Get The App

ઓપરેશન સિંદુરમાં દેશની લશ્કરી નેતાગીરી અને રાજકીય નેતાગીરી વચ્ચેનો તફાવત જોવા મળી ગયો

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ઓપરેશન સિંદુરમાં દેશની લશ્કરી નેતાગીરી અને રાજકીય નેતાગીરી વચ્ચેનો તફાવત જોવા મળી ગયો 1 - image


ભારત સામે પાકિસ્તાનને ટેકો આપવામાં અમેરિકા તથા ચીન એક જ પથ પર છે

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

ઓપરેશન સિંદુરમાં દેશની લશ્કરી નેતાગીરી અને રાજકીય નેતાગીરી વચ્ચેનો તફાવત જોવા મળી ગયો 2 - imageગયા સપ્તાહમાં સંસદના બન્ને ગૃહમાં ચર્ચા વખતે સરકારે એવી છાપ ઊભી કરી હતી કે, ઓપરેશન સિંદુર છેવટે સ્થગિત કરી દેવાયું છે અને મુખ્ય હેતુ સિદ્ધ થઈ ગયો છે અને તે ફરી પાછી કામે લાગી ગઈ છે. આવી છાપ ઊભી કરવી ખોટી છે. હકીકત એ છે કે ચૂંટાયેલી સરકારે જ્યારે દડો ખૂંચવી લીધો હતો ત્યારે લશ્કરી દળો સખત કવાયત કરી રહ્યા હતા. 

પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાનું સરળ રહેશે, પરંપરાગત યુદ્ધમાં ભારતની સર્વોપરિતા જળવાઈ રહેશે અને ભારતને ઘણાં મિત્રો છે જ્યારે પાકિસ્તાનને એક પણ નહીં, એવી કેટલીક માન્યતાઓને ઓપરેશન સિંદુરે ખુલ્લી પાડી છે. 

લશ્કર વિરુદ્ધ રાજકારણ

લશ્કરી નેતાગીરી દર્શનિય હતી. તેમણે સ્વતંત્રતા માગી અને તે તેમને આપવામાં આવી. ભારતીય સશસ્ત્ર દળોએ કરેલી પહેલને કારણે તેમને વહેલી જીત મળી ગઈ. ૯ ત્રાસવાદી મથકોને તોડી પડાયા હતા અને કેટલાક ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આમછતાં, પાકિસ્તાનના સશસ્ત્ર દળો ઝડપથી બેઠા થયા હતા. ચાઈનાના વિમાન (જે-૧૦), ચાઈનાના મિસાઈલ (પીએલ-૧૫) તથા તુર્કિયના ડ્રોન્સનો ઉપયોગ કરી તેમણે ૭-૮ મેના રોજ પ્રતિ હુમલા કર્યા હતા. 

ટેકટિકલ ભૂલો થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવી જતા લશ્કરી નેતાગીરીએ ઓપરેશન સ્થગિત કરી નાખ્યુ હતુ અને નવેસરથી વ્યૂહ તૈયાર કર્યો હતો. આને નેતાગીરી કહેવાય. તેણે ૯-૧૦ મેના ફરી ઓપરેશન હાથ ધર્યું અને ૧૧ લશ્કરી એરબેઝ પર હુમલા કર્યા અને તેમને ભારે નુકસાન પહોંચાડયું હતું. આ કામગીરીમાં ભારતના દળોને પણ કેટલુક નુકસાન થયું હતું અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તથા આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફે નુકસાની થયાનું સ્વીકાર્યું હતું. આને પણ નેતાગીરી કહેવાય. 

આનાથી વિપરીત રાજકીય નેતાગીરી હોય છે. તે કયારેય ભૂલ અથવા નુકસાન સ્વીકારતી નથી. ભારતે ઓપરેશન સિંદુરમાં નિર્ણયાત્મક વિજય મેળવ્યો હોવાનો નેતાગીરીનો દાવો રહ્યો હતો. જો નિર્ણાયક વિજય થયો હતો તો, ભારતે તેના લાભ મેળવવા દબાણ કેમ ન કર્યું, શા માટે વધુ લશ્કરી લાભ ન મેળવ્યા અને પાકિસ્તાનના રાજકીય આગેવાનો પાસે માફી શા માટે ન મંગાવી? ડીજીએમઓના પ્રથમ જ સંપર્કને પાકિસ્તાને શા માટે તાત્કાલિક અને બિનશરતી સ્વીકારી લીધો હતો? સરકાર તરફથી આનો કોઈ જવાબ નથી. (૧૯૭૧માં  તે વેળાના પાકિસ્તાનના જનરલ નીઆઝીએ ભારતના લેફ. જનરલ અરોરા સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી જે નિર્ણયાત્મક વિજયનું ઉદાહરણ છે.) 

સચોટ હકીકત

કોઈપણ રાજકીય નેતાગીરી હકીકત સ્વીકારશે નહીં. પાકિસ્તાન તથા ચીને મજબૂત લશ્કરી તથા રાજકીય સાંઠગાંઠ ઊંભી કરી છે. ચીન પાકિસ્તાનને નવી પેઢીના યુદ્ધ વિમાન તથા મિસાઈલ પૂરા પાડી રહ્યું છે. સ્વાભાવિક જ રીતે ખરા યુદ્ધમાં જ ચીન પોતાના લશ્કરી હાર્ડવેરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું. લશ્કરી જોડાણ નજરે પડી રહ્યું હતું. રાજકીય મોરચે, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ત્રાસવાદ વિરુદ્ધ પાકિસ્તાનના પગલાંના વખાણ કર્યા હતા. આઈએમએફ, વર્લ્ડ બેન્ક તથા એશિયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા પાકિસ્તાનને લોનની દરખાસ્તના મતદાનમાં ચીને પાકિસ્તાનની તરફેણમાં મતદાન કર્યું હતું. 

અન્ય હકીકત એ પણ હતી કે, પાકિસ્તાન (પાકિસ્તાનના લશ્કર)ના અમેરિકા સાથેના સંબંધો મક્કમ હતા. પ્રમુખ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને  ભોજન માટે આમંત્રિત કરાયા હતા. સરકારી વડા નહીં હોવા છતાં મુનીરનું બહુમાન કરાયું હતું. યુદ્ધમાં નહીં જવા બદલ ટ્રમ્પે  મુનીરનો આભાર માન્યો હતો અને પોતે યુદ્ધવિરામ કરાવ્યાનું ગાણું ગાયું હતું.

વિપક્ષને વળતો જવાબ આપવામાં વડા પ્રધાન અથવા ગૃહ પ્રધાન મોડા પડતા નથી પરંતુ પ્રમુખ ટ્રમ્પ અથવા પ્રમુખ ઝી અથવા તેમના વિદેશ પ્રધાનોના દાવાને નકારવાની હિમત દાખવતા નથી. 

ખરી હકીકત તો એ છે કે પાકિસ્તાનના લશ્કર અને પાકિસ્તાનને રાજકીય તથા આર્થિક રીતે ટેકો પૂરો પાડવાની નીતિમાં અમેરિકા તથા ચીન બન્ને એક જ પથ પર છે. પોતાના મતભેદોને બાજુ પર મૂકી અમેરિકા તથા ચીને પાકિસ્તાનને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. ભારતે જે જે દેશોનો સંપર્ક સાધ્યો હતો તે દરેકે પહલગામ હુમલા બદલ દિલગીરી વ્યકત કરી હતી પરંતુ તેના રચયિતા પાકિસ્તાનને વખોડયું નહોતું. પાકિસ્તાનને કોઈ દોસ્ત નથી અને ભારતના વિશ્વભરમાં મિત્રો છે તેવી ખોટી માન્યતાને   ભારતની રાજકીય નેતીગીરીએ પંપાળવાનું ચાલુ રાખ્યું હતું. 

ઘૂસણખોરી

ભારતીય નેતાગીરીની અન્ય એક ભ્રમણા એ છે કે જમ્મુ અને કાશમીરમાં ત્રાસવાદ ખતમ થઈ ગયો છે. હકીકત અલગ છ.ે પહલગામ હુમલા બાદ ૨૪ એપ્રિલ, ૨૦૨૫ના બોલાવાયેલી સર્વપક્ષિય બેઠકમાં ગૃહ મંત્રાલયે આપેલી માહિતી આ પ્રમાણે હતી-

જૂન, ૨૦૧૪થી મે ૨૦૨૪ના ગાળામાં

- ૧૬૪૩ ત્રાસવાદી ઘટનાઓ બની હતી

- ૧૯૨૫ ઘૂસણખોરીના પ્રયાસો

- ૭૨૬ સફળ ઘૂસણખોરી

- ૫૭૬ સુરક્ષા અધિકારીઓના મૃત્યુ થયા.

એ. બી. વાજપેયી તથા મનમોહન સિંહની સરકારના કાળમાં ત્રાસવાદની ઘટનાઓ બની હતી અને મૃત્યુ પણ થયા હતા. 

ત્રાસવાદ પ્રવૃત્તિને પાકિસ્તાન સ્થિત ઘૂસણખોરો તથા ભારત ખાસ કરીને કાશમીરના ઉગ્રવાદીઓએ એ પ્રોત્સાહન આપ્યું છે. તેઓ બન્ને મોટેભાગે સાથે કામ કરે છે. ૨૬ એપ્રિલના ભારત સરકારે કાશમીરમાં કેટલાક રહેઠાણો તોડી પાડયા હતા જે પહલગામના હુમલા માટે જવાબદાર ત્રાસવાદીઓ સાથે સંકળાયેલા હોવાના મનાતા હતા, પરંતુ તેના માલિક ભારતીયો હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જૂન, ૨૦૨૫માં શંકાસ્પદ ત્રાસવાદીઓને આશરો આપવા બદલ બે ભારતીયોની અટક કરી હતી. આ શંકાસ્પદ ત્રાસવાદીઓને ૨૭-૨૮ જુલાઈના ઠાર મરાયા હતા. 

ભારત સ્થિત ત્રાસવાદીઓએ ભૂતકાળમાં ત્રાસવાદી હુમલા કર્યા છે. ઉદાહરણ તરીકે મુંબઈમાં ૨૦૦૬માં પરાંની ટ્રેનમાં બોમ્બધડાકા, ૨૦૦૮માં તાજમહલ હોટેલ અને ૨૦૧૧માં ઝવેરી બજારમાં ત્રાસવાદી હુમલા. ૨૦૦૬ના હુમલા ભારતસ્થિત ત્રાસવાદીઓ દ્વારા થયા હતા જ્યારે ૨૦૦૮ના મુંબઈ પર હુમલા પાકિસ્તાનના ૧૦ ઘૂસણખોરો દ્વારા કરાયા હતા તથા ૨૦૧૧નો હુમલો મુંબઈસ્થિત ત્રાસવાદીઓ દ્વારા થયો હતો. ભારતમાં ત્રાસવાદીઓનો ખાતમો બોલાઈ ગયો છે તેવા સરકારના દાવા ભૂલભરેલા છે.

ઈન્ટેલિજન્સની નિષ્ફળતા અને સુરક્ષા બળોની ગેરહાજરીને કારણે પહલગામ હુમલો શકય બન્યો હતો. સરકારમાં કોઈએ જવાબદારી સ્વીકારી નથી. ઓપરેશન સિંદુરમાં લશ્કરની સફળતાની પાકિસ્તાન પર ગંભીર અસર જોવા મળશે પરંતુ અમેરિકા અને ચીન સમક્ષ રાજકીય નેતાગીરીની નિષ્ફળતા આ લશ્કરી સફળતાને ધોઈ નાખશે અને પાકિસ્તાનને પ્રોત્સાહન આપશે.

Tags :