Petrol Price and Use by Indians: ભારતીયો દ્વારા અંદાજે દર વર્ષે 3.45 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલ અને ડીઝલનો વ્યય માત્ર ટ્રાફિકના કારણે કરવામાં આવે છે. તેમાંય ભારતના ચાર મોટા મહાનગરો જેવા કે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગ્લુરૂ દ્વારા તેમાંથી મોટાપાયે વ્યય કરવામાં આવે છે. આ ચાર મહાનગરો દ્વારા વર્ષે 1.50 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલનો ધુમાડો માત્ર ટ્રાફિકમાં કરવામાં આવે છે : બેંગ્લોરમાં ટ્રાફિક જામની સમસ્યા સૌથી ખરાબ છે. બેંગ્લોરમાં સામાન્ય માણસો દર વર્ષે અંદાજે 19000 કરોડ રૂપિયાના પેટ્રોલ-ડીઝલ ફુંકી મારે છે. તેવી જ રીતે પુણેમાં પણ આવી જ સમસ્યા છે. અહીંયા લોકો દર વર્ષે અંદાજે 17,000 કરોડ રૂપિયાના પેટ્રોલ અને ડીઝલને ધુમાડો કરે છે. કોલકાતામાં પણ વર્ષે અંદાજે 15,500 કરોડ રૂપિયાના ફ્યૂઅલનો વેડફાટ થાય છે. મુંબઈમાં પણ અંદાજે 14,500 કરોડ રૂપિયા જ્યારે દિલ્હીમાં અંદાજે 12,000 કરોડ રૂપિયાના ફ્યૂઅલનો વેડફાટ થઈ જાય છે
ભારતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે બુમરાણ ચાલી રહી છે. દેશના અનેક જિલ્લાઓમાં તો અછત વર્તાવા લાગી છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં લોકો પેટ્રોલ અને ડીઝલ સ્ટોર કરવા લાગ્યાની વાતો પણ ફેલાઈ છે. આ દરમિયાન કેટલાક અહેવાલ સામે આવ્યા છે જે પણ ચિંતાજનક છે. ભારતીયો માત્ર વાહનો ચલાવવા દરમિયાન જ નહીં પણ ટ્રાફિકમાં પણ અધધ રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ ઉડાવી દે છે. તાજેતરમાં નેધરલેન્ડની એક જાણીતી લોકેશન ટેક્નોલોજી અને ડિજિટલ નેવિગેશન કંપની ટોમટોમ દ્વારા ભારતીયો દ્વારા વાહનોના વપરાશ અને અન્ય બાબતે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પીક અવર્સમાં અને સામાન્ય સ્થિતિમાં જ્યારે રસ્તા ખાલી હોય તો તમે 15 મિનિટમાં તમારા ઘરથી કેટલા દૂર પહોંચી શકો છો તેનો પણ અભ્યાસ કર્યો હતો.
આ કંપની દ્વારા જે ડેટા આપવામાં આવ્યો છે તે જોતાં એમ લાગે છે કે, ખરેખર ભારતીયોએ પોતાના વાહનો ચલાવવાની આદત, સરકારે પોતાના આયોજનો અને અન્ય બાબતો ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સરકાર માત્ર લોકોને કાર પુલિંગ કરવાનું કહે કે પછી વર્કફ્રોમ હોમ અથવા તો જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું કહે તેનાથી જવાબદારી પૂરી થઈ જતી નથી. સરકાર અને પ્રજાની સહિયારી ભાગીદારી દ્વારા જ આ કામગીરી પાર પડે તેમ છે. કંપની દ્વારા દુનિયાભરની ગાડીઓ, સ્માર્ટફોન, જીપીએસ ડિવાઈસ અને રિયલ ટાઈમ ટ્રાફિક ડેટા ભેગા કરીને અભ્યાસ કરવામાં આવે છે. ભારતમાં પણ આ તમામ વિગતો લઈને અભ્યાસ કરાયો જેના પરિમાણ આઘાતજનક છે. તેમાં જણાવાયું છે કે, ભારતમાં દર વર્ષે લોકો ટ્રાફિકજામમાં અટવાઈને અંદાજે 3.50 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલ-ડીઝલ ફુંકી મારે છે.
તાજેતરમાં આવેલો અહેવાલ જણાવે છે કે, ભારતીયો દ્વારા અંદાજે દર વર્ષે 3.45 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલ અને ડીઝલનો વ્યય માત્ર ટ્રાફિકના કારણે કરવામાં આવે છે. તેમાંય ભારતના ચાર મોટા મહાનગરો જેવા કે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગ્લુરૂ દ્વારા તેમાંથી મોટાપાયે વ્યય કરવામાં આવે છે. આ ચાર મહાનગરો દ્વારા વર્ષે 1.50 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલનો ધુમાડો માત્ર ટ્રાફિકમાં કરવામાં આવે છે. અહેવાલો જણાવે છે કે, ભારતીયો દ્વારા દરરોજ ટ્રાફિકમાં 960 કરોડ રૂપિયાના ફ્યૂઅલનો વ્યય કરવામાં આવે છે. તેમાંથી લગભગ ચાલીસ ટકા એટલે કે અંદાજે 400 કરોડ રૂપિયાનો વ્યય આ ચાર મોટા શહેરોમાં થાય છે.
અભ્યાસમાં જણાવાયું છે કે, ભારતીયો દ્વારા દર વર્ષે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓના કારણે 34.6 અબજ લિટર ફ્યૂઅલ વેડફવામાં આવે છે. ટ્રાફિક ઈન્ડેક્સ જણાવે છે કે, બેંગ્લુરૂ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં ઓફિસ જવા અને આવવા દરમિયાન લોકો ટ્રાફિકમાં ફસાય છે અને તેના કારણે દર મહિને તેઓ 20 થી 25 લિટર ફ્યૂઅલ વધારે વાપરે છે. તેમના ખિસ્સા ઉપર તેટલો વધારો ખર્ચ પડે છે. તેઓ ધીમે ધીમે જવા દરમિયાન અથવા તો સિગ્નલે ઊભા રહેવા દરમિયાન આ પેટ્રોલ વેડફી કાઢે છે.
બેંગ્લોરમાં ટ્રાફિક જામની સમસ્યા સૌથી ખરાબ છે. ત્યાંના લોકો તેના કારણે અત્યંત પરેશાન પણ છે. તેઓ પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધારે વેડફાટ કરી જાય છે. ત્યાં 10 કિ.મીની યાત્રામાં 45 રૂપિયાનું પેટ્રોલ તો માત્ર ટ્રાફિકના કારણે વપરાઈ જાય છે. તેના પગલે એવું બને છે કે, બેંગ્લોરમાં સામાન્ય માણસો દર વર્ષે અંદાજે 19000 કરોડ રૂપિયાના પેટ્રોલ-ડીઝલ ફુંકી મારે છે. તેવી જ રીતે પુણેમાં પણ આવી જ સમસ્યા છે. અહીંયા લોકો દર 10 કિ.મીએ 40 રૂપિયાનું ફ્યૂઅલ વેડફે છે. અહીંયા દર વર્ષે ટ્રાફિક જામના કારણે લોકોના ખિસ્સા ઉપર મોટો ભાર પડે છે. અહીંયા તેઓ દર વર્ષે અંદાજે 17,000 કરોડ રૂપિયાના પેટ્રોલ અને ડીઝલને ધુમાડો કરે છે. અહીંયા ચક્કાજામ થવાની સમસ્યા પણ વધારે હોવાથી આ સ્થિતિ વધારે ગંભીર થઈ જાય છે.
દેશના બીજા મોટા શહેરોની વાત કરીએ તો કોલકાતાનો પણ તેમાં જ સમાવેશ થાય છે. અહીંયા રસ્તામાં ટ્રાફિક જામ થવાના કારણે વાહનો ધીમે ધીમે આગળ વધે છે. બીજી તરફ કેટલાક રસ્તાઓમાં ટ્રાફિક ફસાઈ રહે છે. તેના પગલે તેઓ 10 કિલોમીટરના સફરમાં 35 થી 38 રૂપિયાના ફ્લૂઅલનો વેડફાટ કરે છે. અહીંયાના લોકો ટ્રાફિક જામમાં ફસાવાના કારણે દર વર્ષે અંદાજે 15,500 કરોડ રૂપિયાના ફ્યૂઅલનો વેડફાટ કરે છે. અહીંયા ટ્રાફિક સિગ્નલ વધારે હોવાથી અનેક રસ્તાઓમાં પિક અવર્સમાં લાંબો ટ્રાફિકજામ થાય છે. તેવી જ રીતે મુંબઈમાં પણ સ્થિતિ આવી જ ખરાબ છે. મુંબઈમાં લોકલ ટ્રેનોનું નેટવર્ક છે, રસ્તા નવા અને મોટા છે છતાં લોકોની હાલત ખરાબ છે.
જાણકારો માને છે કે, મુંબઈમાં પીક અવર્સ દરમિયાન કલાકોનો ટ્રાફિક જામ થાય છે. તેના કારણે અહીંયાના લોકો દર 10 કિલોમીટરના પ્રવાસ દરમિયાન 32થી 35 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ વેડફી કાઢે છે. અહીંયા દર વર્ષે સામાન્ય માણસના ખિસ્સા ઉપર ફ્યૂઅલનો ભાર વધારે પડે છે. મેટ્રો, લોકલ અને બસો હોવા છતાં લોકો વાહનો લઈને જે જાય છે તેઓ વર્ષે અદંજે 14,500 કરોડ રૂપિયાના ફ્યૂઅલનો વેડફાટ કરી નાખે છે. આ સિવાય દેશની રાજધાની દિલ્હીમાં પણ આવી જ સમસ્યા છે. અહીંયા રસ્તા પહોળા છે, સારા છે છતાં ટ્રાફિક જામની સમસ્યા વારંવાર થાય છે. પિક અવર્સમાં નીકળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. અહીંયા લોકો 10 કિ.મી જવામાં 30 રૂપિયાના ફ્યૂઅલનો તો વ્યયય કરી નાખે છે. ટ્રાફિક જામ અને સ્લો ટ્રાફિકના કારણે અહીંયા લોકોની સ્થિતિ ખરાબ છે. તેઓ દર વર્ષે આ સ્થિતિના કારણે અંદાજે 12,000 કરોડ રૂપિયાના ફ્યૂઅલનો વેડફાટ કરી નાખે છે.
આ ઉપરાંત અન્ય એક અહેવાલ જણાવે છે કે, ભારતમાં ટ્રાફિક જામની સમસ્યા અને રોડ રસ્તાના ડાયવર્ઝનની સમસ્યા ખૂબ જ વિકટ છે. સમગ્ર એશિયાની વાત કરવામાં આવે ત્યારે પણ ભારતના શહેરો ખરાબ ટ્રાફિક માટે પંકાયેલા છે. એશિયાના સૌથી વધુ ટ્રાફિક જામ ધરાવતા ટોચના 10 શહેરોની યાદીમાં છ શહેરો ભારતના છે. તેમાંય બેંગ્લોરની સ્થિતિ તો અત્યંત ખરાબ છે. ટ્રાફિકજામ મુદ્દે તે એશિયામાં ટોચના સ્થાને આવે છે જ્યારે દુનિયામાં પણ બીજા ક્રમે આવે છે. તેવી જ રીતે પુણે એશિયામાં બીજા ક્રમે અને દુનિયામાં પાંચમા ક્રમે આવે છે. આ બંને શહેરોની સ્થિતિ અત્યંત ખરાબ છે. બીજી તરફ મુંબઈ એશિયામાં છઠ્ઠા સ્થાને છે તો નવી દિલ્હી ટ્રાફિક મુદ્દે એશિયામાં 7મા ક્રમે આવે છે. કોલકાતા એશિયામાં 9મા અને જયપુર 10મા ક્રમે આવતા શહેરો છે.
ખાસ વાત એ છે કે, પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા અહેવાલમાં પણ જણાવાયું છે કે, દેશમાં પોતાની જરૂરિયાતના ક્રૂડમાંથી 88 ટકા ક્ડ આયાત કરવામાં આવે છે. તેના કારણે અંદાજે 11 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. ભારત દ્વારા દર મહે અંદાજે 92,000 કરોડ રૂપિયાનો ખર્ચ માત્ર ક્ડ લાવવા પાછળ કરવામાં આવે છે. હાલમાં તો મહિના ખર્ચનો આંકડો વધીને સીધો જ 1.5 લાખ કરોડ રૂપિયા પહોંચવા આયો છે. તેનો અર્થ એ છે કે, હાલમાં ભારત જેટલો ખર્ચ કરીને મહિને ક્ડ આયાત કરે છે તેટલી જ કિંમતનું ફ્યૂઅલ ચાર મોટા શહેરોમાં ટ્રાફિક જામમાં વડેફી કાઢવામાં આવે છે.
સરકારને કરવું નથી અને પ્રજાને પણ પડી નથી, તેથી વેડફાટ થતો રહે છે
જાણકારોના મતે દેશમાં ફ્યૂઅલનો જે વેડફાટ થાય છે તેમાં મોટાભાગે સરકાર જવાબદાર છે. તે ઉપરાંત પ્રજાનો પણ થોડોઘણો વાંક આવે તેમ છે.
સૌથી પહેલાં જોઈએ તો દેશના કોઈપણ શહેરમાં ટ્રાફિકનું યોગ્ય આયોજન જ થતું નથી. રોડ રસ્તાઓ ઉપર યોગ્ય વ્યવસ્થા નથી. ચારે તરફ ગમે ત્યારે ખોદકામ કરવામાં આવે છે, ડાયવર્ઝન આપી દેવાય છે, ભુવા પડે છે અને ટ્રાફિક જામ થતો રહે છે. તેવી જ રીતે ગમે ત્યાં અને ગમે તે રીતે સિગ્નલો લગાવી દીધા છે. તેથી લોકોને પાંચ-સાત કિ.મીનો પ્રવાસ કરવામાં અડધો કલાક જતો રહે છે, છ-સાત સિગ્નલ ઉપર ઊભા રહેવાનું આવે છે. રસ્તા બનાવવામાં, બ્રિજ બનાવવામાં વ્યાપક કૌભાંડ થાય છે. જે રસ્તે ટ્રાફિક થાય છે તેનાથી ખોટી દિશામાં ઓવર બ્રિજ બનાવી દેવાય છે, તકલાદી બ્રિજ બનાવી દેવાય છે, અંત વગરના બ્રિજ બનાવી દેવાય છે અને પ્રજાને હાલાકી પડતી રહે છે. લોકો દ્વારા પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાતું નથી.
ડાબી તરફ ફ્રી રોડ ઉપર પણ વાહનો રાખીને સિગ્લન લાલ હોય ત્યારે રસ્તો રોકી દેવામાં આવે છે. સિગ્નલ ઉપર ઊભા રહેવા દરમિયાન વાહનો બંધ કરતા નથી. રોડસાઈડ નાસ્તા-પાણી કરવા દરમિયાન પણ ગાડીમાં બેસી રહે છે અને એસી માટે ગાડી ચાલુ રાખે છે. આ તમામ કારણોના લીધે અબજો લિટર પેટ્રોલ-ડીઝલનો વ્યય થાય છે.


