- વાત-વિચાર-શિશિર રામાવત
- જે રીતે સાઉથ કોરિયા છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક સાંસ્કૃતિક સુપર પાવર તરીકે ઊભર્યું છે તે શું એક અકસ્માત છે? બિલકુલ નહીં. દક્ષિણ કોરિયા સંભવત: વિશ્વનો એકમાત્ર એવો દેશ છે, જે પોતાનાં ગીત-સંગીત-સિનેમા-સિરીયલો-ખાણીપીણીને, તે જાણે વિદેશમાં નિકાસ થઈ શકે તેવી હાઇ-ટેક ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ હોય તે રીતે બુદ્ધિપૂર્વક ટ્રીટ કરે છે.
વાત શરૂ કરી હતી ગાઝિયાબાદમાં આત્મહત્યા કરીને મૃત્યુ પામેલી ૧૨, ૧૪ અને ૧૬ વર્ષની બહેનોની. નિશ્ચિતપણે આ કન્યાઓએ ગાંડાની જેમ, કલાકોના કલાકો સુધી કોરિયન વેબ સિરીઝ જોઈ હશે. આ સિરીયલોનાં હેન્ડસમ હીરો પર તેઓ મોહિત થઈ ચૂકી હશે, હિરોઈનોની સુંદરતા જોઈને ચકિત થઈ હશે. કોરિયન પોપ પોપ સિંગર્સ પાછળ એ દીવાની હશે, એમને પોતાના આદર્શ માનતી હશે. ટૂંકમાં, આ કુમળી કન્યાઓ પર કોરિયન કલ્ચરનું ભૂત પૂરેપૂરું સવાર થઈ ચૂક્યું હશે. છેલ્લા કેટલાંક વર્ષોથી 'કોરિયન કલ્ચર' અથવા 'કોરિયન સોફ્ટ પાવર' વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. આખરે છે શું આ કોરિયન કલ્ચર?
કોરિયન પોપ્યુલર કલ્ચર માટે કોરિયન ભાષામાં હોલ્યુ (લ્લચનનએ) શબ્દ વપરાય છે. કોરિયન પોપ મ્યુઝિક (કે-પોપ), કોરિયન સિરીયલો (કે-ડ્રામા), કોરિયન મેકઅપ (કે-બ્યુટી), કોરિયન ફિલ્મો (કે-સિનેમા), કોરિયન ફેશન, કોરિયન ખાણીપીણી અને અફ કોર્સ, કોરિયન ગેમિંગ - આ બધું પોપ્યુલર કોરિયન કલ્ચરનો હિસ્સો છે. આ આખી ચર્ચામાં કોરિયા એટલે દક્ષિણ કોરિયા એ ઘ્યાનમાં રાખવું.
જે રીતે સાઉથ કોરિયા છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક સાંસ્કૃતિક સુપર પાવર તરીકે ઊભર્યું છે તે શું એક અકસ્માત છે? બિલકુલ નહીં. કોરિયા સંભવત: વિશ્વનો એકમાત્ર એવો દેશ છે, જેણે પોતાનાં ગીત-સંગીત-સિનેમા-સિરીયલો-ખાણીપીણી સાથે, તે જાણે વિદેશમાં નિકાસ થઈ શકે તેવી હાઇ-ટેક ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ હોય તે રીતે બુદ્ધિપૂર્વક વ્યવહાર કર્યો છે. કોરિયા જે ચોક્સાઈથી સેમસંગના સ્માર્ટફોન અને હ્યુંડાઈની કાર બનાવીને દુનિયાભરમાં વેચે છે, એટલી જ ચોક્સાઈથી તે પોતાની એન્ટરટેઇન્મેન્ટ અને બ્યુટી ઇન્ડસ્ટ્રીને 'ડિઝાઇન' કરે છે અને વિશ્વમાં તેની નિકાસ કરે છે.
આ સિલસિલાની શરૂઆત થઈ લગભગ ૧૯૯૭થી. દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, અને ફિલિપાઇન્સ - મુખ્યત્ત્વે આ પાંચ એશિયન દેશો તે વખતે તીવ્ર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા હતા. દક્ષિણ કોરિયાની હાલત તો એટલી ખરાબ થઈ ગઈ હતી ત્યાંની સરકારને સમજાઈ ગયું કે જો આપણે માત્ર મેન્યુફેક્ચરિંગના જોરે બેસી રહીશું તો હેરાન થઈ જવાશે. એ અરસામાં સ્ટીવન સ્પિલબર્ગની પેલી ડાયનોસોરવાળી 'જુરાસિક પાર્ક' ફિલ્મ દુનિયાભરમાં સુપરડુપર હિટ થઈ હતી. 'આધુનિક દંતકથા' કહે છે કે, 'જુરાસિક પાર્ક'ની સફળતા જોઈને કોરિયન શાસકોના દિમાગમાં બત્તી થઈ. તેમને થયું કે આપણે પંદર લાખ હ્યુંડાઈ કાર વેચીને માંડ જેટલી કમાણી કરી શકીએ છીએ એટલી કમાણી તો આ એક હોલિવુડની ફિલ્મે કરી નાખી છે! એમને 'જ્ઞાાન' લાધ્યું કે આ તો કરવા જેવું કામ છે. માત્ર કાર કે ફોન જેવી ચીજવસ્તુઓ જ નહીં, મનોરંજન પણ બનાવી-બનાવીને દુનિયાભરમાં વેચવા જેવું છે!
૧૯૯૮માં તત્કાલીન પ્રેસિડન્ટ કિમ ડે-જંુગે ખુદને 'પ્રેસિડન્ટ ઓફ કલ્ચર' એવું નામ આપ્યું. એમણે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, સ્પોર્ટ્સ એન્ડ ટુરિઝમ સ્થાપીને તેના માટે જંગી બજેટ ફાળવ્યું, કોરિયા ક્રિયેટિવ કોન્ટેન્ટ એજન્સી (ર્ણંભભછ)ની રચના કરી. આ મિનિસ્ટ્રી અને એજન્સીએ સંયુક્તપણે, સમજોને કે, કળાના વન્ચર કેપિટલિસ્ટ્સ તરીકે ભૂમિકા ભજવી. સરકારે એન્ટરટેઇનમેન્ટ કંપનીઓને ટેક્સમાં જોરદાર રાહત આપી, જેના પરિણામે કે-પોપ માટે હાઇ-ટેક રેકોર્ડિંગ સ્ટુડિયો સહિત આખી ઇકો સિસ્ટમ ઊભી થઈ. સરકારે કળાને ઉત્તેજન આપવા માટે શબ્દોના સાથિયા ન પૂર્યા, બલકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ધૂમ નાણું ઇન્વેસ્ટ કર્યું.
કોરિયા કદાચ પહેલો દેશ હતો જેણે કળી લીધું હતું કે ભવિષ્યમાં સ્થાનિક સંસ્કૃતિઓ ડિજિટલ માધ્યમોથી બેફામ વહેશે અને ભૌગોલિક સીમાઓને ઉલ્લંઘી જશે. કદાચ એટલે જ કોરિયાએ હાઇ-સ્પીડ ઇન્ટરનેટનું માળખું ઊભું કરવામાં જરાય વાર ન લગાડી. યુટયુબનો ઉદય ૨૦૦૫માં થયો, અને યુટયુબ આવ્યું તેની પહેલાં જ કેટલીય કોરિયન કંપનીઓ સમજીને બેઠી હતી કે શી રીતે હાઇ-ડેફિનેશન ડિજિટલ કોન્ટેન્ટ બનાવી શકાય ને વહેતું કરી શકાય.
એસએમ, વાયજી અને જેવાયપી જેવી કોરિયાની પ્રાઇવેટ એન્ટરટેઇન્મેન્ટ કંપનીઓએ સરકારે પૂરી પાડેલી સુવિધાઓનો ભરપૂર સદઉપયોગ કર્યો અને, સમજોને કે, પ્રતિભાઓને તૈયાર કરવાની 'ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ' જ આરંભી દીધી. પશ્ચિમમાં કે ઇવન આપણે ત્યાં ગાયક-અભિનેતા વગેરેએ સફળ થવું હોય તો બીજાં કેટલાંય પરિબળો ઉપરાંત 'લક' પર પણ બહુ આધાર રાખવો પડતો હોય છે. દક્ષિણ કોરિયા કહે: લક-બક કંઈ નહીં, તમે કે-પોપ સ્ટાર્સ તૈયાર કરો, એમને સખત ટ્રેનિંગ આપો અને જુઓ કે એમાંથી કોનામાં સ્ટાર બનવાની ને કમસે કમ દસ વર્ષ સુધી પોતાનું સ્ટારડમ ટકાવી રાખવાની તાકાત છે. આ યુવા પ્રતિભાઓને માત્ર નાચવા-ગાવાની જ નહીં, પણ મીડિયાને શી રીતે હેન્ડલ કરવું, અંગ્રેજીમાં સરસ રીતે શી રીતે બોલવું, પરફેક્ટ પબ્લિક ઇમેજ કેવી રીતે ક્રિયેટ કરવી તે પણ શીખવવામા આવ્યું. આ પોપસ્ટાર્સ એજન્સીઓ એવા માટે 'હ્યુમન પ્રોડક્ટ્સ' હતા જેમનામાં પશ્ચિમના પોપ સ્ટાર્સ જેવી ઝમક અને સોફિસ્ટિકેશન પણ હોય અને એશિયન સંસ્કારિતા પણ હોય. આજના લગભગ તમામ ટોચના કે-પોપ સ્ટાર્સ આ રીતે તૈયાર થયા છે. તેમાં બીટીએસ (બે છોકરાઓની જોડી, જેમણે ૧૩ વર્ષની ઉંમરે એજન્સી જોઈન કરી લીધી હતી), બ્લેકપિન્ક (બે છોકરીઓની જોડી, જેમને ચારથી છ વર્ષ ટ્રેનિંગ આપવામાં આવી છે ), ટ્વાઇસ, એક્સો - આ સૌનો સમાવેશ થઈ ગયો.
કોરિયન ફિલ્મો તો આ કોરિયન વેવ શરૂ થયો તે પહેલાંથી ખૂબ જોવાતી હતી. બોલિવુડમાં કોરિયન ફિલ્મોની ઉઠાંતરી પણ ખૂબ થઈ છે. કે-મ્યુઝિકની પહેલાં અથવા તો સમાંતરે કે-ડ્રામા (એટલે કે કોરિયન સિરીયલો) એક્સપોર્ટ થવા માંડી હતી. બહુ ઓછા ભાવે આ સિરીયલો વિદેશની ટીવી ચેનલોને વેચવામાં આવી, કે જેથી આંતરરાષ્ટ્રીય ઓડિયન્સને કોરિયન એક્ટર્સ તરફ આકર્ષવાની શરૂઆત કરી શકાય. દેખીતું છે કે મનગમતા એક્ટર્સ વિશે વધુ જાણવા માટે લોકોને ઉત્સુક હોય: આ એક્ટર્સ શું ખાય છે? કેવાં કપડાં પહેરે છે? કેવો મેકઅપ કરે છે?... અને અહીં એન્ટ્રી થાય છે કે-ફૂડ અને કે-બ્યુટીની. રેમયીઓન (ઇન્સ્ટન્ટ નૂડલ્સ), કિમચી (એક પ્રકારનું સુપરફૂડ), કોરિયન ફ્રાઇડ ચિકન, ટેકબોકી (એક પ્રકારની મસાલેદાર રાઇસ કેક), કોરિયન કોર્ન ડોગ્સ (જેમાં પોટેટો ક્યુબ્સ, મોઝરેલા ચીઝ વગેરેનો ઉપયોગ થાય છે) - આ બધી કોરિયન આઇટમો છે. આપણે ત્યાં કે-ફૂડ ખાસ લોકજીભે ચડયા નથી, પણ બીજા દેશોમાં તેની ડિમાન્ડ જોરદાર વધી છે.
કે-બ્યુટીની તો વાત જ જવા દો! ફક્ત ૨૦૨૫-૨૬ની વાત કરીએ તો કોરિયાએ અધધધ ૧૧.૪૩ બિલિયન ડોલર જેટલો મેકઅપ એક્સપોર્ટ કરી નાખ્યો છે. એકલા ભારતમાં જ કે-બ્યુટી પ્રોડક્ટ્સનું માર્કેટ ૫૦૦ મિલિયન ડોલર જેટલું છે. ૨૦૨૪માં લગભગ ૧ કરોડ ૨૦ લાખ ભારતીયોએ કોરિયન મેકઅપ ખરીદ્યો હતો. ૨૦૩૦ સુધીમાં ભારતીય ખરીદકર્તાઓનો આંકડો વધીને ૨ કરોડ ૭૦ લાખ સુધી પહોંચી જશે એવી ધારણા છે. યાદ રહે, માત્ર મુંબઇ-દિલ્હીની માનુનીઓ જ કે-બ્યુટી પ્રોડક્ટ્સ વાપરે છે એવું નથી. ટાયર-ટુ અને ટાયર-થ્રી શહેરોમાં વસતી મહિલાઓમાં પણ કોરિઅન મેકઅપનો ક્રેઝ છે. ઇન ફેક્ટ, ૫૦ ટકા જેટલો કોરિયન મેકઅપ તો નાનાં શહેરોનું મહિલાવૃંદો જ ખરીદી લે છે.
શું છે કોરિયન મેકઅપની લોકપ્રિયતાનો રાઝ? ટિપિકલ વેસ્ટર્ન મેકઅપ ચહેરાને મેકઅપ નીચે ઢાંકી દેવામાં માને છે. તેમાં સૌથી પહેલાં ચહેરા પર ફાઉન્ડેશનનો જાડો થથેડો લગાડવામાં આવે, અને પછી તેની ઉપર અન્ય જાતજાતના મેકઅપના થર ચઢતા જાય. તેથી ચહેરો જાણે મેટ ફિનિશિંગ કર્યો હોય એવો કે નવેસરથી કંડાર્યો હોય તેવો લૂક આવે. કોરિયાએ આ આખી બ્યુટી ફિલોસોફી જ ઊંધી કરી કરી નાખી. કોરિયા કહે, ના એમ નહીં. મેકઅપ તો સમગ્ર લૂકનો છેલ્લા ૧૦ ટકા જ રોકે છે. પહેલાં ૯૦ ટકા છે, હેલ્દી સ્કિનના. કે-બ્યુટીના વિસ્ફોટને પ્રતાપે 'ગ્લાસ સ્કિન' શબ્દપ્રયોગ ચલણમાં આવ્યો છે. કોરિયા કહે છે કે તમારી ત્વચા એટલી હાઇડ્રેટેડ (સંતૃપ્ત) અને સાફ હોવી જોઈએ કે તમારો ચહેરો કાચની જેમ ચમકતો હોય એવું લાગે! કે-બ્યુટી પ્રોડક્ટ્સ સ્કિનને ઢાંકી દેવાને બદલે તને વધારે બ્રીધેબલ (શ્વાસ લઈ શકે તેવી) બનાવે છે, સ્કિન જાણે અર્ધપારદર્શક હોય તેવી ઇફેક્ટ આપવાની કોશિશ કરે છે. ભારતીય મહિલાઓ માટે વેસ્ટર્ન મેકઅપ આમેય બહુ હેવી છે. તેની તુલનામાં સહેજ પણ ભડકામણો નહીં એવો સોફ્ટ કોરિઅન મેકઅપ તેમને વધારે અનુકૂળ આવે છે. આપણે ત્યાં દાયકાઓ સુધી ત્વચાને ગોરી બનાવી દેતી બ્યુટી ક્રીમનું ડિંડવાણુું ખૂબ ચાલ્યું. કોરિયન મેકઅપ કહે છે, તમારી ત્વચા ગોરી હોય કે ઘઉંવર્ણી, એનાથી કશો ફરક પડતો નથી. ત્વચા તંદુરસ્ત હોવી જોઈએ અને ગ્લો કરવી જોઈએ, બસ.
તાકાત માત્ર અસ્ત્રોશસ્ત્રોમાં જ નથી હોતી. તાકાત સંગીત-નૃત્ય-અભિનય-ખાણીપીણી અને સૌંદર્ય પ્રસાધનોમાં પણ હોય છે. દક્ષિણ કોરિયા જે રીતે પોતાના કલ્ચર અને કળા જેવા સોફ્ટ પાવરનું બુદ્ધિપૂર્વક એન્જિનીયરિંગ કરી શક્યું છે તેમાંથી ભારતે ઘણું શીખવા જેવું છે, નહીં?


