- વર્તમાન સમસ્યાની ચર્ચાના સ્થાને સરકારને સંસદમાં તથ્યો મરોડવામાં રસ
- ચીનની સંસદમાં રોબોટીક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, મશિન શિક્ષણ, અંતરીક્ષના પડકારો, સમુદ્ર અને તેનો ડાટા અને આ તમામની માનવીય જીવન પર કેવી અસર પડશે તેના વિશે ચર્ચા થાય છે
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
ડિસ્ટોરિયન્સની બોલબાલા
રાજકરણીઓ ઈતિહાસ સાથે છૂટછાટ લેવાનું પસંદ કરે છે. ભાજપ (અને સરકાર)એ કોંગ્રેસ પર રાષ્ટ્રીય ગીત વંદે માતરમમાં કાપકૂપ કરવાનો આરોપ લગાવ્યો અને શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં એક દિવસની ચર્ચાનો આગ્રહ રાખ્યો. પાર્ટીના વક્તાઓએ તેમની દ્રષ્ટિએ ઈતિહાસનું પોતાનું સંસ્કરણ વર્ણવ્યું, જો કે આ ઈતિહાસની વિકૃતિ હતી. મુખ્ય વિકૃતિ કરનાર હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેમના શબ્દો ટાંકીએઃ
'વંદે માતરમ એવા સમયે રચાયું જ્યારે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટિશ સામ્રાજ્ય ડગમગી ગયું હતું અને ભારત પર વિવિધ દબાણ અને અન્યાય લાદ્યા હતા. એ સમયે બંકિમદાએ વધુ બળથી પડકાર ફેંક્યો અને આ પડકારમાંથી વંદે માતરમનો જન્મ થયો...
'મોહમ્મદ અલી ઝીણાએ ૧૫ ઓક્ટોબર, ૧૯૩૭ના રોજ લખનઉથી વંદે માતરમ સામે સૂત્રોચ્ચાર કર્યો. મુસ્લિમ લીગના પાયા વિહોણા નિવેદનોનો મક્કમપણે સામનો કરવાના અને તેને વખોડી કાઢવાના સ્થાને કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ જવાહરલાલ નહેરુએ વંદે માતરમ પ્રત્યે પોતાની અથવા પક્ષની પ્રતિબદ્ધતા વ્યક્ત તો ન કરી, પણ તેનાથી વિપરીત તેની સામે જ સવાલ ઉપસ્થિત કર્યા. ઝીણાના વિરોધના પાંચ જ દિવસમાં નહેરુએ ૨૦ ઓક્ટોબર, ૧૯૩૭ના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને પત્ર લખીને ઝીણાની લાગણી સાથે સહમતિ દર્શાવી....
'નહેરુએ જણાવ્યું કે મેં વંદે માતરમ ગીતની પૃષ્ઠભૂમિ વાંચી છે. મારા મતે આ પૃષ્ઠભૂમિ મુસ્લિમોને ઉશ્કેરી શકે છે....'
કમનસીબે, ૨૬ ઓક્ટોબર, ૧૯૩૭ના રોજ કોંગ્રેસે વંદે માતરમ બાબતે સમાધાન કરી લીધું, અને તેનું વિભાજન કરવાનો નિર્ણય કરી લીધો. ઈતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસ મુસ્લિમ લીગ સમક્ષ ઝૂકી ગઈ અને તેના દબાણ હેઠળ નિર્ણય લઈને તુષ્ટીકરણની રાજનીતિ અપનાવી. ત્યારથી આઈએનસી (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ) એમએમસી (મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ) બની ગઈ.
અમિત શાહે જણાવ્યું કે રાષ્ટ્રીય ગીતના વિભાજનથી તુષ્ટીકરણની રાજનીતિ શરૂ થઈ જેના પરિણામે દેશનું વિભાજન થયું. આ તો કલ્પનાની એવી વાહિયાત છલાંગ હતી કે વિકૃત ઈતિહાસકારો પણ તેમની બેઠક પરથી ઉછળી પડે.
સંક્ષિપ્ત ઈતિહાસ
ગીતની ટૂંકી સમયરેખા અહીં આપી છે ઃ
૧૮૭૦નો દાયકો - બંકિમ ચંદ્ર ચેટર્જીએ ગીતના થોડા ફકરા લખ્યા જે અપ્રકાશિત રહ્યા.
૧૮૮૧ - આનંદમઠ નવલકથામાં કવિતાનું વિસ્તૃત સંસ્કરણ સામેલ કરવામાં આવ્યું.
૧૯૦૫ - રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રવાદી વિરોધ સરઘસોનું નતૃત્વ કરતી વખતે કવિતાનું ગાન કર્યું.
૧૯૦૮ - તમિલ કવિ સુબ્રમણિયા ભારતીએ પોતાની કવિતા એન્થાયુમ થાયુમમાં વંદે માતરમ વાક્યને અમર કરી દીધું.
બંકિમચંદ્ર ચેટર્જીનું ગીત તમામ સ્વતંત્ર સૈનિકના હોઠો પર હતું.
૧૯૩૦નો દાયકો - કોમવાદી રાજકરણમાં વધારો થતા ગીત વિશે વિવાદ થયો.
૨૮-૦૯-૧૯૩૭ના રોજ રાજેન્દ્ર પ્રસાદે ગીત પ્રત્યે વ્યાપક વિરોધ વિશે ચિંતા દર્શાવતા સરદાર પટેલને પત્ર લખ્યો અને આ બાબતે કોંગ્રેસે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ તેવી સૂચના આપી.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની પૂર્વસંધ્યાએ નેતાજી બોઝએ ટાગોરની સલાહ લીધી.
૧૭-૧૦-૧૯૩૭ - નેતાજી બોઝએ કોંગ્રેસમાં ગીતની ચર્ચા કરવા જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો.
૨૦-૧૦-૧૯૩૭ - નહેરુએ બોઝને લખ્યું કે કોમવાદી પરિબળોએ વિવાદ સર્જ્યો છે અને તેઓ આ બાબતે ટાગોર તેમજ અન્યો સાથે ચર્ચા કરશે.
૨૬-૧૦-૧૯૩૭ - ટાગોરે નહેરુને પત્ર લખ્યો કે ગીતનો પ્રથમ હિસ્સો મૌલિક છે અને તેમાં પ્રેરક ગુણો છે જે કોઈપણ ધાર્મિક સમુદાય માટે અપમાનજનક નથી.
૨૮-૧૦-૧૯૩૭ - કોંગ્રેસ વર્કિંગ કમિટીએ ગીતના બે ફકરાને રાષ્ટ્ર ગીત તરીકે અપનાવ્યા.
જાન્યુઆરી ૧૯૩૯ઃકોંગ્રેસ વર્કિંગ કમિટીએ મહાત્મા ગાંધીની હાજરીમાં વર્ધામાં બેઠક ખાતે ઠરાવને ફરી દોહરાવ્યો.
રાષ્ટ્રગાન અથવા ગીત માટે થોડા ચોક્કસ ફકરાની પસંદગી કરવી કોઈ અસાધારણ બાબત નથી. રાષ્ટ્રીગીત જન ગણ મન રવિન્દ્રનાથ ટાગોર લિખિત પૂર્ણ કવિતાનું સંક્ષિપ્ત સંસ્કરણ છે. અનેક દેશોના રાષ્ટ્રગીત પૂર્ણ ગીતોના સંક્ષિપ્ત સંસ્કરણ હોય છે.
મોદીએ ધ્યાનપૂર્વક એ હકીકતની ઉપેક્ષા કરી કે આરએસએસ અને ભાજપના પુરોગામીઓની ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અથવા વંદે માતરમ ગાવામાં અથવા તેને લોકપ્રિય બનાવવામાં કોઈ ભૂમિકા નહોતી. હકીકતમાં આરએસએસએ બાવન વર્ષ સુધી તેના રાષ્ટ્રીય મુખ્યાલયમાં રાષ્ટ્રીય ધ્વજ નહોતો ફરકાવ્યો.
ખોટી પ્રાથમિકતાઓ
૧૯૩૭થી બે ફકરાના રાષ્ટ્ર ગીત બાબતે કોઈએ વિવાદ ઊભો નહોતો કર્યો. હવે શા માટે? સંસદ અને સરકારે વર્તમાનમાં લોકોની મુખ્ય સમસ્યાઓ તેમજ ભાવિ માટે દેશના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો બાબતે ચિંતા કરવી જોઈએ.
ચીનની સંસદમાં રોબોટીક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, મશિન શિક્ષણ, અંતરીક્ષના પડકારો, સમુદ્ર અને તેનો ડાટા અને આ તમામની માનવીય જીવન પર કેવી અસર પડશે તેના વિશે ચર્ચા થાય છે. ભારતીય સંસદમાં ગરીબી, શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રકચર, ઉત્પાદનો અને સેવાનું સર્જન અને તમામને તેની પહોંચ, આર્થિક સ્થિરતા, વેપાર ખાધ, જળવાયુ પરિવર્તન અને વર્તમાનની અન્ય સમસ્યાઓ વિશે ચર્ચા થવી જોઈએ.


