Get The App

માણસને કાં તાપ નડે અને કાં પાપ નડે

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
માણસને કાં તાપ નડે અને કાં પાપ નડે 1 - image

- બખડજંતર-નટખટ નાગર

 'લાભુ, માણસને સૌથી વધુ શું નડે? ચાલ જવાબ આપ.'

'જો ભાઈ, માણસને ઉનાળામાં તાપ નડે અને વગર ઉનાળે પાપ નડે.'

'વાહ, લાભુ તેં તો તાપ અને પાપનો પ્રાસ સારો બેસાડયો, તાપના સંતાપથી કોણ બચી શકે છે?'

'મારી લીલા તો તાપથી ત્રાસીને કાયમ ગાતી હોય છે, મારી મેંદીનો રંગ ઉડી જાય રે સૂરજ ધીમા તપો...'

'લાભુ, મેંદીનો રંગ ઉડી જવાની ક્યાં વાત કરે છે? તડકામાં આખેઆખા માણસ ઊડી જાય છે.'

'હમણાં આવી અસહ્ય ગરમીમાં હું એક ટી.વી. સિરિયલનું શૂટિંગ જોવા ગયો હતો. નામ હતું ''છાશ ભી કભી દહી થી'' ત્યારે મને ધમકાવીને અધવચ્ચેથી કાઢી મૂક્યો બોલો!'

'લાભુ, તે વળી શું અવળચંડાઈ કરી કે તને શૂટિંગની અધવચ્ચેથી કાઢી મૂક્યો?'

'એમાં એવું થયું કે મારી માનીતી હિરોઈન કામિનીનું શૂટિંગ અડધું પૂરૃં થયું એટલે ગરમી સહન ન થતા બોલી ઉઠી કે હાય... હાય... કેવી ગરમી છે? મને તો થાય છે કે ફેનને વળગીને બેસી જાઉં. આ સાંભળી મેં કહ્યું કે મેડમ હું તમારો ફેન છું... ખલાસ મેડમનો પીત્તો ગયો અને મને કાઢી જ મૂક્યો.'

'લાભુ, આવી અવળચંડાઈ કરે તો પછી તને કાઢી જ મૂકેને?'

'જો કે મેં સિરિયલના સેટની બહાર ગોઠવેલા ઊંચા ટેબલ ઉપર ચડીને શૂટિંગ પૂરૃં જોયું ખરૃં હો? ફરી મને ધમકાવ્યો ત્યારે મેં મોટા અવાજે કહ્યું કે હું આ મેડમનો ટેબલ-ફેન છું હા... હા... હા...'

'લાભુ, શિયાળાની કડકડતી ઠંડીમાં આપણે ગરમાવો મેળવવા સૂરજને શોધીએ છીએ અને ઉનાળામાં સૂરજ ખુદ આપણને ગોતી ગોતીને રીતસર શેકી નાંખે છે.'

'સાચી વાત છે, અડધી બાંયનું શર્ટ પહેરીને બાહર નીકળીએ તો આખા હાથ શેકાઈ જાય છે, એને મારી ગુજરાતી અને અંગ્રેજીની મિલાવટવાળી ગુજરેજી ભાષામાં શું કહેવાય ખબર છે? શેક-હેન્ડ. હેન્ડ શેકાઈ જાય છે ને?'

'લાભુ, ગુજરાતમાં તો ધોમધખતા તડકામાં હાથ ધગી ન જાય અને ચહેરાની ચામડી કાળી ન પડી જાય માટે સ્કૂટર પર અવરજવર કરતી કન્યાઓ મોઢે બુકાની બાંધે છે, બન્ને આખા હાથ પર મોજાં પહેરે છે માથે હેલ્મેટ હોય છે અને નોર્મલ ટોપની ઉપર કંઈક સફેદ પહેરણ જેવું પહેરે છે. આ વેશભૂષામાં કન્યાઓ ઓળખાતી જ નથી હો?'

'સાચી વાત છે. ક્યાંથી ઓળખાય? એટલે જ કોલેજ છૂટે ત્યારે કોઈ બોયફ્રેન્ડને સ્કૂટરમાં પાછળ બેસાડીને નીકળી પડે તોય કોઈ ઓળખી જ ન શકે, આમ તાપના બહાને આવાં તીકડમ બહુ ચલાવવામાં આવે છે.'

'લાભુ, આવી જોડીઓ ડબલ સવારીમાં સ્કૂટર પર નીકળે ત્યારે ફેરવીને ગીત લલકારતી હશેઃ ઝિંદગી એક સફર હૈ સુહાના... યહાં હમ કો કિસીને ના પહચાના...'

'સ્કૂટર ઉપરથી યાદ આવ્યું, હું ઓફિસમાંથી જ બપોરે લંચ ટાઈમમાં ઘરે આવું ત્યારે સ્કૂટર બહાર પાર્ક કર્યું હોય. જમીને એક કલાકે નીકળું ત્યારે લીલા કાયમ બારણા સુધી પાણીનો લોટો લઈને મૂકવા આવે અને લટકો કરીને કહે કે સ્કૂટરની ધગધગતી સીટ પર જરા પાણી છાંટીને પછી બેસજો નહીંતર પછી બીજે ક્યાંય બેસવાને લાયક નહીં રહો...'

'વાહ લાભુ, લીલા તારી 'અનામત' બેઠકનું પણ કેટલું ધ્યાન રાખે છે?'

'હમણાં તો આગ ઓકતી ગરમીમાં ડામ દઝાડે છે અને અધૂરામાં પૂરૃં આ પેટ્રોલના સતત વધતા દામના ડામ દઝાડે છે. કાલે પેટ્રોલ પમ્પ ઉપર ભરબપોરે પેટ્રોલપુરાવા ગયો ત્યારે પાઈપ પકડીને ઉભેલા પમ્પના કર્મચારીએ પૂછ્યું કે સાહેબ કેવું પેટ્રોલ નાખું? મેં હસીને કહ્યું જરા બરફ નાખીને આપજે એટલે ઓછું દઝાય.'

'લાભુ, આ ટ્રમ્પે આપણને એકલાને નહીં આખી દુનિયાને હેરાન પરેશાન કરી નાખી છે, એના પાપે જ ઈંધણની કટોકટી ઊભી થઈ છેને?'

ટ્રમ્પના પાપે જ ઈંધણના ભાવમાં બમ્પ એટલે ઉછાળો આવે છેને? એટલે જ હું કહું છું કેઃ

સંપ ત્યાં જંપ

ટ્રમ્પ ત્યાં બમ્પ.

'લાભુ, તું તાતડિયે તડકે ઉઘાડા માથે નીકળે છે એને બદલે ટોપી પહેરીને નીકળતો હોય તો તારૃં શું જાય છે?'

'સાંભળો મારી વાત, હું ગામને ટોપી પહેરાવી શકું, બાકી હું પોતે ટોપી ન પહેરી શકું.'

'લાભુ, મને તો અમુક માણસો ઉપર બહુ દાઝ ચડે, ભરબપોરે સામા મળે ત્યારે સવાલ કરે કે આવાં ટાલકું તૂટી જાય એવાં તડકામાં ક્યાં નીકળ્યા? જાણે પોતે શીતળ ચાંદનીમાં નીકળ્યો હોય એવી વાત કરે.'

'આવાં જ સવાલ-જવાબ સાંભળી હું રાજકોટથી સૌરાષ્ટ્ર મેલમાં મુંબઈ આવતો હતો ત્યારે સાંભળવા મળ્યા. રસ્તામાં ટ્રેનમાં પાણી ખૂટી પડયું. ટોઈલેટમાં અને વોશ-બેઝીનમાં ક્યાંય પાણી નહીં એટલે રસ્તામાં કોઈક સ્ટેશને ટ્રેન ઉભી રહી એટલે તરત જ પાણી ભરવાની વિધિ ચાલુ થઈ. બહુ વાર લાગી એટલે સૌરાષ્ટ્ર મેલમાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર ફિમેલે પ્લેટફોર્મ પર ઊભેલા રેલવે પોલીસને પૂછયું કે હેં... સાહેબ આ મેલ કંઈએ નીકળશે? પોલીસે જવાબ આપ્યો કે માજી ધીરજ રાખો પાણી વિના મેલ નહીં નિકળે. પોલીસે ભલે કહ્યું કે પાણી વિના મેલ નહીં નીકળે પણ મનનો મેલ તો પાણીથી પણ ક્યાં નીકળે છે?'

'લાભુ, આવા જ રમૂજી સવાલ આપણાં ફેમિલી ડોકટરને ત્યાં સાંભળવા મળ્યા. મને ગરમીમાં ડિહાઈડ્રેશન થઈ જવાથી દવા લેવા જવું પડયું. મારી આગળ આપણાં જૂના માળાના પારસી પાડોશી પેસ્તનજીનો વારો હતો. એ ડોકટર સાહેબને ઘરે વિઝિટ માટે લઈ જવા આવ્યા હતા. ડોકટરે પૂછ્યું કોણ માંદુ છે? પેસ્તનજીએ કહ્યું માય વાઈફ રતન બીમાર છે. સનસ્ટ્રોક લાગ્યા પછી ટપી જાય છે ટપી. મશ્કરા ડોકટરે લાઈટલી પૂછ્યું તમારા વાઈફ કઈ ગેમ રમે છે? વારંવાર ટપીને ક્યાં જાય છે? પેસ્તનજી બોલ્યા અરે સાહેબ ટપી જાય છે એટલે બોડી ગરમ રહે છે, ટપી જાય છે, આમ એ ટપેલી જ રહે છે.'

પાણી-કાપ અને વાણી-કાપ

'લાભુ, સરોવર છલકાય અને સારો-વર મલકાય તો સહુને ગમે.'

'અરે ભાઈ સરોવર છલકાવાની ક્યાં વાત કરો છો સરોવરનું તો તળિયું દેખાઈ ગયું છે.'

'લાભુ, એટલે જ તો મહાપાલિકાએ પાણી-કાપ મૂક્યો છેને?'

'સંસારમાં એવું જ છે. વરસાદ એટલે વરનો સાદ ધીમો હોય અને વહુ-સાદ એટલે વહુનો સાદ મોટો સંભળાય ત્યારે જ ખરી તકલીફ થાય છે.'

'લાભુ, ઘરમાં સતત વહુ-સાદ જ સંભળાતો હોય અને માથું ફરી જતું હોય ત્યારે શું કરવું જોઈએ?'

'આ સમસ્યા સંસારથી માંડીને સંસદ સુધી છે, ઘરમાં વહુનો સાદ અને સંસદમાં વિપક્ષનો સાદ જ સંભળાયા કરે છે.'

'લાભુ, આ સમસ્યાના ઉકેલ માટે જેમ પાણી-કાપ મૂકાય છે એમ વાણી-કાપ ન મૂકી શકાય?'

ફન કી બાત

હર કોઈ ચાંદથી

જ મહોબ્બત કરે

પછી સૂરજ બળીને

બેઠા થાય નહીં તો શું કરે?

**  **  **

ગર્મી કા આલમ

બસ ઈતના સમજ લો

કપડે ધોતે હી સુખ જાતે હૈ

ઔપ પહનતેે હી ગીલે હો જાતે હૈ

**  **  **

ત્રણથી બચવું  મુશ્કેલઃ

તાપ, સાપ અને પાપ.

**  **  **

બાપ એવાં બેટા

તાપ એવાં (ફૂટે) ટેટા.