Get The App

જ્યારે ભારત-પાકિસ્તાનના જાસૂસી વડા ભેગા થઈને પુસ્તક લખે છે...

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
જ્યારે ભારત-પાકિસ્તાનના જાસૂસી વડા ભેગા થઈને પુસ્તક લખે છે... 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- એકબીજાના જાની દુશ્મન ગણાતા દેશોની જાસૂસી સંસ્થાઓના ભૂતપૂર્વ સર્વોચ્ચ વડા ભેગા થઈને પુસ્તક લખે ત્યારે કેવું ગજબનું એક્સાઇટમેન્ટ પેદા થાય! સૌથી પહેલાં તો, 'ધ સ્પાય ક્રોનિકલ્સ: રૉ, આઈએસઆઈ એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ' નામનું આ પુસ્તક લખાયું શી રીતે? તેમાં એવું તે શું હતું કે પાકિસ્તાની સત્તાધારીઓ રાતાપીળા થઈ ગયા હતા?

- જાસૂસી લેખકજોડી: અસદ દુરાની (ડાબે) અને એ.એસ. દુલાટ

આજકાલ 'ધુરંધર' ફિલ્મ ખાસ્સી ચર્ચામાં છે. આદિત્ય ધરે લખેલી અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ એક સ્પાય-થ્રિલર છે. રણવીર સિંહ ભારતની ગુપ્તચર સંસ્થા રૉ (ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ)નો જાસૂસ બન્યો છે, જે પાકિસ્તાનમાં ઘૂસીને ત્યાંના આતંકવાદી નેટવર્કમાં ઊથલપાથલ મચાવી દે છે. દેખીતું છે કે આ પ્રકારનો વિષય ધરાવતી ફિલ્મમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ (ઇન્ટર-સવસીસ ઇન્ટેલિજન્સ)નો સંદર્ભ તો હોવાનો જ. કલ્પના કરો કે રૉ અને આઈએસઆઈના વડા રહી ચૂકેલા સુપર સિનિયર  અધિકારીઓ અસલી જીવનમાં ભેગા થાય છે અને સાથે મળીને એક પુસ્તક લખે છે! આ કલ્પના નથી, આ ખરેખર બન્યું છે. આ અંગ્રેજી પુસ્તકનું શીર્ષક છે, 'ધ સ્પાય ક્રોનિકલ્સ: રો, આઈએસઆઈ એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ' (૨૦૧૮). પુસ્તકના મુખ્ય લેખકો છે, એ.એસ. દુલાટ અને અસદ દુરાની. એ. એસ. દુલાટ એટલે ભારતની ગુપ્તચર સંસ્થા રૉના ભૂતપૂર્વ વડા, અને અસદ દુરાની એટલે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ભૂતપૂર્વ વડા. એ.એસ. દુલાટ ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન રૉના ચીફ હતા, જ્યારે અસદ દુરાની ૧૯૯૦-૧૯૯૧ દરમિયાન આઇએસઆઇના વડા હતા. 

રૉ, આઇએસઆઇ કે બીજી કોઈ પણ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા પાસે દેખીતી રીતે જ પોતપોતાના દેશની અત્યંત ખાનગી અને સ્ફોટક માહિતી હોવાની. એક દેશની ગુપ્તચર સંસ્થાના વડાને બીજા દેશની ગુપ્તચર સંસ્થાના વડા સાથે બોલવાના વહેવાર લગભગ હોતા નથી. જોકે છેલ્લાં બે દાયકા દરમિયાન રો અને આઇએસઆઇના ભૂતપૂર્વ વડા એકબીજા સાથે પ્રસંગોપાત બોલતા થયા છે. ખાસ કરીને ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ. ટ્રેક-ટુ ડિપ્લોમસીમાં બન્ને દેશોના જુદાં જુદાં ક્ષેત્રોના એક્સપર્ટ્સ,  સામાજિક કાર્યકર્તાઓ, એનજીઓ ચલાવનારાઓ અને સમાજના અન્ય આગળ પડતા લોકો મળે, બેય દેશો વચ્ચે જે કોકડાં ગૂંચવાયેલાં છે તેનો કઈ રીતે નિકાલ આવી શકે તેમ છે, કઈ રીતે લડાઈઝઘડા ઓછા કરીને ભાઈચારાની ભાવના મજબૂત કરી શકાય તેમ છે તેના વિશે ચર્ચા કરે. 

ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ એકબીજા સાથે હળતીમળતી વ્યક્તિઓ માટે 'પીસનિક' શબ્દ વપરાય છે. પીસનિક એટલે સાદી ભાષામાં, શાંતિદૂત. ઓપરેશન સિંદૂર પછી ટ્રેક-વન અને ટ્રેક-ટુ એમ બન્ને પ્રકારની ડિપ્લોમસી કશું અસ્તિત્ત્વ રહ્યું નથી, પણ આપણે જે પુસ્તક વિશે વાત કરી રહ્યા છીએ એના બન્ને લેખકો, દુલાટ અને દુરાની, ટ્રેક-ટુ ડિપ્લોમસીમાં ભાગ લેનારા પીસનિક્સ યા તો શાંતિદૂત છે. બન્નેએ સાથે મળીને જોઇન્ટ પ્રોજેક્ટ કર્યા છે, પેપરો પેશ કર્યા છે. એક સમયે સરકારી સ્તરે એકમેકના જાની દુશ્મન તરીકે વર્તતા આ મહાનુભાવો વચ્ચે પછી અંગત સ્તરે દોસ્તી થઈ. બન્નેની પત્નીઓને પણ એકબીજા સાથે બહેનપણાં થયાં. બન્નેને સૂચન થયું કે તમે બન્ને ઓલરેડી એકબીજા સાથે કમ્ફર્ટેબલ છો અને સાથે પેપરો પણ લખ્યાં છે તો ભેગા મળીને પુસ્તક કેમ લખતા નથી? આખી વાતમાં આદિત્ય સિંહા નામના દિલ્હીવાસી પત્રકાર-લેખક જોડાયા. નક્કી થયું કે ત્રણેયે મળવું, આદિત્ય સિંહા બન્નેને ભારત-પાકિસ્તાનના રાજકારણીઓ, વ્યૂહનીતિ, આતંકવાદ વગેરે જેવા કેટલાય વિષયો પર સવાલો પૂછે, બન્ને વિસ્તારપૂર્વક જવાબો આપે, સામસામી ચર્ચા કરે. આ બધું જ રેકોર્ડ થાય. પછી રેકોર્ડેડ પ્રશ્નોત્તરીને કાગળ પર ઉતારવામાં આવે અને એનું વ્યવસ્થિત એડિટિંગ કરીને લિખિત સંવાદ સ્વરૂપનું પુસ્તક તૈયાર કરવામાં આવે. આ રીતે જોઈએ તો, દુલાટ અને દુલાનીએ પુસ્તક 'લખ્યું' છે એમ ન કહેવાય. પુસ્તકમાં જે કોન્ટેન્ટ છે તે તેઓ મૌખિક બોલ્યા છે.

૨૦૧૬-૧૭માં ઇસ્તાંબુલ અને બેંગકોકમાં ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ કુલ ત્રણ કોન્ફરન્સ થઈ હતી. કોન્ફરન્સ પૂરી થાય એટલે હોટલના રૂમમાં ત્રણેય અડિંગો જમાવીને બેસે. શરાબની ચુસકીઓ વચ્ચે ચર્ચાઓ ચાલે. ત્યાર બાદ કાઠમંડુમાં પણ એકવાર ત્રિપુટીની મિટીંગ થઈ. રેકોર્ડેડ વાતચીતની શબ્દસંખ્યા ૧.૭ લાખ પર પહોંચી. એમાંથી અડધોઅડધ કોન્ટેન્ટ ઉડાડી દઈને, એને સુરેખ બનાવીને પુસ્તકમાં સમાવવામાં આવ્યું.   

૨૦૧૮માં દુશ્મન દેશોના બે 'સુપર જાસૂસો'એ સંયુક્તપણે લખેલું 'સ્પાય ક્રોનિકલ્સ: રો, સ્પાય એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ' પુસ્તક પ્રકાશિત થયું. એના બુક લોન્ચમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણી હસ્તીઓ ઉપસ્થિત રહી. અસદ દુરાનીને ભારત સરકારે વિઝા ન આપ્યો એટલે તેઓ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી ન શક્યા, પણ એમણે વીડિયો-મેસેજ મોકલીને પોતાની હાજરી જરૂર પૂરાવી. મેસેજમાં એમણે એવા મતલબની મજાક પણ કરી કે મને વિસા ન આપવા બદલ ભારત સરકારનો આભાર, કેમ કે જો હું આ બુક-લોન્ચ માટે આવ્યો હોત તો અહીં ઘરઆંગણે પાકિસ્તાની સત્તાધારીઓ મારા લોહી પી જાત!

અસદ દુરાનીના લોહી તો પણ પીવાયું જ. પુસ્તક છપાતાં જ પાકિસ્તાનમાં ધમાલ મચી ગઈ. જુદા જુદા રાજકીય પક્ષોમાંથી અવાજ ઉઠયા: દુરાનીએ આ શું માંડયું છે? રોના એક્સ-ચીફ સાથે મળીને આખેઆખું પુસ્તક લખી નાખ્યું ને વટાણા વેરી નાખ્યા? પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે માગણી કરી કે નેશનલ સિક્યોરિટી કમિટીની ઇમરજન્સી મિટીંગ બોલાવો ને તપાસ કરો કે આ બધું શું ચાલી રહ્યું છે? દુરાનીને પાકિસ્તાની મિલિટરીના હેડક્વાર્ટર પર તેડાવીને એમની કડક ઊલટતપાસ થઈ, એમના પર પાકિસ્તાનની બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 

દુરાનીએ એવું તે શું લખ્યું કે પુસ્તકમાં કે જેનાથી પાકિસ્તાની આકાઓના પેટમાં તેલ રેડાયું? સૌથી પહેલાં તો, એક સમયે દુનિયાના સૌથી ખતરનાક ટેરરિસ્ટ ગણાતા ઓસામા બિન લાદેન વિશેની વાત. પાકિસ્તાની સત્તાધારીઓ આજ સુધી એક જ પિપૂડી વગાડી રહ્યા છે કે અલ કાયદા ટેરરિસ્ટ ગુ્રપનો આ બિગ બોસ પાકિસ્તાનના અબોટાબાદમાં છૂપાયો હતો એની અમને ખબર જ નહોતી! દુરાનીએ પાકિસ્તાનના આ જૂઠના ફૂગ્ગામાં ટાંચણી મારી દીધી. આ પુસ્તકમાં એમણે કહ્યું છે કે પાકિસ્તાની સત્તાધારીઓને ખબર હતી કે લાદેન એક્ઝેક્ટલી ક્યાં લપાયેલો છે. ઇન ફેક્ટ, પાકિસ્તાને અમેરિકા સાથે ડીલ કરી હતી. પાકિસ્તાની સત્તાધારીઓના સહકારથી જ અમેરિકા પાકિસ્તાની સરહદમાં ઘૂસીને લાદેનને ખતમ કરવાનું ઓપરેશન સફળતાપૂર્વક કરી શક્યું.

બીજી વાત. અસદ દુરાનીએ પુસ્તકમાં કહ્યું છે કે જાન્યુઆરી ૨૦૧૬માં પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો હતો તેમાં પાકિસ્તાનનો હાથ છે એવો ભારતનો જે આક્ષેપ એની પ્રતિક્રિયારૂપે પાકિસ્તાન કુલભૂષણ જાધવને પકડીને એનો બાજીના એક પત્તાની જેમ ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાનનો ભારતને અને દેશ-દુનિયાને એવો મેસેજ પહોંચાડવા માગે છે કે જો પાકિસ્તાનીઓએ પઠાણકોટ પર ટેરરિસ્ટ અટેક કર્યો છે એવું તમે માનતા હો તો સાંભળી લો કે ભારતીયો પણ કંઈ ઓછા નથી. ભારત પણ અમારા બલૂચિસ્તાન પ્રાંતમાં આ કુલભૂષણ જાધવ જેવો જાસૂસને ઘૂસાડીને આતંકવાદ ફેલાવે જ છેને! પુસ્તકમાં અસદ દુરાનીએ એવું પણ કહ્યું છે કે શરૂઆતથી જ પાકિસ્તાની સત્તાધારીઓ બલૂચિસ્તાનના મામલાને ખોટી રીતે હેન્ડલ કરતા આવ્યા છે.

પુસ્તકમાં દુરાની બીજા ઘણા વિષયો પર બોલ્યા છે - કાશ્મીર વિશે, હફિઝ સઈદ વિશે, મોદી વિશે, મોદીના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત દોવલ વિશે, ડોનાલ્ડ ટ્રમ્પ અને પુટિન વિશે, વગેરે. શું આ કોન્ટેન્ટને કારણે પુસ્તક જબરદસ્ત છે અને અનિવાર્યપણે અસાધારણ છે એવું કહી શકાય? ના. સુશાંત સરીન (ટીવી પર ડિબેટ્માં તેઓ નિયમિતપણે દેખાતા હોય છે) નામના પોલિટિકલ ઓબ્ઝર્વર અને લેખકે તો આ પુસ્તકનાં છોતરાં કાઢી નાખ્યાં છે. એમણે એક સમીક્ષાત્મક લેખમાં લખ્યું છે કે પુસ્તકમાં જે કંઈ લખાયું છે તે બધું આપણે પહેલેથી જાણીએ જ છીએ. આમાં દુલાટ કે દુરાનીએ શું નવું કહી નાખ્યું?     

વેલ, સુશાંત સરીને જેવા અભ્યાસુને આ પુસ્તકની સામગ્રી વાસી લાગી શકે, પણ આમવાચકને આ બધું ઠીક ઠીક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. રૉ અને આઇએસઆઇ જેવી ગુપ્તચર સંસ્થાઓની ગતિવિધિઓ, જુદા જુદા દેશોની સરકારો સાથેનું એમનું ઇન્ટરેકશન વગેરે જેવી બાબતોમાં રસ પડતો હોય તો 'ધ સ્પાય ક્રોનિકલ્સ: રો, આઈએસઆઈ એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ'માંથી પસાર થવા જેવું છે.

Tags :