કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવવામાં યોગદાન આપનાર મહેરચંદ મહાજનને ઓળખી લો
- વાત-વિચાર - શિશિર રામાવત
- દિલ્હીમાં નેહરૂજીના નિવાસસ્થાને મળેલી સંરક્ષણ સમિતિની બેઠકમાં ગૃહપ્રધાન સરદાર પટેલ, ગૃહ સચિવ વી.પી. મેનન, કાશ્મીરના તત્કાલીન વડાપ્રધાન મહેરચંદ મહાજન વગેરે હતા. મહેરચંદે ભારપૂર્વક કહ્યું, 'જો કાશ્મીરને બચાવવું હશે તો શ્રીનગર અને બારામુલા તરફ આગળ ધપી રહેલા પાકિસ્તાની લશ્કરને તાત્કાલિક અટકાવવું પડશે.'
આજે જ્યારે પહેલગામમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાને કારણે કાશ્મીર પાછું સમાચારોમાં ચમકી રહ્યું છે ત્યારે મહેરચંદ મહાજન વિશે વિગતવાત કરવી છે. સામાન્યપણે કાશ્મીરના ભારતમાં વિલીનીકરણની વાત આવે ત્યારે આપણને સૌથી પહેલાં આ બે નામ યાદ આવે - સરદાર વલ્લભભાઈ પટેલ અને વી.પી. મેનન. આ બન્નેની સાથે અત્યંત મહત્ત્વનું એવું એક ત્રીજું નામ પણ યાદ કરવું જોઈએ. એ છે, મહેરચંદ મહાજન. કોણ હતા આ મહાશય?
દેશની આઝાદી પછી રાજા હરિસિંહે કાશ્મીરને હજુ હિંદુસ્તાન કે પાકિસ્તાન બન્નેમાંથી એકેય દેશમાં જોડયું નહોતું એ અરસામાં મહેરચંદ મહાજન કાશ્મીરના પ્રધાનમંત્રી હતા. કાશ્મીરને ભારત સાથે જોડવા માટે રાજા હરિસિંહને મનાવવામાં તેમનો મોટો હાથ. મહેરચંદ મહાજન પછી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ બન્યા હતા. ૨૩ ડિસેમ્બર ૧૮૮૯ના રોજ કાંગડા નામના ગામમાં એમનો જન્મ. અત્યારે આ ગામ હિમાચલ પ્રદેશમાં પડે છે, પણ આઝાદી પહેલાં તે પંજાબનો હિસ્સો હતું. તેમના પિતા સ્કૂલ ટીચર. મધ્યમવર્ગીય પરિવાર. મહેરચંદ નાનપણથી જ તેજસ્વી. એમનાં નૈતિક મૂલ્યો નાની ઉંમરથી જ ખૂબ ઊંચાં. લાહોરની ગવર્નમેન્ટ કોલેજમાં અભ્યાસ કર્યો, પછી પંજાબ યુનિવસટીની કાયદાની ડિગ્રી મેળવી. લાહોરમાં વકીલ તરીકે તેમણે જમાવટ કરી. સમય જતાં તેઓ લાહોરના સૌથી પ્રતિતિ વકીલોમાંના એક બની ગયા. થોડા સમય પછી તેઓ લાહોર હાઈકોર્ટના ન્યાયમૂત તરીકે નિમાયા. તેઓ ન રાજકીય દબાણથી પ્રભાવિત થતા, ન પૈસાથી. એમના આ ગુણો આજીવન તેમને કામ આવ્યા.
હિન્દ છોડો આંદોલન પછી હિંદુસ્તાનના ભાગલા નિશ્ચિત થઈ ગયા હતા. ભારત અને પાકિસ્તાનની સરહદ નક્કી કરવા માટે સર સિરીલ રેડક્લિફ નામના ઇંગ્લેન્ડના વકીલની આગેવાનીમાં એક આયોગની રચના થઈ, જેને રેડક્લિફ પંચ નામ આપવામાં આવ્યું. એક અંગ્રેજ વકીલને ભારતની ભૂગોળની કેટલી સમજ હોવાની? એમણે ભારતની પશ્ચિમ તરફની સરહદ નક્કી કરવા માટે મહેરચંદ મહાજનની મદદ લેવાનું નક્કી કર્યું. પંચમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બન્નેના બબ્બે સભ્યો હતા - કોંગ્રેસના મહેરચંદ મહાજન ઉપરાંત તેજા સિંહ, મુસ્લિમ લીગ તરફથી દીન મહંમદ અને મહંમદ મુનિર.
મુસ્લિમ લીગના સભ્યોની નજર ગુરૂદાસપુર અને ફિરોઝપુર પર હતી. તેઓ આ બન્ને શહેરોને પાકિસ્તાન સાથે જોડવા માગતા હતા, પરંતુ મહેરચંદ મહાજને વિરોધ કર્યો. તેમનો તર્ક એવો હતો કે જો ધર્મના આધારે જ વિભાજન થઈ રહ્યું હોય તો ગુરૂદાસપુરમાં શિખો અને હિન્દુઓની વસ્તી વધારે છે. વળી, રાવી નદી સાથે શિખ સમુદાર લાગણીના સ્તરે જોડાયેલો છે. તેથી રાવ નદીને જ સીમા ગણવામાં આવે. સૌએ મહેરચંદ મહાજનની દલીલ માન્ય રાખવી પડી અને આ રીતે ગુરૂદાસપુર-ફિરોઝપુર જેવા ઉપજાઉ જિલ્લા ભારતને મળ્યા. ભૌગોલિક અને વ્યૂહાત્મક સ્તરે પણ ગુરૂદાસપુર મહત્ત્વનું હતું, કેમ કે તેના થકી જ જમ્મુ-કાશ્મીર રોડ રસ્તે ભારત સાથે જોડાયેલું રહેતું હતું.
મહેરચંદ મહાજનને જોકે એ વાતનો અફસોસ રહી ગયો કે લાહોર પાકિસ્તાનમાં ચાલ્યું ગયું. લાહોર એમની કર્મભૂમિ હતી. વળી, અહીં બહુમતી વસ્તી હિન્દુઓની હતી. તે દ્રષ્ટિએ લાહોર ભારતને મળવું જોઈતું હતું, પણ કહે છે કે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આ મામલે બહુ રસ નહોતો લીધો. મહેરચંદે આ મામલે નેહરૂજી પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
કાશ્મીરનું કોકડું હજુ ગૂંચવાયેલું હતું. કાશ્મીરના રાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા ઇચ્છતા હતા. સરદાર પટેલ માટે દેશના અન્ય રજવાડાઓને ભારત સાથે જોડવામાં વ્યસ્ત હતા. તે વખતે કાશ્મીરના પ્રધાનમંત્રી રામચંદ્ર કાક હતા. એમની પત્ની અંગ્રેજ હતી. કાક રાજા હરિસિંહને કાયમ એક જ સલાહ આપેઃ પાકિસ્તાનમાં જોડાઈ જાઓ. આ જ કારણથી એમને દૂર કરવામાં આવ્યા અને મેજર જનરલ જનકસિંહને કાશ્મીરના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ જોકે અસરકારક પૂરવાર ન થયા. સરદાર પટેલની ઇચ્છા હતી કે કાશ્મીર જેવા રાજ્યના વડાપ્રધાન તરીકે કે તો કોઈ ચતુર અને છતાંય સંવેદનશીલ વ્યક્તિ જ હોવી જોઈએ. દેશની પશ્ચિમી સરહદ નક્કી કરવામાં મહેરચંદ મહાજને જે નિા અને કુનેહ દાખવ્યાં હતાં તેનાથી સરદાર પટલે રાજી હતા. એમણે રાજા હરિસિહંને ભલામણ કરીઃ કાશ્મીરના વડાપ્રધાન તરીકે મહેરચંદ મહાજન શ્રેષ્ઠ વ્યક્તિ છે, તમે એમની નિમણૂક કરો. રાજા હરિસિંહે સરદારની ભલામણ સ્વીકારી. આ રીતે ૧૫ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ મહેરચંદ મહાજનની કાશ્મીરના વડાપ્રધાન તરીકે નિયુક્તિ કરવામાં આવી.
મહેરચંદને વડાપ્રધાન બન્યે હજુ અઠવાડિયું પણ નહોતું થયું ત્યાં પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો. કાશ્મીર પાસે એવી લશ્કરી તાકાત નહોતી કે તે આ આક્રમણને ખાળી શકે. રાજા હરિસિંહે પોતાના પ્રધાનમંત્રી મહેરચંદને તાબડતોડ દિલ્હી મોકલ્યાઃ જલદી જઈને નેહરૂજીને મળો અને લશ્કરી મદદનો પ્રબંધ કરો.
દિલ્હીમાં નેહરૂજીના નિવાસસ્થાને સંરક્ષણ સમિતિની બેઠક મળી. નેહરૂજી ઉપરાંત તત્કાલીન ગૃહપ્રધાન સરદાર પટેલ, ગૃહ સચિવ વી.પી. મેનન અને અન્ય કેટલીક ચાવીરૂપ વ્યક્તિઓ આ બેઠકમાં હાજર હતા. મહેરચંદ મહાજન તો ખરા જ. મહેરચંદે ભારપૂર્વક કહ્યું, 'જો કાશ્મીરને બચાવવું હશે તો શ્રીનગર અને બારામુલા તરફ આગળ ધપી રહેલા પાકિસ્તાની લશ્કરને તાત્કાલિક અટકાવવું પડશે.'
નેહરૂજીએ કહ્યુંઃ ધારો કે પાકિસ્તાન શ્રીનગર જીતી લે તો પણ શું? ભારત પાસે એટલી તાકાત છે કે તે પાકિસ્તાન પાસેથી શ્રીનગર પાછું આંચકી શકે.
નેહરૂજીની આ વાત મહેરચંદ મહાજનને જરાય ન ગમી. એમણે કહ્યું, 'શ્રીનગર પાછું આંચકી તો શકીશું, પણ જે લોકો પોતાનો જીવ ગુમાવશે એ થોડો પાછો મેળવી શકીશું? માટે મહેરબાની કરીને સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક લશ્કરી સહાય મોકલો.'
નેહરૂજીએ કહ્યુઃ લશ્કર મોકલવાનો નિર્ણય આટલો ઝડપથી લઈ ન શકાય. તે માટે કેટલીય પૂર્વતૈયારીઓ કરવી પડે.
આ સાંભળીને મહેરચંદ નારાજ થઈને ઊભા થઈ ગયા. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, 'મહારાજા હરિસિંહે કહેવડાવ્યું છે કે જો ભારત તરત લશ્કરી મદદ મોકલી શકે તેમ ન હોય તો કાશ્મીર બચાવવા માટે અમે પાકિસ્તાન સાથે વાટાઘાટો શરૂ કરી દઈશું...'
નેહરૂજી ગુસ્સે થઈ ગયા. એમણે કહ્યુઃ તો તમે ચાલ્યા જાવ. મહેરચંદે એ જ ઘડીએ ચાલતી પકડી, પરંતુ સરદાર પટેલે એમને રોક્યા. મહેરચંદના કાનમાં કહેઃ 'તમારે પાકિસ્તાન નથી જવાનું.' પછી સરદારે ભારપૂર્વક કહ્યું, 'તમારે આ કામ કરવાનું છે. જરૂર, જરૂર અને જરૂર.'
તે પછી જે કંઈ બન્યું તે જગજાહેર છે. સરદાર પટેલે તાબડતોબ કાશ્મીરમાં લશ્કરી સહાય મોકલી. બદલામાં શરત મૂકી કે જોડાણખત પર સહી કરવી પડશે. મહારાજાને આ માટે મનાવવામાં મહેરચંદ મહાજનનો મોટો ફાળો હતો. પ માર્ચ, ૧૯૪૮ સુધી તેઓ કાશ્મીરના પ્રધાનમંત્રીપદે રહ્યા. ૪ ઓક્ટોબર ૧૯૪૮ના રોજ એમની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી. આ પદ પર તેમણે પાંચ વર્ષ સુધી કામગીરી બજાવી. આ સિવાય પણ એમણે કેટલાય મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા. એમણે 'લુકિંગ બેક' નામની આત્મકથા પણ લખી. કાશ્મીરના ભારતમાં થયેલા વિલીનીકરણની દસ્તાવેજી માહિતી આ પુસ્તક પૂરી પાડે છે. કાશ્મીરને બચાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર મહેરચંદ મહાજનનું ૬૭ વર્ષની ઉંમરે ૧૧ ડિસેમ્બર ૧૯૬૭ના રોજ અવસાન થયું.