Get The App

દેશની ચોથી જાગીર પર હાલમાં નજરે ન પડતુ હોય તેવું સેન્સર જણાય છે

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
દેશની ચોથી  જાગીર પર હાલમાં  નજરે ન પડતુ હોય તેવું  સેન્સર જણાય છે 1 - image

- છેલ્લા 10 વર્ષમાં અસંખ્ય પત્રકારોએ સહન કરવાનો વારો આવ્યો હોવાના દાખલા

- કેટલાક પત્રકારો લાલચથી દોરાય જાય છે અને ટકી ગયા છે જ્યારે બીજા ભયથી દોરાયા છે અને ટકી શકયા છે

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્દેશની ચોથી  જાગીર પર હાલમાં  નજરે ન પડતુ હોય તેવું  સેન્સર જણાય છે 2 - image

સ્પીચ આપી રહેલા નેરેટરને તમે  સાંભળ્યા હોત તો તમને લાગ્યુ હોત કે તે શબ્દો બાળ ગંગાધર તિલક અથવા જવાહલાલ નેહરુ અથવા જયપ્રકાશ નારાયણ અથવા નેલ્સન મંડેલાના હોઈ શકે પરંતુ તમારી ધારણાં ખોટી પડી હોત  કારણ કે વકતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. 

આ શબ્દો એવા પત્રકારો માટે સંગીત સમાન બની રહેશે  જેમણે ૧૧ વર્ષ સુધી વડા પ્રધાન પાસેથી પત્રકાર પરિષદ યોજાવાના  નિષ્ફળ પ્રયાસો કર્યા  છે, પરંતુ છેવટે હવે તેઓ આશા રાખી શકે છે કે મોદી જીવંત પ્રસારણ સાથેની પત્રકાર પરિષદમાં પત્રકારોના સવાલોના જવાબ નહીં આપવાના પોતાના સંકલ્પને તોડી નાખશે. આ  શબ્દો તંત્રીલેખ લખનારાઓને એવી ખાતરી આપશે કે તેમણે સતત સાવચેત રહેવાની અને એક બાજુએ અને બીજી બાજુએ એવા શબ્દોથી ભરેલા સંતુલિત તંત્રીલેખ લખવાની આવશ્યકતા નથી. આ શબ્દો નટખટ આર્ટિસ્ટોને મુકત મને કાર્ટુન દોરવા પ્રેરશે અને કોઈની પણ શેહશરમ રાખ્યા વગર, વડા પ્રધાનની પણ નહીં. આ શબ્દો એવા તંત્રીઓ માટે એક શસ્ત્ર હશે જેમણે 'હું જાણું છું કે હું શું કરી રહ્યો છું તે માટે વાચક મને માફ કરે'  તેવી પ્રાર્થના સાથે અસંખ્ય સ્ટોરીસને દબાવી દીધી છે. 

સાહસને સલામ

મોદીના શબ્દો પ્રોત્સાહન પૂરુ પાડનારા હતા. સાહસિક પત્રકારત્વ એ રામનાથ ગોએન્કાનું સૂત્ર હતું. તેમના દ્વારા સ્થપાયેલ અખબારનું તે સૂત્ર બની ગયું હતું અખબારના માસ્કહેડ પર તે રોજેરોજ દર્શાવાય છે. રામનાથ ગોએન્કાની પ્રશંસા કરતા વડા પ્રધાને કહ્યું હતું કે, 

બ્રિટિશ જુલમ સામે રામનાથજીએ મક્કમ વલણ અપનાવ્યું હતું. તેમના એક તંત્રીલેખમાં તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશનો આદેશ માનવા કરતા પોતે પોતાનું અખબાર બંધ કરવાનું વધુ પસંદ કરશે. આજ રીતે કટોકટીના રૂપમાં જ્યારે દેશને ફરી ગુલામ બનાવવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે પણ તેઓ અડીખમ રહ્યા હતા. વર્તમાન વર્ષ કટોકટીને ૫૦ વર્ષ પૂરા થયા છે.

આ સારી વાત છે, પરંતુ હકીકતમાં આજે મીડિયાની સ્થિતિ શું છે? ભારતના નામાંકિત અખબારો સ્વતંત્રતાના સંઘર્ષમાં શેકાઈ ગયા હતા. અસંખ્ય લોકોએ એવી ધારણાં નહીં કરી હોય કે સ્વતંત્રતાના ૭૮ વર્ષ પછી તેમણે ગોદી મીડિયા જેવા  નવા સૂત્રનો સામનો કરવો પડશે. હજારો વાચકો અને સમીક્ષકોએ તેમને ત્યજી દીધા છે આમછતાં, અનેક અખબારો અને ચેનલો સરકારની કૃપાદ્રષ્ટિથી ફૂલીફાલી રહ્યા છે. 

મોદીએ આગળ કહ્યું હતું કે, પચાસ વર્ષ પહેલા, ઈન્ડિયન એકસપ્રેસે દર્શાવી આપ્યુ હતું કે,    લખાણ વગરની તંત્રીલેખની કોલમ પણ ગુલામ બનાવવા માગતી માનસિકતાને હચમચાવી શકે છે.  આ હકીકતો રામનાથજી સત્ય સાથે વળગેલા હતા તેની આપણને ખાતરી અપાવે છે.  બીજા બધા કરતા ફરજને પ્રાથમિકતા આપતા હતા. પછી તેમની સામે ગમે તેવી શક્તિ ઊભી કેમ ન હોય. 

નક્કર હકીકત

ચોથી જાગીરની પ્રોત્સાહક વાર્તાઓએ વાર્તાઓની એક અલગ શૈલીને માર્ગ પૂરો પાડયો છે. ઉદાહરણ તરીકે, એક તંત્રીની વાત છે, જેમને તેમની  કરાર હેઠળની નોકરીની બાકીની મુદત પેટેના પગારનો ચેક આપી દેવાયો હતો અને તેમને દિવસના અંતે તેમની ડેસ્ક સાફ કરવા સૂચના અપાઈ હતી. એક એન્કર જેમના ટીવી પર સૌથી વધુ દર્શકો હતા તેમને એક ચેનલની માલિકી બદલાવા સાથે  રાતોરાત તેમના બિસ્તરાપોટલા સમેટી લેવા સૂચના આપી દેવાઈ હતી. ચેનલ ઉદ્યોગમાં આ ઘટના મધરાતનો બળવો તરીકે ઓળખાઈ હતી. છેલ્લા ૧૦ વર્ષમાં એવા અનેક પત્રકારો છે જેમણે પોતાની નોકરી ગુમાવવી પડી છે અને આજે પણ તેઓ નોકરી મેળવી શકતા નથી. 

થોડાક દિવસ પહેલા યશવંત સિંહાએ એક પ્રેસ કલબની ઘટના કહી હતી જ્યાં તેમને વાર્તાલાપ માટે આમંત્રિત કરાયા હતા. પોતાની વાત સમાપ્ત કર્યા  બાદ પત્રકારો સાથે તેઓ જ્યારે હળવા મૂડમાં હતા ત્યારે તેમણે પોતે મજાકમાં જે કહે છે તે  ટિપ્પણી પ્રકાશિત નહીં કરવા પત્રકારોને વિનંતી કરી હતી. બધા ચૂપ હતા, પરંતુ એક યુવા પત્રકાર ઊભો થયો અને બોલ્યો કે, હું તમારી ટિપ્પણી પ્રકાશિત કરીશ. જો મારી નોકરી જશે તો, તો શું તમે મને બીજી અપાવી શકશો? પોતે આ સાંભળી અવાચક થઈ ગયા હતા અને યુવાન પત્રકારને તેની નોકરી બચાવવા સલાહ આપી હોવાનું સિંહાએ જણાવ્યું હતું. 

મારી પણ એક વાર્તા છેઃ શિયાળાની એક ઠંડી સાંજે, એક પત્રકાર સાથે હું રેસ્ટોરેન્ટમાં ભોજન લઈ રહ્યો હતો. રાતના ૧૦ વાગે તેને તેની ઓફિસમાંથી ફોન આવ્યો. તેને તાત્કાલિક તેના ઘરે જવા જણાવ્યું જ્યાં ઓબી વાન તેની રાહ જોતી હતી.

 અગાઉથી લખાયેલું નિવેદન વાંચી જવા તેને જણાવાયું હતું. તેણે મારી સામે જોઈને ત્યાંથી રવાના થવા તૈયાર થયો. મેં તેને પૂછયું તે આ વિનંતીને શા માટે નકારી  ન કાઢી અને આ કામગીરી અન્ય રિપોર્ટરને સોંપવા પોતાના બોસને તે કેમ ન જણાવ્યું. તેણે મને જવાબ આપ્યો કે, મારે માતાપિતા છે, અને તેઓ મારી પર નિર્ભર છે. મારે મારા ઘરનું ઈએમઆઈ ભરવાનું આવે છે. તે ક્ષમાભાવે ત્યાંથી નીકળી ગયો. 

કેટલાક પત્રકારો લાલચથી દોરાય જાય છે અને ટકી ગયા છે જ્યારે બીજા ભયથી દોરાયા છે અને ટકી શકયા છે. લાલચુઓ બુમાબુમ કરે છે અને વિચિત્ર સમાચારો ઊભા કરે છે. ઉદાહરણ તરીકે ઓપરેશન સિંદૂર વખતે કેટલાક પત્રકારોએ એવી સ્ટોરી ચલાવી હતી કે, ભારતના નૌકા જહાજોએ કરાચી બંદરને ઘેરી લીધુ છે અને ભારતીય દળો કરાચીમાં ઘૂસવાની તૈયારીમાં છે.

ભય અથવા સ્વતંત્રતા

સિંહા અને મેં તથા અન્યોએ કહેલી વાતો જે તમે સાંભળી હશે તે સૂચવે છે કે ચોથી જાગીરમાં ભય ફેલાયેલો છે. મારી વાત પર વિશ્વાસ કરો મને જે લોકોએ માહિતી આપી છે અને મે જે એકત્રિત કરી છે તેના પરથી કહી શકાય એમ છે કે ચોથી જાગીર પર એક અદ્રષ્ય સેન્સર છે. દરેક મોટા અખબારો તથા ટીવી ચેનલો પર સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્રીઓને ગુપ્ત ટેલિફોન કોલ્સ આવે છે, ખાસ સૂચનાઓ છે, અને જો તેનું પાલન કરવામાં ન આવે તો, તેમની માટે મુશકેલી ઊભી થાય છે. અનેક વાર્તાઓ હજુ જન્મે છે અને અનેક મરી જાય છે. એવું લાગે છે કે હિન્દી મીડિયાને બાદ કરતા માત્ર એવા મીડિયા જ બાકાત રખાયા છે જે ભારતીય ભાષાના નાના મીડિયા આઉટલેટસ છે. 

ભય એ સ્વતંત્રતાનો સૌથી મોટો દૂશમન છે. ભારતમાં ભયગ્રસ્ત અથવા ભય મુકત અખબાર હોઈ શકે છે.