રાજકોટ- મોરબી- ખાખરેચી નવી રેલ્વે લાઇન માટે રજૂઆત
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ઓખા, પોરબંદર, વેરાવળ તરફથી હરિદ્વાર, દિલ્હી કે દહેરાદૂન જવા માટે ટ્રેનના બે રૂટ છે. પ્રથમ રૂટ અમદાવાદ, ગોધરા, રતલામ, મથુરા થઈને છે અને બીજો રૂટ વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, અજમેર, જયપુર થઈને છે. કચ્છ તરફથી દિલ્હી, લખનૌ, બરેલી માટે પણ બે રૂટ છે.
પ્રથમ રૂટ સામખિયાળીથી હળવદ, વિરમગામ, અમદાવાદ થઈને અને બીજો રૂટ સામખિયાળીથી રાધનપુર, પાલનપુર, અજમેર, જયપુર થઈને છે.
સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉ.ભારતની ટ્રેનો માટે ખૂબ ધસારો રહે છે. આ ધસારો ખાળવા માટે અને મુસાફરોને વધુ સારી સવલત પૂરી પાડવા માટે હજુ એક વૈકલ્પિક રૂટ શરૂ કરી શકાય તેમ છે. રાજકોટ તાબાના (વાંકાનેર રૂટ પરના) બિલેશ્વરથી મોરબી અને ત્યાંથી ખાખરેચી નવી રેલ્વે લાઇન નાખવામાં આવે તો રેલ્વે માટે નફાકારક અને મુસાફરો માટે વધુ સુવિધાજનક સાબિત થશે.
આજથી ૬૦ વર્ષ અગાઉ મોરબી-રાજકોટ રોડ પરના ટંકારા સુધી નેરોગેજ ટ્રેન ચાલતી હતી. હાલ ૫૦ વર્ષથી તે બંધ છે, તે જ રીતે, મોરબી-ખાખરેચી વચ્ચે પણ નેરોગેજ ટ્રેન દોડતી હતી, જે મોરબીમાં ઓગસ્ટ, ૧૯૭૯માં થયેલ ભયંકર જળ હોનારતના સમયથી બંધ છે.
માહિતી મુજબ, બિલેશ્વરથી મોરબી સુધીની રેલ્વે લાઇનનો સર્વે પૂરો થયો છે. રેલ્વેએ વિના વિલંબ આ પ્રોજેક્ટ હાથ ધરી તે પૂરો કરવો જોઈએ. રેલ્વે તેમ જ મુસાફરો બેને માટે આ પ્રોજેક્ટ લાભકારક અને હિતકારક છે.
- અશ્વિનકુમાર (અમદાવાદ)


