Get The App

સોશિયલ મીડિયાના યુગમાં અટેન્શન મેનેજમેન્ટ સૌથી મજબૂત હોવું જોઈએ

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
સોશિયલ મીડિયાના યુગમાં અટેન્શન મેનેજમેન્ટ સૌથી મજબૂત હોવું જોઈએ 1 - image

- વાત-વિચાર-શિશિર રામાવત

- 'સૌથી મહત્ત્વનાં કામ સૌથી પહેલાં કરી નાખવા જરૂરી નથી. તમે ખુદ નક્કી કરો કે દિવસના કયા ભાગમાં તમારું દિમાગ સૌથી વધારે દોડે છે? દિવસમાં ક્યારે તમે સૌથી વધારે શાર્પ, એલર્ટ અને ક્રિયેટિવ હો છે? લંચટાઈમ પહેલાં? બપોરની ચા પીધા પછી? કે પછી રાત્રે?' 

'ધ બેસ્ટ પ્લેસ ટુ વર્ક: ધ આર્ટ એન્ડ સાયન્સ ઓફ ક્રિયેટિંગ અન એકસ્ટ્રાઓડનરી વર્કપ્લેસ'. આ છે, રોન ફ્રિડમેન નામના એક અવોર્ડવિનિંગ અમેરિકન સાઈકોલોજિસ્ટે લખેલા બેસ્ટસેલર પુસ્તકનું શીર્ષક. એમણે મોટી મોટી કંપનીઓ ચલાવતા દુનિયાભરના સફળ પ્રોફેશનલ્સનો સર્વો કર્યો, તેમાંના કેટલાય સાથે વાતચીત કરી અને શી રીતે ઉત્તમ પર્ફોર્મર બની શકાય તેમજ વ્યાવસાયિક જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધી શકાય તે વિશેની ટિપ્સ મેળવી. ટિપ્સ સાદી છે, પણ મજાની છે. સાંભળો: 

-  આ વાત આમ તો અનેક વાર કહેવાઈ ગયેલી છે, પણ તોય દોહરાવવા જેવી છે, કેમ કે તે ખૂબ મહત્ત્વની છે. કામ કરવા બેસો ત્યારે તમારા મોબાઈલનું ઇન્ટરનેટ કનેક્શન ઓફ કરીને ફોન દૂર મૂકી દેવો. તમારો હાથ કે નજર ન પહોંચે એટલો દૂર. જો અર્જન્ટ કોલ આવવાનો ન હોય તો ફોન મ્યુટ કરી નાખવો. આવું જ કમ્પ્યુટરનું. કામ કરતી વખતે વાઈ-ફાઈ બંધ કરી કમ્પ્યુટરને ઇન્ટરનેટથી મુકત કરી દેવાનું કે જેથી વારે ઘડીએ સોશિયલ મીડિયા પર આંટો મારવાનું કે ઈમેઈલ ચેક કરવાનું મન ન થાય. મુખ્ય મુદ્દો આ છે- આપણું અટેન્શન મેનેજમેન્ટ મજબૂત હોવું જોઈએ. 

-  વર્ષમાં બે વખત હવે પછીના છ મહિનામાં શું શું કરવાનું છે, કયાં કામ પતાવવાનાં છે, કયાં કયાં ટાર્ગેટ અચીવ કરવાનાં છે તે વિશે બબ્બે ફકરા લખો. આ લખતી વખતે આપોઆપ માનસિક સ્પષ્ટતા થતી જશે કે ધારેલા પ્રોજેકટ્સ પૂરાં કરવામાં કયા સંભવિત અવરોધો આવી શકે તેમ છે અને તે અવરોધોને ઓળંગવા માટે કેવી આગોતરી તૈયારી કરવી પડશે. આપણે સામાન્યપણે કામ પૂરું કર્યા પછી કે પરિણામ આવ્યા પછી પોસ્ટમોર્ટમ કરતા હોઈએ છીએ. અહીં પ્રી-મોર્ટમ કરવાની વાત છે.

-  કઠિન કામ હાથમાં લીધું હોય અને અધવચ્ચે અટકી પડીએ અને આગળ વધવા માટે મથવું પડે ત્યારે આપણે ફ્રેસ્ટ્રેટ થઈ જઈએ. બીજી વાર આવું કામ કરવાનું આવે ત્યારે આપણે ડરીને શરૂ જ કરતાં નથી, કામ સતત પાછળ ઠેલતા જઈએ છીએ અને સરવાળે હેરાન થઈએ છીએ. કામ પાછળ ઠેલ્યા કરવાની વૃત્તિ પર અંકુશ મેળવવા માટે  નક્કી કરો કે આ કામ પાછળ હું એક બેઠકમાં આટલો જ સમય ફાળવીશ. આ સમયગાળો વીસ મિનિટ, અડધી કલાક, પોણી કલાક કંઈ પણ હોઈ શકે. જેવી આ સમયમર્યાદા પૂરી થાય કે તરત ઊભા થઈ જવાનું. બ્રેક લઈ લેવાનો. કઠણાઈ આવે ને આગળ વધી નહીં જ શકાય એવું લાગે ત્યારે જ ઊભા થવાનું, એમ નહીં. નકકી કરેલા સમયે વિરામ લેવાથી શું થશે કે તમે જ્યારે કામ આગળ વધારવા બીજી વાર બેસશો ત્યારે આગળનો રસ્તો સ્પષ્ટ દેખાતો હોવાથી ઉત્સાહનો અનુભવ થશે અને તમે ફટાફટ આગળ વધી શકશો.

-  દિવસભર ઉત્સાહ અને એનર્જી ટકી રહે તે માટે કામની સાથે મોજ પડે તેવી કોઈ પ્રવૃત્તિને જોડી દો. જેમ કે, રોજ ઇમેઈલ વાંચવા અને  જવાબ આપવા માટે ધારો કે તમે બપોરે ત્રણથી ચાર વાગ્યાનો સમય નક્કી કર્યો છે. તો તમારી બપોરની ચા કે કોફીને આ એક કલાક સાથે જોડી દો. મસ્સાલેદાર ચા પીતા પીતા ઇમેઈલનો ઢગલો સર્ફ કરવાની મજા આવશે. વધારે એકાગ્રતાની જરૂર ન હોય એવું હળવું કામ કરતી વખતે સાથે સાથે મ્યુઝિક સાંભળી શકાય.

-  મલ્ટિટાસ્કિંગ (એકસાથે બે કે તેનાથી વધારે કામ કરવા) વિશે મતમતાંતર છે. એક થિયરી કહે છે કે મલ્ટિટાસ્કિંગ ટાળવું જોઈએ. એકસાથે બે કામ કરશો તો એકેયમાં ભલી વાર નહીં હોય. બીજી થિયરી કહે છે કે સ્માર્ટલી મલ્ટિટાસ્કિંગ કરવામાં કશો વાંધો નથી. જેમ કે, તમને સવારે વોકિંગ કે જોગિંગની આદત હોય તો કાનમાં ઇયરપ્લગ ભરાવીને મ્યુઝિક સાંભળવાને બદલેે આ અડધી-એક કલાકનો ઉપયોગ કામ સંબંધિત પ્લાનિંગ કરવામાં કે નવા આઈડિયાઝ વિચારવામાં કરી શકાય. જોગિંગ-વોકિંગ કરતી વખતે દિમાગની ઘણી નવી નવી બારીઓ ખૂલતી હોય તેવો અસંખ્ય લોકોનો અનુભવ છે. શારીરિક સાથે માનસિક પ્રવૃત્તિનું કોમ્બિનેશન કરી શકાય. હા, બે ફિઝિકલ કામ કે બે મેન્ટલ કામ એકસાથે કરવાનું ટાળવું.

-    કસરતને, ચાલવા-દોડવાની એકસરસાઈઝને તમારા રૂટિનનો હિસ્સો બનાવી દેવો ફરજિયાત છે. એક આખો કલાક ખાલી મળે તો જ ચાલવા કે જિમમાં જઈશ એવું ન વિચારો. અડધી કલાક માટે, અરે, પા કલાક માટે પણ જિમમાં જઈ શકાય છે, ચાલવા નીકળી શકાય છે. 

- રૂટિન બદલવાથી કયારેક વિચારવાની રીત કે પરિસ્થિતિને નિહાળવાની દષ્ટિ બદલાતી હોય છે. જેમ કે, તમે રોજ સવારે કોઈ ચોક્કસ પાર્કમાં ચાલવા જતા હો તો કયારેક બીજા કોઈ પાર્કમાં અથવા બીજા કોઈ રસ્તે ચાલવા જાઓ. ચાલતાં ચાલતાં એક જ પ્રકારનું સંગીત સાંભળવાને બદલે એમાંય પરિવર્તન કરો. એકધારા રુટિનથી ટેવાઈ રહેલા મનને આ રીતે ચેન્જ મળશે, એ વધારે સતર્ક અને સક્રિય બનશે.

-  આઠ કલાકની પાક્કી ઊંઘ લેવા માટે તમારે પથારીમાં કમસે કમ સાડાઆઠ કલાક વીતાવવા પડે. એકદમ કટ-ટુ-કટ સમયે પથારીમાં ન પડો. અડધી કલાક વહેલાં બેડરૂમમાં જતા રહો.

-  માત્ર 'કોન્ટેક્ટ' બનાવવાના સ્વાર્થ સાથે લોકોને ન મળો. જેમને પણ મળો તેમનામાં સાચુકલો, દિલથી રસ લો. એ વ્યક્તિને જાણો, સમજો. નેટવકગ કરવાની આ સાચી રીત છે. ઉપરછલ્લી રીતે નવા નવા લોકોને મળવાને બદલે જો આ વર્તુળ વધારશો તો નવી તકો આપોઆપ સામે આવતી જશે.

-   આપણા ખુદના વર્તન પર સતત નજર રાખવી. ખુદનું તટસ્થ રહીને મૂલ્યાંકન કરવું. તો જ બીજાઓના પ્રતિભાવ આપણે યોગ્ય રીતે સમજી શકીશું. 

-  દર વખતે સાચા જ હોવાનો આગ્રહ ન રાખવો. આવા આગ્રહથી તમારી ટીમ પર લીડર તરીકેનો તમારો પ્રભાવ ઘટે છે. ભલે કયારેક ભૂલો પણ થતી. કશો વાંધો નથી. પોતાની ટીમની સામે ભૂલ ખેલદિલીપૂર્વક કબૂલ કરવાથી તમે એમની સામે વધારે માનવીય, જેન્યુઈન અને આદરણીય બનશો.

રોન ફ્રિડમેન પુસ્તકમાં લખે કહે છે કે અનેક સંશોધનો અને પ્રયોગો પરથી પૂરવાર થયું છે કે પ્રોડક્ટિવિટી અને બોડી ડિઝાઈન વચ્ચે સીધો સંંબંધ છે. અમુક લોકોનું શારીરિક તંત્ર એવી રીતે ડિઝાઈન થયું હોય છે કે એ સવારના ભાગમાં સારામાં સારું કામ કરી શકે છે. અમુક લોકો સાંજે ખરેખરા ફોર્મમાં આવતા હોય છે. કોઈ વળી રાતના રાજા હોય છે. દિવસ ઊગે એટલે સૌથી અગત્યનાં કે સૌથી અઘરાં કામ સૌથી પહેલાં કરી નાખવાં એવો કોઈ નિયમ નથી. તમે નક્કી કરો કે દિવસના કયા હિસ્સામાં તમારું દિમાગ સૌથી વધારે દોડે છે? દિવસમાં કયારે તમે સૌથી વધારે શાર્પ, એલર્ટ અને ક્રિયેટિવ હો છે? લંચટાઈમ પહેલાં? બપોરની ચા પીધા પછી? રાત્રે? આ જવાબના આધારે કયું કામ કયારે કરવું તે નક્કી કરો.

સાચી વાત તો આ છે. આપણે કઈ રીતે અને કેવી સ્થિતિમાં સારામાં સારું કામ કરી શકીએ છીએ તે આપણે અંદરખાને જાણતા જ હોઈએ છીએ. બીજાઓની ટિપ્સ પર શા માટે આધાર રાખવો? આપણે ખુદના જાતે નિયમો બનાવવા અને તેને શિસ્તપૂર્વક વળગી રહેવું. સિમ્પલ.