- જવાહરલાલ નેહરુથી જે શરૂ થયુ હતું તે હવે મહાત્મા ગાંધી સુધી પહોંચી ગયું છે
- આ યોજના દેશના 12 કરોડ ગરીબ પરિવારોને તેમણે ભૂખ્યા નહીં સુવું પડે તેની ખાતરી આપતી લાઈફલાઈન હતી

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
મહાત્મા ગાંધીનું જેને નામ અપાયું હતું તે કાર્યક્રમ મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા)ને સંસદીય ધારાનો ટેકો હતો. સદર ધારાને અને સ્કીમને રદ કરવા સરકારે ૨૦૨૫ના ખરડા નંબર ૧૯૭ પસાર કર્યો છે. ખરડાની કલમ ૩૭(૧) કહે છે કેઃ
''કલમ ૧૦માં જોગવાઈ કર્યા પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન મારફત નિયુકત થનારી તારીખે અને તે તારીખથી ધ મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ, ૨૦૦૫ , તે હેઠળના દરેક નિયમો, નોટિફિકેશનો, સ્કીમ્સ, આદેશો તથા માર્ગદર્શિકાઓ રદબાતલ થયેલા ગણાશે. ''
ખરડામાં વધુમાં જણાવાયું હતું કે, કલમ ૮(૧) હેઠળ દરેક રાજ્યો માટે ગ્રામ્ય વિસ્તારોના દરેક પરિવારને એક નાણાં વર્ષમાં ૧૨૫ દિવસના વેતન જેટલા રોજગારની ખાતરી ધરાવતી સ્કીમ તૈયાર કરવા બંધનકારક છે. સદર સ્કીમ મજકૂર ખરડાના પરિશિષ્ઠ-૧માં નિશ્ચિત કરાયેલી લઘુત્તમ સુવિધાઓનું પાલન કરતી હોવી જોઈશે, અને પરિશિષ્ઠ -૧ હેઠળ પ્રથમ લઘુત્તમ સુવિધા એટલે..
દરેક રાજ્યો દ્વારા સદર ધારાની કલમ ૮ હેઠળ નોટિફાઈડ કરાનારી સ્કીમ, વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજિવિકા મિશન (ગ્રામીણ)ઃ વીબી - જી રામ જી સ્કીમ તરીકે ઓળખાવાની રહેશે. આ નામ એક કોળિયો છે એટલું જ નહીં બિન-હિન્દી ભાષીઓને તે કોઈ અર્થ પૂરો પાડતુ નથી અને આવા નાગરિકો માટે તે એક અપમાનજનક છે.
ગરીબો માટે જીવનરેખા
વર્ષમાં ૧૦૦ દિવસના વેતન રોજગારની બાંયધરી આપતી સ્કીમ દેશના ૧૨ કરોડ ગરીબ પરિવારોને તેમણે ભૂખ્યા નહીં સુવું પડે તેની ખાતરી આપતી લાઈફલાઈન હતી. ગરીબો ખાસ કરીને નિયમિત રોજગાર નહીં ધરાવતી મહિલાઓ અને વૃદ્ધો માટે તે એક ટેકો હતો. પરિવારમાં મહિલાઓના હાથમાં તે નાણાં પૂરા પાડતી હતી જે તેમને તેમની માતાએ ભોગવી નહોતી તેવી સ્વતંત્રતાની લાગણી પૂરી પાડતી હતી. તે ગરીબો માટે સુરક્ષા જાળ હતી. સદર ખરડાએ આ લાભો છીનવી લીધા છે.
યુપીએ સરકારના પ્રથમ બજેટ (૨૦૦૪-૦૫)માં મેં કહ્યું હતું કે, અમારી યોજનાઓમાં પ્રથમ અધિકાર ગરીબોનો હશે... ભંડોળ પર તેમનો હક હશે.....નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ પર કામ ચાલુ થઈ ગયું છે. દરેક ગરીબ પરિવારમાં એક સશકત વ્યક્તિને વર્ષના ૧૦૦ દિવસના રોજગારની બાંયધરી પૂરી પાડવાનો હેતુ છે.
સલામત જીવનનિર્વાહની ખાતરી સદર ધારાની વિશિષ્ટતા હતી અને અન્ય બાબતોમાંઃ
* આ સ્કીમ સંપૂર્ણ દેશ માટે હતી. માગ આધારિત અને સંપૂર્ણ વર્ષ દરમિયાન ઉપલબ્ધ હતી.
* કેન્દ્ર સરકાર દ્વારા વેતનની ખાતરી અપાઈ હતી.
* સદર સ્કીમ માટેના નાણાં કેન્દ્ર સરકાર પૂરી પાડતી હતી. રાજ્યનો હિસ્સો સામગ્રી ખર્ચના ૨૫ ટકા જેટલો જ હતો.
* જો કામ નકારી કાઢવામાં આવે તો, સંબંધિત વ્યક્તિને બેરોજગારી ભથ્થુ અપાતુ હતું.
* સ્કીમના ફેલાવા સાથે મહિલા કામદારોને આદર સાથે આવકારાતી હતી.
સદર ખરડાએ ઉપરની દરેક સુવિધાને નાશ કરી નાખી છે. નવી સ્કીમ રાજ્ય કેન્દ્રીત છે અને ખર્ચ કેન્દ્ર તથા રાજ્ય વચ્ચે ૬૦ઃ૪૦ના પ્રમાણમાં વહેચાશે. કેન્દ્ર સરકાર દરેક રાજ્યને આદર્શ ફાળવણી કરશે. ફાળવણી કરતા વધુ ખર્ચ થશે તો તે રાજ્યએ ભોગવવાનો રહેશે અને નવી સ્કીમ જે ક્ષેત્રમાં અમલી બનાવાશે તે ક્ષેત્ર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાશે, જે સ્કીમને પૂરવઠા આધારિત બનાવશે. રાજ્યએ ૧૨૫ દિવસના રોજગારની ખાતરી રાખવાની રહેશે. એક તરંગ છે. જાહેર થયેલી વ્યસ્ત કૃષિ મોસમ જે વર્ષના ૬૦ દિવસ હોય છે તેમાં કોઈ કામ પૂરા નહીં પડાય. બેરોજગારી ભથ્થુ જાહેર થયેલા વેતનના ૨૫ ટકા જેટલું નીચુ હશે એટલું જ નહી તેમાં રાજ્યની આર્થિક સ્થિતિ સહિત અનેક શરતો જોડાયેલી હશે. દરેક બાબતોમાં કેન્દ્ર મધ્યસ્થ હશે. આમ, સદર ખરડો અને સૂચિત સ્કીમ સલામત જીવનનિર્વાહની બાંયધરીના મૂળ વિચારને ફેરવી તોળે છે. રાજ્યો- ખાસ કરીને ભાજપ શાસિત, આર્થિક અક્ષમતાની દલીલ કરી નીચી આદર્શ ફાળવણી ઈચ્છશે અને અમલીકરણના ક્ષેત્રો પણ ઓછા રાખશે અને તબક્કાવાર સદર સ્કીમને ખતમ કરી નાખશે.
નિવેેદન ભૂલાઈ ગયું
૨૮ ફેબુ્રઆરી, ૨૦૧૫ના નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે ''મારી રાજકીય સમજ એમ કહે છે કે, મનરેગાને કયારેય પડતી નહીં મૂકતા, કારણ કે તે તમારી (યુપીએ)ની નિષ્ફળતાનું જાગતુ ઉદાહરણ છે.
વર્ષો વિતી જતા, મનરેગાને અવગણાઈ છે. ૧૦૦ દિવસના રોજગારની ખાતરી છતાં, પ્રતિ પરિવાર ૫૦ દિવસની સરેરાશ રહી છે. ૮.૬૧ કરોડ રોજગાર માટેના કાર્ડધારકોમાંથી માત્ર ૪૦.૭૫ લાખ પરિવારોએ ૨૦૨૪-૨૫માં કામના ૧૦૦ પૂરા કર્યા છે. બેરોજગારી ભથ્થું જે રાજ્ય સરકારની જવાબદારી છે તે ભાગ્યે જ ચૂકવવામાં આવ્યું છે. ફાળવણી અપૂરતી છે અને નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં બજેટ અંદાજ જે રૂપિયા ૧,૧૧,૧૭૦ કરોડ હતો તે ૨૦૨૫-૨૬માં ઘટી રૂપિયા ૮૬૦૦૦ કરોડ પર આવી ગયો છે. કામ મેળવનારા પરિવારોની સંખ્યા જે ૨૦૨૦-૨૧માં ૭.૫૫ કરોડ હતી તે ૨૦૨૪-૨૫માં ઘટી ૪.૭૧ કરોડ પર આવી ગઈ હતી. ચૂકવવાના બાકી વેતનનો આંક રૂપિયા ૧૪૩૦૦ કરોડ પર પહોંચી ગયો છે.
સદર ખરડાની ક્ષતિઓ ઉપરાંત, રાષ્ટ્રની યાદમાંથી મહાત્મા ગાંધીનું નામ ભુસાડી દેવાનો ખરડામાં પ્રયાસ થયો છે, જે નિંદનીય છે. ભાજપના મત પ્રમાણે સ્વતંત્ર ભારતનો ઈતિહાસ ૨૬મી મે, ૨૦૧૪થી લખાવાનો શરૂ થયો છે. ભૂતકાળ ભુલાઈ જવો જોઈએ. જવાહરલાલ નેહરુથી જે શરૂ થયુ હતું તે હવે મહાત્મા ગાંધી સુધી પહોંચી ગયું છે. ભાજપની આ ગંભીર ભૂલને ભારતના લોકો માફ નહીં કરે.


