- વાત-વિચાર-શિશિર રામાવત
- મહમૂદ ગઝનવીએ 6, 7 અને 8 જાન્યુઆરી 1026 દરમિયાન સોમનાથના મંદિર પર ભયંકર આક્રમણ કર્યું હતું, અને એની સેના સામે લડતાં લડતાં પચાસ હજાર જેટલા રક્ષકોએ જીવ ગુમાવ્યો હતો. ધર્મો રક્ષતિ રક્ષિત: અર્થાત્ ધર્મ એનું રક્ષણ કરનારાઓનું જ રક્ષણ કરે છે તે સૂત્રને સમજવામાં આ રક્ષકોએ ખૂબ મોડું કરી નાખ્યું હતું...
- સોમનાથ મંદિર, 1895માં
ઇતિહાસના અમુક પાનાં પરથી શાહી ક્યારેય સૂકાતી નથી. મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરીને તેનો નાશ કર્યો તે ઘટનાક્રમને બરાબર એક હજાર વર્ષ પૂરાં થયાં છે. ૬, ૭ અને ૮ જાન્યુઆરી ૧૦૨૬ દરમિયાન સોમનાથ મંદિર પર થયેલા ભયાનક આક્રમણની પીડા હિંદુસ્તાન સૂક્ષ્મ સ્તરે આજેય અનુભવે છે.
ગઝની એટલે આજનંુ અફઘાનિસ્તાન. મહમૂદ ગઝનવી એટલે ગઝનવીદ સામ્રાજ્યનો સૌથી શક્તિશાળી શાસક. ઇસવી સન ૧૦૦૦થી ઇસવી સન ૧૦૨૭ દરમિયાન મહમૂદે ભારત ઉપખંડ પર પંદર વખત આક્રમણ કર્યું હતું. એની નજર ભારતનાં મંદિરોમાં દેવદેવીઓની પ્રતિમાઓને ચડેવેલાં સોના-ચાંદી-હીરાનાં આભૂષણો પર હતી. મહમૂદ ગઝનવીએ સોમનાથના મંદિરને નિશાન બનાવ્યું તેની પાછળ બે સ્પષ્ટ કારણો હતાં. એક તો, તે ભગવાન શંકરના બાર પૈકીનું એક જ્યોર્તિંલિંગ ગણાય છે. બીજું, રાજાઓ અને શ્રદ્ધાળુઓએ અહીં પુષ્કળ દાનદક્ષિણા કરતા હોવાથી અહીં ધન પુષ્કળ હતું. આ આક્રમણ દ્વારા મહમૂદ ગઝનવી ખુદને એક મહાન આક્રાન્તા-વિજેતા તરીકે તો પ્રસ્થાપિત કરવા માગતો જ હતો, સાથે સાથે એ મુસ્લિમ વિચારધારાનો પ્રચાર-પસાર કરવાનો ઇરાદો પણ ધરાવતો હતો.
ઇતિહાસ નોંધે છે કે, ૧૮ ઓક્ટોબર ૧૦૨૫ના રોજ ગઝનવી ૩૦,૦૦૦ ઘોડેસવાર સૈનિકો સાથે નીકળી પડયો હતો. કહે છે કે સેના સાથે ૨૦થી ૩૦ હજાર ઊંટો પણ હતાં, જેના પર ખોરાક અને પાણી લદાયેલાં હતાં. મુલતાનમાં વિરામ લીધા બાદ મહમૂદ પોતાની સેના સાથે રણ ચીરતો આગળ વધ્યો. એણે જેસલમેર વટાવ્યું અને ડિસેમ્બર ૧૦૨૫માં અણહીલવાડ પહોંચ્યો. આ તબક્કે તત્કાલીન રાજા ભીમ પહેલાને બાતમી મળી ગઈ હતી કે મહમૂદ ગઝનવી પોતાની સેના સાથે કૂચકદમ કરતો આગળ ધપી રહ્યો છે. મહમુદનું સૈન્ય પાટણ પહોંચ્યું, ખોરાક અને પાણીનો પૂરવઠો ઊંટો પર લાદ્યો, ને દક્ષિણ તરફ વળી તેઓ મુંઢેરા પહોંચ્યા. લગભગ વીસેક હજાર સ્થાનિક યોદ્ધાઓએ ગઝનવીને અટકાવવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ નિષ્ફળ સાબિત થયા. તે પછી ગઝનીનું લક્ષ્યસ્થાન હતું દેલવાડા. આશ્ચર્ય એ વાતનું છે કે માત્ર દેલવાડા જ નહીં, સોમનાથ સુધ્ધામાં વગદાર લોકો માનતા રહ્યા કે ચિંતા કરવાની શી જરૂર છે? શંકર ભગવાન આપણને બચાવી લેશે! કનૈલાલાલ મુનશીની અદ્ભુત નવલકથા 'જય સોમનાથ'માં સોમનાથના મઠાધિપતિ સર્વજ્ઞા અને ભીમદેવ વચ્ચે એક સંવાદ છે:
'ને એ યવન મારા દેવાધિદેવની પતાકા નમાવશે?' સર્વજ્ઞા હસ્યા ને બોલ્યા: 'અભિમાની માનવી દેવથી પણ ડરતો નથી?'
'ગરજનનો મહમદ તો યમથીય ભયંકર છે.'
'આવવા દો. જેણે ત્રીજી આંખે કામદેવને બાળી ભસ્મ કર્યો હતો, તેની નયનજ્યોતિ હજી ઝંખવાઈ નથી.' કહીને સર્વજ્ઞા પછી આગળ ઉમેરે છે, 'સત્યનો જય છે, બેટા. ભગવાન તને જ વિજય અપાવશે.'
પણ ભગવાન આ રીતે વિજય અપાવતા નથી. મહાભારતના વન પર્વમાં યુધિષ્ઠિર કહે છેને કે, ધર્મો રક્ષતિ રક્ષિત: અર્થાત્ ધર્મ એનું રક્ષણ કરનારાઓનું જ રક્ષણ કરે છે. ખેર, મહમૂદ ગઝનવીએ દેલવાડા સર કર્યું, ને પછી ૬ જાન્યુઆરી ૧૦૧૬ના રોજ એ સોમનાથ પહોંચ્યો ત્યારે બ્રાહ્મણો અને સમપત ભક્તો તૈનાત હતા. કિલ્લાના અમુક રક્ષકો હજુય આક્રાન્તાઓની મજાક ઉડાવી રહ્યા હતા. તેમને પૂરેપૂરી શ્રદ્ધા હતી કે આરાધ્ય દેવ સોમેશ્વર હુમલાખોરોને દંડ આપશે. એ વાત જુદી છે કે કિલ્લાનો મુખ્ય કર્તાધર્તા નજીકના ટાપુ પર ભાગી ગયો અને મહમૂદ ગઝનવી વિસ્તાર છોડીને ગયો નહીં ત્યાં સુધી પાછા નહોતો ફર્યો!
ઇતિહાસકાર નાઝીમ મુહમ્મદના પુસ્તક 'ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ સુલતાન મહમદ ઓફ ગઝની'માં સોમનાથ મંદિરના પર થયેલા હુમલાનું વિગતવાર વર્ણન થયું છે. મંદિર ફરતે બીજા દિવસે ઘેરો વધુ મજબૂત બનતાં ભક્તો આખરે ઝનૂનપૂર્વક લડયા. એમણે તીરોનો એવો મારો ચલાવ્યો કે અચાનક હુમલાથી આક્રમણખોરો ચોંકી ગયા. સાંજ સુધીમાં રક્ષકોએ મહમૂદના સૈનિકોને કબજે કરેલી જગ્યાઓ પરથી ખદેડી દીધા હતા.
૮ જાન્યુઆરી ૧૦૨૬ના રોજ મહમૂદ ગઝનવીના સૈનિકોએ અંતિમ અને નિર્ણાયક હુમલો કર્યો - વધારે જોશ અને સચોટ કો-ઓર્ડિનેશન સાથે. કિલ્લો કબ્જે કરી લેવામાં આવ્યો. રક્ષકોને મંદિરના દરવાજા સુધી પાછળ ધકેલી દેવામાં આવ્યા. ભયાનક લડાઈ થઈ. હિંદુ યોદ્ધાઓની ટુકડીઓ મંદિરમાં જઈ ભગવાનના આશીર્વાદ લેતી અને હુમલાખોરો પર તૂટી પડતી. આ તેમની ભક્તિની કસોટી હતી. તેમની મક્કમતા અને શૌર્યમાં કશી કમી નહોતી, પણ મહમૂદની વ્યૂહરચના તેમજ સેનાની તાકાત સામે તેઓ ટકી શક્યા નહીં. મંદિરની રક્ષા કરતાં કરતાં ઓછામાં ઓછા ૫૦,૦૦૦ ભક્તોએ પોતાનો જીવ ગુમાવ્યો. સમુદ્ર માર્ગે ભાગવાનો પ્રયાસ કરનારાઓને પણ પકડી પકડીને મારી નાખવામાં આવ્યા.
સબ સલામતનો સંકેત મળતાં મહમૂદ ગઝનવી મંદિરમાં પ્રવેશ્યો. એ નરાધમે મૂતઓને કુહાડીઓથી ખંડિત કરી નાખી, શિવલિંગના ટુકડેટુકડા કરી નાખ્યા, મંદિરની સંપત્તિ લૂંટી જેની કિંમત બે કરોડ દીનાર હોવાનું કહેવાય છે. ત્યારબાદ સોમનાથના મંદિરને સળગાવી દેવામાં આવ્યું. શિવલિંગના ટુકડા એ પોતાની સાથે ગઝની લઈ ગયો. કહે છે કે એણે એક મસ્જિદના પગથિયામાં એ ટુકડા જડી દીધા હતા કે જેથી તેના પર મસ્જિદમાં આવ-જા કરતા લોકોના પગ સતત પડતા રહે.
સોમનાથનું મંદિર તોડવાનો સિલસિલો ચાલતો રહ્યો. મહમૂદ ગઝનવીએ મંદિરને છિન્નભિન્ન કરી નાખ્યું તે પછી ૧૧મી-૧૨મી સદીમાં સૌલંકી વંશના રાજવીઓ ભીમ પહેલા અને પછી કુમારપાળે મંદિરનો પુનરુદ્ધાર કર્યો. ૧૨૯૯માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિએ ફરી મંદિર પર આક્રમણ કર્યું. ૧૪મી સદીના પ્રારંભમાં સુલતાન મુઝ્ફ્ફર શાહે હિંદુઓને સોમનાથ મંદિરને આંશિક રીતે પુન: ખડું કરવાની પરવાનગી આપી. ૧૪૫૦ના દાયકામાં મહેમુદ બેગડાએ નવેસરથી સોમનાથ મંદિરનો સંપૂર્ણપણે નાશ કર્યો. ત્યાર બાદ, છેક દેશને આઝાદી મળી તે પછી, ૧૯૪૭માં સરદાર વલ્લભભાઈએ સોમનાથ મંદિરના પુનરુદ્ધારના કામનો આરંભ કર્યો, જે ૧૯૫૧ સમાપ્ત થયું.
કનૈયાલાલ મુનશીએ 'જય સોમનાથ' નવલકથાની પ્રસ્તાવનામાં લખ્યું છે તે પ્રમાણે, તેમણે આ કૃતિમાં ગઝનીના પ્રતિહત વિજેતા સુલતાન મહમૂદે સોમનાથ પર ચડાઈ કરી ત્યારે હિંદની અને ખાસ કરીને ગુજરાતની શી દશા હતી તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તે પછી મુનશીજી જે લખે છે તે ધ્યાન ખેંચે છે: 'આ આક્રમણનાં મૂળ સાધનો (એટલે સ્રોતો, સંદર્ભો) મુસ્લિમ તવારીખોમાંથી મળે છે. પણ અનેક સામગ્રી જોયા પછી એમાં તથ્ય ઓછું છે એમ મને લાગે છે. એનાં કારણો ટૂંકમાં આપી દઉં:
(૧) હિંદી તવારીખોમાં આ આક્રમણ માટે કંઈ પણ ઉલ્લેખ નથી.
(૨) મુસ્લિમ ઇતિહાસકાર ફરીસ્તા કહે છે કે 'નહરવાલ (અણહીલવાડ)નો રાજા બિરહમદેવ (ભીમદેવ) અજમેરના નરેશ તથા અન્ય રાજાઓના સૈન્યને એકત્રિત કરી તેનો રસ્તો રોકવાની પ્રબળ તૈયારી કરી રહ્યા હતા એથી સુલતાને સિંધને માર્ગે મુલતાન જવાનો વિચાર કર્યો. માર્ગમાં અસહ્ય તાપને લીધે તથા પાણીના સંપૂર્ણ અભાવને લીધે સૈન્યનો ઘણો ભાગ પાગલ થઈ મરણ પામ્યો.' તો ભીમદેવના આવા મોટા વિજયનો ઉલ્લેખ કેમ કોઈ પ્રશસ્તિમાં, દ્રયાશ્રયમાં, કીર્તિકૌમુદીમાં કે બીજા કોઈ ઇતિહાસમાં નથી?
(૩) મુસ્લિમ તવારીખો એમ કહે છે કે મહમૂદે પાટણની ગાદીએ કોઈ ડાબિશિલીમને ખંડિયા તરીકે બેસાડયો. આ વાતને કોઈ હિંદી સાધનનો આધાર નથી.
(૪) આપણાં ઉપલબ્ધ ઐતિહાસિક સાધનો ભીમદેવનો રાજ્યકાલ હંમેશાં વણતૂટયો ગણે છે. વિક્રમ સંવત ૧૦૮૬ના તામ્રપત્ર પરથી ભીમદેવ કચ્છ પર રાજ્ય કરતો લાગે છે, ને વિક્રમ સંવત ૧૦૮૮માં એનો મંત્રી વિમલ આબુ પર મોટું મંદિર બાંધે છે. આક્રમણ ૧૦૮૨-૮૩માં થયું હોય તો આ સત્તા ને સમૃદ્ધિ જરા અજબ જેવાં લાગે છે.
(૫) સોમનાથના આક્રમણનો પહેલો વિગતવાર ઉલ્લેખ મહમૂદના સમય પછી બસો વર્ષ પછી આશરે ઇસવી સન ૧૨૩૦માં ઇબ્ન અસીરની 'કામિલુત્તવારીખ'માં મળે છે.
(૬) કેટલાક મુસ્લિમ તવારખીકારો જે સોમનાથ મૂર્તિનું વર્ણન આપે છે એ હિંદુની દ્રષ્ટિએ અસંભવિત છે એટલું જ નહિ પણ અલબરૂની, જેણે એ મૂર્તિ જોઈ હતી તે, સાક્ષી પૂરે છે કે સોમનાથનું લિંગ હતું અને તે શિવમંદિરનું હોય છે તેવું નક્કર હતું. મહમૂદની કીર્તિ ગાનારા કહે છે કે એ મૂર્તિ પોલી નહોતી.'
આટલા મુદ્દા નોંધીને ક.મા. મુનશી ઉમેરે છે, 'આ શંકાઓ વિચારવા જેવી છે છતાં આક્રમણ એ સત્ય છે...'
સોમનાથ મંદિરનાં દર્શને જઈએ ત્યારે અતીતના પડઘા ધ્યાન દઈને સાંભળવા જેવા છે, અને આપણે શું શીખ્યા ને શું હજુય શીખવાનું બાકી છે તે વિશે ગંભીરતાથી વિચારવા જેવું છે...


