- ગ્લોબલ વોર્મિંગે દુનિયાભરમાં ઋતુચક્રને ફેરવી કાઢયું છે, ખુશનુમા વાતવરણ માટે જાણીતા યુરોપમાં હાલ કાળઝાળ ગરમીથી જનજીવન ખોરવાયું છે
- ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્રીન હાઉસ ગેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન પણ વધી રહ્યું છે. તેની અસર યુરોપ ઉપર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. યુરોપ વર્તમાન સમયમાં અત્યંત ઝડપથી ગર્મ થનારો કોન્ટિનેન્ટ બની ગયો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે અહીંયાનું ઋતુચક્ર સંપૂર્ણ રીતે બદલાઈ રહ્યું છે : સદીઓથી આ તમામ દેશો અને પ્રદેશો ઠંડા ગણાતા આવ્યા છે. તેના કારણે અહીંયા એસીની વ્યવસ્થા હોતી નથી. અહીંયા મકાનો, સ્કૂલો, ઓફિસો કે પછી મોટાભાગની ઈમારતોમાં એરકન્ડિશનનો અભાવ જોવા મળે છે. અહીંયા ક્યારેય તેની જરૂર પડી નહોતી. હવે છેલ્લાં પાંચ વર્ષમાં એકાએક ગરમી વધવા લાગી છે. એસીની ગેરહાજરમાં અસહ્ય ગરમ થયેલા મકાનોમાં બંધ બારણે રહેવું જીવલેણ સાબિત થાય તેમ છે : ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે જ સ્થિતિ વણસી છે. યુરોપ એક એવો પ્રદેશ છે જ્યાં વસંત ઋતુ દરમિયાન સામાન્ય રીતે 18-20 ડિગ્રી તાપમાન રહેતું હતું. અહીંયા હવે સરેરાશ તાપમાન ૩૫ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જાણકારો સ્પષ્ટ રીતે માને છે કે, જો કાર્બન ઉત્સર્જન ઉપર કાબુ નહીં કરવામાં આવે તો યુરોપની સ્થિતિ વધારે કફોડી થશે.
ભારતમાં તો આકાશ આગ ઓકી જ રહ્યું છે અને ચામડી બાળતી કાળઝાળ ગરમી પડી જ રહી છે પણ દુનિયાના બીજા દેશોની હાલત પણ એવી જ છે. તાજેતરમાં ફ્રાન્સ ખાતે રમાઈ રહેલી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટમાં પણ ખેલાડીઓના હાલ બેહાલ થઈ ગયા છે. બ્રિટન, સ્પેન, પોર્ટુગલ, ઈટાલી, જર્મની, નેધરલેન્ડ અને ફ્રાન્સ સહિતના યુરોપના દેશો કે જે પોતાના ઠંડા અને ખુશનુમા વાતાવરણ માટે જાણીતા છે ત્યાં કાળઝાળ ગરમી પડવા લાગી છે. સામાન્ય રીતે યુરોપના દેશોમાં મે મહિના દરમિયાન ખુશનુમા વાતાવરણ હોય છે પણ આ વખતે અહીંયા સ્થિતિ ખરાબ છે. અહીંયા રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે અને ભયાનક લૂ અને હીટવેવના કારણે હાહાકાર મચેલો છે.
પોતાની ઠંડક માટે અને ખાસ કરીને મે અને જૂન મહિનામાં ફરવા માટે સારા પર્યટન સ્થળ ગણાતા યુરોપના દેશોમાં છેલ્લાં કેટલાક સમયથી ગરમી પડી રહી છે. આ વખતે તો હાહાકાર મચી ગયો છે. ફ્રાન્સમાં તો હીટવેવની સ્થિતિ અત્યંત ભયાનક છે. અહીંયા ગરમીના કારણે સાત લોકોનાં મોત થયાના પણ અહેવાલો છે. આશ્ચર્યની વાત એ છે કે, અહીંયા જુલાઈના અંતમાં થોડી ગરમી પડે છે પણ આ વખતે તો મે મહિનામાં જ લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. મે મહિનાના અંતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી છે.
જાણકારોના મતે યુરોપમાં આવી ગરમી પડવી તે ખરેખર ચિંતાજનક અને ભયજનક છે. યુરોપના વિવિધ દેશોમાં હોસ્પિટલો ઉભરાવા લાગી છે, ઈમર્જન્સી સેવાઓમાં સતત ફોન રણકી રહ્યા છે. લોકોને ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ રહી છે.
લંડનમાં તો ગરમીથી બચવા પાણીમાં પડેલા કેટલાક લોકો ડૂબી જવાની પણ ઘટનાઓ બની છે. આ ઉપરાંત ભયાનક ગરમીને પગલે લૂ લાગવાના પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે. લંડનના જાણીતા ક્યૂ ગાર્ડન્સ વિસ્તારમાં તાપમાન ૩૬ ડિગ્રી સુધી જતું રહ્યુ છે. બીજી તરફ ફ્રાન્સના પણ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં પારે ૩૬ ડિગ્રીને પાર જતો રહ્યો છે. કેટલાક સ્થાનોએ તો પારો ૩૭ ડિગ્રીને પાર જતો રહ્યો છે. સૌથી ખરાબ હાલત સ્પેન અને પોર્ટુગલની છે. અહીંયા ગરમીને પારો ૪૦ ડિગ્રી પહોંચી ગયો છે. બ્રિટન અને ફ્રાન્સમાં ગરમીના કારણે ઘણા લોકોનાં મોત થયા છે.
જાણકારોના મતે આ વખતે મે મહિનમાં યુરોપમાં આટલી ભીષણ ગરમી પડવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. તેમાં વૈજ્ઞાાનિક અને ભૌગોલિક કારણોનો મોટ ફાળો છે. તેમ છતાં આ વખતે સૌથી મોટું ફેક્ટર હીટ ડોમ બન્યું છે. આ વખતે યુરોપમાં ગત વર્ષોની સરખામણીએ વધારે આકરી ગરમી પડી છે, હીટવેવનું પ્રમાણ વધારે છે. હીટવેવ પ્રચંડ હોવા પાછળ સૌથી મોટું કારણ હીટ ડોમ છે. આ એક પર્યાવરણ સાથે સંકળાયેલી આકરી ઘટના છે.
સંશોધકો જણાવે છે કે, જ્યારે કોઈપણ વિસ્તારના વાતાવરણમાં હાઈ પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ જાય છે તો તે જમીન ઉપરની ગરમ હવાને ઉપર ઉઠવા દેતી નથી. તેના કારણે ગરમ હવા એક જ જગ્યાએ અટકી જાય છે. ઉત્તર આફ્રિકાના સહારાના રણમાંથી જે ગરમ હવા યુરોપ તરફ આવે છે તે આ વખતે અટકી ગઈ છે. યુરોપમાં રહેલા હાઈ પ્રેશર સિસ્ટમને પગલે ગરમ હવા ત્યાં જ અટકી ગઈ અને યુરોપમાં હીટવેવનું આક્રમણ શરૂ થઈ ગયું. આ હાઈ પ્રેશર ગરમ હવાને વધારે નીચેની તરફ દબાવે છે અને તેના કારણે હવા વધારે ગરમ થાય છે અને પેલાય છે. તેના કારણે આકાશ એકદમ સાફ રહે છે અને આકરો સૂર્યપ્રકાશ નીચે ધરતી ઉપર આવે છે અને તાપમાનમાં તોતિંગ વધારો થાય છે.
આ હીટ ડોમની અસર એવી થઈ છે કે, બ્રિટનમાં ૩૭ ડિગ્રી સુધી તાપમાન ગયું છે. ફ્રાન્સમાં ૩૯ ડિગ્રી અને સ્પેન તથા પોર્ટુગલમાં ગરમી ૪૦ને પાર જતીરહી છે. યુરોપના ૪૦૦થી વધુ શહેરોમાં ગુરુવાર મે મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. જાણકારો આ હીટ વેવને યુરોપના ઈતિહાસની સૌથી ગંભીર અને વહેલી આવેલી આપત્તી ગણાવે છે. અહીંયા જુલાઈમાં ઉનાળો આવે ત્યારે આવી ગરમી પડતી હોય છે પણ આ વખતે મે મહિનામાં જ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ફ્રાન્સમાં તો કેટલાક શાળા-કોલેજોમાં અભ્યાસ અટકાવવામાં આવ્યો છે. તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ ઘણી સ્કૂલ અને કોલેજોના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા દેશોમાં રેલવે ટ્રેક ગરમ ન થઈ જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે તો ક્યાંક રસ્તા પરનો ડામર ઓગળીને નરમ પડી ગયો હોવાની ઘટનાઓ બની છે.
વૈજ્ઞાાનિકો અને જાણકારો સ્પષ્ટ માને છે કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે જ યુરોપમાં આ સ્થિતિ સર્જાયેલી છે. યુરોપ એક એવો પ્રદેશ છે જ્યાં વસંત ઋતુ દરમિયાન સામાન્ય રીતે ૧૮-૨૦ ડિગ્રી તાપમાન રહેતું હતું. અહીંયા હવે સરેરાશ તાપમાન ૩૫ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ખરેખર આશ્ચર્યજનક અને ચિંતાજનક ઘટના છે. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે યુરોપમાં હીટવેવની તીવ્રતા અને લંબાઈ બંને વધ્યા છે. હીટવેવની અસર હેઠળના દિવસોમાં વધારો થતાં ચારે તરફ હાહાકાર મચેલો છે. સ્થિતિ એવી થઈ છે કે, આકરી ગરમી હવે મે મહિનાથી જ પડવા લાગી છે.
ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્રીન હાઉસ ગેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન પણ વધી રહ્યું છે. તેની અસર યુરોપ ઉપર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. યુરોપ વર્તમાન સમયમાં અત્યંત ઝડપથી ગર્મ થનારો કોન્ટિનેન્ટ બની ગયો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે અહીંયાનું ઋતુચક્ર સંપૂર્ણ રીતે બદલાઈ રહ્યું છે. ભારત અને એશિયાના અન્ય દેશોમાં જે ગરમી પડે છે તે તો આકરી છે જ પણ બગ્લોબલ વોર્મિંગના કારણે ઠંડા પ્રદેશ ગણાતા યુરોપના દેશો ગરમ થઈ રહ્યા છે અત્યંત ચિંતાજનક છે.
ટ્રોપિકલ નાઈટ્સ અને હીટ ડોમ બંને આકરા હોવાથી ગરમી વધી રહી છે
યુરોપ એક એવું સ્થાન છે જ્યાં ગરમી પડે તો પણ દિવસ દરમિયાન પડતી હતી. અહીંયા મોટાભાગે રાત્રે વાતાવરણ ઠંડુ થઈ જતું હતું. તેના કારણે લોકોને રાહત મળતી હતી.
હવે સ્થિતિ એવી થઈ છે કે, યુરોપના કેટલાક દેશોમાં અને ખાસ કરીને બ્રિટન અને ફ્રાન્સમાં શહેરોમાં રાત્રિનું તાપમાન ઘટતું નથી. અહીંયા ટ્રોપિકલ નાઈટ્સની સ્થિતિ ઊભી થયેલી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે, અહીંયા રાત્રીનું તાપમાન પણ ૨૦ ડિગ્રીની ઉપર રહે છે.
અહીંયા હીટ ડોમના કારણે નીચે અત્યંત ગરમી ઊભી થઈ છે અને બીજી તરફ હવાની ગતિ બિલકુલ અટકી ગઈ છે. તેની અસર હવે રાતના સમયે પણ જોવા મળે છે. તેના કારણે રાત્રે પણ ઉકળાટ રહે છે અને ગરમીમાં ઘટાડો થતો નથી. તેના પગલે વાતાવરણમાં અત્યંત ઉકળાટ રહે છે અને હીટ સ્ટ્રેસ વધી ગયો છે.
યુરોપના ઘણા દેશોમાં ગરમીના સ્થિતિ જોતા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બ્રિટનની જ વાત કરીએ તો અહીંયા લંડન સહિન ઘણા શહેરોમા તાપમાન ૩૫ ડિગ્રીને વટી ગયું છે. જે અહીંયાના સરેરાશ તાપમાન કરતા ૧૨ થી ૧૫ ડિગ્રી વધારે છે.
અહીંયા અંડરગ્રાઉન્ટ ટ્રેનમાં પણ બફારો અને ગરમી અસહ્ય રીતે વધ્યા છે. બીજી તરફ ફ્રાન્સમાં પણ સામાન્ય કરતા ૧૫ ડિગ્રી તાપમાન વધી જવાના કારણે સ્થિતિ ખરાબ થઈ છે. અહીંયા તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચ્યું છે. ગરમી એટલી અસહ્ય છે કે, ઘણા જાહેર આયોજનો, રમત-ગમતની સ્પર્ધાઓ રદ કરવામાં આવી છે. ફ્રેન્ચ ઓપનમાં પણ ખેલાડીઓની હાલત ખરાબ થયેલી છે. ડિલિવરી ડ્રાઈવર્સ અને કન્સ્ટ્રક્શન વર્કર્સને બપોરના સમયે કામ નહીં કરવાની અને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ઈટાલીમાં પણ ૩૩ ડિગ્રી અને સ્પેનમાં ૪૦ ડિગ્રી ગરમી પહોંચી ગઈ છે. ત્યાં જંગલોમાં આગ લાગવાનો પણ ભય રહેલો છે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યા છે. અહીંયા દિવસ અને રાત બંને સમયે તાપમાન વધારે રહેતા પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, યુરોપના દેશોમાં શરૂઆતના સમયમાં જ હીટવેવની સ્થિતિ આવી જતાં લોકો અને તંત્ર બધા જ પરેશાન છે. યુરોપના દેશો અને પશ્ચિમી દેશોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ એવું નથી કે ત્યાં આટલી બધી ગરમી પડે તો સહન કરી શકાય. સદીઓથી આ તમામ દેશો અને પ્રદેશો ઠંડા ગણાતા આવ્યા છે. તેના કારણે અહીંયા એસીની વ્યવસ્થા હોતી નથી. અહીંયા મકાનો, સ્કૂલો, ઓફિસો કે પછી મોટાભાગની ઈમારતોમાં એરકન્ડિશનનો અભાવ જોવા મળે છે. અહીંયા ક્યારેય તેની જરૂર પડી નહોતી.
હવે છેલ્લાં પાંચ વર્ષમાં એકાએક ગરમી વધવા લાગી છે. એસીની ગેરહાજરમાં અસહ્ય ગરમ થયેલા મકાનોમાં બંધ બારણે રહેવું જીવલેણ સાબિત થાય તેમ છે. જાણકારો સ્પષ્ટ રીતે માને છે કે, જો કાર્બનઉત્સર્જન ઉપર કાબુ નહીં કરવામાં આવે તો યુરોપની સ્થિતિ વધારે કફોડી થશે. આગામી વર્ષોમાં માત્ર ઉનાળામાં જ નહીં પણ બારે મહિના યુરોપના દેશોમાં ગરમ હવામાન રહેવા લાગશે.


