- વાત-વિચાર-શિશિર રામાવત
- વડોદરાના ગાયકવાડે પૂના ખાતે પેશ્વાને સંદેશો મોકલ્યોઃ અમદાવાદનો તમારો સુબો શેલુકર હદ વટાવી ગયો છે. એનો કશોક બંદોબસ્ત કરવો પડશે! ગાયકવાડે પરવાનગી આપીઃ તમે શેલુકરને પકડીને પૂના મોકલી દો!
તાજેતરમાં ગુજરાતભરમાં ૧૫ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ. શું તમે જાણો છો કે અમદાવાદની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ભારતના સર્વપ્રથમ કહી શકાય એવા પ્રજાપ્રેરિત લોકતંત્ર તરીકે જન્મી હતી? આ આખો ઐતિહાસિક સિલસિલો શરૂઆતથી જાણવા જેવો છે.
ઓગણીસમી સદીના પૂવાર્ધની આ વાત. અમદાવાદ શહેરનો કોટ ઘણી જગ્યાએથી તૂટી ગયો હતો. ઠેકઠેકાણે ગાબડાં પડી ગયાં હતાં. તે વખતના અંગ્રજ જિલ્લા કલેક્ટર મિસ્ટર બોરડેલે અમદાવાદના પ્રતિષ્ઠિત નાગરિકોની મીટિંગ બોલાવી. કોટનું સમારકામ કરવા માટે નાણાં એકઠાં કરવા પડે તેમ છે તે વિશે ચર્ચા કરી. આ બેઠકના પગલે ૨૧-૪-૧૮૩૧ના રોજ 'ટાઉન વૉલ ફન્ડ કમિટી'ની સ્થાપના કરવામાં આવી. સરકારે તેને કાયદેસરની માન્યતા આપી. સમજોને કે આ જ કમિટીને કારણે ભારતમાં શહેર સુધરાઈનાં બીજ રોપાયાં!
ટાઉન વૉલ ફન્ડ કમિટીએ નિર્ણય લીધોઃ ભંડોળ એકત્રિત કરવા માટે ઘી જેવી ચીજવસ્તુઓ પર એક ટકો વેરો ઊઘરાવો. આ રીતે એ જમાનામાં અઢી લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા, જેમાંથી અમદાવાદના કોટનું સમારકામ કરવામાં આવ્યું. કમિટીએ સુધરાઈનાં કાર્યો પણ ૧૮૩૪થી શરૂ કરી દીધાં હતાં.
૧૮૫૦માં અંગ્રેજ સરકારે ઘોષણા કરીઃ જે જૂથને અથવા જે લોકોને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સ્થાપવી હોય તેમણે સરકારને અરજી કરવી. ૧૮-૮-૧૮૫૨ના રોજ અમદાવાદના ૨૭૧ અગ્રગણ્ય નાગરિકોએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સ્થાપવા માટે અરજી કરી. ગોરી સરકારે ચાર વર્ષ પછી, ૧૧-૧૧-૧૮૫૬ના રોજ સ્થાનિક સ્વરાજ્ય માટે ૩૦ સભ્યોનું કમિશન રચ્યું. કમિશનની પહેલી મીટિંગ ૨૩-૧૨-૧૮૫૬ના રોજ મેજિસ્ટ્રેટની કચેરીમાં થઈ. ૧-૧-૧૮૫૭થી કમિશનનો અમલ શરૂ થઈ ગયો. આમ, સ્થાનિક સ્વરાજ્યના વહીવટ માટે કાયદેસર રીતે 'અમદાવાદ શહેર સુધરાઈ'ની સ્થાપના આ દિવસે થઈ.
૧૮૭૩માં સ્થાનિક સ્વરાજ્ય માટે 'બોમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ એક્ટ-સિક્સ' આવ્યો. તેથી આ સંસ્થા હવે 'સિટી મ્યુનિસિપાલિટી' તરીકે આળખાવા લાગી. ૧૮૮૪માં કાયદામાં સુધારો કરવામાં આવ્યો. તે અનુસાર, ૧૫-૯-૧૮૮૫ના રોજ મ્યુનિસિપાલિટી બોર્ડની રચના થઈ, જેમાં ૨૫ સભ્યો હતા. અમદાવાદના સિટી મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે અંગ્રેજ સરકારે શેઠ રણછોડલાલ છોટાલાલની નિમણૂક કરી. વર્ષો સુધી સરકાર ખુદ પ્રમુખોની સીધી નિયુક્તિ કરતી રહી, પણ ૧૯૧૫માં પહેલી વાર પ્રજાકીય મ્યુનિસિપાલિટી અસ્તિત્ત્વમાં આવી. ૧૯૧૬માં જાણીતા સાહિત્યકાર રમણભાઈ મહીપતરામ નીલકંઠને પ્રમુખ બનાવવામાં આવ્યા.
૯-૨-૧૯૨૪ના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચૂંટાઈ આવેલા પ્રમુખ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ! વલ્લભભાઈની કામગીરીની પ્રશંસા તો મુંબઈ સરકારે પણ કરેલી. ઇન ફેક્ટ, સાયમન કમિશનના રિપોર્ટમાં રીતસર આ નોંધ જોવા મળે છેઃ 'અમદાવાદ મ્યુનિસિપાલિટીના સ્વરાજ્ય પક્ષના નેતા શ્રીયુત વલ્લભભાઈ પટેલે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે જે સુંદર અને કાર્યક્ષમ વહીવટ ચલાવ્યો, તેના પરથી અમને ખાતરી છે કે આ પ્રાંતના લોકો પ્રાંતીય સ્વાતંત્ર્ય માટે જરૂરી કાબેલિયત ધરાવે છે.'
આવી કાબેલ પ્રજા પોતાની સ્વતંત્ર અસ્મિતા માટે આગ્રહ કેમ ન રાખે? ગુજરાતમાં એક તબક્કે મરાઠાઓનું રાજ હોવાથી બિટીશ શાસનમાં પ્રાંતોની રચના થઈ ત્યારે ગુજરાતને મુંબઈ રાજ્યમાં સમાવવામાં આવ્યું હતું. દેશ આઝાદ થયો પછી ૧૯૫૬માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આકાશવાણીમાં ઘોષણા કરીઃ મુંબઈ શહેરનો વહીવટ અલાયદી રીતે કરવામાં આવશે, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનું ગુજરાતનું અલગ રાજ્ય બનશે અને વિદર્ભ સહિત મહારાષ્ટ્રનું અલગ રાજ્ય બનશે. ગુજરાત અને ગુજરાતીઓ પંડિતજીની આ વાત સાંભળીને રાજી રાજી થઈ ગયા... પણ એમના રાજીપો વધારે ન ટક્યો. લોકસભાના બહુમતી સભ્યો કશુંક જુદું ઇચ્છતા હતા. ૭-૮-૧૯૫૬ના રોજ સંસદે ઘોષણા કરીઃ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ નહીં પડે, બલકે દ્વિભાષી રાજ્યની રચના કરવામાં આવશે. ગુજરાત ચોંકી ઉઠયું. ગુજરાતને સ્વતંત્રપણે પોતાનો વિકાસ કરવાની તક જોઈતી હતી, જે આ ઘોષણાને કારણે રોળાઈ જતી દેખાઈ. ગુજરાતી પ્રજાનો આક્રોશ જાગી ઉઠયો ને બસ, મહાગુજરાત આંદોલનનાં બીજ રોપાઈ ગયાં.
તે પછી જ ંકંઈ થયું તે જાણીતો ઇતિહાસ છે. ગુજરાતનાં નાનાં નાનાં બાળકો પણ સૂત્રોચ્ચાર કરતાં હતાં કે, 'લાઠી ગોલી ખાયંગે, મહાગુજરાત લે કર રહેંગે'! ખૂબ બધી હિંસા અને સંઘર્ષ બાદ આખરે ૧૯-૪-૧૯૬૦ના રોજ દેશની સંસદે મુંબઈ રાજ્યના વિભાજનનું બિલ પસાર કર્યું. ૨૫-૪-૧૯૬૦ના રોજ રાષ્ટ્રપતિએ તેના પર સહી કરી અને ૧-૫-૧૯૬૦થી ગુજરાત અને મહારાષ્ટ્ર અમે બે સ્વતંત્ર રાજ્યો અસ્તિત્ત્વમાં આવ્યાં. ૩ વર્ષ, ૭ મહિના અને ૨૪ દિવસના સંઘર્ષ બાદ ગુજરાતીઓ પોતાનું સ્વતંત્ર રાજ્ય મેળવીને રહ્યા. ગુજરાતની રચનાને ગઈ કાલે, ૧-૫-૨૦૨૬ના રોજ, ૬૬ વર્ષ પૂરાં થયાં!
***
ઉપર ગુજરાતના મરાઠા શાસનનો ઉલ્લેખ થયો. આ સમયકાળની એક રસપ્રદ ઘટના સાંભળો. ૧૯૭૮માં પેશ્વા વતી કરશનદાસ ભીમરાવ શેલુકર નામના મહાશયને સૂબો બનાવીને અમદાવાદ મોકલવામાં આવ્યો હતો. એ સ્વભાવે ક્રૂર અને ઐયાશ. શેલુકરના ગેરવહીવટથી અમદાવાદની પ્રજા ત્રાસી ગઈ હતી.
શેલુકરે અમદાવાદમાંથી ગાયકવાડનો પગ કાઢવાનો કારસો રચ્યો. તક મળતાં જ એણે ગાયકવાડની હવેલી પર ચડાઈ કરી અને તેનો કબ્જો કરી લીધો. વસ્તુસ્થિતિની જાણ થતાં જ ગાયકવાડે પૂના ખાતે પેશ્વાને સંદેશો મોકલ્યોઃ તમારો સુબો શેલુકર હવે હદ વટાવી ગયો છે. એનો કશોક બંદોબસ્ત કરવો પડશે! ગાયકવાડે પરવાનગી આપીઃ તમે શેલુકરને પકડીને પૂના મોકલી દો.
ગાયકવાડે વડોદરાથી શિવરામ ગાર્ડીની આગેવાની હેઠળ લશ્કર મોકલ્યું. લશ્કર અમદાવાદ નજીક પહોંચી ગયું ત્યાં સુધી શેલુકરને ખબર ન પડી. ક્યાંથી પડે? એ તો નાચગાનના જલસામાં મસ્ત હતો. આખરે કોઈએ એમને પકડીને સમાચાર આપ્યાઃ ભાનમાં આવો, ગાયકવાડનું લશ્કર અમદાવાદ આવી પહોંચ્યુ છે. શેલુકર નફિકરાઈથી કહેઃ ભલે આવ્યું... આવવા દો!
ગાયકવાડના લશ્કરે જમાલપુરના દરવાજેથી શહેરમાં પ્રવેશ કર્યો. પછી ભદ્ર તરફ કૂચકદમ કરવા લાગ્યું. હવે શેલુકરને પરિસ્થિતિની થોડીઘણી ગંભીરતા સમજાઈ. એણે હુકમ કર્યોઃ ભદ્રના દરવાજા બંધ કરો! પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ગાયકવાડના સો જેટલા સૈનિકો ભદ્રના દરવાજામાંથી અંદર પેઠા અને શેલુકર જે જગ્યાએ નાચગાનમાં તલ્લીન હતો ત્યાં પહોંચી ગયા. એને બેડી પહેરાવીને અમદાવાદમાં ૧૬ દિવસ સુધી કેદ કરવામાં આવ્યો. ત્યાર બાદ એને પૂના મોકલી દેવામાં આવ્યો.
આ કેવી વક્રતા. શેલુકર પાસે મોટું લશ્કર હતું, આમ છતાં મોજ-શોખ અને ભોગવિલાસમાં સરી પડવાને કારણે એણે સત્તા ખોવી પડી. તેથી જ લોકો કહેવા લાગ્યા કે, 'હાથમાં દંડો, બગલમાં મોઈ, હવેલી લેતાં ગુજરાત ખોઈ.' અહીં હવેલી એટલે ગાયકવાડની હવેલી, જે શેલુકરે બળજબરીથી કબ્જામાં લઈ રાખી હતી. 'હવેલી લેતાં ગુજરાત ખોઈ' કહેવતનો જન્મ આ રીતે થયો!
***
આ અને આવી કેટલીય રસપ્રદ વાતો ડો. માણેક પટેલ 'સેતુ' લિખિત 'અમદાવાદ ગૌરવગાથા' નામના દળદાર ગ્રંથમાં સંગ્રહાઈ છે. અત્યંત જહેમતપૂર્વક તૈયાર થયેલું આ પુસ્તક એક ઉત્તમ રેફરન્સ મટીરિયલ સાબિત થાય તેવું છે. અમદાવાદના નામકરણ અંગે ડો. માણેક પટેલ સ્પષ્ટ વિચારો ધરાવે છે. તેઓ આગ્રહપૂર્વક કહે છે, 'દેશ-દુનિયામાં અને નક્શાઓ પર આપણા શહેરનું નામ ગુજરાતીમાં અમદાવાદ, હિન્દીમાં अहमदाबाद અને અંગ્રેજીમાં Ahmedabad એમ જુદી જુદી ત્રણ રીતે શા માટે ઓળખાય છે? વડોદરા શહેર અગાઉ બરોડા તરીકે ઓળખાતું, પણ મે, ૧૯૭૪થી ઓફિશિયલી ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ત્રણેયમાં તે ફક્ત વડોદરા તરીકે ઓળખાય છે. Broachનું ભરૂચ થઈ ગયું છે, મદ્રાસ ચેન્નાઈ બની ગયું છે, બોમ્બે મુંબઈ બની ગયું છે, અને અલ્હાબાદ પ્રયાગરાજ બની ગયું છે, પણ આજની તારીખેય અમદાવાદ સાથે 'અહમદાબાદ' ચીપકેલું છે. 'એક શહેર, એક નામ' ફોર્મ્યુલા જ રામબાણ ઇલાજ છે. તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય સરકારે આપણા શહેરનું એક જ નામ અમદાવાદ- अहमदाबाद - Amdavad કરી નાખવું જોઈએ, અને આ વિશે કેન્દ્ર સરકાર પાસે દ્રઢતાપૂર્વક રજૂઆત થવી જોઈએ.'
વાત તો બરાબર છે. તમે શું માનો છો?


