Get The App

મિત્રના દુશ્મનને દુશ્મન માની લેવો જરૂરી નથી...

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
મિત્રના દુશ્મનને દુશ્મન માની લેવો જરૂરી નથી... 1 - image

- વાત-વિચાર-શિશિર રામાવત

- 'જો ઇઝરાઈલે સંયુક્ત આરબ પ્રજાસત્તાક અને બીજાં આરબ રાષ્ટ્રોની લશ્કરી શક્તિને પાંગળી ન બનાવી દીધી હોત તો ઈઝરાઈલનું અસ્તિત્વ મિટાવી દેવાયું હોત, કારણ કે પ્રમુખ નાસર ઈઝરાઈલનો સર્વનાશ ઇચ્છતા હતા...' 

આ ઘટનાક્રમ આપણે સૌ જાણીએ છીએ: નરેન્દ્ર મોદી ૨૫ અને ૨૬ ફેબુ્રઆરી દરમિયાન ઇઝરાયલમાં હતા તે દરમિયાન બન્ને દેશોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ડિફેન્સ સહિતનાં કેટલાય ક્ષેત્રોને આવરી લેતા ૨૭ કરારો કર્યા હતા. મોદી ભારત પાછા ફર્યા એના બીજા જ દિવસે, ૨૮ ફેબુ્રઆરીએ, ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્તપણે ઇરાન પર હુમલો કરી દીધો. સામે પક્ષે ઇરાને બહેરીન, કુવૈત, કતાર, સાઉદી એરેબિયા અને યુએઈમાં આવેલા અમેરિકાના લશ્કરી થાણાં પર ડ્રોન અને મિસાઇલો વડે અટેક કર્યો. દુનિયાભરમાં તંગદિલી છવાઈ જવી સ્વાભાવિક હતી. 

આ બધું ચાલી રહ્યું છે ત્યારે આપણી ભાષાના પ્રથમકક્ષ સાહિત્યકાર અને રાજકીય પુરુષ કનૈયાલાલ મુનશીનું 'કુલપતિના પત્રો' પુસ્તકનું સ્મરણ થાય છે. ૧૯૫૨માં મુનશીજીને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા એટલે તેઓ મુંબઈ છોડીને અલાહાબાદ જતા રહેલા. પોતે સ્થાપેલા ભારતીય વિદ્યા ભવનના સાથીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહી શકાય તેવા હેતુથી મુનશીએ તેમને નિયમિતપણે પત્રો લખવા માંડયા, જે ભવનના અંગ્રેજી મુખપત્ર 'ભવન્સ જર્નલ'માં છપાતા. ૧૯૬૧માં 'સમર્પણ' સામયિક શરૂ થયું (આજે તે 'નવનીત સમર્પણ' તરીકે ઓળખાય છે), અને તેમાં આ પત્રોનો ગુજરાતી અનુવાદ છપાવા લાગ્યો. મુનશીના અંગ્રેજી પત્રો, અથવા કહો કે લેખોનો ગુજરાતી અનુવાદ કોણ કરતું હતું, જાણો છો? લોકપ્રિય કવિ-સાહિત્યકાર, હરીન્દ્ર દવે. તેઓ એ વખતે 'સમર્પણ'ના સંપાદક હતા. ઘનશ્યામ દેસાઈ પણ તે વખતે 'સમર્પણ'માં કામ કરતા હતા. 'કુલપતિના પત્રો' પુસ્તકનું સંપાદન હરીન્દ્ર દવે અને ઘનશ્યામ દેસાઈએ સંયુક્તપણે કર્યું છે. 

આજે ઇઝરાયલ ભારતનું 'સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનર' છે તે આખી દુનિયા જાણે છે. આજે ભારત અને ઈઝરાયલ વચ્ચે જેટલા સુમેળભર્યા સંબંધો છે એટલા ભૂતકાળમાં ક્યારેય નહોતા. ભૂતકાળમાં આ સ્થિતિ નહોતી. 'કુલપતિના પત્રો' પુસ્તકમાં એક આખેઆખો લેખ ભારત-ઇઝરાયલના તત્કાલીન સંબંધ વિશે છે, જેનું શીર્ષક છે, 'ઇઝરાઈલનો જીવવાનો અધિકાર'. જૂન ૨૫, ૧૯૬૭ના રોજ મુનશીજીએ લખેલો આ લેટર-કમ-લેખ વાંચવા જેવો છે. મુનશીજી લખે છે: 

'મારા નવયુવાન મિત્ર, 

પ્રમુખ નાસરે ૧૯૬૭ની ૨૭ મેએ ઇઝરાયલનો જડમૂળથી નાશ કરવા પ્રતિજ્ઞાા લીધી. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે છેલ્લાં અગિયાર વર્ષથી અમે તૈયારી કરી રહ્યા હતા છીએ. એમનો ઇરાદો સ્પષ્ટ હતો. 

નાસરે એકપક્ષી પગલાં લઈ સંયુક્ત રાષ્ટ્રસંઘનાં તાકીદનાં દળો (યુનાઇટેડ નેશન્સ ઇમરજન્સી ફોર્સ - યુએનઇએફ)ને ત્યાંથી દૂર કરાવ્યાં, ઇઝરાયલી જીવનરેખા જેવા અકાબાના અખાતને બંધ કરી ઇઝરાયલના અસ્તિત્વને ગૂંગળાવ્યું. આના વિરોધમાં આપણે એક હરફ પણ ઉચ્ચાર્યો નહીં. ઊલટું, આપણા વિદેશખાતાના પ્રધાને નાસરકક્ષાએ ઇઝરાયલની રચનાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો. ઇઝરાયલને પણ જીવવાનો અધિકાર છે એવા એક નિવેદન દ્વારા આ વલણ પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો.'

આગળ વધતાં પહેલાં સંદર્ભો સમજતા જઈએ.  મુનશીએ જે નાસરનો ઉલ્લેખ કર્યો છે એમનું આખું નામ છે, ગમાલ અબ્દેલ નાસર. ૧૯૫૪થી ૧૯૭૦ દરમિયાન તેઓ ઇજિપ્તના પ્રેસિડન્ટ હતા. આરબ રાષ્ટ્રોના મોટા ભા બનવા માગતા નાસરને સોવિયેત રશિયા પાસેથી ગુપ્ત માહિતી મળી હતી કે ઇઝરાયલ સિરીયા બોર્ડર પાસે સૈનિકોની જમઘટ કરી રહ્યું છે. (આ બાતમી જોકે પછી ખોટી સાબિત થઈ હતી.) ૨૭ મે, ૧૯૬૭ના રોજ નાસરે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને હુંકાર કર્યો કે જો યુદ્ધ ફાટી નીકળશે તો અમારું મુખ્ય ધ્યેય હશે, ઇઝરાયલનો સર્વનાશ! 

યુદ્ધ જરૂર ફાટી નીકળ્યું, પણ નાસરે કલ્પના કરી હતી તે રીતે નહીં. ઇઝરાયલે પહેલો ઘા મારી દીધો, ગણતરીની કલાકોમાં ઇજિપ્તની મલિટરીની હાલત ખરાબ કરી નાખી. જૂન, ૧૯૬૭માં આ ઇઝરાયલ-ઇજિપ્ત યુદ્ધ છ દિવસ ચાલ્યું. તે વખતે ઇંદિરા ગાંધી ભારતનાં વડાંપ્રધાન હતાં. ભારતે આ યુદ્ધ વખતે ઇજિપ્તને સાથ આપ્યો. નાસરે ઇઝરાયલના સર્વનાશની ધમકી આપી હતી તે પછી પણ ભારતે યુનાઇટેડ નેશન્સમાં ઇજિપ્તની જ તરફેણ કરી હતી. મુનશી એમના પત્રમાં વિદેશ પ્રધાનનો ઉલ્લેખ કર્યો છે. સપ્ટેમ્બર ૧૯૬૭ સુધી એમ.સી. ચાગલા ભારતના વિદેશપ્રધાન હતા. પછી વિદેશ મંત્રાલય પણ ઇંદિરા ગાંધીએ પોતાને હસ્તક કરી નાખ્યું હતું. મુનશીજી પત્રમાં આગળ લખે છે: 

'યહૂદીઓ સ્ફૂતવાન, શક્તિશાળી અને કૃતનિશ્ચયી પ્રજા છે. તેની વસતિ ૨૫ લાખ જેટલી એટલે કે (૧૯૬૭ના) મુંબઈની વસતિ કરતાં અડધી છે. આ પ્રજાને વસવાટ માટે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા તરફથી એક ઉજ્જડ રણ જેવા પ્રદેશનો ટુકડો કાઢી આપવામાં આવ્યો હતો. તેમાંથી પોતાની સર્જનાત્મક શક્તિ વડે યહૂદીઓએ શિસ્તબદ્ધ તથા નવીન વિચારસરણી ધરાવતું આધુનિક રાજ્ય તૈયાર કર્યું. આ પોતાના ઘરમાં તેઓ શાંતિથી વસવાટ કરી શકે અને આરબો તેમના અસ્તિત્વનો સ્વીકાર કરે એટલું જ તેઓ માગે છે. 

ઇઝરાઇલ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય છે. સાત દેશોના સૈનિકોનું બનેલું યુનોનું તાકીદનું દળ એની રક્ષા કરતું હતું અને છતાં સંયુક્ત આરબ પ્રજાસત્તાકે એના સર્વનાશની ઇચ્છા કરી. 

.....યુનોના બધા જ સભ્યો, અને ખાસ કરીને આપણે જોડાણ ન સાધવા વિશે વાતો કરીએ છીએ. આપણે સૌ કોઈ એક દેશના સર્વનાશ માટેના યુદ્ધને વખોડી કાઢવું જોઈતું હતું. એના બદલે આપણે જાહેર કર્યું કે પહેલું લશ્કરી પગલું ઇઝરાઇલે લીધું છે. 

આપણે એ ન ભૂલવું જોઈએ કે જ્યારે મુસોલિનીએ આપખુદ સત્તા વડે ઇથીઓપિયા જીતી લીધું ત્યારે લીગ ઓફ નેશન્સનું પતન થયું હતું.

જો ઇઝરાઈલે સંયુક્ત આરબ પ્રજાસત્તાક અને બીજાં આરબ રાષ્ટ્રોની લશ્કરી શક્તિને પાંગળી ન બનાવી દીધી હોત તો ઈઝરાઈલનું અસ્તિત્વ મિટાવી દેવાયું હોત, કારણ કે પ્રમુખ નાસર ઈઝરાઈલનો સર્વનાશ ઇચ્છતા હતા. 

નાસરે યુનોના દળને ખસેડાવ્યું, ઈઝરાઈલનું ગળું દાબ્યું અને છતાં કેટલાક કહે છે કે ઈઝરાઈલે પહેલો ધડાકો નહોતો કરવો જોઈતો હતો. એણે ભૂખે મરી જવું જોઈતું હતું અને આરબ દળોને પોતાનાં શબ પરથી પસાર થવા દેવાં જોઈતાં હતાં. 

આ વિતંડાવાદીઓ એમ પણ કહે છે કે પહેલો ધડાકો કરવાને બદલે શક્તિશાળી પ્રતિસ્પર્ધીને હાથે એણે મરી જવું જોઈતું હતું.

આપણે જોડાણ ન સાધવાની નીતિ વિચિત્ર ને વિચિત્ર બનતી ચાલી છે. 

ઈઝરાઈલ ક્યારેય આપણી જોડે શત્રુભાવ રાખતું નથી, છતાં આપણે એને સંપૂર્ણ રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું નથી. ઘણાં રાષ્ટ્રોએ સંયુક્ત આરબ પ્રજાસત્તાકની જોડે ઇઝરાઈલના સાથે પણ સંપૂર્ણ રાજકીય સંબંધો બાંધ્યા છે. કોઈ સામાજિક સમારંભ યોજવા દેતા નથી. ઈઝરાઈલના પ્રમુખને વિમાન બદલવા માટે થોડા કલાકો કલકત્તાના વિમાનમથકે રોકાવું પડયું ત્યારે આપણે એમના પ્રત્યે રાજકીય વિનય દાખવવાનું પણ ઉચિત ધાર્યું ન હતું. 

આપણે આરબ લીગના પ્રતિનિધિને રાજકીય માન્યતા આપી એ સંસ્થાને આંતરરાષ્ટ્રીય દરજ્જા પર મૂકી. 

સંયુક્ત આરબ પ્રજાસત્તાક આપણું મિત્ર છે, આપણે એને ૧૯૫૬ની કટોકટીમાં સહાય કરી હતી. પણ એનો અર્થ એવો નથી કે આપણે આપણા મિત્રના દુશ્મનને દુશ્મન માનવો! આપણી સરકાર એવું જ માનતી લાગે છે. એ ઈઝરાઈલ સાથે મૈત્રી બાંધતી નથી કારણ કે સંયુક્ત આરબ પ્રજાસત્તાકને એ ગમતું નથી. આ જ નીતિ પ્રમાણે આરબ પ્રજાસત્તાક આપણી સાથે વર્તતું નથી. તેઓ પાકિસ્તાન અને ભારતને એકસરખી કક્ષાએ મૂકે છે એમાં હવે કોઈ સંદેહ નથી. 

આરબ પ્રજાસત્તાક તરફ અભિગ્રહયુક્ત વલણથી આપણે ભવિષ્યમાં મધ્યસ્થી તરીકે ભાગ ભજવી શકીશું નહીં. પશ્ચિમ એશિયા તરફનું આપણી સરકારનું વલણ બાલિશ, અતટસ્થ અને અવિચારી હતું. હવે દુખદ પરિણામોનો આપણે સામનો કરવો પડયો. હાલની પશ્ચિમ એશિયામાંની ભારતની નીતિને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણને જે મોભો અને સન્માન મળતાં હતાં તે પણ જો આપણે ગુમાવીએ તો નવાઈ નહીં. 

જવાહરલાલની વિદેશનીતિ બીજી ગમે તે ખામીવાળી હોય છતાં તેમના સમયમાં ભારત આરબ પ્રજાસત્તાકના વડા ભાઈના પદે હતું. લાલબહાદુર શાસ્ત્રીના સમયમાં તેઓ મિત્રો બન્યા હતા. અને હાલની સરકારના અમલ દરમ્યાન ભારતે આરબ પ્રજાસત્તાકની કંઠી બાંધી લીધી બેઠું છે અને ગુણગાન ગાયા કરે છે.'

કનૈયાલાલ મુનશીનો પત્ર સ્વરૂપે લખાયેલો લેખ અહીં પૂરો થાય છે. 

૧૯૬૭ પછી છેક ૧૯૯૧ સુધી ભારતનું વલણ આરબ-તરફી રહ્યું. ઇઝરાયલ સાથે ભારતનો સંબંધ ખાસ્સો સીમિત રહ્યો. ૧૯૯૨માં ભારત-ઇઝરાયલ સંબંધોમાં મહત્ત્વનો વળાંક આવ્યો. 'ગુપ્ત ડિપ્લોમસી'નો યુગ પૂરો થયો, બન્ને દેશો વચ્ચે પ્રગટપણે ભાઇબંધી થઈ. ૧૯૯૯માં કારગિલ યુદ્ધ થયું ત્યારે અન્ય દેશો આપણને લશ્કરી સહાય કરવામાં સંકોચ કરી રહ્યા હતા, પણ ઇઝરાયલે આપણને ખૂબ મદદ કરેલી. મોદી આવ્યા પછી તો ભારત-ઇઝરાયલના સંબંધો ઉત્તરોત્તર ગાઢ થતા ગયા છે. કનૈયાલાલ મુનશીના પત્ર થકી અતીતમાં ડોકિયું કરીને બે રાષ્ટ્રો વચ્ચે બદલાતા રહેતા સંબંધોનો જે સંદર્ભ મળે તે ખરેખર રસપ્રદ છે.