- વ્યાપક લોન લઈને, અમેરિકાની મદદ લઈને અને પ્રજા ઉપર ટેક્સ નાખીને ઈઝરાયલ યુદ્ધ પાછળ અબજો ડોલર ખર્ચી નાખે છે
- ઈઝરાયલના નાણા મંત્રાલય અને બેન્ક ઓફ ઈઝરાયલ દ્વારા યુદ્ધ પાછળ થયેલા ખર્ચ અને અન્ય બાબતોના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે, ઓક્ટોબર 2023 થી એપ્રિલ 2026ના અંત સુધીમાં ઈઝરાયલને યુદ્ધ મોરચે 405 અબજ શેકેલ એટલે કે 138 અબજ રૂપિયાનો ખર્ચ થયો છે: જાણકારોના મતે ઈઝરાયલના કુલ બજેટનો 20 ટકા હિસ્સો તો સીધો જ અમેરિકાની આર્થિક મદદ દ્વારા આવે છે. અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે એક ઐતિહાસિક જોડાણ થયેલું છે જેના હેઠળ દર વર્ષે અમેરિકા તેને 4 અબજ ડોલરની આર્થિક સહાય કરે છે જે માત્ર સૈન્ય ખર્ચ માટે હોય છે. તે ઉપરાંત જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે અમેરિકા તરત જ ઈઝરાયલને અબજો ડોલરનું વધારાનું ઈમર્જન્સી ફન્ડ આપવા લાગે છે: ઈરાન પોતાના વિસ્તાર મુદ્દે ઈઝરાયલ કરતા 75 ગણો મોટો છે. વસતીની દ્રષ્ટિએ પણ તે ઈઝરાયલ કરતા 9 ગણો મોટો છે. ઈરાનની 9 કરોડની વસતી વર્ષે 300 અબજ ડોલરનું જીડીપીમાં યોગદાન આપે છે.
ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વિચિત્ર આંટીઘુંટીમાં અટવાઈ ગયું છે. એક તરફ ત્રણેય દેશો એકબીજા ઉપર હુમલા કરતા રહે છે અને બીજી તરફ યુદ્ધ વિરામની અને શાંતિ મંત્રણાની વાતો પણ થતી રહે છે. તેમાંય ઈઝરાયલ તો લડી લેવાના જ મૂડમાં હોય છે. તે કેટલાય વર્ષોથી ગાઝા પટ્ટીમાં યુદ્ધ કરતું આવ્યું છે. હાલમાં પણ તે ગાઝા પટ્ટીમાં આ જ કરી રહ્યું છે. તેમાંય હવે ઈરાન સામે મોરચો માંડયો છે અને લેબેનોનમાં પણ હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલ શાંત થવામાં માનતું જ નથી.
ઉલ્લેખનીય છે કે, દુનિયાના નકશામાં જોઈએ તો ઈઝરાયલ નાનકડી બિંદી જેવું દેખાય છે. તેના પાસે એટલા વિશાળ જમીન નથી, એટલા વ્યાપક સંસાધનો નથી, તેમ છતાં હથિયારો અને યુદ્ધની વાત આવે ત્યારે તે સુપરપાવરની જેમ લડે છે.
આકારની વાત કરીએ તો ભારતના હરિયાણા કરતા પણ વિસ્તારની દ્રષ્ટિએ ઈઝરાયલ નાનું છે. તેમ છતાં લેબેનોન, ઈરાન સાથે કેટલાય વખતથી યુદ્ધ કરી રહ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે, ઈઝરાયલ હાલમાં લેબેનોનમાં ઘુસીને હિઝબુલ્લા સાથે યુદ્ધ કરી રહ્યું છે તો બીજી તરફ ઈરાનની રાજધાની તેહરાન અને ઈસફહાન ઉપર સીધા હુમલા પણ કરી રહ્યું છે. આ સ્થિતિમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ સામે આવે છે કે આ યુદ્ધમાં ઈરાન ખુવાર થઈ ગયું છે. અમેરિકાની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ રહી છે. અમેરિકાએ અબજો ડોલર આ યુદ્ધ માટે ફુંકી દીધા છે અને તેના કારણે ત્યાં મંદીની સ્થિતિ ઊભી થઈ છે. આ બધા વચ્ચે ઈઝરાયલ હજી પણ મજબૂત અને મક્કમ છે. તેની પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવે છે, શસ્ત્રો ક્યાંથી આવે છે કે તે કેવી રીતે આયોજનો કરે છે કે, આટલા બધા મોરચે એકસાથે યુદ્ધ લડી શકાય.
મહત્ત્વની વાત એ છે કે, ઈઝરાયલ જે રીતે અને જે સ્તરે યુદ્ધ લડે છે તેનો ખર્ચ ઘણો મોટો આવે છે. ઈઝરાયલનું જે આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ છે તે જ ખર્ચાળ છે. તેની એક ઈન્ટરસેપ્ટર મિસાઈલ છોડવાનો ખર્ચ 40 લાખની આસપાસ આવે છે. તાજેતરમાં જ ઈઝરાયલના નાણા મંત્રાલય અને બેન્ક ઓફ ઈઝરાયલ દ્વારા યુદ્ધ પાછળ થયેલા ખર્ચ અને અન્ય બાબતોના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે, ઓક્ટોબર 2023થી એપ્રિલ 2026ના અંત સુધીમાં ઈઝરાયલને યુદ્ધ મોરચે 405 અબજ શેકેલ એટલે કે 138 અબજ રૂપિયાનો ખર્ચ થયો છે. ઈરાને આ વર્ષે જ ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન જ યુદ્ધ પાછળ 12 અબજ ડોલર ખર્ચી કાઢયા છે.
જાણકારોના મતે તેની પાસે યુદ્ધ માટેના વિશેષ ભંડોળ હોય છે. આ ઉપરાંત નાણામંત્રાલય દ્વારા તેના માટે અલગથી ફાળવણી કરવામાં આવે છે. તેના કારણે ઈઝરાયલ આટલા વ્યાપક સ્તરે યુદ્ધ લડી શકે છે. ઈઝરાયલ પાસે પોતાના મજબૂત સેના છે. તેમની તાકાત ટકાવી રાખવા માટે ઈઝરાયલની સંસદ દ્વારા 2026માં માર્ચમાં દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ઈઝરાયલ દ્વારા 268 અબજ ડોલરના બજેટમાંથી 45 અબજ ડોલર માત્ર ડિફેન્સ માટે એલોટ કરવામાં આવ્યા હતા. ઈઝરાયલ દ્વારા પોતાના સંરક્ષણ અને ડિફેન્સ ટેકનોલોજી પાછળ ઘણું સંશોધન કરવામાં આવે છે. તેના માટે તે વ્યાપક પ્રમાણમાં ખર્ચ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ જેવા નાનકડા દેશ પાસે આટલી મોટી રકમ લાવવી કે ખર્ચ કરવી તે નાની વાત નથી. તેની પાછળ ઈઝરાયલની રણનીતિ અને તેના કેટલાક વૈશ્વિક જોડાણો પણ કારણભૂત છે. સૌથી પહેલાં જોઈએ તો ઈઝરાયલને ડિફેન્સ સેક્ટરમાં અમેરિકા દ્વારા અધધ મદદ કરવામાં આવે છે.
દુનિયાભરના દેશોને ખબર છે કે, ઈઝરાયલને સૌથી વધુ મદદ અમેરિકા દ્વારા જ કરાયો છે. જાણકારોના મતે ઈઝરાયલના કુલ બજેટનો 20 ટકા હિસ્સો તો સીધો જ અમેરિકાની આર્થિક મદદ દ્વારા આવે છે. અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે એક ઐતિહાસિક જોડાણ થયેલું છે જેના હેઠળ દર વર્ષે અમેરિકા તેને 4 અબજ ડોલરની આર્થિક સહાય કરે છે જે માત્ર સૈન્ય ખર્ચ માટે હોય છે. તે ઉપરાંત જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે અમેરિકા તરત જ ઈઝરાયલને અબજો ડોલરનું વધારાનું ઈમર્જન્સી ફન્ડ આપવા લાગે છે. ઈઝરાયલ દ્વારા તેના થકી અમેરિકા પાસેથી જ એડવાન્સ વેપન્સ. વિમાન, મિસાઈલો અને અન્ય હથિયારો ખરીદવામાં આવે છે. બીજી વાત એવી છે કે, ઈઝરાયલ માત્ર અમેરિકાના જ ભરોસે રહેનારો દેશ નથી. ઈઝરાયલનું પોતાનું અર્થતંત્ર પણ મજબૂત સ્થિતિમાં છે. ઈઝરાયલને દુનિયાનો સ્ટાર્ટઅપ દેશ પણ કહેવાય છે. અમેરિકાના સિલિકોન વેલી બાદ દુનિયામાં સૌથી વધારે સ્ટાર્ટઅપ્સ ઈઝરાયલમાં જોવા મળે છે. અહીંયા ટેક સ્ટાર્ટઅપ્સની ભરમાર છે. ગુગલ, એપલ, માઈક્રોસોફ્ટ અને ઈન્ટેલ જેવા ટેક જાયન્ટના મોટા મોટા રિસર્ચ સેન્ટરો અને ડેટા સેટઅપ ઈઝરાયલમાં પણ આવેલા છે. ઈઝરાયલની માથાદિઠ આવક અંદાજે 70 હજાર ડોલર છે. નવાઈની વાત એ છે કે, યુરોપના તમામ ધનિક દેશોની માથાદિઠ આવક કરતા ઈઝરાયલની માથાદીઠ આવક વધારે છે. આવા તમામ હાઈનેટવર્થ નેટવર્ક દ્વારા ઈઝરાયલનો કરોડો ડોલર ટેક્સ મળતા રહે છે. તેના કારણે પણ તેની આવક વધારે છે અને યુદ્ધનો ખર્ચ ભોગવી શકે છે.
જાણકારોના મતે ઈઝરાયલ પોતે વોર ટેકનોલોજીમાં પણ અવ્વલ દેશોમાં સ્થાન ધરાવે છે. ઈઝરાયલમાં આવેલી સરકારી અને ખાનગી હથિયાર કંપનીઓ દ્વારા સતત વિવિધ હથિયારોનું પ્રોડક્શન થતું જ રહે છે. તેના કારણે આ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા હથિયારો, તોપ, દારૂગોળા, ડ્રોન, મિસાઈલો કે પછી એર ડિફેન્સ સિસ્ટમ તેના પોતાના ઉપયોગમાં લેવા ઉપરાંત વિશ્વભરમાં તેનો વેપાર કરવામાં આવે છે. વિશ્વભરમાં ઈઝરાયલાના હથિયારોની સખત ડિમાન્ડ છે.
તેના દ્વારા પણ ઈઝરાયલને વ્યાપક કમાણી થાય છે. તેણે આ રીતે હથિયારો કે તેના પૈસા માટે બીજા ઉપર આધારિત રહેવું પડતું નથી.
નવાઈની વાત એ છે કે, અહીંયાની પ્રજા પોતે આર્થિક ભારણ સહન કરીને પોતાની સેનાને મદદ કરવા તૈયાર છે. ઈઝરાયલ દ્વારા ફંડ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મોટાપાયે લોન લેવામાં આવી છે. યુદ્ધના કારણે ઈઝરાયલનો લોન ટુ જીડીપી રેશીયો જે પહેલાં 60 ટકા હતો તે હવે 69 ટકા પહોંચી ગયો છે. તેનો સીધો અર્થ છે કે, લોકો ઉપર ટેક્સનું અને સોશિયલ સિક્યોરિટીનું સૌથી વધારે દબાણ છે. લોકો આ દેવું ભરીને પણ પોતાના દેશના રક્ષણ માટે ભોગ આપવા તૈયાર છે. સૌથી આશ્ચર્યકારક બાબત એ છે કે, ઈઝરાયલની વસતીની કુલ જીડીપી આવક ઈરાનની કુલ જીડીપી આવક કરતા ડબલ છે. ઈરાન પોતાના વિસ્તાર મુદ્દે ઈઝરાયલ કરતા 75 ગણો મોટો છે. વસતીની દ્રષ્ટિએ પણ તે ઈઝરાયલ કરતા 9 ગણો મોટો છે. ઈરાનની 9 કરોડની વસતી વર્ષે 300 અબજ ડોલરનું જીડીપીમાં યોગદાન આપે છે. બીજી તરફ ઈઝરાયલની 1 કરોડની કુલ વસતી દેશની જીડીપીમાં 719 કરોડનું યોગદાન આપે છે. તેના કારણે જ ઈઝરાયલ આર્થિક સ્તરે મજબૂત છે.
ઈઝરાયલનું અર્થતંત્ર ટકી રહ્યું છે પણ મદદગાર અમેરિકા ફસાયું છે
જાણકારોના મતે અમેરિકા દ્વારા ઈઝરાયલને અબજો ડોલરનું દાન, મદદ અને લોન આપવામાં આવે છે. આ ઉપરાંત તેને હથિયારોની પણ મદદ કરવામાં આવે છે.
આ સ્થિતિમાં એવું થયું છે કે, ઈઝરાયલ છેલ્લાં બે વર્ષથી યુદ્ધ લડી રહ્યું છે. આ યુદ્ધમાં તેને વધારે આર્થિક નુકસાન ગયું છે. તેમ છતાં તે પોતાના અર્થતંત્રને ટકાવવા મહેનત કરે છે. બીજી તરફ અમેરિકાનું અર્થતંત્ર મજબૂત હતું પણ યુદ્ધના કારણે તેમાં ગાબડા પડયા છે. તેમાંય ઈરાન સાથે થયેલા યુદ્ધને પગલે તેને વ્યાપક નુકસાન થયું છે.
એક તરફ યુદ્ધ, સાધનો અને ઈઝરાયલની મદદ કરવામાં અબજો ડોલર ફુંકી માર્યા છે. હવે ત્યાં ક્રૂડ મોંઘું થવા ઉપરાંત અન્ય વસ્તુઓના ભાવ પણ વધ્યા છે. તેના કારણે લોકો અકળાયા છે. આ ઉપરાંક અમેરિકી કોંગ્રેસ પણ ચિંતામાં આવી છે. ક્રૂડની કિંમત પણ 110 થી 125 ડોલરની વચ્ચે ફર્યા કરે છે. તેના કારણે સ્થિતિ એવી આવી છે કે, અમેરિકામાં મોંઘવારી 4.5 ટકાને પાર થઈ જાય તેમ છે. આ સંજોગોમાં તેઓ યુદ્ધો વધારાનો ભાર હાલ સહન કરી શકે તેમ નથી. તેના કારણે જ અમેરિકા હવે ઈરાન સાથે વાટાઘાટો કરીને યુદ્ધ પુરું કરવા મથી રહ્યું છે. ઈઝરાયલને પણ તેના માટે સમજાવી રહ્યું છે.
બીજી તરફ ઈઝરાયલ માટે તો પોતાના અસ્તિત્વનો જંગ છે. તેના કારણે તે સતત લડવા અને આર્થિક બોજ વધારવા કે પછી લોકોની આવક ઘટાડવા તૈયાર છે. આ યુદ્ધના કારણે ઈઝરાયલને પણ આર્થિક નુકસાન થયું જ છે. 2026ના વર્ષ માટે તેણે જીડીપીનો અંદાજ 5.2 ટકાથી ઘટાડીને સીધો જ 4 ટકા કરી દીધો છે.
ઈઝરાયલને તકલીફ એ પડી રહી છે કે અહીંયા ટેક કંપનીઓ અને ડિફેન્સ કંપનીઓમાં કામ કરતા યુવાનો હાલમાં રિઝર્વ સૈનિકો બનીને સરહદે સજ્જ છે. તેના કારણે કંપનીઓના કામ ખોટકાયા છે. હેલ્થ અને એજ્યુકેશન બજેટમાં પણ કાપ મુકવો પડયો છે. તેણે પોતાનું વિદેશી હુંડિયામણ બચાવેલું છે અને તે એટલું મજબૂત છે કે, તેને હાલમાં વાંધો આવે તેવો નથી. બીજી તરફ તેનો મિત્ર દેશ અમેરિકા ફસાયો છે. તે કોઈપણ રીતે યુદ્ધનો અંત લાવવા માગે છે.


