- વાત-વિચાર-શિશિર રામાવત
- રાજકીય અને વૈચારિક રીતે ભાજપ ખુદને જનસંઘની પરંપરાનું જ એક સ્વરૂપ માને છે. ભાજપ માટે શ્યામાપ્રસાદ મુખરજી એટલે પોતાના વૈચારિક પૂર્વજ, રાષ્ટ્રવાદનું પ્રતીક અને કોંગ્રેસની રાજનીતિના વિરોધનું પણ પ્રતીક. આ જ કારણ છે કે ભાજપના નેતાઓ વારંવાર શ્યામાપ્રસાદ મુખરજીને યાદ કરે છે. પશ્ચિમ બંગાળમાં તો ખાસ!
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની ધમપશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની ધમાચકડી ચાલી રહી ત્યારે અને ભાજપનો કલ્પાનાતીત વિજય થયો તે પછી એક વ્યક્તિનો નામનો સતત આદરપૂર્વક નામોલ્લેખ થતો રહ્યો છે. એ છે શ્યામાપ્રસાદ મુખરજી. શ્યામાપ્રસાદ મુખરજી એટલે ભારતીય જનસંઘના સ્થાપક, અને જનસંઘ એટલે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો પાયો. શ્યામાપ્રસાદના પિતાજી એટલે વિખ્યાત શિક્ષણશાી અને કાનૂનવિદ એવા આશુતોષ મુખરજી (જન્મઃ ૧૮૬૪-મૃત્યુઃ ૧૯૨૪, તસવીરમાં જમણે). આ બાપ-બેટા વિશે વિગતે જાણવા જેવું છે.
મુખરજી એટલે કે મુખોપાધ્યાય બ્રાહ્મણો બંગાળમાં સદીઓથી 'ભદ્રલોક' ગણાતા આવ્યા છે. આશુતોષ મુખરજી પહેલાં ગણિતમાં અને પછી ભૌતિકશામાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. બબ્બે વિષયમાં માસ્ટર ડિગ્રી કરનારા તેઓ કલકત્તા યુનિવસટીના સર્વપ્રથમ વિદ્યાર્થી. આટલું જાણે ઓછું હોય તેમ તેમણે સિટી કોલેજમાંથી કાનૂનની પરીક્ષા પણ પાસ કરી. ચોવીસ વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે આ તમામ ડિગ્રીઓ મેળવી લીધી હતી. તેમણે પછી કલકત્તામાં વકીલાત કરવા માંડી. ૧૯૨૦માં તો તેઓ કલક્તા હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બની ચૂક્યા હતા. આ અરસાનો એક પ્રસંગ છે.
તેઓ રોજ ગંગા કિનારે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા જતા. એક દિવસ તેઓ ગંગાસ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે એમના અંગ પર અબોટિયું ને હાથમાં ગંગાજળ ભરેલો લોટો જોઈને એક વૃદ્ધા એમને કર્મકાંડી બ્રાહ્મણ સમજી બેઠી. આશુતોષજીની પાસે જઈને તે રડવા લાગી. કહે, મારા પતિનું શ્રાદ્ધ કરવું છે, પણ કોઈ કર્મકાંડી બ્રાહ્મણ મળતો નથી. મહેરબાની કરીને તમે ના ન પાડતા. આશુતોષબાબુને દયા આવી. પોતાની ઓળખ છુપાવીને તેમણે કહ્યું, ચાલો. વૃદ્ધા એમને પોતાને ઘેર લઈ ગઈ. આશુતોષબાબુએ રીતસર બધી વિધિઓ કરી. વૃદ્ધાએ એમને દક્ષિણામાં ચોખા આપ્યા, જે એમણે પ્રેમપૂર્વક સ્વીકારી પણ લીધા. ચોખાની પોટલી લઈને તેઓ પોતાને ઘરે જવા નીકળ્યા ત્યાં રસ્તામાં કોઈ પરિચિત માણસ મળી ગયો. એ હસીને કહે, 'કેમ, આશુતોષબાબુ? ન્યાયાધીશ થઈને ગોરપદું કરી આવ્યા?' આશુતોષ મુખરજી કહે, 'ન્યાયાધીશ થયો તો શું થયું? હું મારા બ્રાહ્મણ ધર્મને થોડો તિલાંજલિ આપી શકું?'
આશુતોષબાબુ સમાજસુધારણાની બાબતમાં ખૂબ મક્કમ હતા. એમણે બાળપણમાં વિધવા થઈ ગયેલી પોતાની દીકરીનાં પુનર્વિવાહ કરાવ્યા હતાં, સમાજનો ભરપૂર વિરોધ હતો, છતાં પણ.
એક બાજુ તેમની વકીલાત ચાલતી હતી ને બીજી બાજુ, ૧૮૮૦થી ૧૮૯૦ દરમિયાન તેમણે લખેલા ગણિત સંબંધિત ૧૨ મૌલિક રિસર્ચ પેપર 'એશિયાટિક રોયલ સોસાયટી'માં પ્રસિદ્ધ થઈ રહ્યા હતા. તેમને કલકત્તા યુનિવસટીના વાઇસ ચાન્સેલર તરીકે બે વખત નિયુક્ત કરવામાં આવ્યા. યુનિવસટીનું સ્તર ઊંચું લઈ જવા માટે તેમણે જર્મન, અમેરિકન અને અંગ્રેજ પ્રોફેસરોની નિમણૂક કરી હતી.
પિતાની તેજસ્વીતા પુત્રમાં પણ ઉતરી આવી હોય તો એમાં બહુ નવાઈ પામવા જેવું ખરું? ૭ જુલાઈ, ૧૯૦૧ના રોજ શ્યામાપ્રસાદનો જન્મ થયો. પિતાની જેમ શ્યામાપ્રસાદ પણ કાયદાના ક્ષેત્ર તરફ આકર્ષાયા. બનારસ હિંદુ યુનિવસટીમાંથી એમણે કાયદા વિષયમાં ડોક્ટરેટ મેળવ્યું. શ્યામાપ્રસાદ વિદ્યાર્થી હતા ત્યારથી રાજકીય ગતિવિધિઓમાં પ્રવૃત્ત થઈ ગયેલા. તેમણે હિન્દુ સ્ટુડન્ટ ફેડરેશન નામના વિદ્યાર્થી સંગઠનની સ્થાપના કરી હતી. પછી કોંગ્રેસમાં જોડાઈને ધારાસભ્ય બન્યા, પણ એમને કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ માફક ન આવી, તેથી ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું. તેઓ પુનઃ ચૂંટણી લડયા ને જીત્યા પણ ખરા.
શ્યામાપ્રસાદ મુખરજીએ જનસંઘની સ્થાપના તો ૧૯૫૧માં કરી હતી, પણ આ બિંદુ સુધી તેઓ કેવી રીતે પહોંચ્યા તે જાણવા માટે એમના જીવનનાં આગલાં પૃષ્ઠો ખોલવા પડે. ૧૯૩૭ની પ્રાંતિક સરકારમાં શ્યામાપ્રસાદ થોડા સમય માટે નાણાપ્રધાન બન્યા હતા, પરંતુ અહીં પણ તેમણે રાજીનામું આપી દીધું, કેમ કે તેમને લાગતું હતું કે સરકાર મુસ્લિમ લીગના દબાણ હેઠળ કામ કરે છે. સ્વાતંત્ર્ય વીર સાવરકરના આગ્રહથી શ્યામાપ્રસાદ અખિત ભારતીય હિંદુ મહાસભામાં જોડાયા. હિંદુ એકતા અને હિંદુઓની પોલિટિકલ આઇડેન્ટિટી ઊભી કરવાના આશય સાથે ૧૯૧૫માં હિન્દુ મહાસભા વિધિવત્ સ્વરૂપે અસ્તિત્ત્વમાં આવી હતી. સાવરકર આ સંસ્થાના પ્રભાવશાળી નેતા હતા.
૧૯૪૦માં શ્યામાપ્રસાદ મુખરજી હિન્દુ મહાસભાના પ્રમુખ બન્યા. શ્યામાપ્રસાદના હિન્દુ મહાસભાના જોડાણને કારણે ગાંધીજી વિશેષ રાજી થયા હતા. તેમણે કહેલું, 'સમુદ્રમંથન પછી ભગવાન શિવે જેમ વિષપાન કર્યું હતું તેવી રીતે તમે ભારતીય રાજનીતિના વિષને પીવાની આવશ્યકતા પૂરી કરજો.'
હિંદુ મહાસભા ઉપરાંત શ્યામાપ્રસાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં પણ આવ્યા હતા. આરએસએસના કાર્યક્રમોમાં તેઓ અવારનવાર ઉપસ્થિત રહેતા. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. ગાંધીજીએ આગ્રહથી શ્યામાપ્રસાદ મુખરજી અને ડો. આંબેડકર જેવા બિનકોંગ્રેસી સભ્યોને પણ સરકારનો હિસ્સો બનાવવામાં આવ્યા. શ્યામાપ્રસાદ દેશના ઉદ્યોગપ્રધાન બન્યા. ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો અને કાશ્મીરના રાજા હરિસિંહે લશ્કરી સહાય મોકલવા માટે ભારત સરકારને વિનંતી કરી ત્યારે શ્યામાપ્રસાદે સ્પષ્ટ મત રજૂ કર્યો હતો કે ભારતે પોતાનું લશ્કર કાશ્મીર મોકલવું જ જોઈએ. વડાપ્રધાન નેહરૂ અવઢવમાં હતા, પણ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે શ્યામાપ્રસાદના મતને સમર્થન આપ્યું. આખરે ભારતનું લશ્કર કાશ્મીર મોકલવાનો નિર્ણય લેવાયો, જેને કારણે કાશ્મીરનો ઘણોખરો ભાગ બચાવી શકાયો. હૈદરાબાદનો પ્રશ્ન સરદાર પટેલને સોંપવો જોઈએ તેવો પ્રસ્તાવ કેબિનેટની બેઠકમાં મૂકનાર પણ શ્યામાપ્રસાદ જ હતા.
આઝાદી પછીના ત્રણ મહિનાના ગાળામાં પૂર્વ બંગાળમાંથી અઢી લાખ હિંદુ નિર્વાસિતો ભારતમાં આવ્યા હતા, પણ ભારત સરકારે હિંદુઓના રક્ષણ માટે પાકિસ્તાન સરકાર પર કોઈ દબાણ ન લાવી. ભારત સરકારના આ વલણથી અકળાયેલા શ્યામાપ્રસાદે ૧૯ એપ્રિલ ૧૯૫૦ના રોજ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું. હિંદુ મહાસભાના દરવાજા બિનહિંદુઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા તે એમને કઠતું હતું. તેથી તેઓ હિંદુ મહાસભામાંથી પણ છૂટા થયા. આ અરસામાં આરએસએસના સરસંઘચાલક મ.સ. ગોળવલકરને મળવાનું થયું. ગાંધીહત્યાના બહાને સરકારે આરએસએસની પ્રવૃત્તિઓને કચડી નાખવાની કોશિશ કરી હતી.
શ્યામાપ્રસાદે ગોળવલકરને પૂછ્યું, 'તમારી પાસે આવડું મોટું સંગઠન છે, પણ કેન્દ્રમાં તો હિંદુવિરોધી સરકાર છે. આપ કેમ રાજકીય પક્ષ ઊભો કરવાનું વિચારતા નથી?' ગોળવલકર કહે, 'આરએસએસ એક બિનરાજકીય સંગઠન છે. તે રાજકારણમાં સામેલ ન થઈ શકે. આપ જો હિંદુત્વની વિચારધારાવાળો પક્ષ સ્થાપશો તો સંઘ તેનું સમર્થન કરશે.' શ્યામાપ્રસાદ કહે, 'હું પચાસનો તો થયો, ને મારી પાસે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ નથી.' ગોળવલકર કહે, 'તમે શરૂઆત તો કરો. દરેક રાજ્યમાંથી સંઘના બબ્બે કાર્યકર્તા તમારા નવા પક્ષના સંગઠનનું કામ કરશે.'
લાંબા વિચારવિમર્શ બાદ ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ દિલ્હીમાં ભારતીય જનસંઘની વિધિવત્ સ્થાપના કરવામાં આવી. શ્યામાપ્રસાદ મુખરજી તેના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. ત્રણ જ મહિના પછી દેશની પહેલી સામાન્ય ચૂંટણી યોજાઈ. જનસંઘનું દેશવ્યાપી વ્યવસ્થિત માળખું ગોઠવાયું ન હોવા છતાં જનસંઘે લોકસભાની ૯૨ અને વિધાનસભાની ૭૨૫ બેઠકો પરથી ચૂંટણી લડી, જેમાંથી તેને લોકસભાની ૩ અને વિધાનસભાની ૩૫ બેઠકો મળી. શ્યામાપ્રસાદ બંગાળમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા.
શ્યામપ્રસાદનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. કાશ્મીરમાં તેમની ધરપકડ કરીને ૪૦ દિવસ સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા. એમની તબિયત લથડતાં શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. હાઇ બ્લડપ્રેશરની તકલીફ તો એમને પહેલેથી જ હતી. ૨૩ જૂન ૧૯૫૩ના રોજ, ફક્ત બાવન વર્ષની ઉંમરે, એમણે છેલ્લા શ્વાસ લીધા.
શ્યામાપ્રસાદના મૃત્યુ પછી પણ, અલબત્ત, જનસંઘનું અસ્તિત્ત્વ ટકી રહ્યું. દીનદયાળ ઉપાધ્યાય મહત્ત્વનો ચહેરો બન્યા. ક્રમશઃ અટલ બિહારી બાજપેયી અને એલ.કે. અડવાણી યુવા નેતાઓ તરીકે ઊભર્યા. ઇમરજન્સી પછી, કેટલાક વિરોધ પક્ષો સાથે ભળી જઈને જનતા પાર્ટીની રચના કરી. હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા પર આધારિત જનસંઘ અને આરએસએસ વચ્ચે ગાઢ સંબંધો હોવાના જ, અને આ સંબંધ જ જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદનું કારણ બન્યા. જનસંઘના નેતાઓએ જનતા પાર્ટી છોડી અને ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના કરી.
આમ, રાજકીય અને વૈચારિક રીતે ભાજપ ખુદને જનસંઘની પરંપરાનું જ એક સ્વરૂપ માને છે. ભાજપ માટે શ્યામાપ્રસાદ મુખરજી એટલે પોતાના વૈચારિક પૂર્વજ, રાષ્ટ્રવાદનું પ્રતીક અને કોંગ્રેસની રાજનીતિના વિરોધનું પણ પ્રતીક. આ જ કારણ છે કે ભાજપના નેતાઓ વારંવાર શ્યામાપ્રસાદ મુખરજીને યાદ કરે છે. પશ્ચિમ બંગાળમાં તો ખાસ!


