નવીદિલ્હી : પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર પુન:મતદાન થયું અને ભાજપના ઉમેદવાર દેબાગ્શુ પાંડાએ ૧,૦૯,૦૦૦ કરતા વધુ મતોથી જીત મેળવી. આ બેઠક પર તૃણમુલ કાગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેચી લીધું હતું. નવાઈ લાગે એવી વાત છે કે આ બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા મોટી હોવા છતા ભાજપના ઉમેદવારને ૭૧ ટકા મત મળ્યા. આ હાર પછી ટીએમસીના કેટલાક સિનિયર નેતાઓએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી વિરુદ્ધ ખુલીને વિરોધ નોંધાવ્યો છે. ફાલ્ટાની બેઠક પર ૬૬ ટકા હિન્દુ મતદારો છે જ્યારે ૩૩ ટકા મુસ્લિમ મતદારો છે. અહીં કેટલાક મુસ્લિમ મતદારોએ પણ ભાજપને મત આપ્યા હતા. તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં સંગઠન સ્તરે ખૂબ નારાજગી છે અને પક્ષના બે ફાડચા થઈ શકે એવી શક્યતા પણ છે.
સીજેપી અને બોગસ વકીલો સામે સીબીઆઇ તપાસની માંગણી
સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ની પ્રવૃત્તિઓની સીબીઆઇ તપાસ માટે માંગણી કરવામાં આવી છે. અરજીમાં બોગસ વકીલો અને બનાવટી કાયદાની ડીગ્રીની તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, ન્યાયતંત્રમાં પારદર્શીતા લાવવી જરૂરી છે. રાજા ચૌધરીએ દાખલ કરેલી આ અરજીમાં એવા વકીલો સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે કે જેઓ કોર્ટરૂમમાં કરવામાં આવતી મૌખીક ટીપ્પણીઓનો પણ ગેરલાભ ઉઠાવે છે. હમણા જ કરવામાં આવેલી એક મૌખીક ટીપ્પણીને કાપીને ટ્વીસ્ટ કરી સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. અરજીમાં ભારત સરકાર, ઇલેક્ટ્રોનીક્સ અને સૂચના મંત્રાલય, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને સીબીઆઇને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
ભાજપ સાથે જોડાતા જ રાઘવ ચઢ્ઢાના ગ્રહ બદલાયા
આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ભાજપે સંસદમાં મોટી જવાબદારી સોંપી છે. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાની અરજી સમીતીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. દિલ્હીમાં એવી ચર્ચા થાય છે કે ભાજપમાં જોડાતા પહેલા રાઘવ ચઢ્ઢાએ કેટલીક શરતો મૂકી હતી જેનું પાલન હવે ભાજપ કરે છે. અરજી સમીતી રાજ્યસભાની સૌથી શક્તિશાળી સમીતી ગણાય છે. સંસદના ઉપલા ગૃહના સભાપતિ સીપી રાધાકૃષ્ણનએ આ વિશેષ સમિતિનું પુનર્ગઠન કર્યું છે. આપમાંથી એક સાથે સાત સાંસદો ભાજપ સાથે જોડાયા પછી ડઘાઈ ગયેલા કેજરીવાલે કાયદાકીય લડાઈ આપવાની તૈયારી કરી હતી, પરંતુ તેઓ ફાવ્યા નહોતા. આમ આદમી પાર્ટી છોડયા પછી રાઘવ ચઢ્ઢાને મોટા પાયે ટ્રોલ કરવામાં આવ્યા હતા અને એમના કેટલાક ડીપફેક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર મૂકાયા હતા. રાઘવ ચઢ્ઢા આ પ્રકારના વીડિયો મુકનારાઓ સામે કોર્ટમાં ગયા છે.
એક આઇપીએસની અજીબ દાસ્તાન
ઉત્તર પ્રદેશ કેડરના સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી મણીલાલ પાટીદાર ફરીથી ચર્ચામાં છે. મણીલાલ પાટીદારે ફક્ત ૨૪ વર્ષની ઉંમરે યુપીએસસી પરીક્ષા પસાર કરી હતી અને આઇપીએસ બન્યા હતા. જોકે ઘણા યુવાન આઇપીએસ અધિકારીઓની જેમ એમણે પણ રાતોરાત પૈસાદાર બની જવું હતું. અતિ મહત્વકાંક્ષાને કારણે એમણે નોકરી ગુમાવવી પડી હતી. એમની સામે આવક કરતા વધુ મિલ્કતોનો કેસ ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશ મહોબાના એસપી હતા ત્યારે ક્રેશર અને વિસ્ફોટકના વેપારી ઇન્દ્રકાંત ત્રિપાઠીના આત્મહત્યા - મર્ડર કેસમાં તેઓ ફસાઈ ગયા હતા. ઇન્દ્રકાંત ત્રિપાઠીએ ૨૦૨૦ની ૭મી સપ્ટેમ્બરે સોશ્યલ મીડિયા પર એક સનસનાટીભર્યો વીડિયો મુક્યો હતો. આ વીડિયોમાં એમણે મણીલાલ પાટીદાર પર ખનન બાબતે ભ્રષ્ટાચાર કરવાનો આરોપ મૂક્યો હતો. મણીલાલ પાટીદારે ૬ લાખ રૂપિયા માગ્યા હતા અને ન આપે તો એમની જાન પર ખતરો છે એવું પણ કહ્યું હતું. આ વીડિયો બહાર આવ્યા પછી વેપારીનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું.
અપર્ણા યાદવ અને આનંદીબહેનનો વીડિયો શા માટે વાયરલ થયો
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે થોડા દિવસો પહેલા ભાજપના નેતા અપર્ણા યાદવના ઘરે પહોંચીને એમના પતિ પ્રતિક યાદવને શ્રદ્ધાંજલી આપી હતી. હવે રાજ્યપાલ અને અપર્ણાની વાતચીતનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. અપર્ણાએ પ્રતિકની બિમારી અને સારવાર સાથે જોડાયેલી કેટલીક માહિતી આનંદીબહેનને આપી હતી. અપર્ણા યાદવે રાજ્યપાલને કહ્યું હતું કે, પ્રતિક યાદવને સર્જરી પછી બ્લડ ક્લોટીંગની સમસ્યા થઈ હતી. એમણે કહ્યું હતું કે જે ડોક્ટરે એમની સર્જરી કરી હતી એમણે કહ્યું હતું કે, કમ્પ્રેશન ગાર્મેન્ટ પહેરવાને કારણે સમસ્યા વધી ગઈ છે. ત્યાર પછી મેદાંતા હોસ્પિટલમાં ડોક્ટરોએ તપાસ કરીને થ્રોમ્બોસિસ ડિટેક્ટ કર્યું હતું. ડોક્ટરોની સલાહ છતા તેઓ હોસ્પિટલ છોડીને ઘરે આવી ગયા હતા. ત્યાર પછી એમની તબિયત વધારે બગડી હતી.
થરૂરે અમેરિકામાં શું કહ્યું કે જેની ચર્ચા થઈ રહી છે
નરેન્દ્ર મોદીના નોર્ર્વે પ્રવાસ દરમિયાન ત્યાના પત્રકાર હેલે લેંગએ ભારતની વિશ્વનીયતા પર પ્રશ્ન કર્યો હતો. આ બાબતે હવે કેરળ કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પ્રતિઉત્તર આપ્યો છે. એમણે અમેરિકામાં જવાબ આપતા કહ્યું હતું કે દુનિયાએ ભારત પર એટલા માટે ભરોસો કરવો જોઈએ કે માલદીવ ભારતનો વિરોધ કરતું હોવા છતાં નવી દિલ્હીએ મોટુ દીલ રાખીને એને મદદ કરી છે. ભારતની દરિયાદીલીનું આ શાનદાર ઉદાહરણ છે. અમેરિકાની ફલેચર સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન થરૂર કહ્યું હતું કે ભારત માલદીવના સંકટના સમયે સાથે રહ્યું હતું. ચૂંટણી વખતે માલદીવના રાષ્ટ્રપતિ મોહમદ મોઇજ્જુએ ભારત વિરોધી અભિયાન ચલાવ્યું હતું. રાષ્ટ્રપતિ બન્યા પછી એમણે ભારતની કંપની સાથેના કરાર રદ કરી દીધા હતા. જોકે માલદીવની રાજધાનીમાં જ્યારે પાણીનો સૌથી મોટો પ્લાન્ટ ખરાબ થઈ ગયો હતો ત્યારે એમની પાસે પીવાનું પાણી રહ્યું નહોતું. એ વખતે ભારતે માલદીવને મદદ કરી હતી.
કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનનું ભૂત ફરી ધૂણ્યું
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં દર મહિને નેતૃત્વ પરિવર્તનની વાત થતી રહે છે. કોંગ્રેસ હાઇકમાન્ડ પણ કર્ણાટકની સમસ્યાથી પરેશાન છે. કોંગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને એકાએક દિલ્હી બોલાવ્યા છે. કોંગ્રેસના મહામંત્રી અને રાહુલ ગાંધીના ખાસ ગણાતા કેસી વેણુગોપાલે એમને દિલ્હી બોલાવ્યા છે. મુખ્ય પ્રધાનની ખુરશીની રાહ જોઈને બેઠેલા ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારે એમના માનીતા પત્રકારોને કહ્યું હતું કે પક્ષ કહેશે તો તેઓ પણ દિલ્હી જશે. ૨૦૨૩માં જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવી ત્યારે કોંગ્રેસને જીતાડવામાં ડીકે શિવકુમારની મુખ્ય ભૂમિકા હતી. અઢી - અઢી વર્ર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલાને કારણે શીવકુમાર ઠંડા પડયા હતા. જોકે અઢી વર્ષ વીતી ગયા પછી પણ સિદ્ધારમૈયા ખુરશી છોડવાના મૂડમાં નથી.


