ચીનની પીછેહઠ ભ્રામક છે
પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટની બોર્ડર પર છેલ્લા બે મહિનાથી જે તણાવ વર્તાઈ રહ્યો હતો એમાં હમણાંથી સુધારો થવાના સંકેતો દેખાઇ રહ્યા છે. રાહતની વાત છે કે ચીની સૈનિકોએ ગલવાન ખીણમાં પેટ્રોલિંગ પોઇન્ટથી પીછેહઠ શરૂ કરી દીધી છે અને તંબુ અને લશ્કરી સાધનો પાછા ખેંચી લીધા છે. તેને શાંતિનું પહેલું પગલું ગણી શકાય. પરંતુ એનો અર્થ એવો નથી કે આ પ્રાસંગિક પીછેહઠ દ્વારા ચીન શાન્તિ ચાહે છે. ચીનનો આ સંકેલો સાવ તકલાદી છે અને ફરી ગમે ત્યારે ત્યાં પગદંડો જમાવવાનો પ્રયાસ કરશે. ભારત સરકારે અજિત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વચ્ચેની વાતચીતને થોડી વધુ ગ્લેમરાઈઝ કરી છે. એને કારણે વાસ્તવિકતા હજુ પણ પરદા પાછળ છે.
તો પણ ચીને પોતાનો પડાવ ઉઠાવી લીધો એથી હાલ તો આની અસર એ થશે કે બે મહિનાથી લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ પર જે તંગ પરિસ્થિતિ ઉભી થઈ છે તેનો અંત આવશે. જ્યારે ચીની સૈનિકોએ ૧૫ - ૧૬ જૂનની રાત્રે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની હતી. તેમાં વીસ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. વળતા હુમલામાં ચાળીસથી વધુ ચીની સૈનિકોના મોત થયાના સમાચાર વહેતા થયા હતા પરંતુ કોઈ ચીની મીડિયા કે અન્ય આંતરરાષ્ટ્રીય માધ્યમો દ્વારા એને સમર્થન મળ્યું નથી. આમ પણ ચીનમાં તો એનો કોઈ એક સૈનિક શહીદ થાય તો એના પરિવારને વરસો સુધી જાણ કરવામાં આવતી નથી. આ હિંસક અથડામણ બાદ બંને દેશોમાં જે પ્રકારનો તણાવ પેદા થયો હતો તેમાં કંઈપણ શક્ય હતું. યુદ્ધ જેવી પરિસ્થિતિ હોવાની સંભાવનાને નકારી ન હતી. એક રીતે જુઓ તો આવી અથડામણો યુદ્ધમાં ન પરિણમે તો પણ ભારત જેવા શાન્તિપ્રિય દેશની સીમાઓને ઊંઘમાંથી જગાડીને સાબદા કરે છે.
શા માટે ચીને પીછેહઠ કરી ? શું તેણે તેની ભૂલ સ્વીકારી, અથવા તે ભારતીય વ્યૂહરચના અને દબાણને વશ થઈ ગઈ ? અથવા તેણે જે વિસ્તારોમાં ઘુસણખોરી કરી હતી અને કબજો કર્યો હતો તેના પર પોતાનો હક્ક જતો કર્યો છે ? આ સવાલોના જવાબ ભારતના કઠિન વલણમાંથી મળી આવે છે. ગલવાન ખીણમાં હિંસા પછી, ભારતે જે પ્રકારનું કઠોર વલણ ચીન સામે બતાવ્યું હતું અને સ્પષ્ટ મેસેજ આપ્યો હતો કે આજનું ભારત ૧૯૬૨ નું ભારત નથી, તેનો અર્થ ચીની શાસકો સારી રીતે સમજી ચૂક્યા છે. પરંતુ આ માન્યતાઓ પણ સરકારી માધ્યમો દ્વારા તરતી મૂકવામાં આવી છે. ચીન સામે યુદ્ધે ચડવું ભારત માટે આસાન નથી અને એ સત્ય સહુ જાણે છે. પરંતુ છેલ્લા કેટલાક વરસોથી ભારતે જે રીતે વિવિધ બહાને પોતાના તરફી આંતરરાષ્ટ્રીય લોબિંગ શરૂ કર્યું છે તે ચીનને ભારે પડી શકે છે અને એની ચીનને ખબર છે.
ખરે ટાણે જ દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકી યુદ્ધ જહાજોનો પ્રવેશ પણ ચીનને ઘણો બોધપાઠ આપી ગયો છે. અત્યાર સુધી તો સેનાના કમાન્ડરો સાથે અને રાજકીય સ્તરો પર વાટાઘાટો ચાલી રહી હતી જેમાં ભારતની રજૂઆત સ્પષ્ટ હતી કે પાંચ મેની પહેલા જેવી સ્થિતિ હતી એવી જ પરિસ્થિતિનું પુનઃનિર્માણ થાય. ભારતના વિસ્તારોમાં ચીનાઓની ઘુસણખોરી અને નવા વિસ્તારો ઉપર પોતાનો હકદાવો જમાવવાની એની ખંધી ચાલને આખી દુનિયાએ વખોડી છે.
આવા સંજોગોમાં ચીન પાસે એક જ રસ્તો બચ્યો હતો કે તે પોતાની આબરૂ બચાવવા પોતાના સૈનિકોને પીછેહઠ કરવાનો હુકમ આપે. ચીનને કદાચ એવી આશા નહીં હોય કે ભારત વળતો હુમલો પણ કરી શકે. ચીન જાણે છે કે પોતાની સામાન્ય વસ્તુઓ વેચવા માટે ભારત સૌથી મોટું બજાર છે. ભારત સાથે યુદ્ધ થાય તો ચીનને ઘણું નુકસાન થાય એમ છે. જો કે વગર યુદ્ધે પણ હવે ભારતીય બજારોમાંથી ચીનનો કાંકરો નીકળી જવાનો છે. દેશમાં ચીની ઉત્પાદનોનો બહિષ્કાર ધીમી બળે છે ને વધુ લહેજત આપે છે એવી ચિનગારીની જેમ આગળ ધપી રહ્યો છે.
જે વિસ્તારમાં ચીનની ઘૂસણખોરી કરવાની જૂની આદત છે એ વિસ્તારોમાંથી ક્યાં સુધી ચીન પોતાના બધા સૈનિકો અને શસ્ત્રસામાન હટાવેલા રાખશે એ તો સમય જ કહેશે. પેંગોંગ સરોવર અને હોટસ્પ્રિંગને લઈને હજુ સુધી કોઈ વાત સ્પષ્ટ થઈ નથી. ચીનનો ઇતિહાસ અને વર્તમાન ચરિત્રનો આપણને અનુભવ છે અને એના પરથી એક વાત સ્પષ્ટ છે કે એ દેશ ભરોસાલાયક નથી. ૧૯૬૨ માં પણ ચીને પહેલા પોતાની સેના હટાવી લીધી હતી અને પછી કાયરની જેમ દગાબાજીથી હુમલો કરેલો. પીઠમાં ખંજર ભોંકવાની તેની જૂની આદત છે. જ્યાં સુધી ચીન પાંચ મેના દિવસ પહેલા હતી એવી પરિસ્થિતિ સ્વેચ્છાએ ઉભી નહીં કરે ત્યાં સુધી આ સરહદ વિવાદને પૂરો થયેલો ન ગણવો જોઈએ. ભારતે હજુ પણ વધુ જાગૃત રહેવું પડશે.