Get The App

હિમાલય અને હિંમત : એવરેસ્ટ આરોહણથી એવરેસ્ટ મેરેથોન સુધી

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
હિમાલય અને હિંમત : એવરેસ્ટ આરોહણથી એવરેસ્ટ મેરેથોન સુધી 1 - image

- વાત-વિચાર - શિશિર રામાવત

- 73 વર્ષ પહેલાં કોઈ કાળા માથાના માનવીએ પહેલી વાર માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂક્યો હતો, અને 23 વર્ષ પહેલાં સર્વપ્રથમ વખત એવરેસ્ટ મેરેથોનનું આયોજન થયું હતું. હિમાલયમાં એવું તે શું છે જે માણસની સાહસવૃત્તિને ઉત્તેજિત કરી મૂકે છે? 

એક બાજુ ઉનાળાની ઋતુ પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી છે, જ્યારે બીજી બાજુ હિમાલયમાં માઉન્ટ એવરેસ્ટ આરોહણ કરવાની સિઝન જોરદાર જામી છે. આ વખતે દુનિયાભરના ૪૯૨ સાહસિકોને માઉન્ટ એવરેસ્ટ સર કરવાની કોશિશ કરવાના છે. તેઓ જુદી જુદી ૫૦ ટીમમાં વહેંચાયેલા છે. પ્રત્યેક પર્વતારોહકનો સામાન ઉપાડવા અને તેની સરભરા કરવા સરેરાશ ૧થી ૧.૫ માણસ (શેરપા) જોઈએ. એટલે સમજોને કે ૪૯૨ પર્વતારોહકો અને ૫૦૦થી ૬૦૦ શેરપાઓ, આમ ટોટલ ૧,૦૦૦થી ૧,૧૦૦ મનુષ્યપ્રાણીઓ આ સિઝનમાં માઉન્ટ એવરેસ્ટ તરફ ગતિ કરવાના છે. ગાઇડ અને શેરપાઓની બનેલી ૧૧ નેપાલીઓની પહેલી ટીમે એપ્રિલની શરૂઆતમાં આરોહણની શરૂઆત કરી હતી, અને હજુ ત્રણ દિવસ પહેલાં જ, ૧૩મી મેએ તેઓ માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચી સુધ્ધાં ગયા.  

માઉન્ટ એવરેસ્ટના આરોહણનો ઇતિહાસ ભારે રોમાંચક છે. ૧૯૫૩માં પહેલી વાર કોઈ કાળા માથાના માનવીએ હિમાલયના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂક્યો હતો. સ્કૂલના બચ્ચાઓ પણ જાણે છે કે આ સાહસ કરનારા એડમન્ડ હિલેરી અને શેરપા તેનસિંગ નોર્કે હતા, પણ યાદ રહે, તેઓ કંઈ માઉન્ટ એવરેસ્ટ ખૂંદનારા સૌથી પહેલા માણસ નહોતા. એવરેસ્ટ-આરોહણની ગતિવિધિની શરૂઆત તો જોકે છેક ૧૯૦૭માં થઈ ચૂકી હતી. તે પછીનાં વર્ષોમાં કેટલાય જાંબાઝ પર્વતારોહકોએ હિમાલયના તદ્દન વણખેડાયેલા રહી ગયેલા ભયંકર હિસ્સાઓનું ખેડાણ કર્યું, જાનના જોખમે જાતજાતના અખતરા કર્યા, ટોચ સુધી પહોંચવાના રસ્તા શોધ્યા. અમુક તો ૨૯,૦૨૯ ફૂટની ઊંચાઈ પર આવેલી ટોચથી ફક્ત ૮૭૯ ફૂટ સુધી પહોંચી ગયા હતા. જાનના જોખમે થઈ રહેલા આ બધા સંઘર્ષોને લીધે ભાવિ પર્વતારોહકો માટે એક નક્કર પૂર્વભૂમિકા તૈયાર થઈ રહી હતી, તેમનું કામ ક્રમશઃ આસાન બની રહ્યું હતું.

૮ જૂન, ૧૯૨૪ના રોજ મેલોરી અને અરવિન નામના બે હિંમતબાજ પર્વતારોહકો પોતાની અંતિમ છાવણીથી સર્વોચ્ચ શિખર તરફ જવા રવાના તો થયા, પણ ક્યારેય પાછા ન ફર્યા. તેઓ એવરેસ્ટ પર પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યા કે એવરેસ્ટ સર કરી લીધા પછી પાછા ફરતી વખતે મોતને ભેટયા તે કોઈ જાણતું નથી. એરિક શિપ્ટન નામના પર્વતારોહક પોતાના લેખમાં (જેનો અનુવાદ મહેન્દ્ર મેઘાણીએ કર્યો છે) વર્ણન કરતાં કહે છે કે આ દુર્ઘટના પછી તિબેટની સરકારે ઘણાં વર્ષ સુધી પર્વતારોહકોને એવરેસ્ટ પર ચઢવાની પરવાનગી જ ન આપી. છેક નવ વર્ષ બાદ, ૧૯૩૩માં ઔર એક ટુકડીને પરમિશન મળી. એરિક શિપ્ટન આ ટીમના સદસ્ય હતા. ટીમલીડરનું નામ હતું રટલેજ. આખી ટીમ આ વખતે જબરી કોન્ફિડન્ટ હતી, કેમ કે અગાઉની ટુકડીઓનાં અનુભવો અને તારણોનો નક્કર લાભ તેમને મળવાનો હતો. વળી, આટલાં વર્ષોમાં ટેકનોલોજી પણ ઠીક ઠીક આગળ વધી ગઈ હતી. કમનસીબે હવામાને ગરબડ કરી નાખી.

બન્યું એવું કે ૧૯૩૩માં ભારતમાં ચોમાસું વહેલું બેસી ગયેલું. હિમાલયમાં ભયંકર શિયાળુ પવન ફૂંકાતો હતો. માંડ માંડ ટીમ ૨૫,૭૦૦ ફૂટની ઊંચાઈ સુધી પહોંચી. અહીં છાવણી નાખી. હવામાન જરા અનુકૂળ થાય પછી ઔર ઉપર ચડવંુ તેવી ગણતરી હતી, પણ હાડ ગાળી નાખતા વાયરા શાંત થાય તોને? નછૂટકે અહીંથી જ પાછા વળી જવું પડયું. ૧૯૩૫માં ગયેલી નવી ટીમે એવરેસ્ટ-આરોહણની ફક્ત પૂર્વતૈયારી કરવાની હતી. કમનસીબે ૧૯૩૬માં હિમાલયમાં પુષ્કળ બરફવર્ષો થવાથી અને ચોમાસું વહેલું બેસી જવાથી પર્વતારોહકોને નિષ્ફળતા સાંપડી.

૧૯૩૮માં ઔર એક પ્રયાસ. ૨૭,૨૦૦ ફૂટની ઊંચાઈએ છાવણી નાખી શકાઈ. પછી ડાયરેક્ટ શિખર પર પહોંચવાનું હતું. મહેનતકશ શેરપાઓને જોકે ચિંતા હતી કે હવે પછી વચ્ચે એકેય છાવણી નાખ્યા વગર વચ્ચેનું ૧૮૨૯ ફૂટનું અંતર એકધારું કાપવાનું ભારે પડવાનું. વજનદાર શસરંજામ ઊંચકીને ચાલતા શેરપા ભયંકર લોથ થઈ ચૂક્યા હતા. એકને ડબલ ન્યૂમોનિયા થઈ ગયો અને બીજા એકનું ડાબું અંગ હંમેશ માટે ખોટું થઈ ગયું. એમની સારવારની વ્યવસ્થા કરીને શિપ્ટન અને સ્માઇધ નામનો સાથી બન્ને એકલા આગળ નીકળી પડયા. બન્નેની તબિયત સારી હતી, પણ બર્ફીલો પહાડ એટલો દુર્ગમ હતો એક કલાકમાં માત્ર બાર ફૂટ જ ચડી શકાતું હતું. આ ગતિએ ૧૮૨૯ ફૂટનું અંતર કાપતા કેટલો બધો સમય લાગી જાય! આગળ વધવું આપઘાત કરવા બરાબર હતું એટલે નછૂટકે પાછા વળવું પડયું.

આ અનુભવ પછી ટુકડીને એક નવું બ્રહ્મજ્ઞાાાન લાધ્યુંઃ એવરેસ્ટની ઉત્તરે આવેલી કરાડો જ એવી છે કે હવામાન સારું હોય તો પણ આરોહણ અતિ જોખમી સાબિત થાય. આથી બીજો કોઈ રૂટ શોધવો જરૂરી છે! અગાઉના રિપોર્ટ્સ તેમજ તસવીરોના અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવ્યું કે એવરેસ્ટની દક્ષિણે સાઉથ કોલ પર્વત પર પહોંચી જવાય તો ત્યાંથી પછી શિખર સુધીનો રસ્તો પ્રમાણમાં આસાન પુરવાર થાય. તકલીફ એ હતી કે તે રસ્તો નેપાળમાંથી પસાર થતો હતો અને નેપાળે વિદેશીઓ પર એવરેસ્ટ આરોહણ માટે બંદી ફરમાવી દીધી હતી.

છેક બીજા વિશ્વયુદ્ધ પછી નેપાળે નીતિનિયમો હળવા કર્યા. ૧૯૫૧માં બ્રિટનની રોયલ જ્યોગ્રાફિકલ સોસાયટી અને અલ્પાઇન ક્લબને સંયુક્તપણે નેપાળના રસ્તે એવરેસ્ટ આરોહણની શક્યતા ચકાસવાની પરમિશન મળી. આ ટીમના લીડર પણ શિપ્ટન હતા. તેમનો ઉદ્દેશ એવરેસ્ટ ચડવાનો નહીં, પણ દક્ષિણ દિશામાંથી એવરેસ્ટ સુધી પહોંચવાનો અનુકૂળ માર્ગ શોધવાનો હતો. પછીના વર્ષે એવરેસ્ટ-આરોહણની પરવાનગી ખરેખર તો આ જ ટુકડીને સૌથી પહેલાં મળવી જોઈતી હતી, એને બદલે નેપાળ સરકારે સ્વિટ્ઝર્લેન્ડની એક ટીમને આ લાભ આપ્યો. શેરપા તેનસિંગ નોર્કે આ ટીમના સભ્ય હતા, જે અગાઉ ૧૯૩૫-૧૯૩૫ તેમજ ૧૯૩૮ની બ્રિટિશ ટુકડીઓ સાથે પણ સામેલ થઈ ચૂક્યા હતા. નવા રસ્તે આગળ વધીને ૨૭,૫૦૦ ફૂટની ઊંચાઈએ તેનસિંગ અને લેમ્બર્ટ નામના પર્વતારોહક છાવણી નાખી શક્યા, એટલું જ નહીં, એમની પાસે પથારી, પીવાનું પાણી, બરફ ઓગાળવાનો સ્ટવ આમાંનું કશું જ નહોતું છતાંય અહીં રાત રોકાવાનો ખતરનાક નિર્ણય તેમણે લીધો. ભલભલો તંદુરસ્ત માણસ પૂરતી સુવિધાના અભાવમાં આટલી ઊંચાઈએ ભયંકર ઠંડીમાં ઠૂંઠવાઈને મડદું બની જાય, પણ તેનસિંગ અને લેમ્બર્ટ આખી રાત એકબીજાના હાથપગ દબાવતા ટકી ગયા. બીજે દિવસે સવારે ફરી પાછા મરણિયા બનીને ઉપર ચડયા. આખરે શક્તિનું અંતિમ ટીપું પણ ખર્ચાઈ ગયું ત્યારે ૨૮,૨૦૦ ફૂટની ઊંચાઈએથી તેઓ પાછા ફર્યા. 

વર્ષ ૧૯૫૩. ઔર એક ટુકડી, ઔર એક પ્રયાસ. જ્યાં સુધી લક્ષ્ય સુધી ન પહોંચાય ત્યાં સુધી મચ્યા રહેવાની માણસની લોખંડી વૃત્તિ જ એને સમગ્ર જીવસૃષ્ટિમાં મૂઠીઊંચેરો પુરવાર કરે છે. ૧૪ માણસોની આ ટીમના બ્રિટિશ વડા હતા, કર્નલ જોન હન્ટ. શેરપા તેનસિંગ પુનઃ આ ટીમમાં પણ જોડાયા. તેમની કુંડળીમાં માઉન્ટ એવરેસ્ટ પર વિજયધ્વજ લહેરાવનાર સૌથી પહેલા મનુષ્યનો જશ ખાટી જવાનું લખાયું હતું. એવરેસ્ટ પર ચડવાનો આ તેમનો પાંચમો પ્રયાસ હતો. ૪૨ વર્ષના તેનસિંગ નોર્કે અને ૩૪ વર્ષનો ન્યુઝીલેન્ડર એડમન્ડ હિલેરી નામનો ઔર એક ટીમમેમ્બર નવા શોધાયેલા દક્ષિણના માર્ગે ધીમે ધીમે આગળ વધીને ૨૯ મે,૧૯૫૩ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવીને અમર બની ગયા.

તેનસિંગ, હિલેરી અને જોન હન્ટ સિવાય વિજયી ટીમમાં બાકીના ૧૧ સભ્યો કોણ હતા? બ્રિટિશ લશ્કરી અફસર ચાર્લ્સ વાઇલી (૩૩ વર્ષ), વિલ્ફ્રેડ નોઇસ નામના શિક્ષક અને લેખક (૩૫ વર્ષ), જ્યોર્જ લૉ નામનો ન્યુઝીલેન્ડનો શિક્ષક (૨૮ વર્ષ), જ્યોર્જ બેન્ડ નામનો ભૂસ્તરશાનો વિદ્યાર્થી જે ટીમનો સૌથી જુવાન મેમ્બર હતો (૨૪ વર્ષ), માઇકલ વેસ્ટમેકોટ (૨૮ વર્ષ), થોમસ ર્બુદિયા નામનો રોકેટ સાયન્ટિસ્ટ, ભારત-બર્મામાં લશ્કરી કામગીરી બજાવી ચૂકેલા આલ્ફ્રેડ ગ્રગરી (૪૦ વર્ષ), ચાર્લ્સ ઇવાન્સ નામના ડોક્ટર (૩૪ વર્ષ), ટી. આર. સ્ટોબર્ટ નામના પ્રાણીશાી જે અવ્વલ દરજ્જાનો ફોટોગ્રાફર પણ હતો (૩૫ વર્ષ), માઇકલ વોર્ડ નામના ડોક્ટર (૨૮ વર્ષ) અને ગ્રિફિથ પઘ નામના સ્કીઇંગમાં વિન્ટર ઓલિમ્પિક્સ કક્ષાએ ભાગ લઈ ચૂકેલો ઔર એક ડોક્ટર. એક બાજુ તેનસિંગ-હિલેરીની પહેલાં જીવસટોસટની બાજી ખેલી ચૂકેલા પર્વતારોહકો પર ગુમનામીની ચાદર ઢંકાઈ ગઈ, તો બીજી બાજુ, તેમની ટીમના બાકીના સભ્યો હંમેશાં હાંસિયામાં ધકેલાયેલા રહ્યા. 

બાય ધ વે, ૨૯ મેના રોજ તેનસિંહ હિલેરી એવરેસ્ટ મેરેથોનની શરૂઆત થવાની છે. છેક ૨૦૦૩થી આ મેરેથોનનું આયોજન થઈ રહ્યું છે. ૧૭,૫૯૮ ફૂટ ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પથી આ ફુલ મેરેથોનની શરૂઆત થશે. દોડવીરોએ બાકાયદા ૪૨.૧૯૫ કિલોમીટર 'દોડવાનું' છે, રાધર, ઉતરાણ કરવાનું છે. ફિનિશિંગ લાઇન ૧૧,૨૮૬ ફૂટની ઊંચાઈએ નામચે બાઝાર તરીકે ઓળખાતી જગ્યાએ આવેલી છે. દોડવીરોએ મહત્તમ ૧૬ કલાકમાં ફુલ મેરેથોન પૂરી કરી લેવાની છે. બોલો, છે વિચાર?