Get The App

મનરેગાના સ્થાને નવી સ્કીમ દેશમાં બેરોજગારીની સ્થિતિને વધુ વણસાવશે

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
મનરેગાના સ્થાને નવી સ્કીમ દેશમાં બેરોજગારીની સ્થિતિને વધુ વણસાવશે 1 - image

- નોટબંધી અને કોરોના બાદ હવે નવી સ્કીમ વધુ રોજગારને છીનવી શકે છે

- નોટબંધીનું સૌથી ખરાબ પરિણામ એ આવ્યું હતું કે તેને કારણે હજારો નાના એકમો બંધ પડી ગયા હતા 

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્મનરેગાના સ્થાને નવી સ્કીમ દેશમાં બેરોજગારીની સ્થિતિને વધુ વણસાવશે 2 - image

સારા સમાચારોનો રાફડો ફાટયો છે. રિટેલ ફુગાવો ૧.૩૩ ટકા પર આવી ગયો છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ માટેના આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી ૭.૪૦ ટકા મુકાયો છે. મને લાગે છે કે આપણે વધુ એક ખૂશખબરનો આમાં ઉમેરો કરવો રહ્યો. ભારતમાં ક્યાંય બેરોજગારી નથી, તે પણ તેવા પ્રકારની બેરોજગારી જેની માટે આપણે ચિંતા કરવી જરૂરી છે.

૧.

રોજગાર સ્વીકારનારા કોઈ છે નહીં!

રોજગાર સ્વીકારનારા કોઈ નથી તેવો દાવો કરવા માટે મારી પાસે ઘણા સારા કારણો છે. સરકાર તથા અર્ધસરકારી ક્ષેત્રોમાં હજારો નોકરીઓના કોઈ લેવાલ નથી, એમ ડેટા જણાવે છે. સારા પગાર (અને ૮મું વેતન પંચ તેમાં વધારો કરશે), મોંઘવારી ભથ્થા, વાર્ષિક ઈન્ક્રીમેન્ટ, પ્રમોશન, નોકરીની સલામતિ, તબીબી લાભો, એચઆરએ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને અન્ય ભથ્થાં, રજાના લાભો, લોન્સ વ્યવસ્થા છતાં  સરકાર દ્વારા મંજુર કરાયેલ અને ખાલી પડેલા રોજગાર લેવા યુવક-યુવતિઓ રસ ધરાવતા નથી. બેરોજગારી નથી અને રોજગારના કોઈ લેવાલ નથી તેવી અસાધારણ સ્થિતિ પર તમે કેવો નિષ્કર્ષ કાઢશો? 

શિક્ષણ મંત્રાલયના ડેટા પ્રમાણે, ૧લી એપ્રિલ, ૨૦૨૪ના કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં મંજુર થયેલા અને ખાલી પડેલા હોદ્દા નીચે પ્રમાણે હતાઃ

હોદ્દાનો પ્રકાર   મંજુરી ખાલી/નહીં ભરાયેલા

શિક્ષક હોદ્દા ૧૮૯૪૦ ૫૦૬૦

બિન શૈક્ષણિક હોદ્દા ૩૫૬૪૦ ૧૬૭૧૯

ગણતરી કરીએ તો, કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ૨૭ ટકા શૈક્ષણિક હોદ્દા અને ૪૭ ટકા બિન-શૈક્ષણિક હોદ્દા ખાલી પડયા હતા. ૨૦૨૫ના જૂનના રોજ, કેવીએસમાં ૭૭૬૫ તથા એનવીએસમાં ૪૩૨૩ શૈક્ષણિક હોદ્દા ખાલી પડયા હતા. જે કંઈપણ હોય, આપણને ખાતરી છે, કે શિક્ષણ સારુ છે અને ભારતમાં તે સમૃદ્ધ બની રહ્યું છે.

સત્તાવાર ડેટા બોલે છે

ભારત સ્તરે આવા અનેક ઉદાહરણો  છે. કેન્દ્રના સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)માં કોન્સ્ટેબલોના ૨૫૪૮૭ હોદ્દા ખાલી પડયા છે. રાજસ્થાનમાં એલડીસી/કલર્ક ગ્રેડ બેના ૧૦,૬૪૪ હોદ્દા ખાલી છે. બિહારમાં ૧૨૧૯૯ જગા ખાલી છે. ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલના ૬૦૨૪૪ હોદ્દા ખાલી છે. તામિલનાડૂમાં સ્ટાફ નર્સિસમાં ૨૨૫૫ જગા ખાલી છે. સામાન્ય રીતે ઈચ્છુકો, નીચા મધ્યમ વર્ગ જેમણે તાજેતાજુ જ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હોય છે અથવા સ્નાતક થયેલા છે.

શિક્ષણ સાંકળમાં આગળ વધીએ તો, ૨૧ એઆઈઆઈએમએસમાં ૩૪૮૫ વ્યક્તિઓ ફેકલ્ટી પદ ધરાવે છે અને ૧૭૩૧ પદ ખાલી છે. ઓરિસ્સાના કેન્દ્રાપારા જિલ્લામાં તબીબો અને અર્ધતબીબના ૧૦૮૭ હોદ્દા ભરેલા હતા અને ૮૦૫ ખાલી હતા. બેન્ક નોકરીનું મૂલ્ય તથા દરજ્જો ઊંચો હોય છે. જાહેર ક્ષેત્રની ૧૨ બેન્કોમાં નીચો પ્રમાણે હોદ્દાઓ છેઃ

     પદ   ખાલી

ઓફિસર્સ ૪,૩૦,૫૯૯ ૧૭૫૦૦

કલર્કસ ૨,૪૩,૮૧૭ ૧૨૮૬૧

સબ સ્ટાફ ૮૪૦૯૨   ૨૨૦૬

ચિંતા નહીં કરો, ઈન્ટરનલ સિક્યુરિટી, આરોગ્યસંભાળ તથા બેન્કિંગમાં ઓલ ઈઝ વેલ છે.

પીએમ ઈન્ટર્નશીપ ઓકટોબર ૨૦૨૪માં  શરૂ કરાઈ હતી. એક અખબારી અહેવાલમાં તાજેતરમાં જણાવાયું હતું કે, બે રાઉન્ડમાં  કંપનીઓ દ્વારા ૧,૬૫,૦૦૦  ઓફર કરાઈ હતી અને માત્ર ૨૦ ટકા સ્વીકારાઈ હતી અને જે સ્વીકારાઈ હતી તેમાંથી વીસ ટકાએ ઈન્ટર્નશીપ પૂરી થવા પહેલા જ છોડી દીધી હતી. આમ, અંદાજે, ૧,૪૦,૦૦૦ ઓફર નકામી ગઈ હતી કારણ કે તેના કોઈ લેવાલ નહોતા. 

જે લોકો એમ માનતા હોય કે વિકાસસિલ ભારતમાં બેરોજગારી નથી તેઓ અહીંથી વાંચવાનું અટકાવી શકે છે. 

૨.

જે લોકો એમ માનતા હોય કે બેરોજગારી સમશ્યા છે તેઓ આગળ વાંચવાનું ચાલુ રાખી શકે છે.

સાચુ કહું તો, એક બાજુ ખાલી હોદ્દા અને બીજી બાજુ રોજગારના કોઈ કહેવાતા લેવાલ નહીં હોવાના દાવા જેવી વિકટ સ્થિતિ માત્ર ભાજપ સરકારને કારણે નથી. તે અનેક સરકારો અને દાયકાઓથી ચાલતી આવી છે. જો કે ભાજપના શાસનમાં બે ઘટનાઓએ સ્થિતિને વધુ વણસાવી દીધી છે.

ભૂતકાળની કામગીરીથી વર્તમાન હાલત

પ્રથમ ઘટના નોટબંધી અંગેની.  આ એક માનવ સર્જિત અને હાથે કરીને ઊભા કરેલા ઘા હતા. આ અગાઉ પણ મેં કહ્યું હતું કે નોટબંધીનો ખરો હેતુ સફળ થયો નહતો કારણ કે, કોઈપણ ચલણી નોટને ગરેકાયદે જાહેર કરાઈ નહોતી અથવા તો તેને સિસ્ટમમાંથી બહાર લેવાઈ નહોતી. આ એક જૂની નોટ સામે નવી નોટ આપવાની સ્કીમ બની રહી હતી. કરન્સી ઈન સર્ક્યુલેશનનું કુલ મૂલ્ય જુના સ્તરે પાછું જોવા મળ્યું હતું હકીકતમાં તો તે વધી ગયું હતું, ઝડપથી. ૪ નવેમ્બર, ૨૦૧૬ના કરન્સી ઈન સર્ક્યુલેશનનું કુલ મૂલ્ય રૂપિયા ૧૭.૯૭ લાખ કરોડ રહ્યું હતું અને ડિસેમ્બર, ૨૦૨૫ના અંતે તે બમણું થઈને રૂપિયા ૩૯.૨૪ લાખ કરોડ પર પહોંચી ગયું હતું. નોટબંધીનું સૌથી ખરાબ પરિણામ એ આવ્યું હતું કે તેને કારણે હજારો નાના એકમો બંધ પડી ગયા હતા અને રોજગાર નાબુદ થઈ ગયા હતા, જો કે આ હકીકતને સરકાર આજે પણ નકારી રહી છે. પરંતુ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળ પ્રમાણે, ૨૦૧૬માં નાના ઉપક્રમોની સંખ્યા ૬,૨૫,૦૦૦ હતી અને તેમાંથી ૪૮ ટકા છેલ્લા દાયકામાં બંધ પડી ગયા હતા.

બીજી ઘટના કોવિડ સંબંધિત. ૨૦૨૨માં હાથ ધરાયેલા સર્વેમાં  એમએસએમઈમાંથી અંદાજે ૧૪ ટકા કોરોનાને કારણે બંધ પડી ગયા હતા. સરકારના રિપોર્ટમાં સંકેત અપાયા હતા કે, જુલાઈ ૨૦૨૦થી ફેબુ્રઆરી, ૨૦૨૫ના ગાળામાં ૭૫૦૦૦ રજિસ્ટર્ડ એમએસએમઈ બંધ પડી ગયા હતા. યુએનસીટીએડીના અંદાજ પ્રમાણે, ફેબુ્રઆરી, ૨૦૨૨ના રોજ ૪૭ ટકા એમએસએમઈ કામચલાઉ અથવા કાયમી ધોરણે બંધ પડી ગયા હતા. આ આંકડાઓની ચકાસણી થઈ શકે એમ નથી પરંતુ સામાન્ય નિરીક્ષણ પ્રમાણે જ જોવાયા છે. બંધ પડી જવાના મુખ્ય કારણમાં નાણાંકીય મદદ તથા ક્રેડિટ ગેરન્ટીના વચનોનું સરકારે પાલન કર્યું નહોતું તે છે. નોટબંધી અને કોરોનાને કારણે વેપારો બંધ પડી જવાનો અર્થ રોજગારની વ્યાપક નાબુદી છે. આ રોજગારો પ્રસ્થાપિત અથવા ફરી નિર્માણ થયા છે ખરા? આ મુદ્દે સરકાર ચૂપકીદી સેવી રહી છે.

મનરેગાના સ્થાને  પૂરવઠા-આધારિત, બાંયધરી વગરની, ભંડોળની અછત સાથેની  નવી સ્કીમ સ્થિતિને વધુ વણસાવશે અને ગ્રામ્ય ગરીબો બેરોજગારી અથવા અર્ધ બેરોજગારીનો સામનો કરશે. અનેક શહેરી પરિવારો, ખાસ કરીને મહિલાઓ પુરક આવક ગુમાવશે. 

બેરોજગારી એ મોટો મુદ્દો નથી તેવી દલીલ પોકળ છે. હાલની સરકાર પોતે જાતે જ પોતાની પીઠ થાબડતી સરકાર છે ત્યારે અમે જાણીએ છીએ કે બેરોજગારી શરીર પર લાગેલા કાળા ડાઘ જેવી છે.