- વાત-વિચાર-શિશિર રામાવત
- તીવ્રતાઓમાં જીવવું એટલે શું? શું એવું બની શકે કે માણસ જાણે પોતાની જાતને ખતમ કરવા માગતો હોય તેવી રીતે જીવતો હોય, જાતજાતની માનસિક બીમારીઓ સામે યુદ્ધ કરતો હોય અને સાથે સાથે એવી કલાકૃતિઓનું સર્જન પણ કરી રહ્યો જે એના મોત પછી અમર બની જવાની હોય?
તીવ્રતાઓમાં જીવવું, આત્યંતિક બનીને જીવવું એટલે શું? શું એવું બની શકે કે માણસ જાણે પોતાની જાતને ખતમ કરી નાખવા માગતો હોય તેવી રીતે જીવતો હોય, જાતજાતની માનસિક બીમારીઓ સામે યુદ્ધો કરતો હોય અને સાથે સાથે એવી કલાકૃતિઓનું સર્જન પણ કરી રહ્યો જે એના મોત પછી અમર બની જવાની હોય? હા, આવું બિલકુલ બની શકે. દંતકથારૂપ મહાન ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉઘનું ઉદાહરણ આપણી સામે છે.
વાન ગૉઘ (જન્મઃ ૧૮૫૩, મૃત્યુઃ ૧૮૯૦)નું એક સપનું હતું- ફ્રાન્સના આર્લ નામના શહેરમાં એક મસ્તમજાની કલાકારોની કોલોની બનાવવી, કે જ્યાં ચિત્રકારો આવે, મોજથી રહે અને સહેજ પણ ખલેલ વગર પોતાનું કામ કરે. આ સપનું સાકાર કરવા માટે એમણે યલો હાઉસ નામનું એક મકાન ભાડે રાખ્યું અને ચિત્રકારોના વર્તુળમાં જાહેર આમંત્રણ વહેતું મૂક્યું. વાન ગૉઘના યલો હાઉસમાં રહેવા આવેલા સૌથી મહત્ત્વના ચિત્રકાર હતા પૉલ ગોગિન. એ પણ જબરદસ્ત ચિત્રકાર. વાન ગૉઘને એમનું કામ ખૂબ ગમતું. ગૉઘ માણસભૂખ્યા કલાકાર હતા. એમનું અંગત જીવન વેરવિખેર હતું. પ્રેમના મામલામાં તેમણે સતત નિષ્ફળતા જોઈ હતી. પોતાનો કહેવાય એવો એક જ માણસ એમના જીવનમાં હતો - એમનો નાનો ભાઈ, થિયો. તેથી જ પૉલ ગોગિન એમના યલો હાઉસમાં રહેવા આવ્યા એટલે વાન ગૉઘ રોમાંચિત થઈ ગયેલા. તેઓ ગોગિન જેવા જ ઊંચા ગજાની ક્રિયેટિવ માણસની દોસ્તી ઝંખતા હતા.
વાન ગૉઘ અને પૉલ ગોગિન બન્ને શ્રેષ્ઠ ચિત્રકારો ખરા, પણ બન્નેના વ્યક્તિત્વ ખૂબ જુદાં. વાન ગૉઘ અત્યંત લાગણીશીલ, તીવ્રતાઓમાં જીવનારા, જરૂરતમંદ માણસ... જ્યારે ગોગિન આત્મવિશ્વાસથી છલકાતા, સ્વતંત્ર મિજાજ ધરાવતા ને સામેના માણસ પર આધિપત્ય જમાવનારા બૌદ્ધિક. તેમની મૈત્રી બે-અઢી મહિનામાં જ તૂટી પડી. બન્ને વચ્ચે કોઈક મુદ્દે ભયંકર દલીલબાજી થઈ ગઈ. વાત એટલી હદે વણસી કે ક્રોધમાં આવીને વાન ગૉઘે ખુદના ડાબા કાનની બૂટ કાપી નાખી! એમને હોસ્પિટલભેગા કરવા પડયા. પૉલ ગોગિન પછી શહેર છોડીને જતા રહ્યા.
વેન ગૉઘના માત્ર સંબંધો જ નહીં, એમની આખી જીવનશૈલી સ્ફોટક હતી. તેઓ ખૂબ શરાબ પીતા. નાના ભાઈ થિયોને તેમણે સતત પત્રો લખ્યા છે, જેમાંથી એમના માનસિક વિશ્વનો ચિતાર મળે છે. નિષ્ણાતોએ આ પત્રોના અભ્યાસ પરથી તારવ્યું છે કે વાન ગૉઘ ડિપ્રેશન, હેલ્યુસિનેશન (ભ્રાંતિ), અનિદ્રા વગેરેના દર્દી હતા. તેઓ સંભવતઃ બાયપોલર ડિસઓર્ડરના પણ શિકાર હતા. પોતાના મનમાં ચાલતા હોબાળાને શાંત કરવા તેઓ ચિત્રો દોરતા, ભાઈને કાગળો લખતા. ક્યારેક હાલત એવી ખરાબ હોય કે પથારીમાંથી ઊભા ન થઈ શકે, હાથમાં કલમ કે પીંછી પકડી ન શકે, તો ક્યારેક એવી એનર્જી આવી જાય કે એક-બે દિવસમાં જ આખેઆખું પેઇન્ટિંગ તૈયાર કરી નાખે. તેમને કેટલીય વાર તેમને માનસિક ચિકિત્સાલયમાં દાખલ કરવા પડયા હતા. પૉલ ગોગિન સાથે મૈત્રીભંગ થયા પછી એમની માનસિક સ્થિતિ પાછી ડામાડોળ થઈ ગઈ, અને ને આ વખતે, મે ૧૮૮૯માં, તેઓ સામે ચાલીને સેન્ટ-પોલ-દ-મોઝોલ નામની મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા.
કલાકાર માણસ ક્યાંય પણ હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, એનો આંતરિક સર્જનાત્મક લય કદાચ ક્યારેય તૂટતો નથી. મેન્ટલ હોસ્પિટલના બગીચામાં આઇરિસ નામનાં જાંબલી-આસમાની રંગનાં ફૂલ ઊગ્યાં હતાં. અહીં સારવાર ચાલી રહી હતી તે અરસામાં જ વાન ગૉઘે આ ફૂલોનું ચિત્ર બનાવ્યું - 'આઇરિસીસ' - જે પછી જગવિખ્યાત બની ગયું. (જુઓ તસવીર.) અમેરિકાના લોસ એન્જલસ શહેરના ગેટી સેન્ટર નામની અફલાતૂન આર્ટ ગેલેરીમાં આ ચિત્ર સચવાયું છે. આ પેઇન્ટિંગનો અહીં સૌથી વધારે વટ પડે છે. મુલાકાતીઓ ભારે ઉત્સાહથી આ 'સેલિબ્રિટી પેઇન્ટિંગ' સાથે ફોટા પડાવે છે.
જિલ ફિન્સ્ટન નામનાં આર્ટ હિસ્ટોરિયને આ ચિત્રને સરસ રીતે સમજાવ્યું છે. તેઓ કહે છે, 'જ્યારે તમે આ ચિત્રને પહેલી વાર જુઓ છો ત્યારે તેની તીવ્રતા તમને સૌથી પહેલાં સ્પર્શે છે - પ્રકાશની તીવ્રતા, રંગોની તીવ્રતા. વાન ગૉઘ ખરેખર એક અનોખા કલાકાર હતા. અહીં તેમણે માત્ર ચિત્ર નથી બનાવ્યું, પણ તેમણે ચિત્રકળા માટે એક નવી ભાષા સર્જવાનો પ્રયાસ કર્યો છે. જો તમે 'આઇરિસિસ'માં દેખાતી વિવિધ સપાટીઓ (ટેક્સચર)ને ધ્યાનથી જુઓ તો દરેક વસ્તુ - આઇરિસનાં ફૂલ, ડાબી બાજુ દેખાતાં ગલગોટાના ફૂલ, પાંખડીઓ, જમીન, પાછળ દેખાતી બ્રશસ્ટ્રોક્સની જાળ જેવી ગૂંથણી - આ સૌ વસ્તુ તમને એકમેકથી જુદી અનુભૂતિ કરાવે છે. શું ફોટોગ્રાફ આવું કરી શકે? ના, બિલકુલ નહીં.'
આટલું કહીને જિલ ફિન્સ્ટન ઉમેરે છે, 'વાન ગૉઘે પોતાના પત્રોમાં લખ્યું છે કે વસ્તુઓનું સાચું સત્ય માત્ર ચિત્રકાર જ વ્યક્ત કરી શકે છે. પેઇન્ટિંગ એ કોઈ વૈજ્ઞાાનિક સત્ય નથી, પેઇન્ટિંગ એક કાવ્યાત્મક સત્ય છે. વાન ગૉઘ આ ચિત્રમાં માત્ર કુદરતનું સૌંદર્ય કે શક્તિ નહીં, પણ ચિત્રકળાની શક્તિ પણ દર્શાવવા માગે છે. આ પેઇન્ટિંગમાં વાદળી, લીલા, પીળા અને નારંગી રંગોનો ઝળહળતો ઉજાસ એવી તીવ્રતા સર્જે છે, જે સાચુકલા બગીચામાં જોવા મળતો નથી. વાન ગૉઘ આંખો સામે દેખાતા દ્રશ્યને યથાતથ કેન્વાસ પર ઊતારતા નથી, પણ તેઓ દ્રશ્યને લાગણીમાં રૂપાંતરિત કરે છે. દૂરથી જોતાં આ ચિત્ર ખૂબ ડેકોરેટિવ અને સુમેળભર્યું લાગે છે, પરંતુ નજીકથી જોતાં તે સેંકડો જોશભર્યા બ્રશસ્ટ્રોક્સમાં વિખેરાઈ જાય છે. વ્યવસ્થા અને અરાજકતા, શાંતિ અને ગતિ, નિરીક્ષણ અને કલ્પના - આ વિરોધાભાસ વાન ગૉઘની મહાન સિદ્ધિઓમાંની એક છે.'
વાન ગૉઘનાં ચિત્રોની વાત આવે એટલે આપણને તરત એમનું પેલું સૂરજમુખીવાળું ચિત્ર યાદ આવે. 'વાઝ વિથ ફિફ્ટીન સનફ્લાવર્સ' નામનું આ ચિત્ર વાન ગૉઘનો માસ્ટરપીસ છે. આપણે નાનપણથી જ એટલી બધી તસવીરો, કેલેન્ડર, મગ, પોસ્ટકાર્ડ, પુસ્તકનાં મુખપૃષ્ઠોમાં તેજસ્વી પીળા રંગોથી શોભતું આ ચિત્ર જોયું છે કે તે જાણે વાન ગૉઘના અનઓફિશિયલ લોગો જેવું લાગે. 'વાઝ વિથ ફિફ્ટીન સનફ્લાવર્સ' એક કલ્ચરલ આઇકન છે. તો શું 'આઇરિસીસ' માસ્ટરપીસ નથી? ચિત્રકળાના નિષ્ણાતો કહેશે કે પહેલી વાત તો, 'વાઝ વિથ ફિફ્ટીન સનફ્લાવર્સ' ચિત્ર 'આઇરિસીસ' કરતાં વધારે મહાન છે એવું માની લેવાની કશી જરૂર નથી. આ બન્ને પોતપોતાની રીતે માસ્ટરપીસ છે. ઇન ફેક્ટ, કેટલાય નિષ્ણાતો 'આઇરિસીસ'ને વધારે વાન ગૉઘની વધારે એડવાન્સ્ડ અને સોફિસ્ટીકેટેડ કૃતિ ગણે છે.
વાન ગૉઘની જીવતેજીવ કદર ન થઈ, પણ તેમના મૃત્યુ પછી એમનાં ચિત્રો ચક્કર આવી જાય એટલી ઊંચી કિંમતમાં વેચાયા. કળાની બજારમાં સૂરજમુખીવાળા ચિત્ર કરતાં 'આઇરિસીસ' વધારે મોંઘું છે. મજા જુઓ. જાણી લો કે વાન ગૉઘે સૂરજમુખીવાળું એક જ ચિત્ર બનાવ્યું નથી. ૧૮૮૮-૧૮૮૯ દરમિયાન એમણે સૂરજમુખીનાં કુલ ૧૧ ચિત્રો બનાવ્યાં હતાં. જેની ખૂબ ઊંચી કિંમત અંકાઈ તે સૂરજમુખીવાળું ચિત્ર 'વાઝ વિથ ફિફ્ટીન સનફ્લાવર્સ' નહીં, પણ સૂરજમુખી સિરીઝ પૈકીનું બીજું પેઇન્ટિંગ છે. ૧૯૮૭માં તે ૩૯.૯ મિલિયન ડોલરમાં વેચાયું હતું. આઇરિસનાં ફૂલોની આખી સિરીઝ નથી, પણ 'આઇરિસીસ' નામનું એક જ ચિત્ર છે, અને તે ૫૩.૯ મિલિયન ડોલરમાં વેચાયું. વાન ગૉઘનું સૌથી મોંઘું પેઇન્ટિંગ તો વળી ત્રીજું જ છે - 'પોટ્રેઇટ ઓફ ડોક્ટર ગાશે'. ૧૯૯૦ની સાલમાં વેચાયેલા આ ચિત્રની કિંમત? ૮૨.૫ મિલિયન ડોલર. આ ચિત્રની આજની તારીખે શું કિંમત થાય, જાણો છો? ૧૯૦થી ૨૦૦ મિલિયન ડોલર એટલે કે ૧૮.૧૫થી ૧૯.૧ અબજ રૂપિયા, ફક્ત. વાન ગૉઘે બાપડાએ જીવતેજીવ કલ્પના સુધ્ધાં નહીં કરી હોય કે મર્યા પછી એમનાં ચિત્રોની આવી છપ્પરફાડ કદર થશે!
'આઇરિસિસ' ચિત્ર બનાવ્યા પછી થોડા જ મહિનાઓમાં, ફક્ત ૩૭ વર્ષની ઉંમરે, વિન્સેન્ટ વાન ગૉઘનું મૃત્યુ થયું. નાનો ભાઈ થિયો એમની ઉબડખાબડ જિંદગીમાં, બીમારીમાં સતત પડખે ઊભો રહ્યો, એમને આજીવન આર્થિક મદદ કરતો રહ્યો. થિયો જ એમનો એકમાત્ર અને સાચો સ્વજન હતો. કુદરતનો ખેલ જુઓ. જુલાઈ ૧૮૯૦માં વિન્સેન્ટ વાન ગૉઘનું મૃત્યુ થયું, ને એના છ જ મહિના પછી નાના ભાઈએ પણ વિદાય લીધી. મૃત્યુ વખતે થિયોની ઉંમર હતી, ૩૩ વર્ષ!
માત્ર તીવ્રતાઓમાં જીવનારા જ નહીં, એને સતત વફાદાર રહેતા પ્રિયજનનું જીવન પણ આકરું હોય છે...


