- કોઈ દેશ જ્યારે યુદ્ધ શરૂ કરે છે ત્યારે તેને કયારે અટકાવવું જોઈએ તેની જે તે દેશને ખબર હોવી જોઈએ
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
ઓપરેશન એપિક ફ્યુરીના બે સપ્તાહમાં ઈરાન ખુંવાર થયું છે પણ પરાજય સ્વીકાર્યો નથી. આયાતોલ્લાહ ખામેની સહિત તેના આગેવાન નેતાઓનો યુદ્ધના પ્રથમ જ દિવસે ખાતમો બોલાવી દેવાયો હતો. ઈરાને નવી લશકરી નેતાગીરીની નિમણૂંક કરી નાખી છે. આ નવી નેતાગીરીનો પણ ખાતમો બોલાવી દેવાની અમેરિકા-ઈઝરાયલે જાહેરાત કરી છે. તહેરાન, સાણંદાજ, ઈસફાહન સહિતના ઈરાનના અન્ય શહેરો પર બોમ્બવર્ષા થઈ છે અને અત્યારસુધીમાં ૧૩૦૦ જેટલા ઈરાનીઓ માર્યા ગયા છે અને ૧૦,૦૦૦ જેટલા ઈજાગ્રસ્ત છે. અમેરિકાની મિસાઈલ તોમાહોક એક શાળા પર પડી હતી અને ૧૬૮ બાળકો તથા ૧૪ શિક્ષકોના તેમાં જીવ ગયા હતા. આ બીચારાઓએ શું ગૂનો કર્યો હતો?
માલમિલકતને જંગી નુકસાન
ઈરાનને થયેલા વ્યાપક નુકસાનમાં
* મિસાઈલ લોન્ચ સ્થળો, સશસ્ત્ર દળોના સ્થળો, નૌકાદળની એસેટસ, એર ડિફેન્સ તથા ઉત્પાદન સવલતોત
* રહેઠાણો, શાળાઓ તથા હોસ્પિટલોત
* મોટા ઓઈલ મથકો, (જે હજુ પણ બળી રહ્યા છે)ત
* પાણી પૂરવઠા, ગટર વ્યવસ્થા વગેરેત
* જાહેર આરોગ્ય સામે જોખમો ત અને
* પર્યાવરણને જંગી નુકસાનનો સમાવેશ થાય છે.
ઈરાનના શાસકોની આક્રમક પ્રકૃતિને બાજુ પર મૂકીને સ્થાનિક પ્રજાની વાત કરીએ. તેમણે એવું શું કર્યું કે ખાનાખરાબી સહન કરવી પડી રહી છે? ઈઝરાયલથી ભરમાયેલા અમેરિકાએ આક્ષેપ કર્યો છે કે ઈરાને સમૃદ્ધ યુરેનિયમ ભેગું કર્યું છે અને અણુશસ્ત્રોનો વિકાસ કરવાની નજીકમાં હતું. સ્ટીવ વિટકોફ અને જારેડ કુશનેરને ઈરાન સાથે વાતચીત કરવા જવાબદારી સોંપાઈ હતી. સમૃદ્ધ યુરેનિયમનો શૂન્ય જથ્થો રાખવા અને કયારેય અણુ શસ્ત્રો નહીં ધરાવે તેવી ઈરાને સહમતિ દર્શાવી હોવાની અમેરિકાને ખાતરી આપવા ઓમાનના વિદેશ પ્રધાન અમેરિકા ધસી ગયા હતા કારણ કે તેમને યુદ્ધ શરૂ થવાનો ભય હતો. તેમની આ ખાતરી છતાં, પ્રમુખ ટ્રમ્પે વાતચીતને પડતી મૂકી દીધી અને ઈરાન પર હુમલો કરવા આદેશ આપી દીધો હતો.
ઈઝરાયલના વિસ્તારવાદ સામે ઈરાન કદાચ જોખમરૂપ હોઈ શકે પરંતુ અમેરિકા માટે ઈરાન જોખમી નહોતું. જૂન ૨૦૨૫માં ઓપરેશન મિડનાઈટ હેમર બાદ, અમેરિકાએ દાવો કર્યો હતો કે ઈરાનના સમૃદ્ધ યુરેનિયમને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવાયું છે. મિડનાઈટ હેમર છતાં, જો ઈરાન અણુ શસ્ત્રો વિકસાવવાની નજીકમાં હતું તો પછી તે ક્યાં છે? ઈરાનની ચકાસણી કરવા અને તેણે અણુશસ્ત્રો વિકસાવ્યા છે કે કેમ તેની જાણકારી આપવા અમેરિકાએ શું ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીને સૂચના આપી હતી? કયો દેશ અણુશસ્ત્ર રાખી શકે અને કયો ન રાખી શકે તેે નિર્ણય કરવાનો અમેરિકા પાસે કયો અધિકાર છે? ભારત, પાકિસ્તાન અથવા ઉત્તર કોરિઆની અણુ ક્ષમતામાં દરમિયાનગીરી કરી તેને નાબુદ કરવા અમેરિકા નિર્ણય લેશે ખરા?
ચૂપકીદી દ્વારા સહભાગ
પશ્ચિમ એશિયા વિસ્તારમાં ઈઝરાયલના દૂશમનો છે. પેલેસ્ટિનિઓની જમીન પર ઈઝરાયલની રચનાના સમયથી જ આ દૂશમનો ઊભા થયા છે. જો કે સમય જતાં, ઈસ્લામિક દેશો સહિતના વિશ્વએ ઈઝરાયલની હયાતી સ્વીકારી લીધી છે. જો કે પેલેસ્ટાઈન (૧૯૪૭) માટે ભાગલાની યોજનાની વિરુદ્ધમાં ભારતે મતદાન કર્યું હતું પરંતુ સપ્ટેમ્બર ૧૯૫૦માં ઈઝરાયલ રાષ્ટ્રને ભારતે માન્યતા આપી હતી અને ૧૯૯૨માં સંપૂર્ણ સ્તરના રાજદ્વારી સંબંધો બંધાયા હતા. આ સંબંધો વેપાર, લશકરી સહકાર તથા ગુપ્ત માહિતીની આપલે સુધી પહોંચ્યા હતા. પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં ભારતનો અવાજ અત્યારસુધી ધીમો રહ્યો છે. જો કે ૧૨ માર્ચ, ૨૦૨૬ના યુએન સુરક્ષા પરિષદમાં ઈરાનને વખોડતા ઠરાવને ટેકો આપી ભારત છેલ્લે છેલ્લે એક પક્ષકાર બન્યું છે. આમૂલ શિઆ જોડાણ અને ઊભરતા આમૂલ સુન્ની જોડાણ વિરુદ્ધ ઈઝરાયલે જ્યારે ભારત, ગ્રીસ અને સાયપ્રસ, આરબ, આફ્રિકન સહિતના દેશોના જોડાણની વાત કરી હતી ત્યારે ભારતે વિરોધનો એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહતો.
ઈરાનને તેના અણુ કાર્યક્રમમાંથી આગળ વધતુ અટકાવવાના મુખ્ય હેતુમાંથી ટ્રમ્પનું લક્ષ્ય હવે ઈરાનની લશકરી તાકાત તોડી પાડવાનું તથા બિનશરતી શરણે લાવવાનું છે. ઈરાનના વહીવટને પોતાના હાથમાં લઈ લેવાના ઈરાનની પ્રજાને ઉશકેરવાના ટ્રમ્પના પ્રયાસો નિષ્ફળ ગયા છે.
યુદ્ધને પરિણામે ક્રુડ તેલના ભાવ ઉછળી પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી ગયા છે. અમેરિકામાં ફુગાવા અને ટ્રમ્પના વહીવટ સામે નારાજગી વધી રહી છે. ભારતમાં એલપીજી સિલિન્ડરની અછત ઊભી થઈ છે અને કાળા બજાર થઈ રહ્યા છે. વિશ્વભરના શેરબજારોમાં ગાબડાં પડયાં છે. યુદ્ધને કારણે દૈનિક બે અબજ ડોલર ખર્ચાઈ રહ્યા છે અને માનવ નુકસાનની તો ગણતરી જ થઈ શકે એમ નથી.
યુદ્ધે દરેકને ખુલ્લા પાડયા
યુદ્ધ ઘાતકી, નિરર્થક અને મૂર્ખતા છે એમ જનરલ ડ્વાઈટ આઈસેનહોવર જણાવી રહ્યા છે. ચાર વર્ષ પહેલા યુક્રેન પર આક્રમણ કર્યા બાદ પણ રશિયા યુદ્ધ જીતી શકયું નથી. આ ગાળામાં રશિયાનું દેવું વધી ગયું છે. આવક ઘટી ગઈ છે. ઈરાનમાં અમેરિકા યુદ્ધ અટકાવી દેશે તેવા ચિહ્નો જણાતા નથી. આ યુદ્ધ મશીન દ્વારા લડાતું હોવાથી જ્યાંસુધી મશીનનો પૂરવઠો ચાલુ રહેશે ત્યાંસુધી અમેરિકા યુદ્ધ ચાલુ રાખી શકશે.
કોઈ દેશ જ્યારે યુદ્ધ શરૂ કરે છે ત્યારે તેને કયારે અટકાવવું જોઈએ તેને જે તે દેશને ખબર હોવી જોઈએ. યુદ્ધ દરેક દેશ તથા દરેક વ્યક્તિને ખુલ્લા પાડે છે. જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું ત્યારે ભારતે તેને વખોડયું નહોતું અને આ યુગ યુદ્ધનો નહીં હોવાનું જણાવ્યું હતું. અમેરિકાએ જ્યારે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માડુરોનું અપહરણ કર્યું હતું ત્યારે આવા ઉપદેશ જોવા મળ્યા નહોતા. પશ્ચિમ એશિયાના યુદ્ધમાં પણ તેમની ગેરહાજરી જણાઈ રહી છે.
અમેરિકા-ઈઝરાય અને ઈરાન યુદ્ધમાં વંશિય તથા ધાર્મિક આંતરમનોવૃત્તિ જણાઈ રહી છે. ઈઝરાયલ સામ્રાજ્યવાદી દેશ બની ગયો છે. ઈઝરાયલ સાથે સહયોગ સાધીને અમેરિકાએ દરેક સિદ્ધાંતો જેના પર તેની સ્થાપના થઈ હતી તેને નેવે મૂકી દીધા છે. અફસોસ છે કે, ભારતના પોતાના ધ્યેયોએ તેને, જે લોકો પોતે જે કહે તે જ સાચુ, કહેનારા સમક્ષ ધુ્રજતા યાચકની સ્થિતિમાં મૂકી દીધા છે.


