Get The App

મતદાન કર્યું એટલે મતદારોની જવાબદારીઓ પૂરી થઈ જતી નથી

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
મતદાન કર્યું એટલે મતદારોની જવાબદારીઓ પૂરી થઈ જતી નથી 1 - image

- વિપક્ષી દળો  બિહારના મતદારો સમક્ષ વૈકલ્પિક વિઝન પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યા 

- પક્ષના નેતાઓ અથવા ઉમેદવારો કરતા પક્ષની સંસ્થા અને કાર્યકર્તાઓ જ ચૂંટણી જીતી શકે છે 

મતદાન કર્યું એટલે મતદારોની જવાબદારીઓ પૂરી થઈ જતી નથી 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

બિહારના મતદાતાઓએ  પોતાનો ચુકાદો આપી દીધો છે. દરેક નાગરિકોએ આ ચુકાદાને સ્વીકારવો રહ્યો. નવી સરકાર, પછી તેના મુખ્ય પ્રધાન કોઈપણ હોય તેને અમારી શુભેચ્છા છે. જેઓ  સૌથી વધુ અમારી શુભેચ્છા મેળવવાના હકદાર છે તે બિહારની જનતા છે. 

બિહારની ચૂંટણીના અહેવાલો પૂરા પાડવામાં મીડિયાએ પોતાની યોગ્ય ભૂમિકા ભજવી નથી. કેટલાક મીડિયા જૂથ -અખબારો અને ટીવી ચેનલ- જેઓ થોડીઘણી અલગ ભૂમિકા ધરાવતા હતા તેઓએ પણ માર્ગ બદલી નાખ્યો હતો. રિપોર્ટરો જેઓ સ્થળો પર જઈ રિપોર્ટિંગ કરતા હતા તેઓ પણ એક જ સૂરમાં બોલતા હતા કે મતદાતાઓ જાતિ  જોઈને મતદાન કરે છે, નીતિશ કુમાર વિરુદ્ધ એન્ટી-ઈન્કમબન્સી નથી. 

તેજસ્વી યાદવે ઘણો જ પરિશ્રમ કર્યો પરંતુ તેમના પરંપરાગત વિસ્તારો સિવાય તેઓ અન્યત્ર પોતાનો અવાજ પહોંચાડી શકયા નહીં. પ્રશાંત કિશોરે નવા વિચારો પૂરા પાડયા પરંતુ તેમને મતદારોએ સ્ટાર્ટ-અપ્સ તરીકે  અને   બિનઅનુભવી જ ગણ્યા. 

નરેન્દ્ર મોદીનો મતદાતાઓ સાથે સીધો  સંપર્ક હતો. રાહુલ ગાંધી મત ચોરી અને બેરોજગારીના મુદ્દાને વળગી રહ્યા. એક માત્ર નવુ સૂત્ર  દરેક પરિવારની એક  મહિલાને  મતદાન પહેલા, દરમિયાન  અને બાદમાં દસ હજારી (રૂપિયા ૧૦,૦૦૦) ટ્રાન્સફર કરવા બાબતનું જોવા મળ્યું હતું.

બિહારીઓની યાદશક્તિ

બિહારના લોકોની યાદશક્તિ લાંબી છે. તેમને લાલુ પ્રસાદ યાદવના  પક્ષની સરકારનું  પંદર વર્ષનું શાસન   (૧૯૯૦ થી ૨૦૦૫) યાદ હતું અને તેમણે તેજસ્વી યાદવને ખોટી રીતે દોષ આપ્યો જે લાલુની સરકાર હારી ગઈ ત્યારે માત્ર ૧૬ વર્ષના હતા. તેમને નીતિશ કુમારના વીસ વર્ષના શાસનની પણ માહિતી હતી, પરંતુ તેમના શાસનમાં જોવાયેલી અનેક નિષ્ફળતાઓ સામે તેમને વિરોધ નહતો. 

શું બિહાર ગરીબ છે? શું ત્યાં મોટેપાયે બેરોજગારી છે. શું ત્યાંથી લાખો લોકો રોજગાર માટે અન્ય રાજ્યોમાં જાય છે? શું શિક્ષણ અને આરોગ્યસંભાળની સ્થિતિ ભયાનક છે? પ્રતિબંધ છતાં શું લિકર મુકત રીતે મળે છે? આ દરેક પ્રશ્નોના જવાબ હા -માં છે.જો આમ છે તો, મતદારોએ સમાપ્ત થયેલી ચૂંટણીમાં જે રીતે મતદાન કર્યું તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી. કદાચ ચૂંટણી પછીના સર્વેમાં કોઈ સારા કારણો જાણવા મળી શકશે.

ચંપારણના યુગના ઉત્સાહને ફરી યાદ કરવા હું બિહારના લોકોને અનુરોધ કરુ છું. અયોગ્ય શિક્ષકોને,  શિક્ષકો વગરની શાળા-કોલેજોને, લાયબ્રેરીસ તથા લેબોરેટરીસ વગર,  પેપર લીક,  પરિણામોમાં ચેડાં, દેખાવ પૂરતી ડીગ્રી અને  હાસ્યાસ્પદ એવી સરકારી નોકરીમાં ભરતીને  વિદ્યાર્થીઓએ સ્વીકારી લેવી ન જોઈએ. 

યુવાનોએ પોતાના રાજ્યોમાં રોજગારના અભાવ તથા એક રાજ્યમાં જ્યાંની  ભાષા, લોકો, ખોરાક તથા સંસ્કૃતિ  વિભિન્ન હોય ત્યાં કોઈપણ કામ કરવા દૂર સુધી જવું ન જોઈએ. પુરુષો પોતાના બાળકો સાથે   રહી નહીં શકે તેવું માતાપિતાઓએ તથા પરિવારોએ સ્વીકારી લેવું ન જોઈએ. 

બિહારના લોકોએ  હવે  તેમના બાપદાદાઓની જેમ જીવન વિતાવવું ન જોઈએ. 

સંસ્થા મહત્વની

એવું જણાય છે કે, વિપક્ષી દળો, બિહારના મતદારો સમક્ષ વૈકલ્પિક વિઝન પૂરું પાડવામાં અને બદલાવ લાવવાની ઈચ્છાને પ્રેરિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રશાંત કિશોરે આ પ્રયાસ કર્યો પરંતુ તેમની પાસે પૂરતા સાધનો નહતા. આનો સંપૂર્ણ દોષ વિપક્ષી દળો પર છે. માત્ર શક્તિશાળી નેતાઓ અને સ્રોતો હોવા પૂરતા નથી, તેમની પાસે લાખો કાર્યકર્તા અને મજબૂત સંસ્થા હોવી જરૂરી છે. 

પક્ષના નેતાઓ અથવા ઉમેદવારો કરતા પક્ષની સંસ્થા અને કાર્યકર્તાઓ જ ચૂંટણી જીતી શકે છે.  કેટલાક અપવાદ સિવાય એક નિયમ છે કે  એક પક્ષ અથવા પક્ષોની યુતિ દરેક ચૂંટણી ત્યારે જ જીતી શકે છે જ્યારે તેમની પાસે એવી સંગઠનશક્તિ હોય જે મતદારોને રિઝવી શકે. બિહારના પરિણામો પર નજર નાખતા જણાય છે કે, ભાજપ અને જેડી(યુ)  પાસે આ શક્તિ છે.

જ્યાં જવાબદારીની કસોટી થાય છે

ભારતના ચૂંટણી પંચે પ્રશ્ન કરી શકાય તેવી ભૂમિકા ભજવી છે. બિહારની ચૂંટણીની પૂર્વસંધ્યાએ  તેણે  મતદારયાદીની સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝનની માત્ર બિહાર માટે જ જાહેરાત કરી હતી અને ચર્ચાને અન્યત્ર વાળી હતી. મતદાનની ટકાવારીમાં વધારો થવાનું એક કારણ મતદારયાદીમાં મતદારોની ઓછી સંખ્યા પણ રહેલું છે. 

ચૂંટણીની તારીખો જાહેર થવાના દસ દિવસ પહેલા વડા પ્રધાન દ્વારા વહેતી મુકાયેલી મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના સામે ચૂંટણી પંચે આંખ આડા કાન કર્યા હતા. રૂપિયા ૧૦,૦૦૦ જમા કરવાની કામગીરી ચૂંટણીની જાહેરાત પહેલા શરૂ કરી દેવાઈ હતી અને પ્રચાર દરમિયાન તે ચાલુ રહી હતી. ચૂંટણી પંચે તેને કોઈપણ તબક્કે અટકાવી નહોતી. આ નાણાં પૂરા પાડવાની કામગીરી એ મતદારોને લાંચ સિવાય બીજુ કંઈ જ નહોતું. ચૂંટણી પંચનો  આનાથી વિપરીત અભિગમ તામિલનાડૂમાં જોવા મળ્યો હતો. 

ખેડૂતોને નાણાંના ટેકાની સ્કીમ માર્ચ ૨૦૦૩માં જાહેર કરવામાં આવી હતી. ૨૦૦૪માં જ્યારે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ હતી ત્યારે આ સ્કીમ અટકાવી દેવાઈ હતી. નિઃશુલ્ક કલર ટીવી સ્કીમને પણ આ રીતે ૨૦૧૧ની વિધાનસભા ચૂંટણી વેળાએ અટકાવી દેવાઈ હતી.  સદર સ્કીમ ૨૦૦૬થી ચાલુ હતી. બિહારમાં ચૂંટણી પંચની પક્ષપાતી ભૂમિકા સ્વાભાવિક હતી. 

આ સખતાઈ છતાં એનડીએ શાનદાર રીતે જીતે છે, તે સ્વીકારવુ રહ્યું. ચૂંટણી પછીના આત્મનિરીક્ષણથી   અનેક પ્રશ્નોના જવાબ મળી રહેશે.

મને વધુ ચિંતા એ છે કે હવે પછીના પાંચ વર્ષમાં રાજ્ય સરકારને તેમણે આપેલા વચનો કોણ યાદ કરાવશે. બિહારના મતદારોએ મજબૂત વિપક્ષને  ચૂંટયો નથી જેને કારણે આ જવાબદારી હવે લોકો પર જ આવી ગઈ છે. મતાધિકાર બજવવા કરતા આ જવાબદારી ઘણી મોટી છે.