- અગડમ્ બગડમ્-બાબા આદમ
- પાર્ટીમાંથી નેતાઓને એક-એક પુસ્તક વાંચીને આવવા ઓર્ડર છૂટયો
સંસદમાં હમણાં પુસ્તકો વાંચવા -નહીં વાંચવા બાબતે ધમાચકડી થઈ ગઈ તે પછી એક પાર્ટીને ખ્યાલ આવ્યો કે આપણા નેતાઓ પુસ્તકો વાંચી-બાંચી રાખ્યાં હોય તો કોઈક દિવસ સંસદમાં ધમાલ કરવા માટે કામ આવે ખરાં. પાર્ટીએ નેતાઓને હવે પછીની મીટિંગમાં એક-એક પુસ્તક વાંચીને આવવા જણાવ્યુું. સંસદમાં ધમાલ મચાવવા મસાલો મેળવવા રીડર બની ગયેલા આ તમામ લીડર બાદમાં ભેગા થયા:
નેતાજી ૧: મારા હાથમાં તો એક પ્રવાસ વર્ણન આવી ગયું. ચકલાપુર મ્યુનિસિપાલિટીના નેતાઓ હોનોલૂલૂનું ફલડ મેેનેજમેન્ટ અને રિયો ડી જાનેરોની ગટર વ્યવસ્થા સમજવા સરકારી ખર્ચે પ્રવાસે ગયા હતા એનું ઉત્તમ વર્ણન હતું.
નેતાજી ૨ : મારા હાથમાં તો એક સસ્પેન્સ થ્રિલર નોવેલ આવી ગઈ હતી. એમાં કાંઈક એવી વાર્તા હતી કે પ્રજાનો બહોળો વર્ગ એક પોલિટિકલ પાર્ટીથી નારાજ હતો છતાં પણ આ પાર્ટીને પાછલી તમામ ચૂંટણીઓ કરતાં વિક્રમસર્જક બેઠકો મળે છે. એવું ગજબ સસ્પેન્સ હતું કે પછી ક્લાઈમેક્સ વાંચવાની તો મારી હિંમત જ ન થઈ.
નેતાજી ૩ : મેં તો એક ઐતિહાસિક નવલકથા વાંચી કાઢી. વ્હોટસ એપ પર આવેલા ઈતિહાસના લેખોને ભેગા કરીને બનાવેલી મસ્ત નવલકથા હતી.
નેતાજી ૪: મારા ભાગે તો એક આત્મકથા આવી હતી. એક જણ પાસે સાયકલમાં ટાયરનું પંક્ચર કરાવવાના પૈસાના પણ ફાંફા હોય છે પણ પછી એ જિંદગીમાં ધીમે ધીમે આગળ વધીને કાર અને પછી પ્રાઈવેટ પ્લેનમાં ફરતો થઈ જાય છે. મને તો એ કથા બહુ પ્રેરણાદાયી લાગી.
નેતાજી ૫ : ભાઈઓ, મારા ભાગે તો એક ધાર્મિક પુસ્તક આવી ગયું હતું. એ વાંચ્યા પછી મને ખબર પડી કે કાંઈક પાપ જેવું પણ હોય છે દુનિયામાં. ખબર નહીં એ બધાં પાપ કોણ કરતું હશે.
નેતાજી ૬: લ્યા, મને તો 'એક્સપેન્ડિચર પ્લાનિંગ'ની આંકડાકીય બુક પકડાવી દેવાઈ હતી. મને લાગ્યું કે બહુ બોરિંગ હશે. પણ પછી અંદર વાંચ્યું તો કેવી રીતે સ્કૂૂલોના રંગરોગાનના બજેટમાંથી શિક્ષણ સચિવની કાર કેવી રીતે ખરીદવી અને સરકારી હોસ્પિટલમાં એક્સ રે મશીનોનું બજેટ આરોગ્ય અધિકારીના બંગલે એસી ખરીદવામાં કેવી રીતે વાપરવું એની બહુ બધી મસ્ત ટીપ્સ હતી.
નેતાજી ૭: બોસ, કોઈ માનશો નહીં, પરંતુ મેં તો અટપટું એન્જિનીયરિંગ એ નામનું ઈજનેરીનું જ એક પુસ્તક વાંચી નાખ્યું. એમાં એક એવી પાણીની ટાંકીની વાત હતી જે પાણી ભરતાંની સાથે જ તૂટી પડી. એક એવા બ્રિજની વાત હતી જે ઉદ્ધઘાટનનાંથોડાંક વર્ષોમાં જ જર્જરીત થતાં તોડી નાખવો પડયો. એક એવા બ્રિજની ડિઝાઈન સમજાવાઈ હતી જે બ્રિજ મૂળ ચાર લેનનો હોય છે પણ થોડેક આગળ જતાં બે લેનનો થઈ જાય છે. બીજો એક બ્રિજ તો એવો બતાવ્યો હતો કે જેના પર ૯૦ ડિગ્રીના એન્ગલ પર જ ટર્ન હોય છે, બોલો..
નેતાજી ૮ : અરે ભાઈઓ, મારા ભાગે તો હાસ્યકથાનું પુસ્તક આવી ગયું હતું. અંદર ખોલીને જોયું તો એમાં આપણા લોકોનાં જ ચૂંટણી ભાષણો હતાં! મને તો યાદ કરીને હજુય હસવું આવે છે...
...આ વાતે બધા નેતાઓએ હસતાં હસતાં એકબીજાને તાળી આપી.
આદમનું અડપલું
ભારતીય નેતાઓ દ્વારા ઓછામાં ઓછાં વંચાયેલાં બે પુસ્તકો: (૧) ભારતનું બંધારણ (૨) સત્યના પ્રયોગો


