- વાત-વિચાર-શિશિર રામાવત
- પશ્ચિમના શિષ્ટ સાહિત્યજગતમાં પુરૂષ લેખક 'નકરા પુરૂષ જેવું' લખે તો એને બહુ સારું ગણવામાં આવતું નથી. ડેવિડ સોલોયની નવલકથા 'ફ્લેશ' અહીં જુદી પડે છે. એમાં લેખકે 'નકરા પુરૂષ'નો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે, અને છતાંય ૨૦૨૫નું અતિ પ્રતિષ્ઠિત બૂકર પ્રાઇઝ આ કૃતિને મળ્યું છે.
- ડેવિડ સોલોયઃ બૂકર પ્રાઇઝ વિજેતા
સૌથી પહેલાં તો આ અવતરણ વાંચોઃ
'સ્ત્રીઓની મામલામાં એને એવી કોઈ અનુભૂતિ થતી જ નથી, જે તદ્દન નવી હોય. એને થાય કે આ લાગણી કે આ અનુભવ તો મને પહેલાં પણ થઈ ચૂક્યો છે, ને ભવિષ્યમાં પણ કોઈક રીતે ફરીથી થશે. તેથી કોઈ પણ સ્ત્રી સાથેના સંબંધમાં એને એવું ક્યારેય લાગતું જ નથી કે જાણે જીવન દાવ પર મૂકાઈ ગયું હોય. એને એવી ફીલિંગ થાય કે હા, તું મને ગમે છે, પણ મને બીજી સ્ત્રીઓ પણ ગમે છે. એવું નથી કે બીજી સ્ત્રીઓ મને તારા કરતાં વધારે ગમે છે. સાથે સાથે, એવુંય નથી કે અન્ય સ્ત્રીઓ મને તારા કરતાં ઓછી ગમે છે. કોઈ પણ સ્ત્રી સાથે હોવું એટલે જ એને આકસ્મિક લાગે છે, ઊભડક લાગે છે. આ ઊભડકપણાની લાગણી એટલી બળવત્તર હોય છે કે એને ક્યારેક સમજાતું નથી આ સ્ત્રી ખરેખર મારા માટે યોગ્ય છે? કે પછી, આ સંબંધ પણ અગાઉના સંબંધો જેવો આકસ્મિક અને ટૂંકજીવી સાબિત થવાનો છે?'
આ શબ્દો છે ઇસ્તવાનના. ઇસ્તવાન એ 'ફ્લેશ' નામની અંગ્રેજી નવલકથાનો નાયક છે, અને 'ફ્લેશ' એ નવલકથા છે, જેને તાજેતરમાં વિશ્વસાહિત્યનું અતિ પ્રતિષ્ઠિત બૂકર પ્રાઇઝ મળ્યું છે. નવ દેશના કુલ ૧૩ લેખકો સ્પર્ધામાં હતા, જેમાંથી ડેવિડ સોલોય નામના ૫૧ વર્ષીય લેખક વિજેતા ઘોષિત થયા. (અટકનો સ્પેલિંગ જીડચનચઅ છે, પણ તેનો ઉચ્ચાર 'સોલોય' કરવામાં આવે છે.) એમને ૫૦ હજાર પાઉન્ડનું ઇનામ મળ્યું છે. નવલકથા હજુ આ વર્ષના માર્ચ મહિનામાં જ પ્રકાશિત થઈ હતી, અને બૂૂકર પ્રાઇઝના પ્રતાપે તેણે હવે આખી દુનિયાના સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચ્યું છે.
ડેવિડ સોલોય મૂળ હંગેરીના. ઇમિગ્રન્ટ તરીકે ઇંગ્લેન્ડમાં તેઓ ઘણાં વર્ષો રહ્યા. ખુદને જોકે તેઓ યુરોપિયન લેખક કહેડાવવાનું વધારે પસંદ કરે છે. એમનો બૂકર પ્રાઇઝ સાથે અગાઉ પણ પનારો પડી ચૂક્યો છે. ૨૦૧૬માં એમની 'ઓલ ધેટ મેન ઇઝ' નામની નવલકથા શોર્ટલિસ્ટ થઈ હતી, પણ બૂકર પ્રાઇઝથી વંચિત રહી ગયેલી.
સામાન્યપણે લેખકોને ટિપિકલ પ્રશ્ન પૂછાતો હોય છે કે તમારી નવલકથાનું બીજ તમને ક્યાંથી મળ્યું? ડેવિડ સોલોયને આ સવાલ પૂછો તો તેઓ કહેશે, 'મારી 'ફ્લેશ' નવલકથાનો જન્મ આગલી નવલકથાની નિષ્ફળતામાંથી થયો! હું ચાર વર્ષથી એક નવલકથા પર કામ કરી રહ્યો હતો. મેં એક લાખ કરતાં વધારે શબ્દો ટાઇપ કરી નાખ્યા હતા, પણ વાત જામતી નહોતી. નવલકથાના કેન્દ્રિય વિષયવસ્તુમાં જ ગરબડ હતી. અધૂરામાં પૂરું, મારી 'ઓલ ધેટ મેન ઇઝ' નવલકથા બૂકર જીતી ન શકી તો પણ મને ખૂબ અટેન્શન મળવા લાગ્યું. તેને કારણે પણ મને એક પ્રકારનું પ્રેશર અનુભવાતું હતું. આખરે મેં આખી નવલકથા જ પડતી મૂકી. મન પરથી મોટો બોજ ઉતરી ગયો. સાથે સાથે એક નવો પડકાર ઊભો થઈ ગયો. ફટાફટ કશુંક નવું લખવાનું શરૂ કરવાનો પડકાર... અને મેં સાવ જુદો જ વિષય પસંદ કરીને સાવ જુદી જ નવલકથા લખવા માંડી. મારે એવી વાર્તા લખવી હતી જે ઇંગ્લેન્ડ અને હંગેરીના પશ્ચાદભૂમાં આકાર લેતી હોય, જેમાં 'ફિઝિકાલિટી ઓફ એક્ઝિસ્ટન્સ'ની વાત હોય. મેં મારા લેપટોપ પર નવી વર્ડ ફાઇલ ખોલી અને નવી નવલકથાનું કામચલાઉ શીર્ષક ટાઇપ કર્યું - 'ફ્લેશ'. બસ, આ રીતે 'ફ્લેશ'નો જન્મ થયો.'
ફ્લેશ એટલે માંસ. આમ જોવા જાઓ તો 'ફ્લેશ' એ ખાસ્સું અ-સાહિત્યિક શીર્ષક છે. પશ્ચિમના સાહિત્યજગતમાં નવલકથાનું પુસ્તક છપાય તે પહેલાં પ્રકાશકગૃહનો એડિટર તેને કેટલીય ગળણીએથી ગાળે છે. લેખક અને એડિટર વચ્ચે સતત ક્રિયેટિવ કમ્યુનિકેશન થાય, એડિટર સૂચન મુજબ લેખક જરુરી ફેરફાર સુધ્ધાં કરે, નવા નવા ડ્રાફ્ટ બને. આખરે લેખક અને એડિટર બન્ને તરફથી લીલી ઝંડી મળે પછી જ પુસ્તક છપાવા જાય. ડેવિડના એડિટરે કહ્યુંઃ ડેવિડ, નવલકથા માટે 'ફ્લેશ' શીર્ષક બહુ સીધું અને સપાટ લાગે છે. ઊંચી સાહિત્યિક ગુણવત્તા ધરાવતી નવલકથાનું ટાઇટલ આવું ન હોય... પણ નવલકથાને અંતિમ ઘાટ મળ્યો ત્યારે સૌ એ વાત સહમત થયા કે આ નવલકથાનું આના કરતાં બહેતર શીર્ષક બીજું કોઈ ન હોઈ શકે.
શું બને છે 'ફ્લેશ'માં? નવલકથાનો નાયક ઇસ્તવાન લેખકની જ ઉંમરનો છે. નવલકથાનો પ્રારંભ પંદર વર્ષના ઇસ્તવાનથી થાય છે. પોતાની સિંગલ મધર સાથે એ હંગેરીમાં રહે છે. પાડોશમાં રહેતી ૪૨ વર્ષની સ્ત્રી એને પોતાની તરફ આકર્ષ છે. ઇસ્તવાનનો જિંદગીનો સેક્સનો પહેલો અનુભવ આ સ્ત્રી સાથે થાય છે. કાચી વયે થતો જાતીય અનુભવ ઘણું બધું ડિફાઇન કરી નાખતો હોય છે. કિશોર-તરૂણ વયે થયેલા જાતીય અનુભવનો પડછાયો ક્યારેક આખી જિંદગી પર ફેલાઈ જતો હોય છે. સંભવતઃ ઇસ્તવાનના કિસ્સામાં પણ આ વાત સાચી પડે છે.
ઘણું બધું બને છે એના જીવનમાં. એણે બાળસુધાર ગૃહમાં જવું પડે છે, હંગેરીના લશ્કરનો હિસ્સો બનીને એ ઇરાકના યુદ્ધમાં ભાગ લે છે. આ બન્ને ઘટનાક્રમ જોકે નવલકથાનાં પાનાં પર નહીં, પણ 'ઓફ્ફ સ્ટેજ' બને છે, એટલે કે એના માત્ર ઉલ્લેખો થાય છે. ઇસ્તવાન પછી લંડન શિફ્ટ થઈને કોઇ ક્લબના દરવાન તરીકે કામ કરવા લાગે છે. ત્યાર બાદ એને લંડનના એક અતિ ધનિક માણસના ડ્રાઇવર તરીકે કામ મળે છે. આગળ જતાં એ ખુદ પૈસાદાર બને છે, લંડનની 'હાઇ સોસાયટી'નો હિસ્સો બને છે.
ડેવિડ સોલોયે છેલ્લાં પંદર વર્ષમાં છ નવલકથાઓ લખી છે, અને આ તમામ કૃતિઓને સાંકળતું કોઈ સૂત્ર હોય તો તે છે પુરુષત્વ, પુરુષ હોવું. આજના જમાનામાં પુરુષ હોવું એટલે શું? દેખીતું છે કે જ્યારે કૃતિના કેન્દ્રમાં મર્દાનગી હોય ત્યારે તેમાં સેક્સ, પૈસા અને હિંસા જેવાં તત્ત્વો પણ પ્રગટપણે ઊભરવાનાં જ. દુનિયાભરના સભ્ય સમાજોમાં ફેમિનિઝમ, સ્ત્રી-પુરૂષ સમાનતા અને પુરૂષની સંવેદનશીલતા વિશે ખૂબ વાતો થાય છે. પશ્ચિમના શિષ્ટ સાહિત્યજગતમાં પુરૂષ લેખક 'નકરા પુરૂષ જેવું' લખે તો એને બહુ સારું ગણવામાં આવતું નથી. અહીં તો 'ફ્લેશ'નો નાયક સેક્સ કરતી વખતે સિગારેટ પીએ છે, ક્યારેક કામવાસના સંતોષવાની ક્ષણોમાં એનું ખાવા-પીવાનું પણ ચાલતું હોય છે. ડેવિડ સોલોય કહે છે, 'હું જાણતો હતો કે 'ફ્લેશ' જેવી નવલકથા લખવામાં રિસ્ક છે, પણ મારે આ કૃતિમાં સેક્સનું આલેખન પુરૂષના દ્રષ્ટિકોણથી જ કરવું હતું, અને તે પણ બને તેટલી ઇમાનદારીથી. સેક્સ અને ક્રોધ - આ બે એવી લાગણીઓ છે જેમાં શબ્દોનું, ભાષાનું બહુ કામ પડતું નથી. આ મોટે ભાગે 'નોન-વર્બલ એક્સપિરીયન્સ' હોય છે. તેથી જ લેખક માટે ઘણી વાર સેક્સ અને ક્રોધનું આલેખન કરવું સૌથી મોટો પડકાર બની રહે છે.'
'ફ્લેશ'નો નાયક આમેય બહુ ઓછું બોલે છે. એ શું વિચારી રહ્યો છે, એ શા માટે અમુક પ્રકારનું વર્તન કરે છે તે વાચક કળી શકતો નથી. સામાન્યપણે નવલકથાના નાયકના મનમાં જાગતી લાગણીઓ, વૃત્તિઓ, મૂંઝવણો, પ્રશ્નો વગેરે વિશે લેખક પાનાં ભરી ભરીને લખતો હોય છે, પણ 'ફ્લેશ'ના નાયકના મનમાં ચાલતા હોબાળા વિશે લેખક કશું લખતા નથી કે સ્પષ્ટતા કરતા નથી. કોઈ ઉત્સાહી વાચકે શોધી કાઢ્યું છે કે આખી નવલકથામાં નાયક ૫૦૦ કરતાં વધારે વખત ફક્ત 'ઓકે' બોલીને વાત પૂરી કરી નાખે છે!
ડેવિડ સોલોય હાલ પત્ની અને પુત્ર સાથે વિયેનામાં રહે છે. ડેવિડે 'ફ્લેશ' પછીની નવલકથા લખવાનું ક્યારનું શરૂ કરી દીધું હતું. ઇન ફેક્ટ, આગામી નવલકથા અડધી પૂરી પણ થઈ ગઈ છે. 'અને હા, આ વખતે હું સ્ત્રીઓના દ્રષ્ટિકોણ વિશે પણ લખવાનો છું!' ડેવિડ હસે છે, પછી કહે છે, 'મને લખવા માટે એકાંત અને કોફીના મગથી વધારે ખાસ કશાની જરૂર પડતી નથી. કોઈ પણ કૃતિનો પ્રારંભ કરવાનું સૌથી અઘરું હોય છે, કેમ કે તમારે સાવ શૂન્યમાંથી આખી સૃષ્ટિ ખડી કરવાની હોય છે. આ તબક્કે જો કમસે કમ મને એકાદ વીકનું એકાંત મળી જાય તો આગળની યાત્રા સરળ બની જાય છે.'
ડેવિડ સોલોય લોકપ્રિય બનવાની લાહ્યમાં સાદું-સાદું લખવામાં માનતા નથી. તેમના માટે ઘણી વાર 'લેખકોના લેખક' વિશેષણ વાપરવામાં આવે છે. અર્નેસ્ટ હેમિંગ્વે, જોન અપડાઇક અને વર્જિનિયા વુલ્ફ એમના પ્રિય સાહિત્યકારો છે. ડેવિડ કહે છે, 'મને એવી નવલકથાઓ ગમતી નથી જેમાં વાતની શરૂઆત છેક પરદાદાના જમાનાથી થાય અને બસ્સો પાનાં પછી માંડ નાયકનો જન્મ થાય. મને નાની નવલકથાઓ વધારે ગમે છે કે જેમાં સંક્ષિપ્તમાં બધી વાત મુદ્દાસર કહી દેવામાં આવી હોય.'
સો વાતની એક વાત. સમકાલીન વિશ્વસાહિત્યના રસિયાઓએ ડેવિડ સોલોયની 'ફ્લેશ' ઓનલાઇન ઓર્ડર કરવામાં બહુ વાર લગાડવા જેવી નથી!


