આજકાલ આખા ગુજરાતમાં ઔષધ અને ખોરાક નિયમન તંત્ર દ્વારા દરોડાઓ પાડવામાં આવે છે. વિવિધ પાલિકાઓ અને મહાપાલિકાઓ દ્વારા પણ ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને ત્યાં અને તેમના ગોડાઉન પર દરોડાઓનો મોટો રાઉન્ડ ચાલુ છે. પરિણામ સ્વરૂપે આજ સુધીમાં લાખો ટન અખાદ્ય સામગ્રી સરકારી તંત્રને જોવા મળી છે અને તેનો વિનાશ કરવામાં આવ્યો છે. જો સરકારે આ વખતે એટલો બધો રસ લીધો ન હોત તો એ બધો જ અખાદ્ય ખજાનો ક્રિસમસની રજાઓમાં પ્રજાના પેટમાં પહોંચી જવાનો હતો. જે રીતે આજકાલ લોકો હાર્ટ એટેકની પાછળ પડી ગયા છે અને દરેક હાર્ટ એટેકની ઘટનાને વધુ પડતી ફોકસ કરવામાં આવે છે, તેના મૂળ કારણમાં અખાદ્ય ખોરાક પણ હોઈ શકે છે. કેટલાક ડોક્ટરો અને પ્રધાનો હજુ પણ હૃદયરોગના દરેક હુમલાને પાછલા કોરોના કાળ સાથે સાંકળવામાંથી મુક્ત થયા નથી.
ખરેખર ગુજરાતી પ્રજાની ખાણીપીણીની ટેવો-કુ-ટેવો બહુ જ ગહન અભ્યાસ માગી લે છે. આપણે ત્યાં જે રીતે શાસ્ત્રોના મહાન ઉદગાતાઓ છે અને મોટિવેશનનલ વક્તાઓ છે, સારા મનોરંજન દાયક કલાકારો પણ છે, એ રીતે ખોરાકની બાબતો અંગે એક સાથે પ્રજાને લોકશિક્ષણ આપી શકે એવા મહાપુરુષોની ગુજરાતી પ્રજાને જરૂર છે. કારણ કે સાંજ પડે છે અને સમગ્ર ગુજરાત એક પાણીપુરી પ્રદેશમાં ફેરવાઈ જાય છે. ખરેખર વ્યક્તિગત રીતે દરેક મનુષ્ય આત્મદર્શન કરે કે કોરોનાના આગમન પછી એણે પોતાની જીવનશૈલીને કેટલીક બદલાવી તો ખ્યાલ આવશે કે અભિજાત લક્ષણો એમ થોડાક ગોથા ખાવાથી બદલાતા નથી. મૃત્યુના ભયથી ડરતા ડરતા રોજ ઉકાળાઓ ગટગટાવવા એ કંઈ પ્રકૃતિ કે પર્યાવરણ સાથેની દોસ્તી નથી.
શરીરને નુકસાનકારક જે કંઇ આહાર છે તે અટકાવવાની વાત બહુ શરૂઆતથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહી હતી. જો એવા ત્યાજ્ય આહારનો ઉપયોગ અટકે તો જ એના ઉત્પાદનો બંધ થાય. મર્યાદા બહારના આહાર શરીરની ભીતર દુર્ઘટના નોંતરે છે. જેે ડૉક્ટર જ જોઈ શકે કે સાંભળી શકે. કોરોનાએ ઈમ્યુનિટીને પડકારેલી હતી ને સરેરાશ ભારતીય પ્રજાની ઈમ્યુનિટીને દુનિયા આજે વખાણે છે.
ઈસુનું આ હવેનું નવું વરસ અને હવે પછી આવનારા તમામ વરસોમાં કુદરત રુઠેલી રહેવાની છે. એક વાત એ ધ્યાનમાં લેવા જેવી છે કે દરેક આપત્તિમાં હવે બચાવ કામગીરી ધીમી પડતી જાય છે. એટલે કે કુદરતી સંકટ આત્યંતિક હોય છે. હવે કુદરત આગાહીઓને વશ નથી. ભલે હવામાન ટેકનોલોજી વધી પરંતુ અંદાજ ખોટા પડે છે. પૂનાની વેધશાળાએ સ્પષ્ટ કહ્યું હતું કે આ વખતે શિયાળો હૂંફાળો રહેવાનો છે, બહુ ઠંડી તો પડવાની જ નથી! એ વિધાનો સાવ અવૈજ્ઞાાનિક સાબિત થયા અને શિયાળો નિયમસરનો કાતિલ નીવડયો છે. જોકે ગ્લોબલ વોર્મિંગનો તો અર્થ જ એ છે કે ખૂબ જ ઠંડી અને અસહ્ય ગરમી. આમ પણ મોસમનું ચક્ર જુઓ તો હજુ એક મહિનો ઠંડા પવનના સૂસવાટા સાંભળવાના છે.
કોઈ મોસમ એના અતિરેકને કારણે માણી શકાય નહીં. ઠંડા પવનના શોખીનો આ મોસમમાં જો વનવગડે અલગારીની રખડપટ્ટી આરંભે તો તેઓએ આરોગ્યની પછડાટ જ વેઠવાની આવે. કુદરતને માણવાની મઝા પણ ઓછી થવા લાગી છે કારણ કે એ કુદરતના ઉછેર અને સંભાળમાં આપણું તો કોઈ યોગદાન નથી! પ્રકૃતિ એને જ રમણીય અનુભવ અને આહલાદનો અનુભવ કરાવશે કે જે એના અભિમુખ હશે. આખી જિંદગી કુદરતી સંપદા સાથે માત્ર ભોગવાદી નીતિ રાખનારાઓએ એની સજા ભોગવવી પડશે. એટલે કે મોસમનો આહલાદ હવે બધા માણી શકે એમ નથી. કુદરતે તેના તમામ સર્જનોમાં મનુષ્યને મુઠી ઉંચેરુ સ્થાન આપતાં તેને બુદ્ધિરુપી વિશેષતા બક્ષી છે. આ જ બુદ્ધિને બળે મનુષ્ય પોતાને માટે, કુદરતના તમામ સર્જનોને માત્ર ને માત્ર પોતાની ભૌતિક સુખ-સુવિધાના સાધનો જ માની લીધા છે. તેને વિના મૂલ્યે મળેલી અમૂલ્ય પ્રાકૃતિક સંપદાના વપરાશમાં તે કોઈ પ્રમાણભાન જાળવી શક્યો નથી.
જેના કારણે કુદરતનું જે ચક્ર અત્યાર સુધી એક મંથર ગતિએ ચાલી રહ્યું હતું, તેમાં હવે થોડા થોડા અંતરાયો આવવા માંડયા છે. રૌદ્ર એ પણ કુદરતનું એક સ્વરૂપ છે. પોષતું તે જ મારતું - નું બ્રહ્મ-સનાતન-સત્ય જાણે આવનારા ભવિષ્યની વાસ્તવિકતા બનીને આજે સમસ્ત માનવ સમાજની સામે આવીને ઊભું છે. જે પ્રકારે ઘરવપરાશના યંત્રોની પણ સમયાંતરે જાળવણી કરવામાં ન આવે તો, જે સ્થિતિ સર્જાય છે, તેવી જ સ્થિતિ હાલ વૈશ્વિક વાતાવરણમાં જોવા મળી રહી છે. જાપાનના પર્યાવરણવિદોએ કહ્યું છે કે કુદરતને પોતાના સાવ સ્વાભાવિક ક્રમમાં આવવા માટે આ આખી સદીની જરૂર પડશે, એટલો બધો ઉપદ્રવ માણસે વસુંધરા પર આચરેલો છે.


