- વાત-વિચાર-શિશિર રામાવત
- ઍના પૉલા માઇઆ અને પદ્મા વિશ્વનાથન
- ઍના પૉલા માઇઆ નામનાં પોર્ટુગીઝ લેખિકાને કતલખાનાં, જેલ, ખાણ, રસકસ વગરની બંજર જમીન અને ત્યાં વસતાં માનવપાત્રોમાં વિશેષ રસ પડે છે. તેથી જ તેમની કૃતિઓ માટે 'ડર્ટી રિયલિઝમ' અને 'બુ્રટલિસ્ટ ફિક્શન' જેવા શબ્દપ્રયોગો થાય છે. ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટ થયેલી એમની નવલકથાનો અંગ્રેજી અનુવાદ ભારતીય મૂળનાં પદ્મા વિશ્વનાથને કર્યો છે.
તો, વિશ્વ સાહિત્યમાં અતિ પ્રતિષ્ઠિત ગણાતા બૂકર પ્રાઇઝનું 'શોર્ટ લિસ્ટ' ઘોષિત થઈ ચૂક્યું છે. બૂકર પ્રાઇઝમાં પાછી બે કેટેગરી છે - એક છે મુખ્ય બૂકર પ્રાઇઝ અને બીજી છે, ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ. જે કૃતિઓ સીધી જ અંગ્રેજીમાં લખાયેલી હોય તે મુખ્ય બૂકર પ્રાઇઝ માટેની સ્પર્ધામાં ભાગ લઈ શકે, જ્યાર નોન-ઇંગ્લિશ ભાષામાંથી અંગ્રેજીમાં અનુદિત થયેલી કૃતિ ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ માટેની હોડમાં ઉતરી શકે. મેઇન બુકર પ્રાઇઝ ફક્ત નવલકથા માટે જ છે, જ્યારે ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ નવલકથા, લઘુનવલ કે નવલિકા સંગ્રહને પણ મળી શકે છે.
આપણને રસ પડે તેવી વાત આ છેઃ આ વખતે 'ઓન અર્થ એઝ ઇટ ઇઝ બીનીધ' નામની પાર્ટુગીઝ ભાષામાં લખાયેલી નવલકથા સ્પર્ધામાં છે, જેનો અંગ્રેજીમાં અનુુવાદ કરનાર વ્યક્તિ ભારતીય છે. મૂળ લેખિકા છે, ઍના પૉલા માઇઆ (૪૮ વર્ષ), જ્યારે અનુવાદિકા છે, પદ્મા વિશ્વનાથન (૫૭ વર્ષ). ઍના બ્રાઝિલનાં વતની છે, જ્યારે ભારતીય મૂળનાં પદ્મા અમેરિકન-કેનેડિયન છે. જો આ વખતે 'ઓન અર્થ એઝ ઇટ ઇઝ બીનીધ' ઈન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ જીતી જશે તો ૫૦ હજાર પાઉન્ડ (લગભગ ૫૫થી ૬૦ લાખ રૂપિયા)નું ઇનામ મૂળ લેખિકા અને અનુવાદિકા બન્ને સરખે ભાગે વહેંચી લેશે.
આ વખતે ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝની રેસ છમાંથી ચાર શોર્ટ લિસ્ટેડ કૃતિઓનું સર્જન મહિલાઓએ કર્યું છે. એક છે, 'ધ વિચ' (મેરી એનડીયા). એક ડાકણ અને એની પ્રતિભાશાળી દીકરીઓનાં પાત્રો દ્વારા અહીં માતૃત્વ, અધૂરપ અને પીડાની વાત થઈ છે. 'તાઇવાન ટ્રેવેલોગ' (યેન્ગ શુઆંગ-ઝી)માં ૧૯૩૦ના દાયકામાં એક જપાની સ્ત્રી તાઇવાનના પ્રવાસે નીકળી છે. એક ઇરાનીઅન પરિવારના દેશનિકાલ અને તેને કારણે પેદા થયેલી પીડાની કથા 'ધ નાઇટ્સ આર ક્વાએટ ઇન તહેરાન'માં આલેખાઈ છે (લેખિકા, શિદા બેઝયર). 'શી હુ રીમેઇન્સ' (રેને કેરેબેશ) નવલકથામાં બાલ્કન દેશોના પુરુષપ્રધાન સમાજની વાત થઈ છે, જેમાં એક સ્ત્રી પ્રતિજ્ઞાા લે છે કે હું આજીવન બ્રહ્મચારિણી રહીશ. પાંચમી કૃતિ 'ધ ડિરેક્ટર' (ડેનિયલ કેલમેન) નાઝી શાસનકાળ દરમિયાન થઈ ગયેલા જી.ડબલ્યુ. પાબ્સ્ટ નામના અસલી ફિલ્મમેકરનું ફિક્શનલાઇઝ્ડ વ્યક્તિચિત્ર દોરવામાં આવ્યું છે.
હવે વાત કરીએ 'ઓન અર્થ એઝ ઇટ ઇઝ બિનીધ'ની. ખરેખર તો નવલકથા નહીં, પણ લઘુનવલ છે. અહીં વાત હબકી જવાય તેવી હિંસા અને ભ્રષ્ટ થઈ ગયેલા તંત્રની છે. નવલકથા એક પેનલ કોલોનીમાં આકાર લે છે. પેનલ કોલોની એટલે અપરાધીઓને સજા આપવા માટે મુખ્ય વસાહતથી દૂર, કશીક અંતરિયાળ જગ્યાએ ઊભી કરવામાં આવેલી જગ્યા. અહીં ટિપિકલ જેલ જેવા સળિયાવાળી કોટડીઓ ન હોય, પણ અપરાધીઓને ખુલ્લામાં રહેવા દેવામાં આવે, કેમ કે આ આખી જગ્યા જ એક વિરાટ જેલ જેવી હોય.
અહીં રહેતા અપરાધીઓ તથા અધિકારીઓ બન્ને જાણે કે અતીત અને વર્તમાનથી કપાઈ ગયા છે. માત્ર અપરાધીઓ જ નહીં, સમજોને કે જેલરો પણ દેશનિકાલ પામીને અહીં ફેકાઈ ગયા છે. અહીં કોઈને સંતુલિત ન્યાયમાં રસ નથી. કૃતિમાં કોઈ એક નાયક નથી. કથા અપરાધીઓ અને પોતાની ફરજ બજાવતા ગાર્ડ્ઝની આસપાસ આકાર લેતી જાય છે. લેખિકાને કેદીઓ કે ગાર્ડ્ઝના જીવનમાં અગાઉ શું થયું હતું તે જણાવવામાં ખાસ રસ નથી. કથા આગળ વધતી જાય છે, તેમ તેમ વાચકને સમજાતું જાય છે કે આ ગાર્ડ્ઝ માટે 'ફરજ' અને ક્રૂર હિંસા વચ્ચે કશી ભેદરેખા જ નથી. અહીં કશું જ 'વધુ પડતું' નથી. એવં નથી કે આ અધિકારીઓ એકાએક રાક્ષસી વર્તાવ કરવા લાગ્યા છે. આ જ પરંપરા છે, આ જ 'નોર્મલ' છે.
નવલકથાનો સૌથી ખોફનાક ભાગ છે, આ જેલ યા તો કોલોનીમાં પાળવામાં આવતો એક શિરસ્તો - ધ ફુલ-મૂન હન્ટ! દર મહિને પૂનમ આવે ત્યારે અમુક અપરાધીઓને જંગલમાં છુટ્ટા છોડી મૂકવામાં આવે. જંગલમાં જેમ બીજાં પ્રાણીઓ છે એમ આ 'મુક્ત' કેદીઓ છે, અને ગાર્ડ્ઝને તેમનો શિકાર કરવાની પૂરી છૂટ છે. સામાન્યપણે શિકારીઓ જંગલમાં હરણ, સસલાં કે હિંસક જાનવરોનો શિકાર કરે, જ્યારે અહીં ગાર્ડ્ઝ આ માનવ-પશુઓને શોધી શોધીને એમને હલાલ કરે છે. ગાર્ડ્ઝ પાસે બંદૂકો છે, હથિયારો છે, પેલા કેદીઓ પાસે સ્વબચાવ માટે કશું જ નથી. ગાર્ડ્ઝ જંગલમાં આમતેમ ભાગતા કેદીઓને શોધી શોધીને ખતમ કરી નાખે છે - જાણે આ કોઈ વીડિયો ગેમ ન હોય.
'ઓન અર્થ એઝ ઇટ ઇઝ બિનીધ'ની ખૂબી અહીં આવે છે. આ ફુલ-મૂન હન્ટનું વર્ણન લેખિકા કોઈ થ્રિલરની જેમ કે અરેરાટી થઈ ઉઠે તેવી નાટયાત્મક શૈલીમાં કરતાં નથી. તેઓ પૂરેપૂરાં સંયત રહીને, જાણે કોઈ રુટિન સરકારી કાર્યવાહીની વિગતો આપતાં હોય તે રીતે આખી વાત વાચક સામે મૂકે છે. ગાર્ડ્ઝના વર્તનમાં પણ શિકાર કરીને જાણે મોટો મીર મારી નાખ્યો હોય તેવો કેફ નથી. તેઓ પૂરેપૂરી ઠંડકથી ફક્ત પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ રુટિન, આ ઠંડક જ વાચકને વિચલિત કરી મૂકે છે.
નવલકથા આગળ વધતી જાય છે તેમ તેમ સમજાય છે કે આ ગાર્ડ્ઝ પણ સિસ્ટમનો શિકાર છે. અહીં કશું જ, કોઈ જ બ્લેક-એન્ડ-વ્હાઇટ નથી. નથી અપરાધીઓ નિર્દોષ, કે નથી ગાર્ડ્ઝ દૂધે ધોયેલા. નવલકથાના અંતમાં કશું જ બદલાતું નથી, કશું જ સુધરતું નથી. તંત્ર જેવું હતું એવું ને એવું જ રહે છે - ક્રૂર અને ઉદાસીન.
ઍના પૉલા માઇઆએ અત્યાર સુધીમાં સાતેક પૂર્ણ કદની નવલકથાઓ વત્તા કેટલીક લઘુનવલ લખી છે. એમની કૃતિઓ હંમેશા ડાર્ક રહી છે, સિસ્ટમ એટલે કે તંત્ર તેમની કૃતિઓના કેન્દ્રમાં હોય છે. એમને સભ્ય સમાજથી દૂર ફેંકાઈ ગયેલી જગ્યાઓે - કતલખાનાં, જેલ, ખાણ, રસકસ વગરની બંજર જમીન વગેરે - અને ત્યાં વસતાં માનવપાત્રો વિશેષપણે આકર્ષે છે. વિવેચકો એમનાં લખાણ માટે 'ડર્ટી રિયલિઝમ' અને 'બુ્રટલિસ્ટ ફિક્શન' જેવા શબ્દપ્રયોગો કરે છે. એમની શૈલી મિનિમલિસ્ટિક છે. વાત ભલે ગમે એટલી અસામાન્ય કે પીડાદાયી કેમ ન હોય, તેમનું લખાણ કદી લાગણીવેડા કે નાટકીયતામાં સરી પડતું નથી. તેમને પોતાનાં પાત્રોના આંતરિક વિશ્વમાં શું ચાલી રહ્યું છે તેનાં લાંબાં લાંબાં વર્ણનો કરવામાં કે એ પ્રકારના સંવાદોમાં લખવામાં રસ નથી. તેઓ પાત્રનાં વર્તન-વ્યવહાર અને એ જે અસલી વાતાવરણમાં જીવે છે તે કાગળ પર મૂકી દે છે, જે વધારે મર્મવેધી, વધારે ધારદાર પૂરવાર થાય છે. ઍના કહે છે, 'મને એ બધું લખવામાં વિશેષ રસ છે, જેના તરફ જોવાનું સમાજ ટાળ્યા કરતો હોય છે... મારાં પાત્રો પાસે આત્મમંથન કરવાનો સમય હોતો નથી. તેઓ બસ, જીવે છે.'
વિવેચકોના મતે પદ્મા વિશ્વનાથ, કે જે સ્વયં નવલકથાકાર પણ છે, તેમણે ઍનાની પોર્ટુગીઝ ભાષામાં લખાયેલી આ નવલકથાને ઉત્તમ રીતે અંગ્રેજીમાં ઉતારી છે. નોન-ફિક્શન અથવા માહિતીપ્રધાન પુસ્તકનો અનુવાદ કરવો પ્રમાણમાં સહેલો છે, નવલકથા-નવલિકા જેવા ફિક્શન ફૉર્મનું ભાષાંતરણ પુષ્કળ સજ્જતા અને સતર્કતા માગી લે છે. વિવેચકો કહે છે કે પદ્મા વિશ્વનાથને મૂળ કૃતિનો સૂર, સંયમ અને લાક્ષણિક ઠંડક સરસ રીતે મેઇન્ટેઇન કર્યાં છે.
તો શું લાગે છે? 'ઓન અર્થ એઝ ઇટ ઇઝ બિનીધ' ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ જીતી જશે? કે પછી, અત્યારે ચાલી રહેલા ઇરાન-ઇઝરાયેલ-અમેરિકાના યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખતાં 'ધ નાઇટ્સ આર ક્વાએટ ઇન તહેરાન' નામની કૃતિ બાજી મારી જશે? કે કોઈ ત્રીજી જ કૃતિ વિજેતા ઘોષિત થશે? વેલ, આ સવાલના જવાબ માટે બહુ રાહ જોવાની જરૂર નથી. આવતા મહિનાની ૧૯ તારીખે વિજેતા કૃતિ ઘોષિત થઈ જશે. મુખ્ય બૂકર પ્રાઇઝ વિજેતા કૃતિનું અનાઉન્સમેન્ટ સંભવતઃ નવેમ્બરમાં થશે.


