જેમાં ફાટફૂટ પડી ગઈ હોય એવો સમાજ શું કામનો?
ભારત પશ્ચિમની શક્તિઓને અપનાવે અને ખુદની શક્તિઓનો વિનાશ થવા ન દે તો આ બન્નેના મિશ્રણથી એની ભીતર જે સંસ્કૃતિનો ઉદય થશે તે અખિલ વિશ્વ માટે કલ્યાણકારી સાબિત થશે. વાસ્તવમાં આ જ સંસ્કૃતિ આવનારા વિશ્વની સંસ્કૃતિ બનશે. ભારત યુગોથી જીવે છે, એ એણે હજુય પોતાના માટે અને સમગ્ર માનવજાત માટે ખૂબ બધું કરવાનું છે. તેથી ભારતનું જાગૃત હોવું ખૂબ જરુરી છે.
તમે જમીન, ખેતર, પહાડ, જંગલ વગેરેને સ્વદેશ કહો છો, પણ હું એને 'મા' કહું છું. વાંચો, લખો, ભણો, કર્મ કરો, કષ્ટ સહન કરો... એકમાત્ર માતૃભૂમિ માટે, ભારતમાતાની સેવા કરવા માટે.
* * *
જેમાં ફાટફૂટ પડી ગઈ હોય એવો સમાજ શું કામનો? સમાજને આત્મપ્રતિષ્ઠા અને આત્માની એકતા જોઈએ. અલગ રહીને જેટલાં કામો થાય છે એના કરતાં સો ગણાં કામ એકજૂથ થઈને કરી શકાશે.
* * *
જો તમારે કોઈનું ચારિત્ર્ય જાણવું હોય તો એનાં મહાન કામ ન જુઓ, બલકે એણે કરેલાં સાધારણ કામોનું સૂક્ષ્મતાથી અવલોકન કરો.
* * *
ભગવદ્ગીતા એ સમગ્ર માનવજાતને મળેલી શ્રેષ્ઠતમ આધ્યાત્મિક ભેટ છે. ભારત અનેક ધર્મોનું મિલનસ્થળ છે, ને એમાંય એકલો હિંદુ ધર્મ અતિ વિશાળ અને ખાસ્સો સંકુલ છે. તેમાં વૈવિધ્ય છે અને છતાંય એ આધ્યાત્મિક વિચારોને, અનુભૂતિઓને અને પ્રેરણાને એકસાથે બાંધી રાખે છે.
- શ્રી અરવિંદ
(ફિલોસોફર, યોગી, રાષ્ટ્રવાદી. જન્મઃ ૧૮૭૨, મૃત્યુઃ ૧૯૫૦)


