કરો મોબાઈલ ઉપવાસ-એકટાણાં, ગાવ મન-દુરસ્તીના ગાણાં
- બખડજંતર - નટખટ નાગર
- 'લાભુ, તારી લીલા પણ મોબાઈલની બંધાણી છેને?' 'અરે ભાઈ, લીલાના આ મોબાઈલ બંધાણની શું વાત કરૂં? સવારે અડધી કલાક પૂજા કરીને ઉઠે કે તરત જ મોબાઈલ લેવા એવી તો દોટ મૂકે જાણે ભગવાને તેની પ્રાર્થના સ્વીકારી આશીર્વાદ આપવા માટે ઓટીપી નંબર મોકલ્યો હોય.'
'લાભુ,આયુર્વેદમાં પેટ સાફ રહે અને શરીર સ્વસ્થ રહે એ માટે ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે.'
'કડક ઉપવાસ અને એકટાણાથી લાભ જરૂર થાય. બાકી આપણે ત્યાં શ્રાવણ મહિનામાં ઘણા લોકો ઉપવાસ કરે છે અને ત્રણગણું ફરાળ ઝાપટે છે, પછી પેટમાં ગેસ થાય એટલે ફાકી કે જીરાગોળી ખાઈને દેશભક્તિ નહીં, પણ ગેસ-ભક્તિ દેખાડવી પડે.'
'લાભુ, એટલે જ શ્રાવણમાં સેંથકનું ફરાળ ઝાપટે પછી પેટ ગેસ-ચેમ્બર બની જાય ત્યારે કયું ગીત ગાય ખબર છે? સાવન કા મહિના પવન કરે શોર... જીયારા રે ઝુમે ઐસે જૈસે 'પેટ'માં નાચે મોર...'
'અકરાંતિયાની જેમ ખાવાવાળાની જેમ અકરાંતિયાની જેમ મોબાઈલ જોવાવાળા વધતા જ જાય છે વધતા જ જાય છે. વધુ ખાવાથી તંદુરસ્તી બગડે અને વધુ મોબાઈલ જોવાથી મન-દુરસ્તી બગડે સાચું કે નહીં?'
'લાભુ, તારી વાત સો ટકા સાચી છે. એટલે જ સાધુ-સંતો મોબાઈલ ઉપવાસની (ડિજિટલ ઉપવાસ) સલાહ આપવા માંડયા છે. દેખવું ય નહીં અને દાઝવું ય નહીં.'
'મોબાઈલ ઉપવાસ એટલે વળી શું? મોબાઈલમાં ફરાળી વાનગીઓની વીડિયો અને રીલ્સ જોઈ જોઈને ખાધા વગર ભૂખ્યા રહેવાનું?'
'લાભુ, લાભુ... તું શું ખોટેખોટા તુક્કા દોડાવે છે? મોબાઈલ ઉપવાસ એટલે શું, ખબર છે? મોબાઈલમાં જોવાનું જ નહીં, એને કહેવાય મોબાઈલ ઉપવાસ. સામાન્ય ઉપવાસથી તન-સાફ અને મોબાઈલ ઉપવાસથી મન-સાફ.'
'મોબાઈલ ઉપવાસ એને અંગ્રેજીમાં કહેવાય મોબાઈલ ફાસ્ટથી હેલ્થ સુધરે ફાસ્ટ...'
'લાભુ, તું મોબાઈલ ઉપવાસ કરીશ કે નહીં?'
'જુઓ ભાઈ, મારાથી નકોરડા મોબાઈલ ઉપવાસ ન થાય, આપણે તો ભાઈ મોબાઈલ એકટાણાં કરીશું.'
'લાભુ, મોબાઈલ એકટાણાં એટલે શું, કહે તો ખરો?'
'મોબાઈલ એકટાણું એટલે દિવસમાં એક જ વાર પેટ ભરીને મોબાઈલ જોઈ લેવાનો, એને કહેવાય મોબાઈલ એકટાણું.'
'લાભુ, તારી લીલા પણ મોબાઈલ એકટાણું કરશે કે નહીં?
'એરે ભાઈ, લીલા શું એકટાણું કરવાની?'
'લાભુ, એક વાત સમજી લે કે-
જે લોક હોય શાણા
એ કરે 'સેલ'ના ઉપવાસ એકટાણા.'
'વાહ ભાઈ વાહ, તમે તો સરસ જોડકણું સંભળાવી દીધું હો! બાકી મારી લીલા જેવા હોય એ એક મિનિટ મોબાઈલ ન છોડે. એને જોઈને કહેવું પડે કે-
ભલે સહુ થાપે માથે છાણાં
લીલા તો સેલમાં સાંભળ્યા કરે ગાણાં,
તન, મન, ધનનો દાટ વાળીને
ટાળે મોબાઈલ ઉપવાસ એકટાણાં.'
'લાભુ, તારી લીલાને ખબર છે કે તું મોબાઈલ એકટાણાં કરે છે?'
'અરે લીલા કેવી ચાલાક છે ખબર છે? ગઈ કાલે જ મોબાઈલ એકટાણું કરેલું એ લીલાને ખબર હતી. મારૂં મન ઝાલ્યું ન રહ્યું એટલે બપોરે લીલા સૂઈ ગયા પછી ચોરીછૂપીથી મોબાઈલમાં રીલ્સ અને નાચનારીઓના નાચ-નખરાં જોતો હતો, ત્યારે અચાનક લીલા ઉઠી અને મારા હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને મને ખખડાવી નાખ્યો કે એકટાણાંનાં નાટક કરો છો ચોરીછૂપીથી ઉઘાડા ગાણાં કેમ જુઓ છો?'
'લાભુ, પછી તે લીલાને કેવી રીતે મનાવી? જરા કહે તો ખરો!'
'હા- હા- હા... મેં લીલાને કહ્યું કે મેં મોબાઈલ એકટાણું કર્યું છે એ વાત સાચી, પણ એકટાણામાં વચ્ચે વચ્ચે ભૂખ લાગે ત્યારે ફરાળ તો કરવું પડેને?'
'લાભુ, તને શેની 'ભૂખ' લાગી અને તે શું ફરાળ કર્યું એ ન સમજે એવી લીલા ભોટ નથી હો!'
''સેલ' કા ખેલ દેખો,
અનશન કા મેલ દેખો,
સ્માર્ટ ફોન સે મોર સ્માર્ટ
લાભુ કી ઢેલ દેખો...'
'લાભુ, આજે અબાલવૃદ્ધ સહુને કેવું મોબાઈલનું ઘેલું લાગ્યું છે! સહુની હથેળીમાં જાણે આખી દુનિયા આવી ગઈ છે.'
'અરે ભાઈ, હું તો બન્ને અંગુઠાથી ભલભલાને ટેક્સ્ટ મેસેજ કરતા જોઈને વિચારૂં છું કે મોબાઈલની આ બલિહારી તો જુઓ! આવા ભણેલગણેલને પણ કેવા અંગુઠાછાપ બનાવી દીધા છે!'
'લાભુ, આખો દિવસ મોબાઈલમાં જ નીચું માથું કરીને જોેયા કરતા આ મોબાઈલ ઘેલાઓ વટથી ઊંચે માથે જીવવાનું પણ ભૂલી ગયા છેને?'
'એમાં આ મોબાઈલમાં સેલ્ફી લેવાની ઘેલછાએ તો હદ કરી નાખી છે હો! ગામડામાં ઘણા લોકો એક હાથમાં લોટો અને બીજા હાથમાં મોબાઈલ લઈને સીમમાં જાય ત્યારે ઓપનએર થિયેટરમાં ઉભડક બેઠાં બેઠાં સેલ્ફી લેતા હોય છે અને કાં ઘરવાળીને વીડિયો કોલ કરીને કહેતા હોય છે કે પ્રાતઃવિધિ પતાવીને હમણાં સીમમાંથી ઘરે આવું ત્યારે રોટલા અને લસણની ચટણીનું ભાથું તૈયાર રાખજે. વાવણીની સીઝનમાં વહેલા ખેતરે જવાનું છે...'
'લાભુ, ગામડિયાઓ પંદર-વીસ હજારના મોબાઈલ ફોન વાપરશે અને બે-ત્રણ સીમકાર્ડ પણ રાખશે, પરંતુ પંદરેક હજારમાં ઘરમાં ટોઈલેટ નહીં બંધાવે. એવું કેમ?'
'અરે ભાઈ, સીમમાં જઈ ખુલ્લી હવામાં બેસી ટેસથી મોબાઈલનું સીમ-કાર્ડ વાપરવાનું ફાવી ગયું હોય એ ઘરમાં શું કામ ટોઈલેટ બંધાવે?'
'લ ાભુ, તારી લીલા પણ મોબાઈલની બંધાણી છેને?'
'અરે ભાઈ, લીલાના આ મોબાઈલ બંધાણની શું વાત કરૂં? સવારે અડધી કલાક પૂજા કરીને ઉઠે કે તરત જ મોબાઈલ લેવા એવી તો દોટ મૂકે જાણે ભગવાને તેની પ્રાર્થના સ્વીકારી આશીર્વાદ આપવા માટે ઓટીપી નંબર મોકલ્યો હોય.'
'લાભુ, મોબાઈલમાં સાઈબર ગઠિયાઓ છેતરપિંડી કરીને રોજેરોજ લાખો લોકોની બનાવટ કરે છેને!'
'અમદાવાદમાં સાબરમતી નદી છેને? એના પરથી કહી શકાય કે આ સાયબર ગઠિયાઓ માણસની મતિ મુંઝવી નાખે છે, આને જ કહેવાય સાયબર-મતિ.'
'લાભુ, તને ગઠિયાઓનો કોઈ કડવો અનુભવ થયેલો?'
'અરે ભાઈ, મારા કડવા અનુભવની શું વાત કરૂં? મોબાઈલમાં મેસેજ આવ્યોઃ પુરાના ફોન દો ઔર નયા ફોન લો... સંપર્ક સફેદ પુલ કે પાસ...'
'લાભુ, નવા ફોનની લાલચમાં તું સફેદ પુલ પાસે દોડી ગયો?'
'હા ભાઈ હા, સફેદપુલ પાસે પહોંચ્યો ત્યારે બાઈક લઈને બે ગઠિયા ઊભા હતા. એમાંના એકે ચાકુ દેખાડી કરડાકીભર્યા અવાજમાં ઓડર કર્યો કે તુમ્હારા પુરાનો ફોન દો, એટલે મેં જેવો જૂનો પણ મોંઘો ફોન એના હાથમાં મૂક્યો એટલે બાઈક સ્ટાર્ટ કરી ખડખડાટ હસીને જતા જતા કહેતા ગયા કે હમને કહા થા ના પુરાના ફોન દો, તુમને દિયા અબ માર્કેટમેં જાકે નયા ફોન લો...'
ફન કી બાત
દુઃખી થવું હોય તો
રાખ સેલફોન,
સુખી થવું હોય તો
તત્કાળ 'સેલ' ફોન.