- વાત-વિચાર - શિશિર રામાવત
- બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સોવિયેત રશિયાની હજારો મહિલાઓએ સરકાર સામે ડિમાન્ડ મૂકી ઃ અમારે લડવું છે. અમે રાયફલ ચલાવીશું, અમે પ્લેન ઉડાડીશું. અમને રણમેદાનમાં મોકલો. પોતાના ભાઈઓ-પિતાઓ-પતિઓને યુદ્ધમાં ખોઈ ચૂકેલી આ રશિયન સ્ત્રીઓને સમજાઈ ગયું હતું કે આવી ભયાનક સ્થિતિમાં ઘરમાં બેસી ન રહેવાય, અમે ચુપચાપ અમારા દેશનો વિનાશ થતો જોઈ ન શકીએ...
ઇઝરાયલમાં છોકરો હોય કે છોકરી, સૌને માટે મિલિટરીની તાલીમ ફરજિયાત છે. હાલ ઇઝરાયલના સૈન્યમાં મહિલાઓનું પ્રમાણ ૧૭ ટકા જેટલું છે. ઇરાનના સૈન્યના દરવાજા મહિલાઓ માટે સ્વાભાવિકપણે જ બંધ હોવાના. અમેરિકન મિલિટરીએ ૨૦૧૫-૧૬થી કોમ્બેટ ઓપરેશન્સમાં મહિલાઓને સામેલ કરવાનું શરૂ દીધું હતું. આજની તારીખે આર્મી અને મરીન કોર્પ્સમાં ૪૫૦૦ જેટલી અમેરિકન મહિલાઓ તૈનાત છે. કેટલીય મહિલાઓ સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સિલેક્ટ થઈ છે. ભારતની વાત કરીએ તો, ૨૦૨૪-૨૦૨૫ના ડેટા પ્રમાણે, ભારતના આર્મી-નેવી-એરફોર્સમાં ટોટલ ૧૦ હજાર કરતાંય વધારે મહિલા ઓફિસરો અને સોલ્જર્સ કાર્યરત છે. અત્યારે જોકે આપણે બહાદૂર રશિયન મહિલાઓ વિશે વિસ્તારથી વાત કરવી છે, જેમણે બીજા વિશ્વયુદ્ધમાં અપ્રતીમ સાહસ કરી દેખાડયું હતું.
એ વર્ષ હતું ૧૯૪૧નું. ૨૨ જૂને જર્મનીએ આપરેશન બાર્બરોસા શરૂ કર્યું. હિટલરની સેનાએ સોવિયેટ રશિયા પર જબરદસ્ત આક્રમણ કરી દીધું. છ જ મહિનામાં મૃત્યુ પામેલા, ઘાયલ થયેલા કે ઝડપાઈ ગયેલા રશિયન સૈનિકોની સંખ્યા મિલિયન્સમાં, હા, મિલિયન્સમાં પહોંચી ગઈ.
...અને આવી વિકરાળ પરિસ્થિતિમાં રશિયન મહિલાઓ આગળ આવી. સરકારે હાકલ નહોતી કરી, પણ આ મહિલાઓ ખુદ સામેથી સરકાર પાસે પહોંચી ગઈ હતી. સોવિયેત રશિયાના તત્કાલીન વડા સ્ટાલિનને મહિલાઓના હજારોની સંખ્યામાં પત્રો મળવા લાગ્યા. સૌમાં એક જ વાત- અમારે લડવું છે. અમે રાયફલ ચલાવીશું, અમે પ્લેન ઉડાડીશું. અમને લડવા મોકલો.
રશિયન મહિલાઓમાં આ લાગણી કેવી રીતે જાગી? કેમ કે તેમના ભાઈઓ, પિતાઓ, પતિઓ યુદ્ધમાં હણાઈ ચૂક્યા હતા. એમનાં શહેરો ને ગામો ભડકે બળતાં હતાં. એમને એક વાત સમજાઈ ગઈ હતીઃ આવી હાલતમાં અમે ઘરની ચાર દીવાલ વચ્ચે બેસી ન શકીએ. અમે ચુપચાપ અમારા દેશનો વિનાશ ન જોઈ ન શકીએ. અમારી માતૃભૂમિને અમારી જરૂર છે, અને અમે લડીશું...
કોણ હતી આ સ્ત્રીઓ? મોટા ભાગની તો અઢાર-ઓગણીસ વર્ષની જુવાન છોકરીઓ હતી. અરે, અમુક તો પંદર-સોળ વર્ષની તરૂણીઓ હતી. એમનામાં દેશ માટે લડવાનું ઝનૂન એટલું તીવ્ર હતું કે એમણે પોતાની સાચી ઉંમર છૂપાવી હતી. આ સિવાય નર્સો હતી, શિક્ષિકાઓ હતી, ખેતીકામ અને મજૂરી કરતી સ્ત્રીઓ હતી...
તે વખતે યુદ્ધે ચડેલા પશ્ચિમના દેશોમાં સ્ત્રીઓને રણમેદાનમાં મોકલવામાં આવતી નહોતી, પણ સ્ત્રી-પુરુષ સમાનતામાં માનતા સોવિયેટ રશિયાએ પોતાના આર્મ્ડ ફોર્સીસમાં એક લાખ કરતાં વધારે મહિલાઓની ભરતી કરી. નર્સ કે સેક્રેટરી તરીકે નહીં, પણ દુશ્મન સાથે બાથ ભીડતા યોદ્ધા તરીકે.
ભરતી થયેલી સ્ત્રીઓની સખત ટ્રેનિંગ શરૂ થઈ. એમને એ બધું જ શીખવવામાં આવ્યું, જે પુરુષ સૈનિકોએ શીખવું પડે છે - હાથમાં રાયફલ લઈને કાદવમાં સાપની જેમ શી રીતે આગળ સરકવું, મોસિન-નેગન્ટ બ્રાન્ડની રાયફલ શી રીતે ચલાવવી, દારૂગોળા શી રીતે ફેંકવા, પ્લેનમાંથી શી રીતે બહાર છલાંગ લગાવીને કૂદી પડવું, વગેરે. રશિયન સ્ત્રીઓ આ બધું હસતાં મોઢે શીખતી ગઈ. શરીર તોડી નાખે એવી આખા દિવસની ટ્રેેનિંગ પછી રાત્રે તંબૂમાં તેઓ એકબીજાના ઘા પર મલમપટ્ટા કરતી, એકબીજાને ચોટલા વાળી દેતી. સૂતાં પહેલાં પોતાનાં સંતાનો-પરિવાર-પ્રેમી કે પતિની તસવીર પર પ્રેમથી નજર ફેરવી લેતી, એમને કાગળો લખતી ને બીજા દિવસે વહેલી સવારે પાછી ટ્રેનિંગ માટે હાજર થઈ જતી.
'ફાઇટર પ્લેન' ચલાવતી પાઈલટ મહિલાઓની વાત સાંભળીને હેરત ન થાય તો કહેજો. ખરેખર તો તેને ફાઇટર પ્લેન કહેવાય જ નહીં. તે વાસ્તવમાં બાઇપ્લેન હતાં - જેમાં એકની ઉપર એક એમ બે પાંખો જડેલી હોય છે. તેનો ઉપયોગ મૂળ તો ફ્લાઇટ ટ્રેનિંગ માટે અને આકાશમાંથી ખેતરો પર ફર્ટિલાઇઝર છાંટવા માટે કરવામાં આવતો. પોલિકાર્પોવ પીઓ-ટુ નામે આળખાતાં આ બાઈપ્લેન ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે ઝડપથી ન ઉડી શકે. તેમાં કોકપિટ ઉપરથી ખુલ્લું હોય, પાઇલટનો ખભાથી ઉપરનો હિસ્સો પ્લેનની બહાર રહે, એટલે જો વરસાદ આવે તો પાઇલટ રીતસર પલળી જાય. ઠંડા દિવસોમાં તાપમાન માઇનસ ૩૦ ડિગ્રીએ પહોંચી જાય. રશિયન મહિલા પાઇલટોને સુરક્ષા માટે ખાસ પ્રકારના ફ્લાઇંગ સુટ, ફરના બૂટ, લેધરની હેલ્મેટ અને ગોગલ્સ પહેરવા માટે આપવામાં આવ્યાં હતાં. મહિલાઓના માપના લશ્કરી શૂઝ ઉપલબ્ધ હોય નહીં એટલે તેમને પુરુષોના જ જૂતાં આપવામાં આવતાં. મહિલા પાઇલટો એમાં પસ્તીના ડૂચા ભરાવીને પહેરી લે ને જેમતેમ કરીને કામ ચલાવે.
સોવિયેત રશિયાની આખેઆખી ૫૮૮મી નાઇટ બોમ્બર રેજિમેન્ટ મહિલાઓની બનેલી હતી. રાત્રે જર્મન કેમ્પ્સ પર દારૂગોળા ફેંકીને સલામત રીતે પાછા વળી જવું - એ એમનું કામ. મહિલા પાઇલટોને ગ્લાઇડિંગ ટેકનિક શીખવવામાં આવી હતી. પ્લેન જર્મન કેમ્પની નજીક પહોંચે એટલે એન્જિન બંધ કરી દેવાનું કે જેથી ઘરઘટાટી અટકી જાય અને માત્ર સર્ર્ર્ર્ર્... એવો સાવ ધીમો અવાજ આવે. બંધ એન્જિનવાળું પ્લેન હવામાં ચુપચાપ 'ગ્લાઇડ' કરતું જેવું લક્ષ્ય પર પહોંચે એટલે ઉપરથી મહિલા પાઇલટે પોતાના ખોળામાં રાખેલો બોમ્બ ઉંચકીને હાથેથી નીચે ફેંકવાનો! એકાએક જોરદાર વિસ્ફોટ થાય. જર્મનોને શરૂઆતમાં ખબર જ નહોતી પડતી કે ઓચિંતા આ બોમ્બ કોણ, ક્યાંથી અને કેવી રીતે ફેંકી જાય છે? આખરે હકીકતની ખબર પડી ત્યારે એમણે રશિયન મહિલા પાઇલટોને નામ આપી દીધું હતું - નાઇટ વિચીસ એટલે કે રાત્રે નીકળતી ડાકણો! રશિયન મહિલા પાઇલટોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેરેશૂટ વગર, કમ્યુનિકેશનનાં સાધનો વગર આવી કુલ ૩૦ હજાર ફ્લાઇટ લીધી હતી.
મહિલા પાઇલટોની લીડરનું નામ હતું મરીના રાસ્કોવા, જેનું કોમ્બેટ દરમિયાન જ મોત થઈ ગયું હતું. સૌથી કાબેલ પાઇલટનું નામ હતું નાડેઝા પોપવા. એણે એક વાર એક રાતમાં ૧૮ વખત બોમ્બિંગ કર્યું હતું! દરેક મહિલા પાઇલટ માટે એક રાતમાં ૮થી ૧૦ વખત બોમ્બ ફેંકી આવવાનું કોમન હતું. વીસ-બાવીસ વર્ષની આ યુવતીઓએ મહિનાઓ સુધી એકધારું બોમ્બિંગ કર્યું.
લ્યુડમિલા પવલિચેન્કો નામની એક સ્નાઇપર હતી, જેણે ૩૦૯ જર્મન સૈનિકોના શરીરમાં ગોળી ધરબી દીધી હતી. એને 'લેડી ડેથ'નું બિરુદ મળ્યું હતું. રોઝા શાનિના નામની વીસ વર્ષની રશિયન સૈનિક તો એવી ખતરનાક હતી કે જર્મનોએ એનું માથું ઉતારી લાવનાર માટે ઇનામ જાહેર કર્યું હતું. ઝોયા કોસ્મોડેમ્યાન્કાયા નામની અઢાર વર્ષની સૈનિકને નાઝીઓએ પકડી લીધી હતી ને તેના પર બહુ ત્રાસ ગુજાર્યો હતો. એને આખરે ફાંસીએ ચડાવી દેવામાં આવી. એના છેલ્લા શબ્દો હતાઃ 'તમે મારો જીવ લઈ શકશો, પણ તમે ૧૭૦ મિલિયન રશિયનોને કેવી રીતે ફાંસીના માંચડે લટકાવશો?' નોકરાણીમાંથી સૈનિક બનેલી યેલેના મેઝાનિક નામની રશિયન યુવતીએ એક નાઝી ગર્વનરના રહેઠાણમાં બોમ્બ પ્લાન્ટ કરીને એને ઉડાવી દીધો હતો. આવી તો કેટલીય મહિલાઓ છે, કેટલાય કિસ્સા છે.
જેમ જેમ જર્મનો આક્રમક બનતા ગયા તેમ તેમ રશિયન મહિલાઓ પણ વધુ ને વધુ માત્રામાં સૈન્યમાં ભરતી થતી ગઈ. એક તબક્કે મહિલા સૈનિકોનો આંકડો આઠ લાખને આળંગી ગયો હતો! આખરે ૯ મે, ૧૯૪૫ના રોજ બર્લિન પર સોવિયેત રશિયાનો રેડ ફ્લેગ ફરક્યો. રશિયનો માટે આ વિજયદિવસ હતો. ૮૯ મહિલાઓને 'હીરો ઓફ સોવિયેત યુનિયન' અવોર્ડ મળ્યો, જે તે વખતના સોવિયેત રશિયાનું ઉચ્ચતમ લશ્કરી સન્માન હતું.
પ્રખર વેદાંત પ્રચારક આચાર્ય પ્રશાંત આ સદર્ભમાં કહે છે, 'જ્યારે મહિલા પાઇલટ હોય, મહિલા સ્નાઇપર હોય, મહિલા ટેન્ક ચલાવતી હોય... ત્યારે આઝાદીની રક્ષા થાય છે. પતિને પરમેશ્વર માનીને એના પગ દબાવતા રહેવાથી વાત નહીં બને. આપણી ફિલ્મોમાં બોર્ડર પર રહેલો સૈનિક પત્નીને યાદ કરીને ગીતો ગાતો હોય છે, ને તે જોઈને આપણે ખુશ થઈ જઈએ છીએ. સવાલ એ છે કે આ પત્ની ખુદ બોર્ડર પર કેમ નથી? આવો વિચાર પણ આપણને આવતો નથી.'
બહાદૂર રશિયન મહિલા સૈનિકોએ એક સત્ય હંમેશ માટે પ્રસ્થાપિત કરી નાખ્યું છેઃ યુદ્ધના મેદાનમાં સ્ત્રીઓ ખરેખર રણચંડી બની શકે છે. દેશપ્રેમ અને શૌર્યમાં કોઈ લિંગભેદ હોતો નથી...


