Get The App

આઘાત અને અસર: દુર્ઘટનાઓ દેશનું ચારિત્ર્ય છતું કરી નાખે છે

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
આઘાત અને અસર: દુર્ઘટનાઓ દેશનું ચારિત્ર્ય છતું કરી નાખે છે 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- વિદેશોમાં પણ આપણી જેમ પુલો તૂટી પડે છે, માલમાં આગ લાગે છે અને બોટ ઊંધી વળી જતાં બાળકોનાં મોત થાય છે... પણ ત્યાંના નેતાઓ અને સત્તાધારીઓ જેવી ચારિત્ર્યની તાકાત આપણા સાહેબલોકો દેખાડી શકતા નથી  

વડોદરાના ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના હજુ તાજી છે. આવી દુર્ઘટનાઓ દુનિયાભરમાં બને છે, પણ ત્યાંની કરુણાંતિકાઓના પડછાયા આપણા કરતાં બહુ જુદા દેખાય છે. શી રીતે? જોઈએ.    

પહેલો કિસ્સો: 

દક્ષિણ કોરિયાનો 'હરણી બોટ કાંડ' 

એ દિવસ હતો ૧૬ એપ્રિલ ૨૦૧૪નો. દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં આવેલી ડેન્વન હાઇ સ્કૂલનાં સોળ-સત્તર વર્ષનાં તરૂણ-તરૂણીઓ પિકનિક માટે જેસુ આઇલેન્ડ જઈ રહ્યાં છે. કલબલ કલબલ કરતાં ૩૦૦ કરતાં વધારે સ્ટુડન્ટ્સ એમના શિક્ષકો સાથે એમવી સોલ નામની ફેરી એટલે કે બોટ પર સવાર થાય છે. ખુશનુમા માહોલ છે, મસ્તીમજાક ચાલી રહી છે. ફેરી ઉપડે છે. સવારે ૮.૪૯ કલાકે બોટ શાર્પ ટર્ન લે છે અને થોડી જ મિનિટોમાં એક તરફ નમી જઈને ડૂબવા લાગે છે. ચીસાચીસ થઈ જાય છે. મુસાફરોને સૂચના આપવામાં આવે છે: ગભરાશો નહીં, પોતપોતાની કેબિનોમાં જ રહેજો, બહાર ન આવતાં. આ સૂચના ઘાતક પૂરવાર થાય છે. કેબિનોમાં પૂરાઈ ગયેલા ટીનજર્સને છટકી શકવાનો મોકો જ મળતો નથી. બોટ દરિયામાં ગરકાવ થઈ જાય છે. કુલ ૩૦૪ લોકોનાં મોત થાય છે, જેમાંથી ૨૫૦ તો અગિયારમા ધોરણમાં ભણતાં આ નિર્દોષ બચ્ચાંઓ છે. દક્ષિણ કોરિયામાં હાહાકાર મચી જાય છે. 

છાનબીન થતાં ખબર પડી કે બોટની વજન વહન કરવાની કાયદેસરની લિમિટ કરતાં બમણા લોકોને ઠાંસવામાં આવ્યા હતા. બોટના સેફ્ટી ઇન્સપેક્શનની પ્રક્રિયામાં લોલમ્લોલ કરવામાં આવી હતી. બોટ ઓપરેટ કરતી શિપિંગ કંપની અને સંબંધિત ખાતાના સરકારી અધિકારીઓ વચ્ચે મિલીભગત હોવાથી ખૂબ ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હતો. બોટનું રિનોવેશન ખોટી રીતે કરવામાં આવ્યું હોવાથી આખું સ્ટ્રક્ચર અસ્થિર થઈ ગયું હતું. ઇમરજન્સી સિસ્ટમ નિષ્ફળ ગઈ. બોટ ડૂબી પછી કોસ્ટ ગાર્ડે જે રીતે ઝડપી પગલાં લેવાં જોઈતાં હતાં તે લીધાં નહોતાં, કેમ તે તેમની વચ્ચે વચ્ચે કો-ઓડનેશન જ નહોતું.

સાઉથ કોરિયાની જનતાએ સોશિયલ મીડિયા પર રાડારાડ કરીને સંતોષ ન માન્યો. દેશનાં તે વખતનાં મહિલા પ્રેસિડન્ટ પાર્ક જેન-હ્યે અને એમની સરકાર પર જનતાએ મૂકેલો ભરોસો હચમચી ગયો હતો. મૃતકોના વાલીઓ અને અન્ય નાગરિકોએ સંબંધિત સરકારી ઓફિસોની બહાર ડેરા-તંબૂ તાણીને જોરદાર વિરોધ પ્રદર્શનો કર્યા, ભૂખ હડતાળો કરી. 

આ બધાનું શું પરિણામ આવ્યું? બોટને ડૂબતું મૂકીને નાસી ગયેલા  નાલાયક કેપ્ટનને ૩૬ વર્ષના જેલવાસની સજા થઈ, જે પછી આજીવન કારાવાસમાં પરિવતત કરવામાં આવી. ક્રૂના અન્ય ૧૪ સભ્યોને પણ પાંચથી ૩૦ વર્ષ સુધીની જેલ થઈ. બોટ ઓપરેટ કરતી શિપિંગ કંપનીનો માલિક ફરાર થઈ ગયો ને થોડા દિવસો પછી એની સડી ગયેલી લાશ જડી આવી. સમગ્ર સાઉથ કોરિઅન કોસ્ટ ગાર્ડને બરખાસ્ત કરી નાખવામાં આવ્યું. મિનિસ્ટ્રી ઓફ પબ્લિક સેફ્ટી એન્ડ સિક્યોરિટી નામના એક આખેઆખા નવા મંત્રાલયની રચના કરવામાં આવી.

બોટ દુર્ઘટનાનું રાજકીય સ્તરે શું પરિણામ આવ્યું? દક્ષિણ કોરિયાના પ્રાઇમ મિનિસ્ટર જુંગ હોંગ-વોને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને દુર્ઘટનાના ૧૧ દિવસની અંદર પોતાનું રાજીનામું ધરી દીધું. દક્ષિણ કોરિયામાં, અલબત્ત, સૌથી વધારે સત્તા પ્રેસિડન્ટ પાસે હોય છે. તત્કાલીન પ્રેસિડન્ટ પાર્ક ગેઉન-હ્યેની પોલિટિકલ કરીઅર માટે આ બોટ દુર્ઘટના ઘાતક સાબિત થઈ. એણે પોતાની ખુરસી ન છોડી, પણ પ્રજાની નજરમાંથી એ ઉતરી ચૂક્યાં હતાં. ત્રણ વર્ષ પછી, બીજા કોઈ કૌભાંડને કારણે એમનું ઇમ્પીચમેન્ટ થયું, એમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ ને એમણે સત્તાસ્થાનેથી હટવું પડયું.

બીજો કિસ્સો: રશિયાનો 'રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ' 

૨૫ માર્ચ, ૨૦૧૮, રવિવાર. સાઇબિરીયા (રશિયા)ના કેમેરોવો નામના શહેરમાં આવેલા વિન્ટર ચેરી શોપિંગ મોલમાં મસ્તીભરી ચહલપહલ છે. ચોથા માળે પ્લે એરિયામાં બાળકો આનંદપૂર્વક કિલકારીઓ કરી રહ્યાં છે. આ જ ફ્લોર પર મમ્મી-પપ્પાઓ માટે રાઇડ્સ છે, સિનેમા છે, ફૂડ ઝોન છે. અચાનક કોઈ અતિ જ્વલનશીલ પદાર્થના પાપે ભયંકર આગ ફાટી નીકળે છે. ચીસાચીસ અને નાસભાગ થઈ જાય છે. ઇમરજન્સી એક્ઝિટ માટેના દરવાજા કાં તો બ્લોક થયેલાં છે અથવા તો ત્યાં તાળાં માર્યાં છે. ફાયર એલાર્મ ચાલતાં નથી. આગ ઠારવાના પેલાં લાલ ડબ્બા કામ કરતા નથી. કુલ ૬૪ કમભાગી લોકો સળગી મરે છે, જેમાંથી ૪૧ તો માસૂમ ભૂલકાં છે. આપણા રાજકોટના ટીઆરપી ઝોનમાં થયેલા અગ્નિકાંડની યાદ આવી?  

રશિયન મોલનો માલિક, જનરલ ડિરેક્ટર, ફાયર સેફ્ટી સિસ્ટમ્સ માટે જવાબદાર અધિકારી, પૂરી તપાસ કર્યા વિના સર્ટિફિકેટ લખી આપનારા સેફ્ટી ઇસ્પેક્ટરો જેવા સાત લોકોની તરત ધરપકડ થાય છે. કેમેરોવો શહેર જ્યાં આવેલું છે તે કેમેરોવો ઓબ્લાસ્ટ પ્રાંતના ગર્વનર અમાન તુલયેવ દુર્ઘટનાના એક જ સપ્તાહની અંદર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દે છે. અમાન તુલયેવ કોઈ છોટામોટા નેતા નહોતા. આ પ્રાંતમાં વીસ વર્ષથી તેઓ સર્વોચ્ચ પદ પર બેેઠા હતા. રશિયામાં ગર્વનર એટલે જે-તે પ્રાંતનો સૌથી પાવરફુલ માણસ, આપણા રાજ્યોના ચીફ મિનિસ્ટરની જેમ. 

ત્રીજો કિસ્સો: જપાનનો 'ભોપાલ કાંડ'     

૧૧ માર્ચ ૨૦૧૧. જપાનના ઇશાન હિસ્સામાં પ્રચંડ ધરતીકંપ થાય છે. રિક્ટર સ્કેલ પર તેની ૯ જેટલી તીવ્રતા નોંધાય છે. ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૭.૬ હતી, એના પરથી જપાનના ધરતીકંપની ભયાનકતા કલ્પી લો. ભૂકંપને પરિણામે થયેલા ભૂસ્તરીય ફેરફારોને કારણે મોટી સુનામી આવે છે. ૧૪-૧૪ ફૂટ ઊંચાં મોજાં આખેઆખાં ગામો અને નગરોને ઓહિયાં કરી જાય છે. સુનામીનું પાણી ફુકુશિમા ડેઇચી નામના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ઘૂસી જતાં ન્યુક્લિયર કૂલિંગ સિસ્ટમ માટે વપરાતાં ડીઝલ જનરેટર્સને ખૂબ નુક્સાન પહોંચે છે. ત્રણ ન્યુક્લિયર રિએક્ટર્સમાં મેલ્ટડાઉન શરૂ થઈ જાય છે, જેને કારણે દરિયા અને હવામાં ઘાતક રેડિયેશન પ્રસરવા લાગે છે. દોઢ લાખ કરતાં વધારે લોકોને અન્યત્ર ખસેડવા પડે છે. અમુકને તો કાયમી ધોરણે. કેટલાંય ગામો અને પરિવારો ઉજ્જડ થઈ જાય છે.

 તપાસ કામગીરી પરથી તારણ નીકળે છે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જે ડિઝાસ્ટર થયો તેનું કારણ માત્ર સુનામી નહોતું, આ સ્પષ્ટપણે માનવ-સર્જિત દુર્ઘટના હતી. શી રીતે? આ પાવર પ્લાન્ટને ઓપરેટ કરતી ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપની (ટેપ્કો)ના સાહેબો વર્ષોથી જાણતા હતા કે સુનામીનાં મોટાં મોજાં ઉછળે તો પ્લાન્ટને નુક્સાન થઈ શકે છે. આમ છતાંય તેણે અગમચેતીનાં પગલાં નહોતાં ભર્યાં. ખર્ચો બચાવવા માટે કંપનીએ જે સેફ્ટી અપગ્રેડ કરવા જોઈતા હતા તે નહોતા કર્યા. કંપનીના સાહેબો કેટલાક સરકારી અધિકારીઓ સાથે વધારે પડતી સારાસારી ધરાવતા હતા. આ ડિઝાસ્ટર પછી કંપનીના પ્રેસિડેન્ટે રાજીનામું આપી દીધું. જપાનની તત્કાલીન વડાપ્રધાન નાઓટો કેને પૂરેપૂરી જવાબદારી સ્વીકારી અને રાજકીય દબાણને કારણે નહીં, પણ નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું.  

ભારતમાં કરૂણ દુર્ઘટનાઓ બને ત્યારે આપણે થોડા દિવસ હાય-હાય કરી લઈએ છીએ. નથી રાજીનામાં પડતાં, નથી સત્તા જતી, નથી કડક ફોલો-અપ થતાં. ભારતમાં પણ નૈતિકતાના ધોરણે પદત્યાગ કરવાની ઘટનાઓ બનતી હતી, પણ ભૂતકાળમાં. આપણે સરળતાથી દુર્ઘટનાઓ અને તેના આરોપીઓને ભૂલી જઈએ છીએ, આગળ વધી જઈએ છીએ. એક રાષ્ટ્ર તરીકે, એક પ્રજા તરીકે શું આ જ આપણું કેરેક્ટર છે? જવાબ આપણે સૌએ આપવાનો છે.   

Tags :