- બખડજંતર-નટખટ નાગર
'લાભુ, માગે એનાથી સહુ દૂર ભાગે બરાબરને?'
'સાવ સાચી વાત, માગે એનાંથી સહુ દૂર ભાગે અને આપે એનાં ફોટા છપાય છાપે.'
'લાભુ, એટલે જ કહે છે ને કે આપનારાનો હાથ ઉપર હોય છે અને માગનારોનો હાથ નીચે.'
'તમને ખબર છે? મરાઠીમાં પાછળ માટે માગે શબ્દ વપરાય છે અને આગળ માટે પુઢે.'
'લાભુ, એનો અર્થ શું થયો ખબર છે? જે માગે એ પાછળ રહી જાય છે અને બાકીના પુઢે એટલે આગળ નીકળી જાય છે.'
'હું બાળમંદિરમાં ભણતો ત્યારે એક સરને બધા પાસેથી નાની-મોટી રકમ ઉધાર માગવાની ટેવ. પૈસાવાળાના બાળકો પાસેથી પણ પટાવીને બે-ત્રણ રૂપિયા લઈ લે. પછી તો એ સર માગ માગ કરીને એવાં બદનામ થઈ ગયા કે દૂરથી આવતા જોઈને બાળકો રિડિયો બોલાવતા માગ-સર આવ્યા માગ-સર આવ્યા ભાગો...'
'લાભુ, ઊધારિયાઓને ક્યાં શરમ હોય છે? એ તો એમ જ માનતા હોય છે કે વિના ઉધાર નહીં ઉદ્ધાર...'
'મને એક ટેલરની દુકાનમાં સરસ સુવાક્ય વાંચવા મળ્યું : નગદ મેં ડિસ્કો, ઉધાર મેં ખીસકો...'
'માગવાની ટેવવાળા માગણોની માગ માગ કરવાની કુટેવથી જ ત્રાસી જવાય, શું કહે છે લાભુ?'
'હા વળી કોઈ લોટ માગે, કોઈ નોટ માગે અને કોઈ વોટ માગે... આમાં કેટલાની માગણી પૂરી કરીએ?'
'લાભુ, મારી ઈલા છેને રોજ સવારે ઊઠીને મારી પાસે ૧૦૦ રૂપિયા માગે છે, બોલ... હવે મારે શું કરવું?'
'પણ તમારી ઘરવાળી રોજ ૧૦૦ રૂપિયા માગીને એનું કરે છે શું?'
'લાભુ, એ તો હું ૧૦૦ રૂપિયા આપું તો ખબર પડેને હા... હા... હા...'
'અચ્છા સમજી ગયો, તમે માગણી સંતોષતા જ નથી બરાબરને?'
'લાભુ, તું જોજે આપણે બેેન્કમાં ગયા હોઈએ કે પછી સરકારી ઓફિસમાં ફોર્મ ભરવા ગયા હોઈએ ત્યારે અચૂક બે-ત્રણ જણાં માગશે કે જરા પેન આપોને? હવે એમને ઘરેથી પેન લઈને નીકળતા શું ઘા વાગતા હશે?'
'અરે ભાઈ મનેય બેન્કમાં જાઊં ત્યારે પેન માગવાની આદત હતી. પણ એક ફળદ્રુપ ભેજાવાળા માણસે આદત ભૂલાવી દીધી હો?'
'લાભુ, તારી પેન માગવાની આદત કેવી રીતે ભૂલાવી એ જરા કહે તો ખરો?'
'સાંભળો, મારો પગાર બેન્કમાં જમા થયો એ લેવા માટે ગઈકાલે ગયો હતો. એ વખતે સહી કરવા મારી પાસે પેન નહીં. એટલે મેં એક જુવાનિયા પાસે પેન માગી અને તેણે તરત જ આપી. જેવી મેં બોલપેન દબાવી કે હાથમાં જબરજસ્ત કરન્ટ લાગ્યો ને પેન ઉડીને દૂર પડી. હાથ ધુ્રજવા માંડયો. મેં રાડ પાડીને પેલા જુવાનિયાને પૂછ્યું કે આમ કેમ થયું? ત્યારે એ નફફટની જેમ હસતાં હસતાં બોલ્યો કે પેન માગવાની આદત હોય એમને એ આદત ભૂલાવવા માટે મેં કરન્ટ લાગે એવી બેટરીવાળી ચાયનાની પેન ખરીદી છે. બસ આ ઝટકો લાગ્યો ત્યારથી માગવાનું ભૂલી ગયો છું. માગે એનાંથી સહુ દૂર ભાગે... ન માગે એ ચાલે આગે આગે...'
'લાભુ, તારૃં બેન્કમાં કરન્ટ અકાઉન્ટ છે અને બોલપેન માગતાની સાથે જ કરન્ટ લાગ્યો બરાબરને? હવે બેન્કમાં જાય ત્યારે પેન ગળે બાંધીને જજે સમજાયું?'
'આડોશી પાડોશી સાથે વાટકી વહેવાર હોય તો કોઈ વાર કાંદા તો કોઈવાર બટેટા, કોઈ વાર લસણ કે આદુ માગી જાય. પણ હમમાં સ્કૂલો ખુલવાની તૈયારી હતી ત્યારે મારા પાડોશી નનકી બેન મારી લીલા પાસે શું માગવા આવ્યા ખબર છે? અમારા બે છોકરા બોલો!'
'લાભુ, આ તો હદ થઈ કહેવાય હો? પણ પાડોશી નાક વગરના નનકી બેન છોકરા માગવા માટે કેમ આવ્યા?'
'અરે વાત જાણે એમ હતી કે નનકી બેનની નાતમાંથી સ્કૂલમાં ભણતા બાળકોને માથા દિઠ એક-એક ડઝન નોટ બુક મળવાની હતી. એટલે પાડોશી નનકી બેન બે પોતાના અને બે મારા બાળકોને લઈને નાતમાં પહોંચ્યા અને ટેસથી ચાર ડઝન નોટ મફતમાં લઈ આવ્યા, બોલો ગામના છોકરા માગીને પોતાનું સાજું કરી લે એ કેવાં ચાલાક કહેવાય?'
'લાભુ, આપણાં દેશમાં માગણો માગી-ભીખીને ગાડું ગબડાવતા રહે છે એવું ઘણાં માનતા હશે, પણ મુંબઈ, દિલ્હી જેવાં શહેરોમાં તો મોકાની જગ્યાએ બેસતા માગણોએ માગી માગીને વતનમાં બંગલા બાંધ્યા છે એ તને ખબર છે?'
'અરે શહેરમાં તો હવે ભીખ મંગાઓ પણ રોકડાને બદલે ઓનલાઈન ભીખ સ્વીકારવા માંડયા છે. એટલે છૂટા નથી એવું બહાનું પણ ચાલતું નથી.'
લાભુ, તને ખબર છે પાકિસ્તાનવાળા તો માગી માગીને આખો દેશ ચલાવે છે હો? એક ઊર્દૂ શાયરે પાકિસ્તાનની દશા પર શેર ફફડાવ્યો હતો કે:
હમને બરસોં તક ઈતના કર્જ લિયા હૈ
અબ તો દેનેવાલે ભીખારી હો ગયે હૈ
'ભારત અને પાકિસ્તાનમાં આ જ તો સૌથી મોટો ફરક છે. ભારતમાં ગણતંત્ર છે અને પાકિસ્તાનમાં મા-ગણતંત્ર.'
કાર અને સાહિત્યકાર
'લાભુ, આ અમેરિકા-ઈરાનની લડાઈને પગલે ઈંધણના ભાવ ભડકે બળવા માંડયા છે છતાં તું તારી આવી ખડખડ પાંચમ જેવી મોટરકાર વેંચી કેમ નથી નાખતો?'
'એક વાત સમજી લો કે જૂની લાડી જૂની વાડી અને જૂની ગાડીને એમ કાંઈ કાઢી ન નંખાય. '
'લાભુ, તારી કાર ધક્કા માર્યા પછી પણ નથી ચાલુ થતી તો પછી શું કામ પાર્ક કરીને રાખી છે?'
'એક વાત યાદ રાખો દેશની જનતા અણગમતી સરકારને પણ ધક્કા મારી કાઢી નથી શક્તી તો ધક્કા મારીને કાર ક્યાંથી કાઢું?'
'લાભુ, આ કારનો શું ઉપયોગ? પડી પડી ધૂળ ખાય છે.'
'એવું નથી, ઝાડને છાંયે પડેલી કારમાં હું બપોરે બેસીને સાહિત્ય વાંચું છું.'
'અચ્છા લાભુ, એટલે તને આપણાં એરિયાના લોકો સાહિત્ય-કાર તરીકે કેમ ઓળખે છે એ હવે ખબર પડી.'
'બીજો શું ઉપયોગ છે ખબર છે? લીલા પિયર ગઈ હોય ત્યારે મારી જૂની કોલેજ ફ્રેન્ડ કલા છાનીમાની મળવા આવે ત્યારે અમે કારમાં બેસી ગોષ્ઠિ કરીએ છીએ, એટલે હવે મને ઘણાં લોકો કલા-કાર તરીકે પણ ઓળખે છે.'
'લાભુ, મેં સાંભળ્યું છે કે તું સવારે કારમાં બેસીને કોઈ બાપુની કે બાબાની કથા પણ સાંભળે છે, તો ઘરને બદલે કારમાં બેસી શા માટે કથાની સી.ડી. સાંભળે છે?'
'કારમાં બેસી હું કથા સાંભળું એટલે હું પણ કથા-કાર ગણાઉને એટલે, સમજાયું?'
'લાભુ, ડાહ્યો થા મા, તારી લીલાને કારના આ કાર-નામાની ખબર પડશે તો તને એક અડબોથ મારી કારમાંથી પાડી નાંખશે.'
'સાહેબ એ 'પડ-કાર' ઝીલવાની મારી માનસિક તૈયારી છે.'
'લાભુ, તને તો તારા કાકાનો વારસો મળ્યો છે છતાં આ એક જ કાર શું કામ જાળવી રાખી છે?'
'અરે સાહેબ મારી પાસે એક કાર નથી મારી પાસે તો નવ-કાર છે, ઓમ-કાર છે બસ અહં-કાર નથી.'
'વાહ લાભુ, અહંકારીઓને કહેવું જોઈએ કે અહંકારની કાર ન હંકાર.'
ફન કી બાત
મનુષ્ય વાંદરામાંથી ઉતરી આવ્યો છે એ સિદ્ધાંતના શોધક ચાર્લ્સ ડાર્વિનની પુત્રવધૂ લેડી ડાર્વિને એક વાર કહ્યું હતું કે: મને લાગે છે કે મનુષ્યો ફરીથી વાંદરા બની રહ્યાં છે.
** ** **
સ: બિલાડીને કોઈ મારે ત્યારે ગુજરેજીમાં એક શબ્દમાં શું કહેવાય?
જ: માર-કેટ.


