Get The App

એઆઈ ચેટબોટની કમાલઃ અઢી વર્ષમાં અબજોપતિ બનવાની કળા

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
એઆઈ ચેટબોટની કમાલઃ અઢી વર્ષમાં અબજોપતિ બનવાની કળા 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- અરવિંદ શ્રીનિવાસ 

- ચેટજીપીટી, જેમિની, મેટા, ડીપસીક જેવાં એઆઈ ચેટબોટ્સને તગડી સ્પર્ધા આપી રહેલા પરપ્લેક્સિટી એઆઈનો જનક એક તેજસ્વી ભારતીય યુવાન છે - અરવિંદ શ્રીનિવાસ. અઢી વર્ષમાં 14 બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી કંપની ઊભી કરનાર અરવિંદને નજીકથી જાણવા જેવા છે

તો તમે ક્યા ક્યા આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ ચેટબોટનો ઉપયોગ કરો છો, કહો તો? જેને કારણે ચારે બાજુ એઆઈ-એઆઈ થઈ ગયું છે તે અતિ પોપ્યુલર ચેટજીપીટી? ગૂગલનું જેમિનાઈ (અથવા જેમિની)? વોટ્સએપની સાથે આવતું ઇન-બિલ્ટ મેટા? અમેરિકન કંપનીઓથી ક્યાંય ઓછા ખર્ચમાં તૈયાર થઈને એઆઇ ચેટબોટ્સની દુનિયામાં ધૂ્રજારી પેદા કરનારું ચીનનું ડીપસીક? કે પછી ક્લોડ કે બીજું કોઈ ચેટબોટ? શું તમે જાણો છો કે એક ભારતીય યુવાને બનાવેલું એઆઈ ચેટબોટ ચેટજીપીટી સહિત બીજાં તમામ ચેટબોટ્સને જોરદાર ટક્કર આપી રહ્યું છે? એ યુવાનનું નામ છે અરવિંદ શ્રીનિવાસ અને એણે બનાવેલું ચેટબોટ એટલે, પરપ્લેક્સિટી.

પરપ્લેક્સિટી શબ્દનો અર્થ સાદી ભાષામાં મૂંઝવણ થાય છે. આ એઆઈ ચેટબોટના નામમાં ભલે મૂંઝવણ હોય, પણ એનું કામ એવું ધમાકેદાર છે કે આજની તારીખે તેનું માર્કેટ વેલ્યુએશન ૧૪ બિલિયન ડોલર (આશરે ૧૪૫૧ અબજ રૂપિયા) જેટલું થઈ ગયું છે. ૩૧ વર્ષના અરવિંદની ખુદની સંપત્તિનો આંકડો ૨૭ મિલિયન ડોલર (લગભગ ૨૨૩ કરોડ રૂપિયા)ને વટાવી ગયો છે. અરવિંદ પરપ્લેક્સિટી એઆઈ કંપનીનો સીઈઓ છે. આ કંપની એણે ડિસેમ્બર ૨૦૨૨માં સ્થાપી હતી, ૨૮ વર્ષની ઉંમરે. ભારતમાં જન્મેલા, ઉછરેલા, એન્જિનીયર બનેલા અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ધૂમ મચાવી રહેલા આ તેજસ્વી યુવાન વિશે વિગતવાર જાણવા જેવું છે.  

અરવિંદ તમિળભાષી છે. ચેન્નાઈમાં એનો જન્મ અને ઉછેર. પરિવારમાં શરૂઆતથી જ ભણતર પર ખૂબ ભાર આપવામાં આવે. અરવિંદના પપ્પા ગણિતના શિક્ષક, મમ્મી ગૃહિણી. અરવિંદ નાનો હતો ત્યારે આઈઆઈટી-મદ્રાસના કેમ્પસની નજીકથી પસાર થતી વખતે દર વખતે મમ્મી અચૂકપણે બોલતી, 'બેટા, તારે મોટા થઈને અહીં ભણવા આવવાનું છે..!' મોટા ભાગના ભારતીય પરિવારોમાં જોવા મળે છે તેમ અરવિંદ પર ભણવાનું પ્રેશર પૂરેપુરું. એને જોકે ક્રિકેટમાં બહુ રસ. રમવાની મોકળાશ બહુ ન મળે, પણ ક્રિકેટરોને લગતી આંકડાબાજી એને મોઢે હોય. કોણે કેટલા રન કર્યા, કોણે કેટલા કેચ કર્યા, કોણે કયા રેકોર્ડ બનાવ્યા અને તોડયા વગેરે. અરવિંદ ભણવામાં ખૂબ તેજ હતો. સ્કૂલના ભણતરની સાથે સાથે એણે નેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ, નેશનલ ટેલેન્ટ સર્ચ, કિશોર પ્રોત્સાહન યોજના વગેરેમાં પણ ઉત્તમ દેખાવ કર્યો અને કેટલાંય પુરસ્કારો-સ્કોલરશિપ્સ જીત્યાં.

બારમા ધોરણમાં અરવિંદે ચિક્કાર મહેનત કરી. એને આઇઆઇટી-મદ્રાસમાં એડમિશન મળી પણ ગયું, પણ તોય એ દુખી-દુખી હતો. કેમ? કેમ કે એને કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં એડમિશન જોઈતું હતું, જ્યારે એનો ચાન્સ લાગ્યો ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગમાં. અરવિંદ એટલો ઉદાસ થઈ ગયો હતો કે જાણે કેમ બારમા બોર્ડની એક્ઝામમાં ફેઇલ થઈ ગયો હોય! એણે વિચાર્યુઃ ચલો, કશો વાંધો નહીં. હું ફર્સ્ટ યરમાં ઊંચા માર્ક્સ લાવીશ ને બ્રાન્ચ ચેન્જ કરીને કમ્પ્યુટર સાયન્સમાં જતો રહીશ. અરવિંદે એન્જિનીયરીંગના પહેલા વર્ષમાં ખૂબ મહેનત કરી, પણ પાછી નિરાશા હાથ લાગી. માત્ર ૦.૦૧ સીજીપીએ (કમ્યુલેટિવ ગ્રેડ પોઇન્ટ એવરેજ) ઓછો પડયો ને એને કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં એડમિશન મળતાં મળતાં રહી ગયું. ખેર...

ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગનો વિદ્યાર્થી હોવા છતાં અરવિંદે મશીન લર્નિંગમાં ઊંડો રસ લીધો. બી.ટેક. કર્યા પછી આઈઆઈટી-મદ્રાસમાંથી જ એણે એમ.ટેક. પણ કર્યું, ને પછી પીએચ.ડી. કરવા માટે અમેરિકાની અતિ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા - બર્કલીમાં એડમિશન મેળવ્યું. વિધિવત્ કમ્પ્યુટર સાયન્સ ભણવાનું એનું સપનું અહીં પૂરું થયું. એણે 'રિપ્રઝન્ટેશન લર્નિંગ ફોર પર્સેપ્શન એન્ડ કંટ્રોલ?' જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત વિષય પર ખૂબ મહેનત કરીને રિસર્ચ કર્યું ને ૨૦૨૧માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. અરવિંદ કહે છે, 'હું 'હાર્ડ વર્ક' કરતો હતો કે મેં દિવસ-રાત એક કરી નાખ્યા હતા એવું મને ક્યારેય લાગ્યું જ નથી. આઇ વોઝ જસ્ટ ઓબ્સેસ્ડ! મને ઝનૂન હતું ભણવાનું...!'

એક તરફ અરવિંદનું પીએચ.ડી. થઈ રહ્યું હતું ને સમાંતરે જુદી જુદી કંપનીઓમાં વારાફરતી એની ઇન્ટર્નશિપ પણ ચાલી રહી હતી. સૌથી પહેલું કામ એણે ૨૦૧૮માં ઓપનએઆઇ કંપનીમાં કર્યું. આ એ જ એઆઈ કંપની છે, જેણે ચેટજીપીટી બનાવ્યું છે. પછીના વર્ષે અરવિંદ ડીપમાઇન્ડ નામની કંપનીમાં જોડાયો અને ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન ગૂગલમાં કામ કર્યું. આ કંપનીઓમાં એનું કામ રિસર્ચ તેમજ મશીન લર્નિંગ સંબંધિત રહેતું. અરવિંદને 'પાઇરેટ્સ ઓફ સિલિકોન વેલી'  જેવા શોઝ અને 'હાઉ ગૂગલ વકર્સ'  જેવાં પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે. મહત્ત્વાકાંક્ષા અને રિસર્ચના જોરે નવી નવી પ્રોડક્ટસ બનાવતા સફળ લોકોને જોઈને અરિવંદને ય એન્ત્રપ્રિન્યોર બનવાનો પાનો ચડે.

અરવિંદને ઓપનએ આઈ, ડીપમાઇન્ડ અને ગૂગલ જેવી ટોચની કંપનીઓમાં કામ કરવાનો મોકો મળ્યો એટલે ઘણું બધું ફર્સ્ટ-હેન્ડ શીખી શક્યો. અરવિંદ જોઈ શક્યો કે સિલિકોન વેલીની ટોચની કંપનીઓ આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ ચેટબોટ બનાવવા પાછળ આદુ ખાઈને પડી છે. જે રીતે આ કંપનીઓનાં રીસર્ચ એન્જિન કામ કરતાં હતાં તેનાથી અરવિંદને અસંતોષ હતો. અરવિંદ અને એમના દોસ્તારો (ડેનિસ યેરેટ્સ, જ્હોની હો, એન્ડી કોનવિન્સ્કી)એ નક્કી કર્યુંઃ બીજી કંપનીઓને ભલે જે કરવું હોય તે કરે, આપણે આપણી અલાયદી સર્ચ પ્રોડક્ટ બનાવી છે કે જે એઆઈ અને લાર્જ લેંગ્વેજ મોડલ (એલએલએમ)નો ઉપયોગ કરતી હોય. ઓગસ્ટ ૨૦૨૨માં અરવિંદ અને એના દોસ્તારોએ પરપ્લેક્સિટી એઆઈ નામની કંપની સ્થાપી. સપ્ટેમ્બર ૨૦૨૨માં એમને ૩.૧ મિલિયન ડોલર જેટલું સીડ મની (પ્રારંભિક રોકાણ) મળ્યું. ૩૦ નવેમ્બર ૨૦૨૨ના રોજ ઓપનએઆઈ કંપનીએ દુનિયા સામે ચેટજીપીટી લોન્ચ કર્યું, અને એના સાત જ દિવસ પછી, ૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ અરવિંદ એન્ડ પાર્ટીએ ચુપચાપ પરપ્લેક્સિટી એઆઈ નામનું ચેટબોટ જાહેર જનતા સામે મૂકી દીધું!

યાદ રહે, અરવિંદનું પરપ્લેક્સિટી એ ચેટજીપીટી પછી એ પ્રકારનું દુનિયાનું બીજા નંબરનું એઆઈ ચેટબોટ છે. જ્યારે જુદી જુદી કંપનીઓ વચ્ચે સર્વોપરી થવાની તીવ્ર હરીફાઈ હોય ત્યારે વિવાદો થયા ન રહે. પરપ્લેક્સિટી ફરતે પણ એકાધિક કન્ટ્રોવર્સી થઈ છે. 'ફોર્બ્સે' 'વાયર્ડ'  'ન્યુ યોર્ક પોસ્ટ', 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' , 'વોગ' , 'ધ ન્યુ યોર્કર' , 'જીક્યુ'  જેવાં અખબારો-મેગેઝિનો પ્રકાશિત કરતી કંપનીઓ ઉપરાંત બીબીસીએ તફડંચીના આક્ષેપ કરતાં કહ્યું કે આ પરપ્લેક્સિટીવાળા અમારા લેખો સીધા ઉઠાવી લે છે ને શબ્દશઃ છાપી મારે છે. અરવિંદે જ્યાં પોતાની કંપનીની ભૂલ થઈ હતી તે સ્વીકારી, ખુલાસાઓ કર્યા અને તમામ પ્રકાશકોને ઓફર આપી કે અમને તમારું કોન્ટેન્ટ વાપરવા દો, બદલામાં અમે તમને વ્યવસ્થિત ક્રેડિટ આપીશું અને અમારી આવકનો અમુક હિસ્સો પણ શેર કરીશું. અરવિંદે જોકે બીબીસી પર તો સામે આક્ષેપ કર્યો કે તમે તકવાદી છો અને ગૂગલને એની મોનોપોલી અકબંધ રાખવામાં મદદ કરવા માટે અમારું ગળું પકડવાની કોશિશ કરી રહ્યા છો. પરપ્લેક્સિટી પર થયેલા મોટા ભાગના કોર્ટ કેસનો નિવેડો આવી ગયો છે - બીબીસી અને ડો જોન્સને બાદ કરતાં.        

અરવિંદ પરપ્લેક્સિટીને ગૂગલના જેમિની ચેટબોટના સીધા પ્રતિસ્પર્ધી તરીકે મૂકે છે. એ કહે છે કે, 'ગૂગલ જાહેરાતો મૂકીને પૈસા કમાય છે. તેને કારણે એઆઈ ઇન્ટિગ્રેશન જોખમાય છે. ગૂગલને નફો કમાવામાં રસ છે, સાચા અને પ્રામાણિક જવાબ આપવામાં નહીં.' 

અરવિંદ અને ઇલોન મસ્ક વચ્ચે એક્સ પરસ્પર આદર અને એકબીજાની મસ્તી કરવાનો સંબંધ છે. ઓક્ટોબર ૨૦૨૪માં અરવિંદે એક્સ પર લખ્યું હતું કે, 'હું ત્રણ વર્ષથી અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યો છું. અત્યંત પ્રતિભાશાળી લોકો માટે કાયદેસર રીતે અમેરિકામાં રહેવું મુશ્કેલ બની ગયું છે.'  આ વાત સાથે સહમત થતાં ઇલોન મસ્કે લખ્યું, 'એવું શા માટે છે કે એક નોબલ વિજેતા માટે  કાયદેસર અમેરિકા રહેવું અઘરું છે, પણ એક હત્યારાને ગેરકાનૂની રીતે અમેરિકામાં ઘૂસી જવું સહેલું છે?' એક વાર અરવિંદે એક્સ પર ઇલોન મસ્કને મસ્તીમાં પૂછયુઃ 'મને લાગે છે કે મને હવે ગ્રીન કાર્ડ મળી જવું જોઈએ. તમે શું કહો છો?'  ઈલોન મસ્કે નીચે જવાબમાં લખ્યુઃ 'યેસ.'  

અરવિંદ શ્રીનિવાસ અને એના પરપ્લેક્સિટી એઆઈ બન્નેનું ભવિષ્ય ઉજ્જવળ છે. અરવિંદ હજુ તો ૩૧ વર્ષનો જ છે, હજુ તો એણે ઘણું બધું કરવાનું બાકી છે...

Tags :