બાંબૂમાંથી બંકરઃ બોમ્બથી બચાવશે બાંબૂ .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ભારતીય સેનાના બહાદુર જવાનો બેશરમ, બેહાલ, બદનામ પાકિસ્તાનના સૈનિકોને બરાબર બાંબૂ મારે છેને? સરકસમાં જોકરો એકબીજાને ફાટેલા બાંબૂના ફટકા મારીને દર્શકોને હસાવે છે એવા ફાટેલા બાંબૂના ફટકા આપણા બહાદુર જવાનો નથી મારતા હોં! આપણા જવાનો તો પોકળ પાકલાઓને એવા ફટકારે છે કે નરાધમો ખો ભૂલી જાય છે. બાંબૂનો ઉપયોગ ફટકાર લગાવવામાં થાય એમ દુશ્મનના પ્રહારથી બચાવ માટે પણ થઈ શકે છે. એટલે જ આઈઆઈટી-ગુવાહાટીના સંશોધકો તરફથી બાંબૂ એટલે કે વાંસનો ઉપયોગ કરી મજબૂત બંકર બનાવ્યા છે. વજનમાં હલકા બાંબૂમાંથી બનાવવામાં આવેલા બંકર મજબૂત ઉપરાંત પર્યાવરણપૂરક છે. નપાવટ પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારમાં ગોળીબાર કે તોપમારો કરે ત્યારે ગ્રામજનો દોડીને બંકરમાં પેસી જાય છે. મજબૂત પથ્થર કે ઈંટની દીવાલોથી તૈયાર કરવામાં આવતા આ પારંપારિક બંકરોની જગ્યાએ આવનારા દિવસોમાં બાંબૂના બંકરો જોવા મળશે. બોમ્બ સામે બચાવતા બાંબૂને જોઈ કહી શકાશે-
બાંબૂ સે બન-કર તૈયાર
બાંબૂ સે બંકર તૈયાર
ઓપરેશન સિંદૂર પરથી
બેટીનું નામ સિંદૂરી
પાકિસ્તાનનું પીઠબળ અને પૂંઠબળ ધરાવતા મોતના સોદાગર આતંકવાદીઓએ પહલગામમાં ધરમ પૂછીને હિન્દુ ટુરિસ્ટોને મોતને ઘાટ ઉતારી અનેક મહિલાઓના સુહાગની નિશાની મિટાવી દીધી ત્યારે વળતા પ્રહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને ત્રાસવાદીઓના અડ્ડા નેસ્તનાબૂદ કરીને એમને સાફ કરી નાખ્યા હતા. ૭મી મેએ ઓપરેશન સિંદૂર દ્વારા ધમાકો બોલાવવામાં આવ્યો એ ઐતિહાસિક દિને બિહારના કટિહારમાં રહેતા સંતોષ મંડલની પત્ની રાખી કુમારીએ પુત્રીને જન્મ આપ્યો અને તેને સિંદૂર પરથી 'સિંદૂરી' નામ આપવામાં આવ્યું હતું. પરિવારજનોએ કહ્યું હતું કે અમારી બેટી શૌર્યનું પ્રતીક બની ગઈ છે. અમારા સહુની એવી મહેચ્છા છે કે સિંદૂરી મોટી થઈને લશ્કરમાં જોડાય અને દેશના દુશ્મનોનો ખાતમો બોલાવે.
ગાય, ગોબર અને ગવર્નમેન્ટ ઓફિસો
અગાઉના વખતનાં ગામડામાં કાચા ઘરની દીવાલો અને છાપરાં ઉપર છાણાં થાપેલાં જોવા મળતાં હતાં. ગાય-ભેંસના છાણમાંથી બનાવવામાં આવતાં છાણાંનો ઉપયોગ બળતણ માટે કરવામાં આવતો હતો, પરંતુ આજે તો ગેસ અને ઈલેક્ટ્રિક સ્ટવ આવી ગયા છે અને ગામડાઓમાં પણ ગોબર ગેસથી પેટાવવામાં આવતા ચૂલાનો વપરાશ શરૂ થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં ઉત્તર પ્રદેશ દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે.
જેણે તમામ સરકારી ઈમારતોને ગાયના છાણ (ગોબર)માંથી તૈયાર કરવામાં આવતા રંગોથી રંગવાનો ફેંસલો કર્યો છે. ઉત્તર પ્રદેશની ૭,૬૯૩ પાંજરાપોળો અને ઢોરનાં આશ્રયસ્થાનોમાં ૧૧.૯૪ લાખ ગોવંશની સારસંભાળ લેવામાં આવે છે. આ પાંજરાપોળોમાંથી નીકળતા છાણમાંથી પ્રાકૃતિક રંગો તૈયાર કરતા પ્લાન્ટસની સંખ્યા વધારવાનો સી.એમ. યોગી આદિત્યનાથે પશુપાલન વિભાગને આદેશ આપ્યો છે. આ ગોબર પેઈન્ટ પર્યાવરણને અનુકૂળ હોય છે એટલું જ નહીં ઈમારતની દિવાલોને પણ દેશી લૂક આપે છે.
રસાયણોના ઉપયોગ વગર બનાવવામાં આવતા આ રંગને લીધે લોકોના આરોગ્ય માટે પણ જરાય ખતરારૂપ નથી. રંગ દે ચૂનરિયા... એ ભજનના રાગમાં ગાઈ શકાશે કેઃ રંગ દે કચેરિયાં...
ઓહોહો... પાકિસ્તાનમાં ગુજરાત?
જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત... એ પંક્તિ સહુ ગુજરાતીના હૈયે કોરાઈ ગઈ છે, પણ જ્યાં એક પણ ગુજરાતી શોધ્યો ન જડે એવું ગુજરાત ક્યાં આવ્યું એવો કોઈ સવાલ પૂછે તો માથું ચકરાવે ચડી જાય કે નહીં? આ સવાલના જવાબમાં કહી શકાય કે આપણા ગુજરાત સાથે જેનો કોઈ સંબંધ નથી એવું ગુજરાત દુશ્મન દેશ પાકિસ્તાનમાં આવેલું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ગુજરાતની ગણના પાકિસ્તાનના સોળમાં ક્રમાંકના સૌથી મોટા શહેરમાં થાય છે.
ભારતના ભાગલા પડયા અને દુશ્મન પાકિસ્તાન પેદા થયું તેની અનેક સદીઓ પહેલાં ગુજરાત અસ્તિત્ત્વમાં આવ્યું હતું. ચિનાબ અને જેલમ નદી વચ્ચેના અત્યંત ફળદ્રુપ પ્રદેશમાં આવેલા આ ક્ષેત્રમાં ઈ.સ.પૂર્વે ૩૨૬માં સમ્રાટ પોરસનું રાજ હતું. દુનિયા જીતવા નીકળેલા સિકંદરની સેનાનો પરમ શક્તિમાન અને શૂરવીર સમ્રાટ પોરસે મુકાબલો કર્યો હતો, પરંતુ બહાદુરીથી લડયા છતાં સિંકેદરની સેના સામે પોરસનો પરાજ્ય થયો હતો, પરંતુ પોરસની બહાદુરીથી અત્યંત પ્રભાવિત થયેલા સિકંદરે તેમને મેસેડોનિયન સામ્રાજયના હિસ્સેદાર બનાવી ફરી ગાદીએ બેસાડયા હતા. ગુજરાતનાં કિલ્લા અને સ્થાપત્યો આ શહેર કેટલું પુરાણું હશે તેની શાખ પૂરે છે. આ સાંભળીને કહેવું પડે કે-
પાકની કેવી નવાઈની વાત
પાડોશીની સરહદમાં પણ
ધમધમે ગુજરાત.
આઝાદી પછી ગામડાનો પહેલો વિદ્યાર્થી એસએસસી પાસ
આજે તો મુંબઈ કે દિલ્હી જેવાં શહેરોમાં એસએસસીનું પરિણામ જાહેર થાય ત્યારે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પાસ થતાં હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના નિઝામપુર ગામડામાં એસએસસીના રિઝલ્ટ વખતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે આઝાદી પછી ગામનો વિદ્યાર્થી પહેલી જ વાર એસએસસી પાસ થયો હતો.
માંડ ૩૦૦ની વસતી ધરાવતા ખોબા જેવડાં આ ગામડાના રામકેવલ નામના વિદ્યાર્થીએ દિવસભર મજૂરી કરીને અને રાતના સમયે લગ્નની બારાત નીકળે ત્યારે માથે દીવા ઉપાડીને પરિશ્રમ કરવાની સાથે ભણીને એસએસસી પાસ થઈને ગામડાનું નામ રોશન કર્યું હતું.
ગામડાની નિશાળમાં રામકેવલની માતા બાળકો માટે રસોઈનું કામ કરે છે. તેની ઈચ્છા છે કે દીકરો ખૂબ ભણીગણીને આગળ આવે. માતાની ઈચ્છા પૂરી કરવા માટે રામકેવલ ખરી મહેનત કરવા માંડયો છે. રાત્રે બારાત કે સરઘસ નીકળે ત્યારે અંધારામાં માથે દીવા ઉપાડવાનું કામ કરતા આ તરૂણને જોઈને વિચાર આવે કે તેણે દિવા તળે અંધારૃં એ કહેવત ખોટી પાડી છે, કારણ કે રામકેવલના કેસમાં તો દિવા તળે (ભણતરનું) અજવાળું થવા માંડયું છે.
પંચ-વાણી
સઃ ખુલ્લામાં લઘુ-શંકાનિવારણ કરતા પકડાય એને ફરી આવી ભૂલ કરે તો ઓળખી શકાય માટે ક્યુ કાર્ડ આપી શકાય?
જઃ આ-ધાર કાર્ડ.