- વાત-વિચાર-શિશિર રામાવત
- ઇલોન મસ્ક પાસે ક્રમશઃ એટલો પ્રચંડ જીઓપોલિટિકલ અને ટેકનોલોજિકલ પાવર આવી શકે છે, જેટલો માનવજાતના ઇતિહાસમાં ક્યારેય કોઈ એક માણસના હાથમાં નહોતો આવ્યો! આ સ્થિતિને ઇલોન મસ્કના ગુણગાન ગાવાનું મન થઈ જાય એવી ગણવી કે ખતરનાક ગણવી?
'સ્કાય ઇઝ ધ લિમિટ' - અંગ્રેજીમાં આ બહુ વપરાતી કહેવત અથવા શબ્દપ્રયોગ છે. તમારાં સપનાં, તમારી મહત્ત્વાકાંક્ષા ગગનચુંબી કે અસીમ હોઈ શકે છે તેવું કહેવા માટે આ શબ્દપ્રયોગ થાય છે. અલબત્ત, ઇલોન મસ્ક એક એવા વિચક્ષણ માણસ છે, જેમના માટે ઇવન ધ સ્કાય ઇઝ નોટ ધ લિમિટ!
તાજેતરમાં ઇલોન એક નવા સાહસની ઘોષણા કરી છે - ટેરાફેબ (Terafab) - જેના કારણે વિશ્વવ્યાપી તરંગો સર્જાયા છે. આમેય ઇલોન મસ્ક કંઈ પણ કરે કે કહે તે ગ્લોેબલ ન્યુઝ બની જતાં હોય છે. સ્વાભાવિક છે. દુનિયાનો સૌથી ધનિક માણસ શું કરે છે અને બોલે છે તે જાણવામાં સૌને રસ હોય. ઇલોન મસ્કની લેટેસ્ટ નેટવર્થ ૮૦૦થી ૮૪૦ બિલિયન ડોલર જેટલી છે. (તુલના માટે જાણી લો કે મુકેશ અંબાણીની નેટવર્થ અંદાજે ૧૦૦ બિલિયન ડોલર છે.)
અચ્છા, શું છે આ ટેરાફેબ? ટૂંકમાં કહીએ તો, ટેરાફેબ એે ઇલોન મસ્કનો મહત્ત્વાકાંક્ષી એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ છે. ઇલોનની જ બે કંપનીઓ ટેસ્લા અને સ્પેસએક્સે આ પ્રોજેક્ટ માટે જોઇન્ટ વન્ચર કર્યું છે. ઇલોન એઆઈ ચિપ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી એવી ફેક્ટરી બનાવવા માગે છે, જેવી દુનિયાએ આજ સુધી જોઈ નથી!
વાતને હળવે હળવે ખોલીએ. આ જમાનો સેમીકન્ડક્ટર્સનો છે. મોબાઇલ ફોન, કમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, ઇલેક્ટ્રિક વેહિકલ્સ, રોબોટ્સ, ડેટા સેન્ટર્સ, આધુનિક અસ્ત્રો-શસ્ત્રો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી વગેરેમાં ટચુકડી સેમીકન્ડક્ટર ચિપનું એ જ મહત્ત્વ છે, જેટલું માણસના શરીરમાં હૃદયનું હોય છે. આજની તારીખે એનવીડિયા, ટીએસએમસી અને સેમસંગ સેમીકન્ડક્ટર સેક્ટરમાં વિશ્વની ટોચની કંપનીઓ છે. સેમીકન્ડક્ટર ચિપ્સની ડિમાન્ડ ઉત્તરોત્તર વધતી જઈને એવું રાક્ષસી કદ ધારણ કરી લેવાની છે કે તેને પહોંચી નહીં વળાય. તાઇવાનની ટીએસએમસી જેવી સેમીકન્ડક્ટર બનાવતી કંપનીની ફેક્ટરીઓને એક દિવસમાં કુલ ૭.૨ મિલિયન અલ્ટ્રાપ્યોર પાણી વાપરી નાખે છે. ના, વાત અહીં અટકતી નથી. ટીએસએમસી એટલી બધી વીજળી ખર્ચી નાખે છે કે એમાંથી બે લાખની વસ્તી ધરાવતા આખા નગરને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડી શકાય. ડેટા સેન્ટર્સને કૂલિંગ માટે પણ ચિક્કાર પાણી જોઈએ. જે રીતે એઆઈનો તીવ્ર ગતિથી વિકાસ થઈ રહ્યો તે જોતાં અંદાજ એવો છે કે ૨૦૨૬માં એઆઈ વર્કલોડને પહોંચી વળવા દુનિયાભરનાં ડેટા સેન્ટરો ૨.૯૭ ટ્રિલિયન લીટર શુદ્ધ પાણી વાપરી કાઢશે... ને આ આંકડો દિવસે ને દિવસે મોટો જ થતો જવાનો છેે!
સો વાતની એક વાત એટલી જ કે આપણે હરખપદૂડા થઈને ભલે એઆઈ-એઆઈનાં ગાણાં ભલે ગાતા રહીએ, પણ હકીકત એ છે કે પૃથ્વી પણ એટલી પ્રચુર માત્રામાં સંસાધનો છે જ નહીં કે એઆઈ ઇન્ડસ્ટ્રીની રાક્ષસી ભૂખ સંતોષી શકે. ઇલોન મસ્કની એન્ટ્રી અહીં થાય છે. મસ્કસાહેબ કહે, પૃથ્વી પર ડેટા સેન્ટર મેન્ટેઇન કરવાં પર્યાવરણની દ્રષ્ટિએ અઘરાં છે, બરાબર? પણ ધારો કે હું ડેટા સેન્ટરોનો આખો કાફલો આકાશમાં લઈ જાઉં તો?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની પ્રગતિનો સઘળો આધાર કમ્પ્યુટેશનલ પાવર અથવા કમ્પ્યુટ અવેલિબિલિટી પર છે. ઇલોન મસ્કની એઆઇ કંપનીનું નામ ટછૈં છે, જેનાં એડવાન્સ્ડ મોડલ્સને ટ્રેનિંગ આપવા માટે પ્રચંડ કમ્પ્યુટશનલ પાવર (કમ્પ્યુટ)ની જરૂર પડવાની છે. તેના માટે લાખો એઆઈ ચિપ્સ વત્તા પ્રચંડ માત્રામાં એનર્જી જોઈએ. અવરોધ અહીં જ ઊભો થતો હતો. ઇલોન મસ્ક કહે છે કે હું આત્મનિર્ભર બનીશ, મારે કોઈના આધારિત રહેવું જ નથી!
એમનું આયોજન એવું છે કે ટેરાફેબ કંપની પ્રતિ વર્ષ ૧ ટેરાફેબ જેટલો કમ્પ્યુટિંગ પાવર જનરેટ કરશે. ૧ ટેરા ફેબ એટલે ૧ ટ્રિલિયન વોટ. આજની તારીખે આખા અમેરિકાની ટોટલ ઇલેક્ટ્રિકલ કેપેસિટી માંડ ૦.૫ થી ૧ ટેરાવોટ છે! અરે, ૫૦૦ મોટાં ન્યુક્લિયર રિએક્ટર્સને ભેગાં કરી દો તો પણ સાથે મળીને તેઓ માંડ ૧ ટેરા વોટ પાવર જનરેટ કરી શકે. જો ઇલોન મસ્કની ટેરાફેબ કંપની વર્ષે ૧ ટેરાવોટ જેટલો કમ્પ્યુટ પાવર જનરેટ કરે તો આટલી ઉર્જાથી દુનિયાની સૌથી પાવરફુલ ૧ અબજ જેટલાં એઆઇ પ્રોસેસર્સ એકસાથે ચલાવી શકાય.
ટેરાફેબનું સૌથી રોમાંચક પાસું તો આ છેઃ ઇલોન મસ્ક એઆઈ મિની સેટેલાઇટ્સ આકાશમાં મોકલશે. કેટલાં સેટેલાઇટ્સ? પૂરાં દસ લાખ! પ્રત્યેક એઆઈ મિની સેટેલાઇટ ૧૭૦ મીટર લાંબું હશે. પૃથ્વીની સપાટીથી ૫૦૦થી ૨,૦૦૦ કિલોમીટરની વચ્ચે આ દસેદસ લાખ મિની સેટેલાઇટ્સનું વિરાટ ઝુમખું તર્યા કરશે. તેમને ચોવીસે કલાક સોલર એનર્જી મળતી રહેશે. તેમાં વેક્યુમ-બેઝ્ડ એડિએટિવ કૂલિંગ સિસ્ટમ ફિટ કરેલી હશે, જે તેમને જરૂરિયાત પ્રમાણે ઠંડાં રાખશે. એટલે, ટૂંકમાં, સેમીકન્ડક્ટર ચિપ બનાવતી ફેક્ટરી ભલે અમેરિકાના ઓસ્ટિન શહેરમાં ધમધમે, પણ આ ચિપ્સનું જે 'દિમાગ' આકાશમાં ઘુમરાતું રહેશે.
ટેરાફેબ કંપની જે એઆઈ ચિપ બનાવશે તેને 'ડીથ્રી' નામ આપવામાં આવ્યું છે. ઇલોન મસ્કે ઓપ્ટિમસ નામના હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યા છે, જે ટેસ્લા કારની ફેક્ટરીમાં ઓલરેડી કામ કરી રહ્યા છે. શ્રીમાન મસ્ક નજીકના ભવિષ્યમાં કમર્શિયલ ધોરણે લાખો-કરોડોની સંખ્યામાં ઓપ્ટિમસ રોબોટ બનાવવા ધારે છે, જે દુનિયાભરની ફેક્ટરીમાં જીવતાજાગતા માણસોની જગ્યાએ ગોઠવાઈ જશે, એટલું જ નહીં, એ ઘરનાં કામ પણ કરશે. આ તમામ ઓપ્ટિમસ રોબોટ, ટેસ્લા કાર્સમાં બેસાડેલી ચિપ્સ ઉપરાંત મસ્કના એઆઈ ટૂલ ગ્રોકનું સમગ્ર સંચાલન પેલાં મિની સેટેલાઇટ્સ થકી થશે.
મસ્ક અત્યાર સુધી સ્પેસ કંપની અને કાર કંપનીના માલિક હતા. ક્રમશઃ તેઓ સિલિકોન અને એનર્જી કંપનીના ધણી પણ બની રહ્યા છે.
ધારો કે ઇલોન મસ્ક અને એમના વૈજ્ઞાાનિકો-એન્જિનીયરો આ જે કંઈ વિચારી રહ્યા છે તેને વાસ્તવિક આકાર આપવામાં સફળ નીવડે (નીવડશે જ) તો ભવિષ્યમાં કેવું ચિત્ર ઊભું થશે? ઇલોન મસ્ક પાસે એવો પ્રચંડ જીઓપોલિટિકલ અને ટેકનોલોજિકલ પાવર આવી જશે, જેવો માનવજાતના ઇતિહાસમાં ક્યારેય કોઈ એક માણસના હાથમાં નહોતો આવ્યો!
આજે ગૂગલ અને ઓપનએઆઈ કંપનીઓ ખાસ્સી પાવરફુલ છે, પણ તોય એમને એનર્જી માટે અમેરિકન સરકાર પર અને ચિપ્સ માટે એનવિડીયા કે ટીએસએમસી જેવી કંપનીઓ પર આધારિત રહેવું પડે છે. ટેરાફેબ કંપનીમાં ઇલોન મસ્ક પોતાની ખુદની ડીથ્રી ચિપ્સ બનાવશે. એની પાસે પોતાનાં ખુદનાં આકાશમાં ચકરાવાં લેતાં પેલાં ઓર્બિટલ ડેટા સેન્ટર્સ હશે, સ્પેસ-બેઝ્ડ સોલરથી એ ખુદ જરૂરી એનર્જી પેદા કરી લેશે. એમની પાસે ખુદની સ્પેસએક્સ કંપનીના રોકેટ્સ છે, એટલે એમને એઆઇ મિની સેટેલાઇટ્સને અંતરિક્ષમાં મોકલવા માટે કોઈ સ્પેસ એજન્સીની મદદ લેવાની જરૂર નહીં પડે. વળી, તેમના સ્ટારલિન્ક નામની સેટેલાઇટ નેટવર્ક કંપની પણ એમના ઘરની જને! પરિણામ? ઇલોન મસ્ક દુનિયાના પહેલા એવા માણસ બનશે, જેમની પાસે સેમીકન્ડક્ટર એઆઈ ચિપ્સ (ટેરાફેબ), એઆઇ મોડલ્સ (ટછૈં), રોકેટ્સ (સ્પેસએક્સ) અને નેટવર્ક (સ્ટારલિંક), એટલે કે હાર્ડવેરથી લઈને સોફ્ટવેર સુધીનું 'સમગ્ર પેકેજ'ની માલિકી હશે!
આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે ગ્રોક (ઇલોન મસ્કના એઆઈ)ને ઓફિશિયલી પોતાના ઇન્ટરર્નલ નેટવર્ક્સમાં ભેળવ્યું. આમ, ઇલોન આજની તારીખે અમેરિકાના 'ડિફેન્સ કોન્ટ્રેક્ટર' છે અને દેશની ડિફેન્સ સિસ્ટમ અને સેટેલાઇટ નેટવર્કને કંટ્રોલ કરતા એઆઈના એ માલિક છે. આ એઆઈનો યુગ છે. જેની પાસે સૌથી વધારે કમ્પ્યુટેશનલ પાવર હશે તે એઆઈને કંટ્રોલ કરશે. ગ્લોબલ ઇન્ટેલિજન્સનું ભવિષ્ય ધીમે ધીમે ઇલોન મસ્કના હાથમાં આવી જાય તેવી પૂરી શક્યતાઓ છે. આ સ્થિતિને ઇલોન મસ્કના ગુણગાન ગાવાનું મન થઈ જાય એવી ગણવી કે ખતરનાક ગણવી? વિચારજો!


