- વાત-વિચાર-શિશિર રામાવત
- સૌના મનમાં એક જ લાલચ હતી : કેલિફોર્નિયા જઈશું, જમીન ખોદીશું, સોનું બહાર કાઢીશું ને માલામાલ બની જઈશું!ખાણિયાઓને એ ક્યાં ખબર હતી કે એમના નસીબમાં ઝગમગતું સોનું નહીં, પણ શોષણ, અન્યાય અને અપમાન લખાયેલાં છે!
આ વાત હશે, સમજોને કે, ગઈ સદીના મધ્યભાગની. જીન-લુઈ બેરો નામના એક ફ્રેન્ચ ડિરેક્ટર-પ્રોડયુસર એક વખત સાઉથ અમેરિકન દેશ ચિલી ગયેલા. ત્યાં તેમની મુલાકાત પાબ્લો નેરૂદા સાથે થઈ. પાબ્લો નેરૂદા (જન્મ: ૧૯૦૪, મૃત્યુ: ૧૯૭૩) એટલે વિશ્વવિખ્યાત નોબલ પ્રાઇઝવિજેતા કવિ અને રાજકારણી. વીસમી સદીના મહાનતમ કવિઓની સૂચિમાં એમનું સ્થાન ટોચ પર મૂકાય છે. પેલા ડિરેક્ટરે એમને કહ્યું : સર, મારી નાટક કંપની માટે તમે એક નાટક લખી આપોને!
પાબ્લો નેરૂદાએ તરત જવાબ આપ્યો: ના, ભાઈ, ના. હું તો રહ્યો કવિ. મને ફક્ત કવિતા લખતા આવડે. જિંદગીમાં મેં ક્યારેય નાટક લખ્યું નથી ને મને રંગભૂમિમાં કશી ગતાગમ પણ પડતી નથી.
'કશો વાંધો નહીં,'ડિરેક્ટરે નમ્રતાપૂર્વક કહ્યું, 'તમે ફક્ત કવિતા લખો. તે કવિતામાંથી નાટક ઊભું કરવાનું કામ મારું!'
ડિરેક્ટરસાહેબે ઘણી કોશિશ કરી જોઈ, પણ નેરૂદાએ નાટક લખી આપવાનું વચન ન આપ્યું તે ન જ આપ્યું.
૧૯૬૪માં નેરૂદાએ શેક્સપિયરના વિખ્યાત નાટક 'રોમિયો અને જુલિયેટ'નો સ્પેનિશ ભાષામાં અનુવાદ કર્યો હતો, જેના દેશ-વિદેશમાં ઘણા શોઝ થયેલા. તે વખતે તેમને પૂછાયું કે તમે શેક્સપિયરના નાટકનો અનુવાદ કર્યો એ બરાબર છે, પણ મૌલિક નાટક ક્યારે લખવાના છો? નેરૂદાએ આ વખતે પણ હસીને કહી દીધું કે હું તો કવિ છું, નાટયકાર નહીં, મૌલિક નાટક લખવાનો મારો કોઈ ઈરાદો નથી.
...પણ બે વર્ષપછી એક ઘટના બની. નેરૂદા તે અરસામાં કવિતાઓના એક તોતિંગ સંકલન પર કામ કરી રહ્યા હતા. એક સાંજે એમના ઘરે બેઠક જામી હતી, જેમાં નેરૂદાએ મિત્રો અને પોતાની પત્નીની હાજરીમાં એક મસ્તમજાની કવિતા સંભળાવી.કવિતા ચિલી દેશના એક બહારવટિયા વિશે હતી. લૂંટારાનું નામ હતું, વાકીન મુરિયેટા. (વાકીન નામના સ્પેલિંગ -ર્વચૂેૈહ - અને ઉચ્ચાર વચ્ચે જરા મનમેળ નથી). કવિતાનું પઠન પૂરું થતાં જ નેરૂદાનાં પત્ની બોલી ઉઠયાં, 'અરે, આ તો નખશિખ થિયેટર છે!આના પરથી તો નાટક બનવું જોઈએ!'
બસ, નેરૂદાને જિંદગીમાં પહેલી વાર નાટક લખવા માટે સાચા અર્થમાં ધક્કો લાગ્યો. સવાલ એ છે કે નેરૂદાની કક્ષાના કવિને એક બહારવટિયાની કહાણીમાં શા માટે રસ પડયો?આ પ્રશ્નના જવાબ માટે થોડાં વર્ષો પાછળ જવું પડશે, કે જ્યારે નેરૂદા ચિલીના કમ્યુનિસ્ટ સેનેટર હતા, ને એમના રાજકીય પક્ષ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. નેરૂદાને ચિલીના 'મોસ્ટ વોન્ટેડ મેન' ઘોષિત કરવામાં આવ્યા હતા. તેઓ પોતાનો જીવ બચાવવા ભૂગર્ભમાં જતા રહેલા. તેમણે જુદાં જુદાં ચાલીસ ઘર બદલવા પડયા.આ ગુપ્તવાસ દરમિયાન એક વખત એક ઘરમાં તેમના હાથમાં 'નેશનલ જ્યોગ્રાફિક' મેગેઝિનનો જૂનો અંક આવી ગયો. તેમાં અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય વિશે લેખ હતો. લેખના જ ભાગરૂપે મુરિયેટા નામના મરેલા ડાકુના કપાયેલા મસ્તકનું રેખાંકન પણ હતું. ૧૨ ઓગસ્ટ ૧૮૫૩ના રોજ એક મેળામાં મુરિયેટાનું કપાયેલું માથું ખરેખર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું!
નેરૂદાના ચિત્તમાં ડાકુના કપાયેલા માથાનું ચિત્ર સજ્જડપણે ચોંટી ગયું. પરિસ્થિતિ થાળે પડી તે પછી એમણે પેલો ડાકુના ચિત્રાંકનવાળો લેખ શોધવા લાઇબ્રેરીમાં જઈને 'નેશનલ જ્યોગ્રાફિક'ની ઢગલાબંધ ફાઇલો ઊથલાવી નાખી, પણ તે અંક ન મળ્યો તે ન જ મળ્યો. નેરૂદાને પછી અમેરિકા જવાનું થયું ત્યારે કેલિફોર્નિયાના ગોલ્ડ રશ વિશે ખૂબ રિસર્ચ કર્યું.
આગળ વધતાં પહેલાં 'ગોલ્ડ રશ'વિશે ટૂંકમાં સમજી લઈએ.૧૮૪૮માં અમેરિકાના પશ્ચિમ કાંઠે આવેલા કેલિફોર્નિયામાં સૌથી પહેલી વખતે સોનાની ખાણ જડી આવી હતી.આ સમાચાર શરૂઆતમાં ધીમે ધીમે અને પછી આગની જેમ આખી દુનિયામાં ફેલાઈ ગઈ.૧૮૪૯ સુધીમાં માત્ર અમેરિકાના પૂર્વ ભાગમાંથી જ નહીં, પણ ચિલી, મેક્સિકો, પેરુ જેવા અમેરિકાના પાડોશી દેશોઉપરાંત છેક યુરોપ, ચીન અને ઓસ્ટ્રેલિયાથી પણ લોકો કેલિફોર્નિયા ધસી આવ્યા. સૌના મનમાં એક જ લાલચ હતી: કેલિફોર્નિયા જઈશું, જમીન ખોદીશું, સોનું બહાર કાઢીશું ને માલામાલ બની જઈશું! કેલિફોર્નિયામાં થયેલા આ સુવર્ણવાંછુ લોકોના ઐતિહાસિક ધસારા માટે 'ગોલ્ડ રશ' શબ્દપ્રયોગ કરવામાં આવે છે.ગોલ્ડ રશ પહેલાં કેલિફોર્નિયાની વસ્તી સાવ ઓછી હતી, પણ જોતજોતામાં અહીં માનવ મહેરામણ ઉમટયો કે સાન ફ્રાન્સિસ્કો જેવાં શહેરો ઝપાટાભેર વિકસવા લાગ્યાં.
તો શું સોનાની શોધમાં આવેલા લોકોને સોનું મળ્યું ખરું? જવાબ છે, ના. મોટા ભાગના ખાણિયાઓ ક્યારેય ધનિક બની શક્યા નહીં.માણસની લોભ-લાલચવૃત્તિ ચરમ સીમા પર હોય ત્યારે અપરાધોનું પ્રમાણ ન વધે તો જ નવાઈ. ગોલ્ડ રશ દરમિયાન હિંસા, લૂંટફાટ અને કાયદાની ઐસી-તેસી કરવાની ઘટનાઓ છાશવારે બનવા લાગી. મેક્સિકન, ચિલિયન, ચીની અને અમેરિકાના મૂળ આદિવાસીઓ (રેડ ઇન્ડિયન્સ) પર અવારનવાર જાતિવાદી હુમલા થતા. વિદેશી મૂળના નાગરિકો પર ભેદભાવભર્યા કાયદાઓ લાગુ પાડવામાં આવતા.
...અને આ જ ઘટનાક્રમ પાબ્લો નેરૂદાના નાટકની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે.અંગ્રેજીમાં નાટકનું શીર્ષક છે, 'ધ સ્પેલન્ડર એન્ડ ડેથ ઓફ વાકીન મુરિયેટા'. વાકીન મુરિયેટાચિલી દેશનો વતની હતો, જે ઇમિગ્રન્ટ બનીને કેલિફોર્નિયા ગયો હતો. એ આવ્યો હતો તક અને સમૃદ્ધિની આશાએ, પણ અહીં એનું ખૂબ શોષણ થયું, એણે ઘણા અન્યાયો સહેવા પડયા. એક તબક્કે દબાયેલી સ્પ્રિન્ગ જોરદાર ઉછળી ને મુરિયેટા માત્ર વિદ્રોહી નહીં, પણ બહારવટિયો બની ગયો. એની ટોળકી લૂંટફાટ, ઘોડાની ચોરીઓ અને હત્યાઓ સુધ્ધાં કરતી. ઇતિહાસમાં વાકીન મુરિયેટા નામના અપરાધી ચિલીઅન ઇમિગ્રન્ટની નોંધ પણ છે. અલબત્ત, ઇતિહાસના ચોપડે ચડેલી વિગતો અપૂરતી છે અને કંઈક અંશે વિરોધાભાસી પણ છે. સમયની સાથે મુરિયેટાની જીવનકથામાં કલ્પનાના રંગો ઉમેરાતા ગયા. તે લાર્જર-ધેન-લાઇફ બનતો ગયો. ચિત્ર એવું ઊપસ્યું કે એકધારા અન્યાય અને તીવ્ર અપમાનબોધને કારણે બળવાખોર બની ગયેલા મુરિયેટામાં માનવતા છલોછલ હતી. રોબિનહૂડની જેમ એ અમીરોને લૂંટતો ને ગરીબોની મદદ કરતો.
૧૮૫૪માં જ્હોન રોલિન રિજ નામના લેખકે મુરિયેટાના જીવન પર એક પુસ્તક લખ્યું, જેમાં એને અન્ડરડોગમાંથી ડાકુ બનેલા નાયક તરીકે રજૂ કરવામાં આવ્યો. મુરિયેટાનું આવું પાત્રાલેખન આખા લેટિન અમેરિકામાં લોકપ્રિય બન્યું. નેરૂદાએ પણ પોતાની કથામાં મુરિયેટા વિશેની દંતકથાઓનો આધાર લીધો છે. તેઓ આ નાટક દ્વારા પૂછે છે કે મુરિયેટા બહારવટિયો હતો કે નહીં તે સવાલ નથી, સાચો સવાલ એ છે કે એણે બહારવટિયા શા માટે બનવું પડયુ ં? રાજકીય રંગો ધરાવતું નેરૂદા લિખિત આ નાટક એક મ્યુઝિકલ પ્લે છે. મજાની વાત એ છે કે આખા નાટકમાં મુરિયેટાનું પાત્ર એકેય વાર સ્ટેજ પર આવતું નથી. ફક્ત અંતમાં એક તાસકમાં એનું કપાયેલું મસ્તક સ્ટેજ પર આવ્યું હોય તેવું દ્રશ્ય છે. ધડ વગરનું માથું પછી ઓડિયન્સ સાથે સીધો સંવાદ કરે છે.
નેરૂદાએ જિંદગીમાં આ એક જ નાટક લખ્યું છે. તેથી જ ૧૯૬૭માં ચિલીના પાટનગર સાન્ટિયાગોમાં નાટક ઓપન થયું તે પહેલાં જોરદાર હવા બની ગઈ હતી. પહેલા શોમાં ટોચના રાજકારણીઓ અને સમાજના વગદાર લોકો ઓડિયન્સ બનીને આવ્યા. અમેરિકાના અગ્રણી અખબારોએ પોતાના વિવેચકોને ખાસ આ નાટક જોવા મોકલ્યા હતા. દેખીતું છે કે નોર્થ અમેરિકનોને શોષક તરીકે અને લેટિન અમેરિકનોને વંચિત તરીકે ચિતરતું આ નાટક અમેરિકન મિડીયાને ન જ ગમે. તેથી જ 'ધ ન્યુ યોર્ક ટાઇમ્સ' અખબારે લેખનું મથાળું બાંધ્યું- 'એન્ટિ-અમેરિકનપ્લે બાય નેરૂદા, ચિલીઅન પોએટ, ઓપન્સ.'
'ધ સ્પેલન્ડર એન્ડ ડેથ ઓફ વાકીન મુરિયેટા' નાટક પરફેક્ટ નહોતું, પણ તે અત્યંત અસરકારક હતું અને તેથી જ સુપરહિટ પૂરવાર થયું. નેરૂદા બરાબર જાણતા હતા કે હું ભલે મોટો કવિ ગણાતો હોઉં, પણ નાટયલેખક તરીકે નવો નિશાળિયો છું. તેથી તેમણે સહેજ પણ અહમ્ વચ્ચે લાવ્યા વિના ડિરેક્ટર જીન-લુઈ બેરોએ કહ્યા તે પ્રમાણે પોતાના લખાણમાં ફેરફાર કરી આપેલાં. નવાં દ્રશ્યો પણ ઉમેરી આપેલાં. ડિરેક્ટરે તો નેરૂદાને પહેલેથી કહી રાખ્યું હતું કે તમે ટેન્શન ન લો, તમે કવિતા જ લખો, એમાંથી નાટક હું ઊભું કરી લઈશ. એવું જ થયું!
૧૮૫૦ના દાયકામાં જે રીતે કેલિફોર્નિયામાં ગોલ્ડ રશ થયો હતો તે રીતે આજે દુનિયાભરની ટેલેન્ટ ટેકનોલોજીકલ ક્રાંતિના જોરે ધન કમાવાની આશાએ કેલિફોર્નિયાનીસિલિકોન વેલીનો હિસ્સો બનવા જોર લગાવે છે. પાબ્લો નેરૂદા જીવતા હોત તો એમને કદાચ 'એઆઈ રશ'ને વિષય બનાવીને નવું નાટક લખવાની પ્રેરણા મળી હોત!


