- વાત-વિચાર-શિશિર રામાવત
- કારને સહેજ દૂર સાઇડમાં પાર્ક કરીને, મેનીક્યોર કરેલી આંગળી પર કાળું ટપકું મૂકાવીને વોટિંગ કરતી શહેરની આધુનિકાઓ કે સાડલાનો છેડો માથા પર ખેંચીને મતદાન કરતી ગામડાગામની મહિલાઓનાં દ્રશ્યો આજે સર્વસામાન્ય છે, પણ આ સ્થિતિ હંમેશાં નહોતી. દુનિયાભરના દેશોમાં સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર પુરુષો કરતાં મોડો મળ્યો છે.
ત્રણ રાજ્યો અને એક યુનિયન ટેરેટરીમાં વિધાનસભાની ચૂંટણીઓ તાજેતરમાં પૂરી થઈ. ચોથા રાજ્યમાં - પશ્ચિમ બંગાળમાં - ૨૩ અને ૨૯ એપ્રિલે ચૂંટણી યોજાશે. આ પાંચમાંથી ત્રણ પ્રદેશોમાં પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધારે છે - તમિલનાડુમાં ૫૦.૮ ટકા, કેરળમાં ૫૧.૩ ટકા અને પોડુંચેરીમાં ૫૩.૧ ટકા. આસામમાં સ્ત્રી-પુરુષ મતદારોની સંખ્યા એકસરખી છે - ૫૦-પ૦ ટકા, જ્યારે એક માત્ર બંગાળમાં મહિલા મતદારોનો અનુપાત થોડોક ઓછો છે - ૪૯.૧૮ ટકા. આ પાંચેય પ્રદેશોમાં કુલ મતદારોની સંખ્યા ૧૮.૫૪ કરોડ છે, જેમાંથી ૯.૩૦ કરોડ (અથવા ૫૦.૧૬ ટકા) મહિલા મતદારો છે.
કારને સહેજ દૂર સાઇડમાં પાર્ક કરીને, મેનીક્યોર કરેલી આંગળી પર કાળું ટપકું મૂકાવીને વોટિંગ કરતી શહેરની આધુનિકાઓ કે સાડલાનો છેડો માથા પર ખેંચીને મતદાન કરતી ગામડાગામની મહિલાઓનાં દ્રશ્યો આજે સર્વસામાન્ય છે, પણ આ સ્થિતિ હંમેશાં નહોતી. દુનિયાભરના દેશોમાં સામાન્યતઃ સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર પુરુષો કરતાં મોડો મળ્યો છે. આ વિશે વિગતે વાત કરવા જેવી છે.
સ્ત્રીઓને મતાધિકાર આપનાર દુનિયાનો સૌથી પહેલો દેશ ન્યુઝીલેન્ડ છે. ૧૮૯૩માં, એટલે કે આજથી લગભગ ૧૩૩ વર્ષ પહેલાં, બ્રિટીશરોના તાબા હેઠળના ન્યુઝીલેન્ડમાં કાયદો બનાવવામાં આવ્યો કે સ્ત્રી મતદાન કરી શકશે, પણ પાર્લામેન્ટની ચૂંટણી લડી નહીં શકે! પછીના વર્ષે, ૧૮૯૪માં ઓસ્ટ્રેલિયાએ કાયદો બનાવ્યો કે સ્ત્રીઓ મતદાન પણ કરી શકશે અને પાર્લામેન્ટની ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાવી શકશે.
સ્ત્રીઓ અને પુરુષો બન્નેને એકસાથે મતાધિકાર આપનાર ફિનલેન્ડ દુનિયાનો પહેલો દેશ બન્યો, ૧૯૦૬માં. સ્ત્રીઓને મતાધિકાર પ્રદાન કરનાર આ પહેલો યુરોપિયન દેશ હતો. દુનિયાની સૌથી પહેલી મહિલા સાંસદ પણ ફિનલેન્ડની વતની હતી (૧૯૦૭). ઈંગ્લેન્ડે ૧૯૨૮માં, સ્પેને ૧૯૩૧માં, સ્વતંત્રતા-સમાનતા-બંધુત્વનો નારો આપનારા ફ્રાન્સે છેક ૧૯૪૪માં અને ઇટાલીએ ૧૯૪૫માં પોતાની મહિલા નાગરિકોને મતાધિકાર આપ્યો હતો. મહિલાઓને મતાધિકાર પ્રદાન કરનાર છેલ્લો યુરોપિયન દેશ સ્વિત્ઝર્લેન્ડ હતો. આ ગ્લેમરસ બર્ફીલા દેશમાં છેક ફેબુ્રઆરી-૧૯૭૧માં સ્ત્રીઓને રાઇટ-ટુ-વોટ મળ્યો. અગાઉ ૧૯૫૯માં મહિલાઓને મતાધિકાર આપવો જોઈએ કે નહીં તે માટેનો જનમત લેવામાં આવ્યો હતો ત્યારે ૬૭ ટકા સ્વિસ પુરુષોએ અભિપ્રાય આપ્યો હતો કે ના, સ્વિસ મહિલાઓને મતાધિકાર આપવાની કશી જરૂર નથી! અમેરિકન મહિલાઓ ૧૯૨૦થી વોટ આપતી થઈ.
ભારતમાં મહિલાઓના મતાધિકારનો ઇતિહાસ શો છે? આ સંદર્ભમાં સૌથી પહેલાં તો આ બે અંગ્રેજ અધિકારીઓને યાદ કરવા જોઈએ - લોર્ડ એડવિન મોન્ટેગ્યુ, કે જે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા હતા અને બીજા, લોર્ડ ચેમ્સફોર્ડ કે જે તે સમયના વાઇસરોય હતા. ભારતમાં તે વખતે સ્વરાજની માગણી વધુ ને વધુ ઊંચા અવાજે થવા માંડી હતી. આની પ્રતિક્રિયામાં ઉદારમતવાદી મોન્ટેગ્યુએ બ્રિટિશ કેબિનેટ સામે 'ધ ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ ફ્રી ઇન્સ્ટિટયુશન ઇન ઇન્ડિયા વિથ અ વ્યુ ટુ અલ્ટિમેટ સેલ્ફ ગવર્મેન્ટ', એટલે કે સાદી ભાષામાં, ભારતમાં સંપૂર્ણ સ્વરાજ સ્થપાય તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે સ્વતંત્ર રાજકીય સંસ્થાઓની સ્થાપનાની શરૂઆત કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
લંડનમાં બેઠેલા રાજકારણીઓને, ખાસ કરીને લોર્ડ કર્ઝનને મોન્ટેગ્યુનો આ પ્રસ્તાવ કડવો લાગ્યો. મોન્ટેગ્યુનો પ્રસ્તાવ માન્ય ન થયો, લોર્ડ કર્ઝને રજૂ કરેલો વૈકલ્પિક પ્રસ્તાવ સ્વીકારાઈ ગયો. લોર્ડ કર્ઝને પોતાના પ્રસ્તાવમાં સેલ્ફ-ગવર્મેન્ટ (સ્વરાજ)ની નહીં, પણ માત્ર ગવર્મેન્ટની વાત કરી હતી. આ રીતે ભારતમાં બાઇકેમેરલ (દ્વિપક્ષી) સેન્ટ્રલ લેજિસ્લેચરની સ્થાપના થઈ, જેમાં થોડાક ભારતીય મિનિસ્ટરોની નિમણૂક પણ કરવામાં આવી. આપણી આજની લોકસભા અને રાજ્યસભાનાં બીજ આ રીતે રોપાયાં. મોન્ટફોર્ડ રિફોર્મ્સ (યા તો મોન્ટફોર્ડના સુધારા, ૧૯૧૭) અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ (૧૯૧૯) અનેક રીતે મહત્ત્વપૂર્ણ સાબિત થયા.
આપણે આજે જેમ પાસવર્ડમાં ઘણીવાર પહેલાં ચાર અક્ષર નામના અને છેલ્લા ચાર અક્ષર અટકના વપરાય છે તેમ 'મોન્ટફોર્ડ' શબ્દ પણ બે અલગ અલગ ઓળખનું જોડકું છે. મોન્ટ એટલે લોર્ડ મોન્ટેગ્યુ અને ફોર્ડ એટલે લોર્ડ ચેમ્સફોર્ડ. અગાઉ નોંધ્યું તેમ, મોન્ટેગ્યુ ભારત આવ્યા ત્યારે ચેમ્સફોર્ડ ભારતના વાઇસરોય હતા. રાજકીય સુધારા લાગુ પાડતા પહેલાં તેઓ ભારતની પ્રવર્તમાન મિજાજનો ઝીણવટભર્યો અભ્યાસ કરવા માગતા હતા. કેટલીક મહિલા અગ્રણીઓને આમાં ીઓ માટે રાજકીય અધિકારોની માગણી કરવાની ફાંકડી તક દેખાઈ. સરોજિની નાયડુની નેતાગીરી હેઠળ મહિલાઓના એક પ્રતિનિધિમંડળે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ સાથે મિટીંગ કરી. કોણ કોણ હતું આ પ્રતિનિધિમંડળમાં? એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ, ડોરોથી જિનારાજાડસા, બેગમ હસરત મોહિની, ડો. જોશી, રાણી રાજવાડે, હીરાબાઈ અરદેસર ટાટા, એમની દીકરી મિથાન ટાટા, રમાબાઈ રાનડે, સરલાદેવી ચટ્ટોપાધ્યાય અને ઉમા નેહરુ.
એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ અને ડોરોથી જિનારાજાડસાએ સમય પારખીને વીમેન્સ ઇન્ડિયન અસોસિએશનની સ્થાપના કરી. આ ત્રણેય થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલી આઇરિશ મહિલાઓ હતી. આયરલેન્ડમાં તે વખતે મહિલાઓને મતાધિકાર મળી ચુકયો હતો. મતાધિકારનો જેટલો અને જેવો અધિકાર ભારતીય પુરુષોનો હશે એવો અને એટલો જ અધિકાર ભારતીય મહિલાઓને પણ મળવો જોઈએ એવા મતલબનો પત્ર લખવામાં આવ્યો, તેના પર ભારતના જુદા જુદા હિસ્સાઓમાં કાર્યરત એવી ત્રેવીસ મહિલા અગ્રણીઓની સહી લેવામાં આવી. તે પત્ર પછી મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડને સુપરત કરવામાં આવ્યો. યાદ રહે, ભારતીય મહિલાઓના રાજકીય અધિકારની માગણી ત્યારે થઈ રહી જ્યારે હજુ અમેરિકા અને યુરોપના કેટલાય દેશોની મહિલાઓને પણ મતાધિકાર અપાયો નહોતો!
એની બેસન્ટના અધ્યક્ષપદે ૧૯૧૭માં કલકત્તામાં યોજેયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની મહિલાઓના મતાધિકારની આ ડિમાન્ડ દોહરાવવામાં આવી. મુસ્લિમ લીગે ટેકો આપ્યો. આ ડિમાન્ડની પ્રતિક્રિયારૂપે પરિસ્થિતિનો તાગ મેળવવા સાઉથબોરો ફ્રેન્ચાઇઝી કમિટીના સભ્યો ૧૯૧૮માં ભારતના પ્રવાસે આવ્યા. શરૂઆતમાં તેમને એવું જરૂર લાગ્યું કે ભારતીય મહિલાઓ હજુ મતાધિકાર માટે તૈયાર નથી, પણ સમગ્રપણે તેમને મહિલાઓની આ માગણી સ્વીકાર્ય લાગી. જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીએ ભારતીય મહિલાઓના મતાધિકારને માન્યતા આપી. જોેકે લટકામાં એવું પણ ઉમેર્યું કે આ મતાધિકારનો અમલ કયારથી શરૂ કરવો તે નક્કી કરવાનો અધિકાર પ્રાંતીય વિધાનસભાનો રહેશે.
પહેલ ત્રાવણકોર-કોચીને કરી. ૧૯૨૦માં ત્રાવણકોર-કોચીન રજવાડાની સ્ત્રીઓ મત આપવાનો અધિકાર ધરાવતી ભારતની સર્વપ્રથમ મહિલાઓ બની. ૧૯૨૧માં મદ્રાસ અને બોમ્બે સ્ટેટે આ નવા સુધારાનું અનુસરણ કર્યું. ધીમે ધીમે અન્ય પ્રાંતો પણ જોડાયા. ૧૯૨૬માં કમલાદેવી ચટ્ટોપાધ્યાય મદ્રાસ લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં ઊભાં રહ્યાં. બહુ ઓછા માજનથી તેઓ હાર્યાં, પણ ચૂંટણી લડનાર ભારતની સર્વપ્રથમ મહિલા હોવાનું બહુમાન તેમના નામે નોંધાઈ ગયું! ભારતનાં સર્વપ્રથમ ચૂંટાયેલાં લેજિસ્લેટર કાઉન્સિલર ડો. મુથુલક્ષ્મી રેડ્ડી બન્યાં, ૧૯૨૭માં, મદ્રાસમાં. દેવદાસી કુપ્રથા નાબૂદ કરવામાં ડો. મુથુલક્ષ્મી રેડ્ડીનું મોટું યોગદાન છે. આ શરૂઆત હતી, ભારતીય મહિલાઓના રાજકીય યાત્રાની, જે ૧૯૬૬માં ઇંદિરા ગાંધી દેશનાં પહેલીવાર વડાંપ્રધાન બન્યાં ત્યારે ચરમસીમા પર પહોંચી ગઈ.
બાય ધ વે, સ્ત્રીઓને મતાધિકાર આપનાર દુનિયાનો સૌથી છેલ્લો દેશ કયો? સાઉદી એરેબિયા. સાઉદી મહિલાઓને સૌથી પહેલી વાર મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓમાં મત આપવાનો હક છેક ગયા દાયકામાં આપવામાં આવ્યો, ડિસેમ્બર ૨૦૧૫માં!


