Get The App

વીગન્યુઆરી: જાન્યુઆરી મહિનામાં વીગન બનવાનો અખતરો કરવા જેવો છે

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
વીગન્યુઆરી: જાન્યુઆરી મહિનામાં વીગન બનવાનો અખતરો કરવા જેવો છે 1 - image

- વાત-વિચાર-શિશિર રામાવત

- લોકો સમજવા માંડયા છે કે વીગનીઝમ એ કંઈ પ્રાણીપ્રેમીઓએ શોધી કાઢેલું ફિતૂર નથી. તેથી જ વર્ષના પહેલાં મહિનામાં માંસ-મત્સ્ય-ઈંડાં-દૂધ અને દૂધની બનાવટોથી દૂર રહેવાનો વીગન્યુઆરી નામનો ટ્રેન્ડ દુનિયાભરમાં સતત પોપ્યુલર બનતો જાય છે. 

જાન્યુઆરી મહિનાના પ્રારંભમાં જ એક સાદો સવાલ પૂછવો છે: તમે વીગન્યુઆરી શબ્દ સાંભળ્યો છે? અગ્રેજી સ્પેલિંગ છે, ફીયચહેચિઅ. આ શબ્દની સંધિ છૂટી પાડશો તો બે સ્વતંત્ર શબ્દો મળશે. વીગન વત્તા જાન્યુઆરી. બહુ ઇન્ટરેસ્ટિંગ અને આવકાર્ય ટ્રેન્ડ છે આ. આ ટ્રેન્ડમાં ભાગ લેનાર વ્યક્તિએ જાન્યુઆરી મહિનામાં સંપૂર્ણપણે વીગન બની જવાનું હોય છે. 

વીગન હોવું એટલે અતિશાકાહારી હોવું. વીગન તરીકે તમારે દૂધ અને એનાથી બનતી તમામ બનાવટો જેવી કે દહીં, છાશ, માખણ, પનીર, ઘી, આઇસક્રીમ, શ્રીખંડ-દૂધપાક-રબડી-ગુલાબજાંબુ જેવી મીઠાઈઓ વગેરેને પણ ગુડબાય કહી દેવાનું છે. દૂધ બંધ એટલે ચા-કોફી પણ બંધ. વાત માત્ર ખાણીપીણી પર અટકતી નથી. વીગન તરીકે તમારે સિલ્ક, ઊન અને ફરમાંથી બનતા કપડાંનેય તિલાંજલી આપવાની છે. જેમાં એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ થયો હોય તેવા સાબુ, કોસ્મેટિકસ, લેધર, મધ અને દવાઓથી પણ દૂર રહેવાનું છે. ટૂંકમાં, પશુ-પક્ષીને કષ્ટ પડયું હોય તે તમામ ચીજવસ્તુ અને ક્રિયાનો ત્યાગ કરવાનો છે. કદાચ હંમેશ માટે વીગન થવાનો વિચાર સુધ્ધાં આકરો લાગે, એટલે નમૂના પૂરતો વર્ષનો પહેલો મહિનો વીગન બનવાનો આ ટ્રેન્ડ છે.  

આ ટ્રેન્ડ કંઈ આજકાલનો નથી. એની શરૂઆત તો છેક ૨૦૧૪માં થઈ હતી, ઇંગ્લેન્ડમાં. પહેલા વર્ષે ફક્ત ૩૩૦૦ લોકોએ ભાગ લીધો હતો. બીજા વર્ષે આ આંકડો ચાર ગણો થઈ ગયો. ક્રમશ: જાન્યુઆરીમાં વીગન લાઇફસ્ટાઇલ અપનાવનારાઓની સંખ્યા વધતી ગઈ - ૨૦૧૬માં ૨૩ હજાર, ૨૦૧૭માં ૫૦ હજાર, ૨૦૧૮માં ૧ લાખ ૬૮ હજાર. 

૨૦૧૯ના અંતમાં કોરોના નામનો દૈત્ય માનવજાતને આભડી ગયો. ૨૦૨૦થી ૨૦૨૨- આ ત્રણ વર્ષના કોરાનાયુગે આપણને વિચારતા કરી મૂક્યા હતા. કોરોનાએ આપણી લાઇફસ્ટાઇલને 'રિસેટ' કરવાનો અભૂતપૂર્વ મોકો આપ્યો હતો. કોરોનાનો આતંક માણસજાતે બેફામ જીવહિંસા કરીને જે પાપનાં પોટલાં બાંધ્યાં છે એનું પરિણામ છે એવું તમે માનો કે ન માનો, કોરોના વાઇરસ નોનવેજ ફૂડથી ફેલાય છે કે કેમ તે વિશે તમે દલીલો કરો કે ન કરો, પણ સાવ આંખ સામે દેખાતી સચ્ચાઈ તો આ જ રહેવાની છે: માણસજાતને હવે માંસાહારની લક્ઝરી પોસાવાની નથી! ધરતી પર પાણીના સ્રોત સતત સૂકાઈ રહ્યા છે, પર્યાવરણની જાળવણીના પ્રશ્નો ભીષણ વાસ્તવ બનીને આંખ સામે છાતી કાઢીને ઊભા છે. આવી સ્થિતિમાં આવનારી પેઢીઓએ મને-કમને શાકાહારને અપનાવ્યે જ છૂટકો થવાનો છે.

વીગન્યુઆરીના ટ્રેન્ડમાં જોરદાર ઉછાળો આવવાનું કારણ પણ આ જ. સહભાગીઓની સંખ્યા જાન્યુઆરી ૨૦૨૧માં ૫ લાખ ૮૨ હજાર પર પહોંચી ગઈ, જે વધતી વધતી ગયા વર્ષે ૨૦૨૫માં તો આ સંખ્યા ૨ કરોડ ૫૮ લાખને સ્પર્શી ગઈ. ઇંગ્લેન્ડથી શરૂ થયેલો આ ટ્રેન્ડ વિશ્વવ્યાપી બની ગયો છે. ભારતમાં ૨૦૨૨માં આશરે અડધો લાખ લોકોએ અને ૨૦૨૩માં ૧.૩ લાખ લોકોએ વીગન્યુઆરી ટ્રેન્ડમાં ભાગ લીધો હતો.

સહેજે સવાલ થાય કે એક મહિના પૂરતા વિગન બની જવાથી શું વળે? ફેબુ્રઆરીથી પાછા દિવસમાં ચાર વખત ચા ઠઠાડવી હોય ને દૂધપાકના સબડકા લેવા હોય ને દબાવીને રસગુલ્લા ખાવા હોય તો આ ટ્રેન્ડ માત્ર ફિતૂર બનીને રહી જાય છે. સાવ એવું નથી. વીગન્યુઆરી ૨૦૨૧ના સર્વે મુજબ, ૮૫ ટકા સહભાગીઓએ કહ્યું હતું અમે હવેથી અનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ પૂરેપૂરો તો નહીં પણ અડધોઅડધો તો ઓછો કરી જ નાખીશું. ૪૦ ટકા સહભાગીઓએ કાયમ માટે વીગન બની જવા વિશે ગંભીરતાપૂર્વક વિચારવાનું શરૂ કર્યું. જાન્યુઆરી મહિના વીતી જાય પછી છએક મહિને આ ટ્રેન્ડમાં ભાગ લેનારાઓનો ફોલો-અપ પણ લેવામાં આવે. તે અનુસાર જાન્યુઆરી ૨૦૨૩ પછી ૨૫ ટકા અને જાન્યુઆરી ૨૦૨૪ પછી ૩૦ ટકા સહભાગીઓએ હંમેશ માટે વીગન લાઇફસ્ટાઇલ અપનાવી લીધી હતી. 

દર વર્ષે જાન્યુઆરી મહિનો પૂરો થાય એટલે લગભગ ૮૦થી ૮૨ ટકા સહભાગીઓ કહેતા હોય છે કે અમારાથી પૂરેપૂરા વીગન તો નહીં બની શકાય, પણ અમે હવે પહેલાં કરતાં ઘણું ઓછું માંસ અને ઈંડાં ખાઈશું એ તો નક્કી.  ૨૫થી ૩૨ ટકા જેટલા ઉત્સાહી સહભાગીઓ કહેતા હોય છે કે, 'બસ, મારો આ જાન્યુઆરી મહિનો હવે જિંદગીભર ચાલવાનો. હું હંમેશ માટે વીગન લાઇફસ્ટાઇલ અપવાની લઈશ!'

બોલવું સહેલું છે, કરવું બહુ કપરું છે. આ ટ્રેન્ડ ચલાવનારા પણ કંઈ ઓછા નથી. દર વર્ષે છ મહિના પૂરા થાય પછી, એટલે કે લગભગ જુલાઈમાં તેઓ ખુદને સંપૂર્ણ વીગન ઘોષિત કરનારા ઉત્સાહીઓનો નવેસરથી સર્વે કરે. તેના પરથી જાણવા મળ્યું  કે ચારમાંથી એક જણો સાચ્ચે જ પૂરેપૂરો વીગન બની ગયો છે, જ્યારે બાકીના ત્રણ શક્ય એટલું વીગનીઝમનું પાલન કરે છે. આ લોકો માટે એક નવો શબ્દ ચલણમાં આવ્યો છે: ફ્લેક્સિટેરિઅન! એટલે કે ખાવાપીવાના મામલામાં ફ્લેક્સિબલ રહેવાનું. થાય એટલું પાલન કરવાનું. બે-ચાર અઠવાડિયે એકાદ વાર ચા પીવી જ પડે એમ હોય તો પી લેવાની!

પૃથ્વીની બહાર માનવવસાહત સ્થાપવાનું સપનું જોતા અમેરિકન સેલિબ્રિટી બિઝનેસમેન ઇલોન મસ્કે વચ્ચે કહ્યું હતું કે માણસે પોતાની ઇચ્છા અને ગમા-અણગમા પ્રમાણે જ જીવવું જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું, પણ જો આપણે બીજા કોઈ ગ્રહ પર માનવવસાહત સ્થાપી શકીશું તો ત્યાં શાકાહારી ખોરાક જ ચલણમાં હશે, કેમ કે માંસાહાર માટે પ્રાણીઓને ઉછેરવા જેટલી એનર્જી અને સ્પેસ જોઈએ તે ત્યાં પરગ્રહમાં મળશે જ નહીં.

પરગ્રહમાં માનવવસાહતની સ્થાપના એ તો ખેર, દૂરના ભવિષ્યની કલ્પના થઈ. વર્તમાન વાસ્તવિકતા એ છે કે એનિમલ ફાર્મ્સ અને કતલખાનાં પુષ્કળ કચરો પેદા કરે છે, તેને પુષ્કળ પાણીની જરૂર પડે છે, તે હાનિકર્તા મિથેન ગેસ રિલીઝ કરે છે, જેની સીધી અને માઠી અસર પર્યાવરણ પર પડે છે. મિથેન તો કાર્બન ડાયોક્સાઇડ કરતાંય અનેકગણો વધારે હાનિકારક છે. માણસજાત જે મિથેન પેદા કરે છે એ પૈકીના ૩૭ ટકા કેવળ ગાયભેંસ અને ઘેટાંની કતલને કારણે પેદા થાય છે. 

તમામ મનુષ્યેત્તર સજીવોની એક જ ડિમાન્ડ છે: અમને 'વસ્તુ' ન ગણો. અમને કશું જોઈતું નથી. બસ, અમને જીવવા દો! જૈન શાસ્ત્રો કહે છે શાકભાજી, પાણી, અગ્નિ, ધરતી અને હવા એકેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂરી છે, પણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી રાખવા માટે સાધારણ મનુષ્ય આવી સિમિત હિંસા કરે તે સ્વીકાર્ય છે, પણ બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુ-પક્ષી અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ.

લોકો સમજવા માંડયા છે કે વીગનીઝમ એ પ્રાણીપ્રેમીઓએ શોધી કાઢેલું ફિતૂર નથી. તમને પ્રાણીઓ પ્રત્યે ખાસ દયામાયા ન હોય તો પણ વીગનીઝમ અપનાવવું પડશે. શાકાહારીઓ, બાય ડિફોલ્ટ, માંસથી દૂર રહે છે, પણ વીગનીઝમ એમને દૂધથી પણ દૂર રહેવાની સલાહ અપાય છે. તમામ પ્રાણીઓ ફ્કત પોતાની જ જાતિના પ્રાણીનું, રાધર, પોતાની માતાનું દૂધ પીએ છે. સમગ્ર સૃષ્ટિમાં એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જે બીજા પ્રાણીઓનું દૂધ પી જાય છે! પ્રાણી જન્મે પછી થોડા સમય માટે જ માતાના દૂધ પર આધારિત હોય છે. એક વાર એ જીવનસંઘર્ષ કરવા માટે સજ્જ થઈ જાય પછી એને માતાના દૂધની આવશ્યકતા રહેતી નથી. તેથી કુદરતી રીતે જ માતાના શરીરમાં દૂધ પેદા થવાનું બંધ થઈ જાય છે. આખી દુનિયામાં મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે મરતાં સુધી દૂધ પીધાં જ કરે છે. ખુદની માતાના શરીરમાં દૂધ સુકાઈ જાય પછી ગાય-ભેંસ-બકરી જેવાં અન્ય પ્રાણીના દૂધ પર અટેક કરે છે, જે વીગન વિચારધારા પ્રમાણે કુદરતના નિયમની વિરુદ્ધ છે. માનવશરીરના વિકાસ માટે દૂધ અનિવાર્ય નથી અને ડેરી પ્રોડકટ્સથી શરીરને હાનિ પહોંચે છે એવું પૂરવાર કરતાં કેટલાંય વૈજ્ઞાાનિક પ્રમાણો ઉપલબ્ધ છે. ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં દૂધનું ઉત્પાદન ખાસ્સુ ઓછું થાય છે, પણ ત્યાંની પ્રજા દુનિયાના 'દૂધ પીતી' પ્રજા જેટલી જ સુવિકસિત છે! દૂધ આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયેલું પ્રવાહી છે. કાનુડો માખણ ખાય છે, ભક્તો શિવલિંગ પર દૂધનો અભિષેક કરે છે. તેથી દૂધનો ત્યાગ કરવાની કલ્પના સુધ્ધાં ભારતના શાકાહારીઓને ખૂબ આકરી લાગે છે. ખેર, માન્યતા અને શ્રદ્ધા એક વસ્તુ છે. તથ્ય અને સત્ય તદ્દન જુદી જ વસ્તુ છે.

વીગન્યુઆરી એ કંઈ કોઈના વિરોધમાં કરવામાં આવતી પ્રોટેસ્ટ મુવમેન્ટ નથી. આ એક પ્રકારનો લાઇફસ્ટાઇલ સંબંધિત પ્રયોગ છે. તો કહો ચાલો, જાન્યુઆરીની શરૂઆત થઈ છે, શું તમે આ મહિનો વીગન ખાણીપીણી અપનાવવા તૈયાર છો?