- વાત-વિચાર-શિશિર રામાવત
- 'દુનિયાના લગભગ અડધોઅડધ વિજ્ઞાાનીઓ અને ઇજનેરો આજે માણસોનું નિકંદન કાઢી નાખવાના નવા નવા નુસ્ખા શોધવામાં ગરકાવ છે. પોતે શું બનાવી રહ્યા છે અને તેનાં કેવાં પરિણામો આવશે, તેની એમને કશી પડી નથી.'
હજુ એકાદ-બે દિવસ પહેલાંની જ વાત. જપાનના ચીફ કેબિનેટ સેક્રેટરીએ જાહેર કર્યું કે ના, જપાન ન્યુક્લિયર શસ્ત્રો વસાવશે તે વાત ખોટી. જપાને દાયકાઓ પહેલાં ન્યુક્લિયર શસ્ત્રોથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો, ને આ નિર્ણય પર દેશ આજે પણ દઢ છે. આવી ઘોષણા કેમ કરવી પડી? કેમ કે જપાનના એક અનામી સુરક્ષા અધિકારીએ સૂચન કરેલું કે જે રીતે જપાન સામે ખતરા ઊભા થઈ રહ્યા છે - ખાસ કરીને ચીન અને નોર્થ કોરિયા તરફથી - તે જોતાં જપાન પાસે આત્મસુરક્ષા માટે ન્યુક્લિયર વેપન્સ હોવાં જોઈએ. આ ઘટનાક્રમને કારણે જપાનમાં ફરી ચર્ચાએ જોર પકડયું છે કે આપણે દાયકાઓથી જે ત્રણ નોન-ન્યુક્લિયર સિદ્ધાંતોને પકડીને બેઠા છીએ તે વિશે પુનર્વિચાર કરવાની જરૂર છે કે નહીં?
શું છે આ 'ત્રણ નોન-ન્યુક્લિયર' સિદ્ધાંતો? જોઈએ. બીજા વિશ્વયુદ્ધના અંત તરફ, ૬ અને ૯ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ, અમેરિકાએ જપાનનાં બે શહેરો અનુક્રમે હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ઝીંકી દીધા હતા. દોઢથી અઢી લાખ જપાનીઓ કમોતે મર્યા. બાર વર્ષ બાદ, ૧૯૬૭માં જપાનના તત્કાલીન પ્રાઇમ મિનિસ્ટર ઇસાકો સાટોએ મહત્ત્વની ઘોષણા કરી, જે 'થ્રી નોન-ન્યુક્લિયર પ્રિન્સિપલ્સ' તરીકે જાણીતી થઈ. આ સિદ્ધાંતો એટલે- (૧) ન્યુક્લિયર શસ્ત્રો ધરાવવા નહીં, એટલે કે બીજા દેશો પાસેથી ખરીદવા નહીં, (૨) ન્યુક્લિયર શસ્ત્રો બનાવવા નહીં, (૩) ન્યુક્લિયર શસ્ત્રોને જપાનનાં પરવાનગી આપવી નહીં. ૧૯૭૧માં આ ત્રણ સિદ્ધાંતોએ જપાનની ઓફિશિયલ પોલિસીનું સ્વરૂપ ધારણ કર્યું.
* * *
૧૯૪૫માં હિરોશીમા અને નાગાસાકીનો વિનાશ જોઈને દુનિયા ધૂ્રજી ઉઠી હતી. એક એટમ બોમ્બ કેટલી હદે વિનાશ વેરી શકે છે તે દુનિયાએ પહેલી વાર જોયું. મહાન વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહેલું, 'જો મને આવી ખબર હોત તો, તો મેં કદી આમાં (અણુ-વિભાજનમાં) સાથ આપ્યો ન હોત. આમાં મારી નૈતિક જવાબદારી છે. યેસ, આઇ પ્રેસ્ડ ધ બટન.'
હેનેસ આલ્ફવેન નામના નોબલ પોરિતોષિક વિજેતા ભૌતિક વિજ્ઞાાનીએ સરસ વાત કરી હતી. એમણે કહેલું, 'શબ્દનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, પ્રામાણિક ઉપયોગ થવો જોઈએ, નહીં તો તે ભારે અનર્થકારી અને ગેરમાર્ગે દોરનારો સાબિત થાય. 'અણુશસ્ત્રો' - એમ કહેવું એ શબ્દનો આવો અનર્થકારી અને ખોટો ઉપયોગ છે. તેનાથી એવી છાપ પડે છે કે જાણે આ શસ્ત્રો અગાઉનાં શસ્ત્રોની જેવાં જરા જુદા પ્રકારનાં ને વધુ શક્તિશાળી શસ્ત્રો છે. લોકોના મનમાં આની સાથે કદાચ ઝળાંહળાં થતા બખ્તર સાથે લડતા શૂરવીર લડવૈયાનું ચિત્ર ઊભું થતું હશે. પરંતુ એક બોમ્બ નાખીને સ્ત્રીઓ ને બાળકો સહિત લાખો નિર્દોષ નાગરિકોનું નિકંદન કાઢી નાખવું અથવા તો એમને રિબાવી-રિબાવીને મારવા, માનવ-સંસ્કૃતિનો વિનાશ કરવો, અનેકાનક વિઘાતક અસરો જન્માવતું ઝેર સૃષ્ટિમાં ફેલાવી દેવું - આમાં લગીરે શૂરવીરતા કે પરાક્રમ નથી. એટલે આને 'શસ્ત્રો' નહીં પણ ચહહૈરૈનર્ચાજિ (એનિહિલેટર્સ) - નિકંદન કાઢી નાખનારાં 'સત્યાનાશકો' કહેવાં જોઈએ.'
વિજ્ઞાાન સ્વયં તટસ્થ છે. વિજ્ઞાાનની તાકાતનો ઉપયોગ વિકાસ માટે કરવો કે વિનાશ માટે કરવો તે માણસે નક્કી કરવાનું છે. ખરેખર તો હિરોશીમા-નાગાસિકાના વિધ્વંસ પછી અણુશસ્ત્રો બનાવવાની પ્રવૃત્તિ પર ચોકડી મૂકાઈ જવી જોઈતી હતી. દુર્ભાગ્યે એવું બન્યું નહીં. અણુશસ્ત્રો બનતાં જ રહ્યાં. ભૌતિકશાસ્ત્રનું નોબલ પ્રાઇઝ જીતનારા માર્ટિન રાઇલ નામના વિજ્ઞાાનીએ કહેવું પડયું કે, 'દુનિયાના લગભગ અડધોઅડધ વિજ્ઞાાનીઓ ને ઇજનેરો આજે માણસોનું નિકંદન કાઢી નાખવાના નવા નવા નુસ્ખા શોધવામાં ગરકાવ છે. પોતે શું બનાવી રહ્યા છે અને તેનાં કેવાં પરિણામો આવશે, તેની એમને કશી પડી નથી. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી મેં એમ નક્કી કરેલું કે હવે પછી હું કદાપિ મારા વૈજ્ઞાાનિક જ્ઞાાનનો લશ્કરી હેતુઓ માટે ઉપયોગ કરીશ નહીં. મેં એમ માનેલું કે ખગોળશાસ્ત્ર એવું વિજ્ઞાાન છે, જેને લશ્કરી હેતુ સાથે કશો સંબંધ નહીં હોય... પરંતુ આજે હું જોઉં છું કે રેડિયો એસ્ટ્રોનોમી વિષયક અમારી શોધોનો પણ લશ્કરી હેતુસર વિકૃત ઉપયોગ જ થઈ રહ્યો છે. પરિણામે મારી વૈજ્ઞાાનિક કારકિર્દીના અંત સમયે આજે હું એમ અનુભવ્યા વિના રહી શકતો નથી કે ૧૯૪૬માં હું એક ખેડૂત બની ગયો હોત તો બહેતર હતું...'
જપાનની તારાજી જોયા પછી ગાંધીજીનો અહિંસાના સિદ્ધાંત પર ભરોસો વધારે મજબૂત થયો હતો. તેમણે કહેલું, 'જે અદભુત શોધો આજકાલ હિંસાના ક્ષેત્રમાં થઈ રહી છે, તે જોઈને આપણે આભા થઈ જઈએ છીએ. પરંતુ હું ભારપૂર્વક કહું છું કે, તેના કરતાંય વધારે અકલ્પ્ય અને અશક્ય લાગતી શોધો અહિંસાના ક્ષેત્રમાં થશે. કોઈ પણ માણસને અહિંસાનો અનુભવ થઈ શકે છે. એટલે કે, અહિંસાનું આચરણ વિજ્ઞાાનશુદ્ધ છે. અહિંસાનો અપવાદ વિનાનો કાયદો શોધનારા ઋષિમુનિઓ પોતે મહાન યોદ્ધા હતા. જ્યારે તેમણે આયુધબળની તુચ્છતાને જોઈ લીધી, જ્યારે તેમણે મનુષ્ય-સ્વભાવનો સાક્ષાત્કાર કર્યો, ત્યારે તેઓ આ હિંસામય જગતમાં અહિંસાના નિયમને જોઈ શક્યા. આ ઋષિમુનિઓ ન્યુટન કરતાં મહાન વિજ્ઞાાનીઓ હતા તથા વેલિંગ્ટન કરતાં મહાન યોદ્ધાઓ હતા.'
* * *
હિરોશીમા અને નાગાસાકીનો વિધ્વંસ પછી પણ નઠારી માણસજાતે અનેકગણા વધારે ઘાતક ન્યુક્લિયર શસ્ત્રો બનાવ્યાં જ. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા-રશિયા વચ્ચે કોલ્ડ વોર ફાટી નીકળ્યું હતું. બન્ને દેશોએ એકએકથી ચડિયાતાં ન્યુક્લિયર વેપન્સ બનાવ્યાં. ૧૯૮૭માં દુનિયામાં કેટલાં ન્યુક્લિયર વોરહેડ્સ હતા, જાણો છો? ૭૦,૦૦૦ કરતાંય વધારે. આટલાં ન્યુક્લિયર શસ્ત્રોથી સમગ્ર પૃથ્વીનો એક નહીં અનેક વાર સફાયો થઈ જાય. જોકે ૧૯૮૦ના દાયકાના અંતમાં કોલ્ડ વોર પર પૂર્ણવિરામ મૂકાયા પછી ન્યુક્લિયર શસ્ત્રોની સંખ્યા ઘટવા લાગી. આજની તારીખે આ નવ દેશો પાસે ન્યુક્લિયર શસ્ત્રો હોવાનું મનાય છે: અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને નોર્થ કોરિયા. ૨૦૨૫ના ઓફિશિયલ આંકડા પ્રમાણે, આ નવ દેશો કુલ ૧૨,૨૦૦થી ૧૨,૪૦૦ ન્યુક્લિયર શસ્ત્રો ધરાવે છે. ભારત પાસે ૧૮૦, પાકિસ્તાન પાસે ૧૭૦ અને રશિયા-અમેરિકા પાસેે સૌથી વધારે અનુક્રમે ૪૩૦૦ અને ૩૭૦૦ અણુશસ્ત્રો છે.
વિશ્વમાં સૌથી છેલ્લે નોર્થ કોરિયાએ ૨૦૧૭માં અણુવિસ્ફોટ અથવા કહો કે અણુપરીક્ષણ કર્યું હતું. તેની પહેલાં ભારત અને પાકિસ્તાને ૧૯૯૮માં ન્યુક્લિયર એક્સપ્લોઝિવ ટેસ્ટ્સ કરેલા. રશિયા-અમેરિકાએ અનુક્રમે ૧૯૯૦ અને ૧૯૯૨ પછી, અને ચીને ૧૯૯૬ પછી આ મામલામાં શાંતિ રાખી છે. હાલ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રિટી (સીટીબીટી, ૧૯૯૬) હેઠળ બંધાયેલા આ નવેનવ દેશો આ સંધિનું પાલન પણ કરી રહ્યા છે. કમસે કમ ઓફિશિયલી તો ખરા જ.
અણુશસ્ત્રોનું પરીક્ષણ સદંતર બંધ કરવા માટે બાવન નોબલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાાનિકોએ સંયુક્તપણે નિવેદન આપ્યું હતું. અરે, ૧૯૯૮માં ભારત-પાકિસ્તાનમાં અણુ-પરીક્ષણો થયાં તે પછી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કુલ ૬૩ નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું. તેમાં લખ્યું હતું કે, 'આ નિવેદન પર સહી કરનારા અમે બધાં કંઈ પંડિતો કે સિદ્ધાંતવાદીઓ કે આદર્શવાદીઓ નથી. અમે અમારી જિંદગીનાં ઘણાં બધાં વરસો શસ્ત્રાસ્ત્રોનો જ જેમાં મુખ્ય ઉપયોગ કરવાનો છે, એવી કારકિર્દીમાં ગાળ્યાં છે... અમારો દઢ મત છે કે અણુ શસ્ત્રાસ્ત્રો દક્ષિણ એશિયાના આખા વિસ્તારમાંથી તેમજ સમસ્ત પૃથ્વીમાંથી નેસ્તનાબૂદ થઈ જવાં જોઈએ. અમને પાકી ખાતરી છે કે ઝઘડાઓ ઉકેલવાનો શ્રેષ્ઠ ઉપાય શાંતિમય વાતચીત અને સમાધાન જ છે, યુદ્ધ નથી - અને તેમાંય અણુ શસ્ત્રાસ્ત્રોની ધમકી કે ઉપયોગ તો નથી જ નથી.'
સમયની સાથે ભલભલા ઘા રુઝાઈ જતા હોય છે. જપાનની નવી પેઢીના નાગરિકો અને કેટલાક રાજકારણીઓ માટે માટે હિરોશીમા-નાગાસાકીની કરૂણાંતિકા હવે ફક્ત ઇતિહાસનો હિસ્સો છે. તેઓ માને છે કે જપાન પાસે ન્યુક્લિયર શસ્ત્રો હોવાં જોઈએ - પ્રહાર કરવા માટે નહીં, પણ સ્ટ્રેટેજિક ટૂલ તરીકે. ૨૦૧૯માં જપાનમાં દેશવ્યાપી સર્વે થયો હતો. ૬૬થી ૭૫ ટકા જપાનીઓનો મત હતો કે જપાને ટ્રિટી ઓન ધ પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન્સ (એટલે કે આખી દુનિયામાં અણુશસ્ત્રો પર પ્રતિબંધ મૂકતી સંધિ) પર સહી કરવી જોઈએ.
જ્યાં સુધી માણસ ભીતરથી બદલાતો નથી ત્યાં સુધી કશું જ બદલાતું નથી, બદલાશે પણ નહીં. નઠારો માણસ વિનાશ વેરતો રહેવાનો છે. સ્વામી આનંદે એટલે જ પોતાની લાક્ષાણિક શૈલીમાં કશેક લખેલું કે, 'અણુ-પ્રયોગમાં તો નથી હારજીત કે નથી નાઠાબારી. તેમાં તો તમે સવાયા હો કે સામેવાળો, બેઉએ એકી સાથે એકબીજાને ગળે વળગીને ઇયળ-અળશિયાંના મોતે મરી જ રહેવાનું છે.'


