- વાત-વિચાર-શિશિર રામાવત
- ઇન્દ્રાદેવી : યુઝની પીટરસન
- રશિયામાં જન્મેલાં યુઝની પીટરસન નામનાં મહિલા ભારતના એવા પ્રેમમાં પડે છે કે યોગને પશ્ચિમમાં પ્રચાર-પ્રસાર કરવાના મિશનને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી દે છે. ઇન્દ્રાદેવી તરીકે ઓળખાયેલાં આ માનુની કહેતાં કે, 'યોગ એ કોઈ ધામક પ્રક્રિયા નથી. યોગ તો મુક્તિનો માર્ગ છે. મનુષ્યની પૂર્ણ મુક્તિ પોતાની જાતને શોધવામાં રહેલી છે. સ્વતંત્રતા એટલે સાંકળો વિના, બંધનો વિના જીવવું.'
એવી વ્યક્તિને તમે શું કહેશો જેનું જીવન એક નહીં, બે નહીં, પણ ત્રણ-ત્રણ સદીમાં ફેલાયેલું હોય? 'મધર ઓફ મોડર્ન યોગા'નું બિરુદ પામેલાં ઇન્દ્રાદેવી આવું જ દુર્લભ જીવન પામ્યાં હતાં. એમનો જન્મ થયો ૧૮૯૯ એટલે કે ઓગણીસમી સદીમાં, અને મૃત્યુ થયું ૨૦૦૨ એટલે કે એકવીસમી સદીમાં! ૧૦૨ વર્ષનું દીર્ધાયુષ પામેલાં આ માનુનીને એમના નામ પરથી ભારતીય ગણવાની ભૂલ ન કરતાં. ઇન્દ્રાદેવીનું મૂળ નામ યુઝની પીટરસન. એ જન્મ્યાં રશિયા (આજના લાત્વિયા)માં, મૃત્યુ પામ્યાં આર્જેન્ટિનામાં, અને એમની કર્મભૂમિ હતી ભારત, ચીન અને અમેરિકા. પ્રખ્યાત યોગાચાર્ય ટી. કૃષ્ણામાચાર્ય પાસેથી યોગ શીખનારાં તેઓ પશ્ચિમનાં સૌથી પહેલાં મહિલા. બી.કે.એસ. આયંગર અને કે. પટ્ટભિ જોઇસ જેવા દિગ્ગજો એમના ગુરૂભાઈઓ.
સહેજે સવાલ થાય કે એક રશિયામાં જન્મેલી સ્ત્રી યોગમાતા શી રીતે બની ગઈ? યુઝનીને નાનપણથી વાંચનનો બહુ શોખ. એક વાર એમના હાથમાં રવીન્દ્રનાથ ટાગોરનું એક પુસ્તક આવ્યું, જેના થકી પહેલી વાર એમને 'યોગ' (કે યોગા) વિશે થોડીક જાણકારી મળી. જુવાનીમાં પગ મૂકતાં જ યુઝની રંગભૂમિના અભિનેત્રી બની ગયેલાં. નૃત્યોથી ભરપૂર નાટકના શોઝ કરવા તેઓ યુરોપના પ્રવાસે ગયેલાં ત્યારે હોલેન્ડમાં એક ઇવેન્ટ દરમિયાન જે. કૃષ્ણમૂર્તિનું પ્રવચન સાંભળવાનું થયું. યુઝની જે. કૃષ્ણમૂર્તિથી ભારે પ્રભાવિત થયાં. એ જ અરસામાં એક અંગ્રેજ મહિલા ભારતીય સંસ્કૃતિ પર પ્રવચન આપવા લાત્વિયા આવ્યાં ત્યારે એણે યુઝનીને ભારતમાં યોજાઈ રહેલા થિયોસોફિકલ સોસાયટીના સંમેલનમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું.
નવેમ્બર ૧૯૨૭માં યુઝનીએ ભારતમાં પગ મૂક્યો. કલકત્તા જઈને ટાગોરને મળ્યાં, ગાંધીજી અને જે. કૃષ્ણમૂર્તિને પણ મળ્યાં. દિલપૂર્વક ભારતભ્રમણ કર્યું. તેઓ ભારતના પ્રેમમાં પડી ગયાં. એમને તીવ્રતાથી અનુભૂતિ થઈ કે મારું આધ્યાત્મિક ઘર તો ભારત જ છે. એક વાર એમનો ભેટો ભગવતીપ્રસાદ મિશ્રા નામના ફિલ્મ નિર્માતા સાથે થઈ. એમણે યુઝનીને 'એરેબિયન નાઇટ્સ' નામની મૂંગી ફિલ્મમાં હિરોઇન બનાવી. આ ફિલ્મના હીરો કોણ હતા, જાણો છો? પૃથ્વીરાજ કપૂર! ફિલ્મી દુનિયામાં તેમને નવું નામ આપવામાં આવ્યું - ઇન્દ્રાદેવી. બસ, ત્યારથી તેઓ આજીવન ઇન્દ્રાદેવી બની રહ્યાં.
ભારતમાં રહીને તેઓ ભારતીય શાસ્ત્રીય નૃત્ય, થિયોસોફી અને યોગનો અભ્યાસ કરવા લાગ્યાં. ખૂબ કઠિન ગણાતા હઠ યોગમાં કુશળતા મેળવી. દરમિયાન ચેકોસ્લોવેકિયાના કોન્સ્યુલેટ જ્હોન સ્ટ્રકાટી સાથે એમનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. આધુનિક યોગના પિતામહ ગણાયેલા ટી. કૃષ્ણામાચાર્યના મૈસૂરના આશ્રમમાં આઠ મહિના આકરો યોગાભ્યાસ કર્યો. કૃષ્ણામાચાર્યે જ એમને પછી કહ્યું, 'આપ પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને ત્યાંની મહિલાઓમાં યોગનો પ્રચાર-પ્રસાર કરો.' ઇન્દ્રાદેવીએ ગુરૂની આજ્ઞા માથે ચડાવી. ચીન શિફ્ટ થયેલા પતિ પાસે જઈને સ્થાનિક રાજદ્વારીઓ માટે યોગના વર્ગ શરૂ કર્યા. પતિના નિધન બાદ સાતેક વર્ષ બાદ, ૧૯૪૮માં, હોલિવુડનું પિયર ગણાતા અમેરિકાના લોસ એન્જલસ શહેર ગયાં.
તે જમાનામાં અમેરિકનો માટે યોગ સમજણ બહારની વસ્તુ હતી. યોગને તેઓ કશીક ભેદી ક્રિયા માનતા. યોગ માટે તેમના મનમાં જાતજાતની શંકાઓ હતી. કોઈ એવું માનતા કે યોગ એટલે ભયંકર કરતબબાજી, જેમ કે આખેઆખી તલવાર મોઢામાં નાખીને ગળી જવી! ંકોઈ વળી યોગને અતિશય કઠોર તપસ્યા તરીકે જોતા. એવું કહેવાય છે કે ઇન્દ્રાદેવીએ યોગ વિશે વકતવ્યો આપવાની શરૂઆત કરી ત્યારે અમુક અમેરિકનોએ માની લીધું કે આ માનુની યોગર્ટ (દહીં) વિશે વાત કરી રહ્યાં છે!
બીજા વિશ્વયુદ્ધને કારણે પશ્ચિમની પ્રજા ખળભળી ઉઠી હતી. એમને માનસિક શાંતિ જોઈતી હતી. આવી સ્થિતિમાં એક વાત ઇન્દ્રાદેવી તરત પામી ગયાં: જો મારે આ દેશમાં યોગનો સફળતાપૂર્વક પ્રચાર-પ્રસાર કરવો હશે તો વગદાર લોકોને, સેલિબ્રિટીઓને વિશ્વાસમાં લીધા વગર ચાલવાનું નથી. ધીમે ધીમે, આયોજનપૂર્વક ઇન્દ્રાદેવી હોલિવુડના કલાકારો સાથે નિકટતા વધારતાં ગયાં. એમણે પોતાની શીખવવાની પદ્ધતિમાં હોલિવુડના સેલિબ્રિટીઓને અનુકૂળ આવે તે રીતે ફેરફાર કર્યાં.
ઇન્દ્રાદેવીનો ઈરાદો શુદ્ધ હતો. યોગની દિવ્યતા અમેરિકનોને ન સ્પર્શે તેવું કેવી રીતે બને? એક્ટ્રેસ ગ્લોરિયા સ્વેન્સન હોલિવુડમાં ઇન્દ્રાદેવીની સૌથી નિકટની બહેનપણી અને સમર્પિત યોગ-સાધક બની. ગ્લોરિયા સ્વેન્સન એટલે ત્રણ ઓસ્કર જીતી ચૂકેલી યાદગાર ફિલ્મ 'સનસેટ બુલેવાર્ડ'ની હિરોઇન. યોગને હોલિવુડનાં ઉચ્ચ વર્ગ સુધી પહોંચાડવામાં ગ્લોરિયાએ મોટી ભૂમિકા ભજવી. દંતકથારૂપ અભિનેત્રી ગ્રેટા ગાર્બો સહિત કેટલાંય હોલિવુડ સ્ટાર્સ ક્રમશ: યોગાભ્યાસ કરવા લાગ્યાં. ઇન્દ્રાદેવી પોતાનાં લખાણોમાં યોગાભ્યાસ હોલિવુડની સેલિબ્રિટીઓની લાઇફ સ્ટાઇલનો હિસ્સો કેવી રીતે બની ગયો છે તેના વિશે ઝીણવટભેર લખતાં. જનતા પોતાનાં ફેવરિટ હીરો-હિરોઈનોની જીવનશૈલી અને આદતોમાંથી શક્ય એટલું અપનાવવા માટે તત્પર રહેતી હોય છે. ઇન્દ્રાદેવીએ આસનો, પ્રાણાયામ અને શિસ્તબદ્ધ આહાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. યોગ એ કોઈ ગૂઢ કે ધાર્મિક વિષય નથી, બલ્કે યોગ તો આંતરિક અને બાહ્ય સુંદરતા તથા માનસિક શાંતિ પામવાનું એક વ્યવહારુ માધ્યમ છે તેવું પશ્ચિમની પ્રજાને સમજાવવામાં ઇન્દ્રાદેવી સફળ રહ્યાં. કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં મોટું માથું ગણાતાં એલિઝાબેથ આર્ડન નામનાં મહિલાને યોગાભ્યાસથી એટલો ફાયદો થયો કે એમણે પોતાના લક્ઝરી સ્પાની જુદી જુદી વિધિઓમાં યોગાસનોને પણ સામેલ કર્યાં. હોલિવુડમાં યોગાભ્યાસ ફેશનેબલ અને સન્માનજનક વિધિ બનતો ગયો.
ઇન્દ્રાદેવી ભારપૂર્વક કહેતાં કે, 'યોગ એ કોઈ ધામક પ્રક્રિયા નથી, યોગ તો સર્વાંગી સ્વાસ્થ્ય મેળવવાનો માર્ગ છે. હું કોઈ પરંપરાગત ધર્મમાં માનતી નથી. જે કંઈ છે તે ઈશ્વર અને મારી વચ્ચે છે... યોગ તો મુક્તિ મેળવવાનો માર્ગ છે. મનુષ્યની પૂર્ણ મુક્તિ પોતાની જાતને શોધવામાં રહેલી છે. સ્વતંત્રતા એટલે સાંકળો વિના, બંધનો વિના જીવવું.'
ઇન્દ્રાદેવીને અમેરિકામાં 'ફર્સ્ટ લેડી ઓફ યોગા'નું બિરુદ મળ્યું. તેમણે 'ફોરએવર યંગ, ફોરએવર હેલ્ધી' (૧૯૫૩) નામનું પુસ્તક લખ્યું છે. પશ્ચિમમાં યોગને લોકપ્રિય બનાવવામાં આ પુસ્તકનો મહત્ત્વનો ફાળો છે. આ પુસ્તકમાં યોગને લાંબા સમય સુધી યુવાન રહેવા અને સર્વાંગી સ્વાસ્થ્ય મેળવવા માટેની એક સૌમ્ય, કુદરતી પદ્ધતિ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. શીર્ષકનું સબટાઇટલ જ એકદમ ચોટડુક છે- 'સિમ્પ્લીફાઇડ યોગા ફોર મોડર્ન લિવિંગ'. ઇન્દ્રાદેવીએ યોગની પ્રાચીન પદ્ધતિઓને ઘરગથ્થુ બનાવી દીધી કે જે કામધંધો કરતા પુરૂષો અને ગૃહિણીઓ પણ આસાનીથી અપનાવી શકે, અને માનસિક તાણથી બચી શકે. તેઓ કહેતાં કે આસન, ધ્યાન અને પ્રાણાયામના નિયમિત અભ્યાસ વગર ધાર્યું પરિણામ મળે જ નહીં. ખોરાક પૌષ્ટિક જોઈએ, મસાલેદાર નહીં. કોફી જેવા જ્ઞાનતંતુઓને ઉત્તેજિત કરી દેતાં દ્રવ્યોથી દૂર રહેવાનું.
ઇન્દ્રાદેવીના જીવન પર 'ધ ગોડેસ પોઝ: ધ ઓડેશિયસ લાઈફ ઓફ ઇન્દ્રાદેવી' નામનું પુસ્તક લખાયું છે. તેમાં લેખિકા મિશેલ ગોલ્ડબર્ગ કહે છે કે, ઇન્દ્રા દેવીમાં એક અદભુત આવડત હતી - ઇતિહાસમાં મોટાં પરિવર્તનો આવી રહ્યાં હોય બરાબર તે જ વખતે અને એ જ જગ્યાએ હાજર રહેવાની! પછી તે રશિયન ક્રાંતિ હોય કે ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ હોય કે હોલિવુડનો સુવર્ણકાળ હોય - દરેક જગ્યાએ આસપાસના વાતાવરણને ઇન્દ્રાદેવી પોતાની યોગના પ્રચાર-પ્રસારના મિશન સાથે જોડી દેતાં.
ઇન્દ્રાદેવીના સમકાલીન યોગીઓને બે પ્રકારોમાં વહેંચી શકાય. એક, જેણે પશ્ચિમમાં યોગની ફિલોસોફી રજૂ કરી. જેમ કે, સ્વામી વિવેકાનંદ, 'ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી' જેવા સુપરહિટ પુસ્તકના લેખક પરમહંસ યોગાનંદ વગેરે. બીજો પ્રકાર એવા યોગીઓનો, જેમણે પશ્ચિમને યોગાસનો શીખવ્યા. જેમ કે ટી. ક્રિષ્નામાચાર્ય અને એમનાં શિષ્યો. આ શિષ્યો એટલે, લેખની શરૂઆતમાં નોંધ્યું તેમ, બી.કે.એસ. આયંગર, કે. પટ્ટભિ જોઇસ અને ઇન્દ્રાદેવી. આ સૌએ પશ્ચિમમાં જે બીજ વાવ્યાં હતાં તેમાંથી જ આજની મલ્ટિ-બિલિયન ડોલરની વેલનેસ ઇન્ડસ્ટ્રી વિશાળ વટવૃક્ષ જેમ ઊગી છે, ને વિકસી છે.


