ઈરાનને વળગ્યું ચીની ભૂત
ચાબહાર-ઝાહેદાન રેલવે પ્રોજેક્ટમાં ભારત સરકાર સમયસર પૂરતું ફંડ આપતી નથી એવું બહાનું બતાવીને ઈરાન સરકારે એક તો આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે ભારતની પ્રતિષ્ઠાને ઘસારો પહોંચાડયો છે અને હવે આ રેલવે પ્રોજેક્ટ અમે એકલા જ પૂરો કરીશુ એવી શેખી મારીને ભારત સાથેના ભવિષ્યમાં વધુ વણસવા સંભવ સંબંધોનો આગોતરો અણસાર આપ્યો છે જે વાસ્તવમાં નેપાળ અને પાકિસ્તાન જેવી જ મૂર્ખતા છે, એનાથી વિશેષ કશું નથી.
અત્યારે પણ ઈરાનના ચાબહાર બંદરનું સંપૂર્ણ સંચાલન ભારત સરકાર જ કરે છે અને એમાં ઇરાનનો કરારના નિયમોને કારણે કોઈ હસ્તક્ષેપ નથી. પરંતુ ભારતના સમગ્ર ચાબહાર બંદર પરના પ્રભુત્વને ખતમ કરવાની દિશામાં ઇરાનનું આ વાણિજ્યક આત્મઘાતી પગલું છે. આ સમગ્ર ખેલની પાછળ ચીનનો ખતરનાક દોરી સંચાર છે. ચીનના નવા શિકાર તરીકે ઈરાનની ઓળખ હવે ખુલ્લી થવાની તૈયારી છે.
પૈસાની ભૂખ કે લાલચ માણસનું જેવું પતન નોંતરે છે, ડોલરની ભૂખ રાષ્ટ્રનું એવું જ ઘોર પતન લઈ આવે છે. નેપાળ, તિબેટ, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને આંશિક શ્રીલંકા, આંશિક બાંગ્લાદેશ તથા આંશિક માલદીવ એ ભૂખને કારણે જ ડ્રેગનના પંજામાં ફસાયેલા છે. ઈરાનની જીભ પર હવે ચીનની સવારી છે. જે રેલવે લાઈનનો વિકાસ હવે ઈરાન ચીનને સોંપવા ચાહે છે એ ખરેખર તો ચાબહાર બંદર પ્રોજેક્ટનો જ એક ભાગ છે એટલે ભારતને એમાંથી દૂર કરી શકાય નહિ. તો પણ ઈરાને એ અંગે બકવાસ શરૂ કર્યો છે.
ચાબહાર - ઝાહેદાન રેલવે લાઈન અંદાજે ૬૫૦ કિલોમીટર લાંબી હોવાની છે. ઈરાન સાથે ભારતે કરેલા કરાર પ્રમાણે રેલવે ટ્રેકના નિર્માણ માટે જમીનને સમથળ કરવાનું કામ ઈરાન સરકારનું છે અને એના ઉપર સુપર સ્ટ્રક્ચર એટલે કે રેલવે ટ્રેક બિછાવવાનું અને રેક્સનું કામ ભારતનું છે. હકીકત એ છે કે સંખ્યાબંધ પ્રકારના અમેરિકી પ્રતિબંધોને કારણે ઈરાન પાસે સાધનોની ભારે અછત છે. એટલે ઈરાને એના ભાગનું કામ કર્યું જ નથી. તો એમાં ભારત સરકારનો શો વાંક છે ?
અમેરિકી પ્રતિબંધોથી આવી જ પરિસ્થિતિ ચાબહાર બંદરના નિર્માણ અને સંચાલનમાં ઊભી ન થાય એ માટે ભારત સરકારે ગયા વરસે જ અમેરિકા સાથે એક વિશેષ સમજુતી કરીને ચાબહાર બંદર માટે તમામ પ્રકારની મુક્તિ મેળવી લીધેલી છે. એટલે કે સ્ટીલની આયાત કરવી હોય તો ભારત સરકાર અમેરિકાથી સીધા જ વિરાટ જહાજો ઈરાનના આ ચાબહાર બંદરે ઉતારી શકે છે અને ઉતાર્યા જ છે. એમાં ક્યાંય અમેરિકા-ઈરાનની શત્રુતા વચ્ચે આવતી નથી. પણ ઈરાન ખુદ એક સોય પણ અમેરિકા કે અમેરિકન મિત્ર રાષ્ટ્રો પાસેથી લઈ શકે નહિ.
દુનિયાભરમાં છાને પગલે દૂરના ભવિષ્યના ત્રીજા વિશ્વયુદ્ધનું લોબિંગ ચાલે છે. એમાં હવે ઈરાનને ચીને પોતાની તરફ ખેંચવાની શરૂઆત કરી છે. તહેરાનના ભારતીય દૂતાવાસે ઈરાનના વિદેશ પ્રધાનને સખત શબ્દોમાં ખખડાવ્યા છે. આપણા રાજદૂતનું કહેવું છે કે એમ કંઈ રેલવે પ્રોજેક્ટમાંથી ભારત બહાર ફંગોળાઈ જશે નહિ. પરંતુ એ માત્ર એક રાજદ્વારી આશ્વાસન જ છે.
ચાબહાર બંદરને કારણે ભારતનો બિઝનેસ ઝડપથી આગળ વધવા લાગ્યો છે. ભારત સરકારે પોર્ટ મેનેજમેન્ટના કેટલાક દિગ્ગજ કોર્પોરેટ અધિકારીઓની ચાબહારમાં સેવાઓ લીધી છે. એનાથી ચીનના પેટમાં ધગધગતું ક્રૂડ ઓઈલ રેડાયું છે. અમેરિકી પ્રતિબંધો પછી ભારત અને ચીન બન્ને દેશોએ ઈરાનથી પેટ્રોલિયમ પેદાશોની આયાત શૂન્ય કરી દીધી છે. પરંતુ ચીને આગામી પચીસ વરસ માટે ઈરાન સાથે એક નવા પ્રકારનો કરાર કરવાનો વ્યૂહ ઘડી લીધો છે. એ પ્રમાણે ચીન ૪૦૦ અબજ ડોલર એટલે કે અંદાજે ત્રીસ લાખ કરોડ રૂપિયાનો કરાર કરશે.
આટલી જંગી કિંમત ધરાવતી પેટ્રોલિયમ પેદાશોની આયાતો સામે ચીન, ઈરાનમાં નવા વિમાની મથકો, હાઇ-સ્પીડ રેલવે, સબવે, બેન્કિંગ અને ફાઈવ-જી ટેલિકોમ્યુનિકેશન સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરી આપશે. અમેરિકા પાસે દુનિયાનું સૌથી વિરાટ પેટ્રોલિયમ રિઝર્વ છે. એવો જ ભંડાર ઊભો કરવા માટે ચીને ઈરાનને પોતાની જાળમાં હાલ તો ફસાવ્યું છે.
ચીને પોતાની દુકાન હવે નવા ગ્રાહકો ઉપર જ નિભાવવી પડશે. જૂના ગ્રાહકો ફરજિયાત હશે એટલો જ માલનો ઉપાડ કરશે. કોરોનાને ચીની વાયરસ જ માનવામાં આવે છે અને એનાથી મળેલી બદનામી ચીની વ્યાપારને ખતમ કરી શકે છે. એ સંભવિત વેપારવિનાશ જિનપિંગને એની ઝીણી આંખે સ્પષ્ટ દેખાય છે.
એટલે છેક નાના આફ્રિકન દેશો સુધી એણે પોતાનો માલ પધરાવવાની શતરંજ પાથરેલી છે. થોડું આપીને ઝાઝું આંચકી લેવું એ ચીનની કૂટનીતિ છે. જે જે દેશોના દુર્ભાગ્ય છે એને ચીને ફેંકેલા ટુકડા જેવા ડોલર બહુ મીઠા લાગે છે. વધુ ને વધુ દેશો આ પ્રકારની ચીની જાળમાં ફસાવાના છે.