હોય છતાંય થાક-થાક જેવું લાગ્યા કરે, મન ડહોળાયેલું છે એવું ફીલ થયા કરે તેનું કારણ આ જ.
યાદ રહે, આપણા દિમાગ પાસે કટોકટીભરી માનસિક તાણને હેન્ડલ કરવાની ક્ષમતા છે જ, પણ જેમાંથી કશીય એક્શન નીપજતી ન હોય એવા ગોળ ગોળ ઘુમરાયા કરતા એકના એક વિચારોના લૂપને તે હેન્ડલ કરી શકતું નથી. અર્થહીન વિચારોનું આ લૂપ દિમાગને એકધારું એક્ટિવેટેડ રાખે છે. પરિણામે શક્તિનો વેડફાટ થતો રહે છે.
વચ્ચે એક યુવાન પ્રોફેશનલની લાઇફસ્ટાઇલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એ આઠ કલાકની પાક્કી ઊંઘ લેતો હતો, ઓફિસમાં વર્કલોડ પણ હળવો હતો, છતાં એ કાયમ થાકની ફરિયાદ કર્યા કરતો હતો. એના રોજિંદી એક્ટિવિટીઝનો ઝીણવટભર્યો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે જાગ્રત અવસ્થાનો ૭૦ ટકા સમય એ ઝીણી ઝીણી ચિંતાઓ કરવામાં વીતાવતો હતો, જેમ કે, આજે મીટિંગમાં હું શું બોલીશ, મારે જે પ્રેઝન્ટેશન આપવાનું છે એવું રિહર્સલ ક્યારે કરીશ. એ મનોમન તેની પ્રેક્ટિસ કરે. કોઈની સાથે વાતચીત કરી હોય તો ક્યાંય સુધી એ વાતચીતની કેસેટ એના દિમાગમાં રિવાઇન્ડ થઈને વાગ્યા કરે. (હું આને બદલે આમ બોલ્યો હોત તો? પેલાએ આવું કહ્યું ત્યારે મને આવો વિચાર કેમ ન આવ્યો?) પાંચ-સાત દિવસ પછી કોલેજના જૂના ફ્રેન્ડ્ઝ મળવાનું પ્લાનિંગ થયું હોય તો એમની સાથે પોતે શું વાત કરશે અને કેવી રીતે વાત કરશે એના વિચારો અત્યારથી શરૂ થઈ જાય. અરે, એ વાતચીતની પ્રેક્ટિસ પણ કરે! આ સઘળી એકધારી માનસિક પ્રવૃત્તિઓ છે, જેના કારણે બાપડાના દિમાગને ક્યારેય આરામ મળતો જ નહીં. ન્યુરોલોજિસ્ટ્સ એક વ્યાખ્યા આવી કરે છેઃ રુમિનેશન ઇઝ સ્ટ્રેસ વિધાઉટ રિઝોલ્યુશન. મતલબ કે, તમે માત્ર વિચારો કર્યા કરો ને કોઈ નિર્ણય ન લો એટલે બ્રેઇન સતત કંઈક ને કંઈક પ્રોસેસ કરતું રહે, તેથી સ્ટ્રેસ પેદા થયા વગર ન રહે.
ન્યુરોસાયન્સ કહે છે કે જ્યારે આપણે સતત વિચારોમાં હોઈએ છીએ, ત્યારે દિમાગનું 'ડિફોલ્ટ મોડ નેટવર્ક' સક્રિય થઈ જાય છે. કલ્પના કરવા, પ્રતિક્રિયા આપવા, કોઈ બાબત પર ભાર મૂકવા માટે આ તંત્ર જરૂરી છે, પણ જ્યારે તે બહુ લાંબા સમય સુધી એક્ટિવેટ રહે છે ત્યારે તે શરીરની ઘણી ઉર્જા ખર્ચી નાખે છે અને માનસિક રીતે નુકસાન પહોંચાડે છે. શરીર કશીય હલચલ કરતું ન હોય તો પણ મગજ ઉર્જા બાળતું રહે છે. આપણું ચેતાતંત્ર એવી રીતે સક્રિય રહે છે જાણે કે તે કોઈકના આવવાની કે કશુંક થવાની રાહ જોતું હોય. વાસ્તવમાં કોઈ આવતું નથી, કશું થતું નથી.
સવાલ એ થાય કે તો પછી કરવાનું શું? વિચારોનું ઘમ્મરવલોણું અટકાવવું કેવી રીતે? નિષ્ણાતોનો જવાબ છેઃ વિચારોના લૂપમાં અંતરાય ઊભો કરીને. કેવી રીતે? જેવું તમને લાગે કે તમારું મન પાછું ચકરાવે ચડયું છે કે તરત ઊભા થઈને બાથરુમમાં જાઓ. વોશબેસિન સામે ઊભા રહીને કમસે કમ ૩૦ સેકન્ડ સુધી ચહેરા પર પાણીની છાલકો મારો. બીજો રસ્તો છે, તમારા ઘરના કે ઓફિસના દાદરા પર ચડઉતર કરો. જોરથી પોતાના જ હાથને દબાવો. કશુંક ગણગણો. આ બધાં વિચારોના ઘમ્મરવલાણાને અટકાવી દેતાં મિની-ઇન્ટરપ્શન છે. આ એક્ટિવિટીને કારણે દિમાગના ફ્રન્ટલ કોર્ટેક્સને સંદેશો મળે છેઃ દોસ્ત, રીસેટ થવાનો સમય થઈ ગયો છે! સાદું સૂત્ર આ છે - નકામા વિચારોના વંટોળિયાને રોકવો હોય તો કંઈક શારીરિક એક્ટિવિટી કરો. સ્પષ્ટતા પહેલાં શારીરિક હોય છે, પછી માનસિક.
સો વાતની એક વાત. વાંદરાની જેમ કૂદાકૂદ કરતા અને ઘાણીના બળદની જેમ ગોળ ગોળ ઘુમરીયા માર્યા કરતા વિચારો 'બર્ન-આઉટ'ની સ્થિતિ પેદા કરે છે. તેનાથી બચો. માત્ર વિચારો નહીં, વિચારોને અમલમાં પણ મૂકો.


