Get The App

જાહેર બાંધકામ ક્ષેત્રે ભારતનો ઈતિહાસ ઉજળો રહ્યો છે પરંતુ વર્તમાન ખરડાયેલો છે

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
જાહેર બાંધકામ ક્ષેત્રે ભારતનો ઈતિહાસ ઉજળો રહ્યો છે પરંતુ વર્તમાન ખરડાયેલો છે 1 - image


- હલકી ગુણવત્તાના જાહેર બાંધકામ થવા પાછળનું એક કારણ જવાબદારીનો અભાવ

- ખાનગી બાંધકામ તથા જાહેર બાંધકામની ગુણવત્તામાં કેવા ફરક છે તેની દરેકને જાણ છે

જાહેર બાંધકામ ક્ષેત્રે ભારતનો ઈતિહાસ ઉજળો રહ્યો છે પરંતુ વર્તમાન ખરડાયેલો છે 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

ભારત તથા ઈન્ગલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળી રહ્યો હતો ત્યારે એક જાણીતી સિમેન્ટ કંપનીની જાહેરખબર પર મે  ટેગ લાઈન વાંચી હતી જેમાં લખ્યું હતું કે ''બાંધકામની સાથોસાથ, ભારતનો વિકાસ થાય છે.'' આ ટેગ લાઈન એકદમ સચોટ હતી. આપણે નિર્માણ કરવું જ રહ્યું અને  વિકાસ માટે જાહેર બાંધકામો જેમ કે રસ્તા, બ્રિજ, રેલવેસ, એરપોર્ટસ, શાળા, કોલેજ, હોસ્પિટલના મકાનોનું ેનિર્માણ કેવી રીતે કરવું તે પણ આપણે જાણવું જોઈએ. 

નેહરુ શ્રેષ્ઠ નિર્માતા

જવાહરલાલ નેહરુ શ્રેષ્ઠ નિર્માતા હતા. નેહરુના ટીકાકારોની કિંમત કોડીની પણ નથી. ૧૯૪૭માં દેશની વસતિ ૩૪ કરોડ હતી અને વધી રહી હતી અને નિરક્ષરતાનો દર ૧૨ ટકા હતો. પોતાના ૧૭ વર્ષના શાસનકાળમાં  નેહરુએ શાળા તથા કોલેજોનું નિર્માણ કર્યું હતું. આઈઆઈટીસ, આઈઆઈએમએસ, સ્ટીલ પ્લાન્ટસ, આઈઓસી, ઓએનજીસી, એનએલસી, એચએએલ, ભેલ, ઈસરો, ભાકરા નાંગલ, હીરાકુડ, દામોદર વેલી તથા આવી બીજી અસંખ્ય મહત્વની સંસ્થાઓ અને પ્રોજેકટના તેઓ પ્રણેતા રહ્યા હતા. સ્વતંત્રા બાદનો આ પ્રારંભિક સમય હતો શિક્ષણ, ટેકનોલોજી તથા સ્કિલ્સ સંદર્ભમાં દેશ છૂટોછવાયો હતો. નેહરુએ જે નિર્માણ કર્યું હતું તે આજે ટકી રહ્યું છે તે પાછળનું કારણ એ હતું કે ભારત ભલે બીજી બાબતોની અછત ધરાવતું હતું પરંતુ તેની પાસે વિશ્વસ્નિય તથા દેશને સમર્પિત એવા લોકોની મોટી સંખ્યા હતી. 

બીજી સદીમાં ચોલા રાજા કારીકાલને કાવેરી નદીના કાંઠે કલાનાઈનું નિર્માણ કર્યું હતું. વિશ્વમાં તે એક સૌથી જૂનો સિંચાઈ બંધ છે. જેનું બાંધકામ ઈન્ટરલોકિંગ પથ્થરોથી થયું હતું  અને તે પણ મોર્ટાર જેવા જોડવાના પદાર્થોના ઉપયોગ કર્યા વગર. તાજ મહાલનું બાંધકામ ૧૬૫૩માં પૂરુ થયું હતું. જેની બાંધકામ સામગ્રીમાં લાલ પથ્થર, મારબલ વગેરેનો ઉપયોગ થયો હતો. સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક જે કેન્દ્ર સરકારની બેઠક છે તેનું બાંધકામ ૧૯૩૧માં પૂરું થયું હતું. આ સુંદર અને મજબૂત ઈમારતો છે. ઐતિહાસિક માળખા ઊભા કરવાની  ભારતની ૨૦૦૦ વર્ષની પરંપરા છે. 

રોજેરોજ નિર્માણ કરવાનું ભારતે ચાલુ રાખ્યું છે પરંતુ તેનો પ્રકાર બદલાયો છે. ખાનગી બાંધકામ તથા જાહેર બાંધકામની ગુણવત્તામાં કેવા ફરક છે તેની દરેકને જાણ છે. બિલ્ડીંગ કોન્ટ્રેકટરો બન્ને માટે બાંધકામ કરે છે પરંતુ બન્ને માટે તેમનો અભિગમ વિભિન્ન રહે છે. પ્રક્રિયા પણ અલગ હોય છે.

ખાનગી વિરુદ્ધ જાહેર બાંધકામ

પ્રજાના નાણાંના ઉપયોગ સાથે થતા જાહેર બાંધકામ બાબતે આ લેખમાં મારે જણાવવું છે. ખાનગી બાંધકામમાં આર્કિટેકટ તથા કોન્ટ્રેકટરની પસંદગી તથા નાણાંની ઉપલબ્ધતા પ્રમાણે ગુણવત્તામાં અલગતા જોવા મળે છે. જાહેર બાંધકામ ખાસ કરીને દેશ માટે મહત્વના એવા પ્રોજેકટસ માટે ભંડોળની અછત હોતી નથી. પરંતુ શું થાય છે તે આપણે જોઈએ છીએ. હાઈવેસ તથા નવા માર્ગો  પર ખાડા પડી જાય છે. ગટરો ઉભરાયને તેનું પાણી રસ્તા પર વહેવા લાગે છે. વાહનો ઉંડા ખાડામાં પડી જતા હોવાનું જોવા મળે છે. ગ્લાલિયરમાં રૂપિયા ૧૮ કરોડના ખર્ચે બંધાયેલા રોડ પર પંદર દિવસમાં ખાડા પડી ગયા. ગુજરાતના મોરબી ખાતે એક બ્રિજનું સમારકામ બાદ તેને ખુલ્લો મુકાયાના ચાર દિવસમાં તે તૂટી પડયો હતો જેમાં ૧૪૧ લોકો મૃત્યુ પામ્યા હતા. નબળી કંપનીને સમારકામ માટે કોન્ટ્રેકટ અપાયો હતો હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. બિહારમાં બાંધકામ દરમિયાન અથવા ખુલ્લા મુકાયા બાદ પુલો તૂટી પડવાની ઘટનાઓથી કોઈને આશ્ચર્ય થતું નથી. એક પુલ તો ત્રણ વખત તૂટી પડયો હતો. ભોપાલના ઐશબાગમાં રેલવે તથા જાહેર બાંધકામ વિભાગની સાત વર્ષની ખેંચતાણ બાદ બંધાયેલા ૬૪૮ મીટર લાંબા પુલે ૯૦ ડીગ્રીનો વળાંક લઈ લીધાનું જોઈને લોકો ભયભીત થઈ ગયા હતા.

આવા પ્રકારે સમય અને નાણાંનો વેડફાટ પાછળ અનેક કારણો રહ્યા છે. પ્રથમ કારણ જવાબદારીનો અભાવ રહેલું છે. પ્રવર્તમાન નિયમ પ્રમાણે એમ જણાય છે કે એક પ્રોજેકટ ઊભો કરવામાં અસંખ્યા લોકો સંડોવાયેલા હોય છે, પરંતુ જવાબદાર કોઈ નથી હોતું. જૂથ પ્રતિરક્ષાનો લાંબો ઈતિહાસજૂથ સજામુક્તિમાં રૂપાંતરિત થઈ ગયો છે. 

અન્ય કારણ પ્રક્રિયા સંબંધિત છે. સામાન્ય રીતે નીચા ભાવની બિડને સ્વીકારવામાં આવે છે. નીચા ભાવની બિડને સ્વીકારવાની પદ્ધતિ બંધ થઈ જવા સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે અને તપાસ પણ કરવામાં આવે છે. માટે તે બંધ શા માટે કરવી? નીચા ભાવની બિડ મેળવનારા હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરે છે અને મંજુર થયેલા પ્લાન્સમાં છૂટછાટ લે છે. અનેક ટેન્ડરોમાં કોન્ટ્રેકટર અંદાજિત ખર્ચ કરતા વધુનો ખર્ચ બતાવે છે. અંદાજ કરતા વધુ ખર્ચનો કોન્ટ્રેકટ મેળવી વધારાના નાણાંનો ઉપયોગ લાંચ આપવામાં થાય છે. ડીઝાઈન્સ, ડ્રોઈંગ્સ તથા અંદાજો જાણકારીનો અભાવ ધરાવતી વ્યક્તિઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેઓ જ તેની દેખરેખ કરતા હોય છે. સીનિયર અધિકારીઓને ડીઝાઈન કે  ટેકનોલોજીમાં ફેરબદલ કરવામાં રસ નથી હોતો. 

મુખ્ય કારણ રાજકીય ભ્રષ્ટાચાર રહ્યું છે. લાભકારક પોર્ટફોલિઓ મેળવવામાં પ્રધાનોમાં સ્પર્ધા રહે છે. અનેક રાજ્યોમાં તો રીતસરનું રેટ કાર્ડ ચાલે છે. જાહેર બાંધકામ વિભાગ, હાઈવેસ તથા રેલવે જેવા વિભાગો આ બાબતમાં બદનામ છે. 

જટિલ સમશ્યા ઉકેલવી રહી

આ એક જટિલ સમશ્યા છે જે ન ઉકેલી શકાય તેવી નથી. તેને ઉકેલવી રહી. એટલે કે જે જાહેર  પ્રોજેકટોનું નિર્માણ કરે છે તે સરકારી એજન્સીઓને નાબુદ કરો. આ પદ્ધતિમાં સુધારો લાવવાના પ્રયાસો ભૂતકાળમાં નિષ્ફળ રહ્યા છે, અને ફરી કરાશે તો પણ નિષ્ફળ જશે. આનાથી વિપરીત સંદેશવ્યવહાર, વીજ વિતરણ, પરિવહન, માઈનિંગ તથા તેલ સંશોધનમાં ખાનગીકરણ તથા તંદૂરસ્ત સ્પર્ધાએ જાહેર સેવાઓની ગુણવત્તામાં સુધારો કર્યો છે. આજ માર્ગ જાહેર બાંધકામમાં પણ અપનાવી શકાય એમ છે. ટૂંકા ગાળે ખર્ચમાં વધારો થશે. જૂથબાજી જોવા મળશે. નબળાઈઓ બહાર આવશે. આપણે ભૂલ સુધારવી રહી અને પ્રમાણિક, તંદૂરસ્ત સ્પર્ધા વચ્ચે  જાહેર  પ્રોજેકટના નિર્માણ માટે નવા માર્ગ-ખાનગી ઉપક્રમ પર વિશ્વાસ રાખવો રહ્યો.

Tags :